બજારમાં ૫ દિવસની સર્વોચ્ચ સપાટીની દોડ પછી વિસામો

જેટ ઍવરેઝ ત્રણ વર્ષના તળિયે, ૭ મહિનામાં ઇન્વેસ્ટરોની ૭૦ ટકા મૂડી સાફ : વકરાંગી ઓપન ઑફરનો સેબીનો આદેશ માનશે કે પછી પડકારશે? : મૅટ્રિમોનીડૉટકૉમ પરિણામપૂર્વે લથડીને ઑલટાઇમ તળિયે

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

પાંચ દિવસની ઑલટાઇમ હાઈની હારમાળા બાદ શૅરબજાર ગઈ કાલે ૧૫૫ પૉઇન્ટના વિરામમાં ૩૭,૮૬૯ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટના ઘટાડે ૧૧,૪૨૯ બંધ રહ્યાં છે. સાધારણ પ્લસમાં ખુલ્યા બાદ માર્કેટ લગભગ આખો દિવસ માઇનસ ઝોનમાં હતું. SBIમાં પરિણામ પછીની દસેક મિનિટ ભારે કાતિલ અફરાતફરીની હતી. એના લીધે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીમાંય સારી એવી ઊથલપાથલ નોંધાઈ હતી. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૨ તો નિફ્ટીના ૫૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે આઇશર મોટર તો સેન્સેક્સમાં હીરો મોટોકૉર્પ ટૉપ ગેઇનર હતા. સામે નેટ લૉસની હૅટ-ટ્રિકમાં SBI બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. જેનાં પરિણામો ૧૪ ઑગસ્ટે આવવાનાં છે એ સનફાર્મા સળંગ બીજા દિવસની નરમાઈમાં ત્રણ ટકા ગગડી ૫૫૩ રૂપિયા બંધ હતો. સેન્સેક્સ અને ફ્રન્ટલાઇનના મુકાબલે રોકડું વધુ નરમ હોવાથી માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ બની છે. ડૉલર સામે કેટલાક દિવસથી સ્ટેબલ બનેલો રૂપિયો ગઈ કાલે એકાએક ગગડી ઇન્ટ્રા-ડેમાં ૬૯ના લેવલની પાર થઈ ગયો હતો. જુલાઈ મહિનામાં લક્ઝરી કાર જગુઆર લેન્ડ રોવરનું વેચાણ ઘટીને આવતાં તાતા મોટરમાં માનસ વધુ ખરડાયું છે. શૅર પોણાત્રણ ટકાથી વધુની ખરાબીમાં ૨૫૦ રૂપિયા બંધ હતો. હિન્દાલ્કોનો નેટ પ્રૉફિટ બજારની ધારણા કરતાં માંડ ત્રીસેક કરોડ રૂપિયા જ ઓછો આવ્યો છે, પણ શૅર સવાબે ટકા ઘટીને ૨૨૨ બંધ આવતાં માર્કેટકૅપમાંથી ૧૧૨૫ કરોડ રૂપિયા ઓછા થઈ ગયા છે.

ગોયલના અફસોસમાં જેટ ઍવરેઝ જમીન પર

જેટ ઍરવેઝની આર્થિક હાલત ડામાડોળ હોવાની ચર્ચા અને કંપની તરફથી કર્મચારીઓને ૨૫ ટકા સુધીનો વેતનકાપ સ્વીકારવા કરાયેલી અપીલના પગલે છેલ્લા કેટલાક સમયથી શૅરના ભાવ ગગડવા માંડ્યા છે. કંપનીનાચીફ મૅનેજિંગ ડિરેક્ટર નરેશ ગોયલ તરફથી રોકાણકારોની મૂડીમાં થયેલા ધોવાણ બદલ ભારે અફસોસ વ્યક્ત કરાયો છે. દરમ્યાન ઑડિટ કમિટીના વિરોધના કારણે કંપનીનાં જૂન ક્વૉર્ટરનાં પરિણામો પાછાં ઠેલવાની જાહેરાત થઈ છે. સરવાળે શૅર ગઈ કાલે ૨૬૨ની અંદર ત્રણ વર્ષના તળિયે જઈ અંતે ૮.૪ ટકા તૂટીને ૨૭૬ રૂપિયા બંધ રહ્યો છે. કામકાજ ત્રણ ગણું હતું. મહિનામાં લગભગ ૧૦૦ રૂપિયા ગગડી ચૂકેલો આ શૅર પાંચ જાન્યુઆરીએ ૮૮૪ રૂપિયા નજીકના શિખરે પહોંચ્યો હતો. સાતેક મહિનામાં રોકાણકારોની લગભગ ૭૦ ટકા મૂડી સાફ થઈ ગઈ છે. પિઅર ગ્રુપમાં સ્પાઇસજેટ ગઈ કાલે ઉપરમાં ૯૪ વટાવી અંતે સવા ટકા વધીને ૯૧ રૂપિયા તથા ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૧૦૮૫ થઈ પોણા ટકાના સુધારામાં ૧૦૬૭ રૂપિયા બંધ હતા.

SBIની સળંગ ત્રીજા ક્વૉર્ટરમાં નેટ લૉસ

દેશની લાર્જેસ્ટ બૅન્ક SBI દ્વારા જૂન ક્વૉર્ટરમાં અગાઉના ૨૦૦૫ કરોડના ચોખ્ખા નફા સામે આ વખતે ૪૮૭૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. આ સાથે સળંગ ત્રીજા ક્વૉર્ટરમાં SBI નેટ લૉસમાં રહી છે. બજારના પંડિતોની ધારણા આ વખતે આશરે બૅડ લોન પેટેની પ્રોવિઝનિંગ જોગવાઈ ૧૯,૨૨૮ કરોડ જોવાઈ છે જે માર્ચ ક્વૉર્ટરમાં ૨૮,૦૯૬ કરોડ રૂપિયા હતી. શૅર ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમમાં ૩૧૬ના આગલા બંધથી પરિણામ જાહેર થતાં પાંચ ટકા તૂટીને ૩૦૨ રૂપિયાની નીચે ઊતરી ગયો હતો અને ત્યાંથી શાર્પ ઉછાળામાં ૩૨૬ નજીક છ મહિનાની નવી ટૉપ બનાવી અંતે ૩.૮ ટકા ઘટીને ૩૦૪ રૂપિયા બંધ રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસના સુધારા બાદ બૅન્કેક્સ બે વાગ્યા સુધી માઇનસ ઝોનમાં રહ્યા બાદ અતિઝડપી ઉછાળામાં ઇન્ટ્રા-ડે બૉટમથી ૪૦૫ પૉઇન્ટનો જમ્પ મારી ગઈ કાલે ૩૨,૧૫૦ નજીક નવી વિક્રમી સપાટી બતાવી અંતે ૨૫૫ પૉઇન્ટ કે પોણો ટકો ઘટીને ૩૧,૭૪૮ બંધ હતો. એના ૧૦માંથી ૮ શૅર નરમ હતા. બૅન્ક નિફ્ટી પણ આજ પૅટર્નમાં ઇન્ટ્રા-ડે બૉટમથી ૨૪૪ પૉઇન્ટ ઊંચકાઈ ૨૮,૩૭૮ નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવ્યા બાદ ૧૯૬ પૉઇન્ટ કે ૦.૭ ટકાની નરમાઈમાં ૨૮,૧૨૪ હતો. એના બારમાંથી ત્રણ શૅર પ્લસ હતા. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરની નબળાઈમાં ૩.૮ ટકા ડુલ થયા છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ગઈ કાલે ૭ શૅર જ વધ્યા હતા.  AU બૅન્ક મલ્ટિપલ બ્લૉકડીલમાં સરેરાશ ૩૮,૦૦૦ શૅરની સામે ગઈ કાલે ૨૭૩ લાખ શૅરના જંગી કામકાજમાં ૭૧૧ થયા બાદ ૮ ટકાની તેજીમાં ૬૯૪ રૂપિયા જોવાયો છે. બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, દેના બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, બંધન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સિન્ડિકેટ બૅન્ક, કર્ણાટક બૅન્ક, OBC, અલાહાબાદ બૅન્ક જેવા ડઝનથી વધુ બૅન્ક- શૅર અઢી ટકાથી લઈ સવાપાંચ ટકા ડાઉન હતા. ICICI બૅન્ક ૩૪૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકાની નરમાઈમાં ૩૨૮ રૂપિયા રહ્યો છે.

વકરાંગીમાં સેબીનો ઓપન ઑફરનો આદેશ

જેના પ્રમોટર્સની છાપ વર્ષોથી ભારે તોફાની છે એવી વકરાંગી સેબીના સપાટે ચડી છે. ૨૦૧૩ અને ૨૦૧૪ દરમ્યાન પ્રમોટર્સની હોલ્ડિંગ કંપની વકરાંગી હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા સોદાની તપાસના અંતે સેબીએ શોધી કાઢ્યું છે કે એક તબક્કે એનું હોલ્ડિંગ ૨૫.૫૦ ટકા થઈ ગયું છે. નિયમ મુજબ ૨૫ ટકા હોલ્ડિંગ થાય તો ઓપન ઑફર ફરજિયાત છે. આ મામલે માર્ચ ૨૦૧૭માં કંપનીને શો-કોઝ અપાઈ હતી. હવે સેબીએ ૪૫ દિવસમાં ઓપન ઑફર કરવા આદેશ આપ્યો છે જેમાં ઇન્ડિકેટિવ ઓપન ઑફર પ્રાઇસ શૅરદીઠ ૧૭૪ રૂપિયા જેવી આવે છે. એ ઉપરાંત ૧૦ ટકા વ્યાજ ઉમેરીએ તો ૨૬૧ રૂપિયા થવા જાય છે. સામે શૅર ગુરુવારે ૬૫ રૂપિયાની અંદર બંધ હતો. કંપની સેબીના આદેશ મુજબ ઓપન ઑફર કરે છે કે પછી સેટમાં અપીલમાં જાય છે એ જોવું રહ્યું. દરમ્યાન શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં ઉપરમાં ૬૮ નજીક અને નીચામાં ૫૯ની નીચે જઈ છેલ્લે ૩.૩ ટકાની નરમાઈમાં ૬૨ રૂપિયા બંધ હતો. કંપનીનાં જૂન ક્વૉર્ટરનાં પરિણામો માટે બોર્ડમીટિંગ ગઈ કાલે બજાર બંધ થયા પછી મળવાની હતી. ૨૪ જાન્યુઆરીએ ૫૧૫ની વિક્રમી સપાટીએ ગયેલો આ શૅર ૭ જૂને ૩૧ રૂપિયાની નીચેના તળિયે જોવાયો હતો.

૬૩ મૂન્સમાં વૉલ્યુમ સાથે મોટો જમ્પ

અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ દ્વારા જૂન ક્વૉર્ટરમાં આવકમાં ૫૭.૭ ટકાના ઘટાડા છતાં ૨૨.૮ ટકાના વધારામાં ૩૪૯૭ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ગઈ કાલે ૨૧ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૯ વટાવી છેલ્લે ૧૩.૯ ટકાના જમ્પમાં ૮૫ રૂપિયા બંધ આવ્યો છે. અગ્રણી ટાયર કંપની MRF દ્વારા અગાઉના ૧૦૬ કરોડ સામે આ વખતે જૂન ક્વૉર્ટરમાં બમણાથી વધુ, ૨૬૧ કરોડ રૂપિયા નજીકનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે, પરંતુ એ એકંદર અપેક્ષા મુજબનો ન હોવાથી શૅર ત્રણ ગણા કામકાજમાં ૭૬,૧૪૨ની ઇન્ટ્રા-ડે હાઈથી ૭૪,૨૩૨ થઈ અંતે બે ટકા કે ૧૪૯૭ રૂપિયા ઘટી ૭૪,૩૪૬ રૂપિયા બંધ હતો. તાતા ગ્રુપની વૉલ્ટાસે જૂન ક્વૉર્ટરમાં ૧૮૮ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સાથે ફ્લૅટ દેખાવ કર્યો છે. શૅર જોકે સાતેક ગણા વૉલ્યુમમાં ૬૨૭ની ત્રણ મહિનાની ટૉપ બનાવી અંતે પાંચેક ટકા વધીને ૬૨૩ રૂપિયા બંધ આવ્યો છે. આઇશર મોટર્સે ૨૫ ટકાના વૃદ્ધિદરમાં ધારણાથી સારો ૫૭૬ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ પોણાપાંચ ગણા કામકાજમાં ૨૯,૧૭૮ નજીક જઈ અંતે પાંચ ટકા કે ૧૩૬૬ વધીને ૨૮,૮૫૦ રૂપિયા બંધ હતો. ગયા સપ્ટેમ્બરમાં શૅરદીઠ ૯૮૫ રૂપિયાના ભાવે IPO કરીને બજારમાંથી ૫૦૧ કરોડ લઈ જનાર મૅટ્રિમોનીડૉટકૉમનાં પરિણામો બજાર બંધ થયાં પછી આવવાનાં હતાં, પરંતુ કોઈક અકળ કારણસર શૅર રોજના ૮૬ શૅરની સામે BSE ખાતે ૫૧,૦૦૦ શૅરના વૉલ્યુમમાં ૫૯૫ની ઑલટાઇમ બૉટમ બનાવી સોળ ટકાની ખુવારીમાં ૬૧૮ રૂપિયાની અંદર બંધ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK