ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક બાદ શૅરબજાર નહીંવત ઘટાડે બંધ

TCS ત્રણ વર્ષની ઊંચી સપાટીએ, ઇન્ફી વર્ષની ટોચે : સિંગલ બ્રૅન્ડ રીટેલમાં FDI રીટેલ શૅરોને ફળ્યું : PSU બૅન્ક ઇન્ડેક્સ બારેબાર શૅરની નરમાઈમાં દોઢેક ટકા ડાઉનશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

એશિયન બજારોની સાધારણ નરમાઈ વચ્ચે યુરોપનાં બજારો નેગેટિવ ઓપનિંગ બાદ એકાદ ટકા સુધીના ઘટાડામાં સરી પડતાં ઘરઆંગણે શૅરબજાર સળંગ ત્રણ દિવસની ઑલટાઇમ હાઈ બાદ નહીંવત ઘટાડે બંધ રહ્યું છે. જોકે સેન્સેક્સ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૩૪,૫૬૫ પ્લસના નવા બેસ્ટ લેવલે ગયો હતો, પણ નિફ્ટી ૧૦,૬૫૯ની ઑલટાઇમ હાઈ સામે ઉપરમાં ૧૦,૬૫૫ બતાવી પાછો પડ્યો હતો. સેન્સેક્સ ૩૧માંથી ૨૨ શૅરના ઘટાડામાં ગઈ કાલે ૧૦ પૉઇન્ટ ઘટીને ૩૪,૪૩૩ તથા નિફ્ટી ૫૦માંથી ૩૩ શૅરની નરમાઈમાં પાંચેક પૉઇન્ટ ઘટીને ૧૦,૬૩૨ બંધ રહ્યો છે. TCS ડિસેમ્બર ક્વૉર્ટરના પરિણામની પૂર્વસંધ્યાએ સાડાત્રણ ટકાથી વધુના ઉછાળે ૨૮૦૭ રૂપિયાનો બંધ આપતાં પહેલાં ૨૮૧૬ રૂપિયાની ત્રણ વર્ષની ટોચે ગયો હતો. જેના પરિણામ શુક્રવારે છે એ ઇન્ફોસિસ એક ટકો વધીને ૧૦૫૧ રૂપિયા બંધ હતો. આ બે શૅરની મજબૂતી બજારને ૭૧ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. IT ઇન્ડેક્સ ૫૯માંથી ૩૦ શૅરના સુધારામાં સર્વાધિક પોણાબે ટકાથી વધુ ઊંચકાયો હતો અને વર્ષની નવી ટોચે ગયો હતો. બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી આમ તો સામાન્ય ઘટાડામાં હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની નબળાઈમાં ૧.૪ ટકા કટ થયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી માત્ર છ સ્ક્રિપ્સ પ્લસ હતી. ધનલક્ષ્મી બૅન્ક અઢી ટકાની મજબૂતીમાં ૩૧ રૂપિયા ઉપર બંધ આપી અત્રે મોખરે હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા, સિન્ડિકેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, PNB, સાઉથ ઇન્ડિયન બૅન્ક, DCB, OBC, યુનિયન બૅન્ક, ફેડરલ બૅન્ક, IDBI બૅન્ક, RBL બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સહિત ૧૫ જેટલાં કાઉન્ટર અહીં દોઢથી ત્રણ ટકા ખરડાયાં હતાં. BSE ખાતો બુધવારે ૩૨૫ શૅર ઉપલી સર્કિટમાં બંધ હતા. ૧૬૦ જાતોમાં મંદીની સર્કિટ લાગી હતી.

રીટેલ શૅરમાં ૧૦૦ ટકા FDIનો કરન્ટ

કેન્દ્રીય કૅબિનેટ દ્વારા સિંગલ બ્રૅન્ડ રીટેલ ટ્રેડિંગ બિઝનેસમાં ઑટોમેટિક રૂટ મારફત ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજૂરી આપવાનો નિર્ણય લેવાતાં ગઈ કાલે રીટેલ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી જોવાઈ છે. ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ ઉપરમાં ૫૦ રૂપિયા વટાવી છેલ્લે પાંચ ટકાના ઉછાળે ૪૯ રૂપિયા પ્લસ તો કૅન્ટાબિલ રીટેલ ૧૩૦ રૂપિયાની નવી ઊંચી સપાટી બનાવી અંતો પાંચ ટકાની નજીકના જમ્પમાં ૧૨૬ રૂપિયા બંધ હતો. ટ્રેન્ટ, વી-માર્ટ રીટેલ, વી-રીટેલ, શૉપર્સ સ્ટૉપ, ઍવન્યુ સુપરમાર્ટ સવાથી પોણાત્રણ ટકા અપ હતા. મોન્ટે કાર્લો ફૅશન્સ નવ ગણા વૉલ્યુમમાં ૬૬૪ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને ચારેક ટકાની મજબૂતીમાં ૬૨૬ રૂપિયા આસપાસ રહ્યો હતો. ઇન્ડિયન ટેરીન ફૅશન્સ ચાર ગણા વૉલ્યુમમાં છ ટકાની તોજીમાં ૨૩૩ રૂપિયા, ફ્યુચર કન્ઝ્યુમર સવાબે ટકા વધીને ૭૫ રૂપિયા, ઝોડિયાક ક્લોધિંગ્સ પોણાબે ટકા વધીને ૨૩૭ રૂપિયા તથા ફ્યુચર માર્કેટ નેટવર્ક ચાર ટકાની મજબૂતીમાં ૧૪૭ રૂપિયા નજીક બંધ હતા. સરકારે આ ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રોકિંગ સર્વિસિસ બિઝનેસમાં પણ ૧૦૦ ટકા સુધીના સીધા વિદેશી રોકાણને ઑટોમેટિક રૂટ મારફત મંજૂરી આપી છે.

પરિણામની પૂર્વસંધ્યાએ TCS ત્રણ વર્ષની ટોચે

ડિસેમ્બર ક્વૉર્ટરના પરિણામની પૂર્વસંધ્યાએ તાતા ગ્રુપની ફ્લેગશિપ કંપની TCSનો શૅર આજે આરંભથી અંત સુધી અકબંધ તોજીની ચાલમાં ચારેક ટકાના ઉછાળે ૨૮૧૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો જે શૅરના ભાવની ત્રણ વર્ષની ઊંચી સપાટી છે. છેલ્લે ચાર માર્ચ, ૨૦૧૫માં આ ભાવ જોવા મળ્યો હતો. ભારે કામકાજ સાથે TCSનો શૅર ૩.૬ ટકાની મજબૂતીમાં ૨૮૦૭ રૂપિયાના મથાળે બંધ થયો હતો. BSE ખાતો રોજના સરેરાશ ૩૫,૦૦૦ શૅર સામે આજે ૯૮,૦૦૦ શૅરના કામકાજ થયા હતા. કંપનીનો શૅર ૭ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ ઇન્ટ્રા-ડે ૨૮૩૪ રૂપિયાના ઑલટાઇમ હાઈ લેવલે ક્વોટ થયો હતો. કૅલેન્ડર વર્ષ ૨૦૧૭માં TCSના શૅરમાં ૧૮ ટકાનું રિટર્ન મળ્યું છે.

તાતા ગ્રુપના શૅરમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં તાતા મોટર્સ ૧ ટકો, તાતા મોટર્સ DVR ૧.૩ ટકા, તાતા કમ્યુનિકેશન્સ દોઢ ટકો, તાતા પાવર, તાતા સ્ટીલ, તાતા ટેલિસર્વિસિસ (મહારાટ્ર), તાતા કેમિકલ્સ, તાતા કૉફી, તાતા ગ્લોબલ બેવરેજિસના શૅર વત્તા-ઓછા પ્રમાણમાં ઘટ્યા હતા. તો બીજા સુધારે બંધ રહેનાર સ્ટૉકમાં તાતા સ્પોન્જ આયર્ન ૧૨ ટકા, ટાયો રૉલ્સ ૧૦ ટકા, તાતા ઍલેક્સી ૩.૮ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ૪.૭ ટકા અને તાતા મેટાલિક્સનો શૅર ૧૦.૬ ટકા વધ્યો હતો.

ઑઇલ એક્સ્પ્લોરેશન કંપનીના શૅર ઊછળ્યા

બજારમાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ સામે ઑઇલ એક્સ્પ્લોરેશન, ઇક્વિપમેન્ટ અને સર્વિસ કંપનીઓના શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. અબાન ઑફશૉર કંપનીનો શૅર ૨૫૬ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતો ૧૪.૮ ટકાની તોજીમાં ૨૫૦ રૂપિયાની ઉપર બંધ રહ્યો હતો. BSE ખાતો રોજના સરેરાશ ૪.૯૭ લાખ શૅર સામે આજે ૪૧.૭૧ લાખ શૅરના કામકાજ થયા હતા. ૧૧ ઑગસ્ટે આ શૅરમાં ૧૬૧ રૂપિયાની વર્ષની બૉટમ બની હતી તો ૨૫૯ રૂપિયાનો વર્ષનો ઊંચો ભાવ ૨૦ જાન્યુઆરીએ જોવા મળ્યો હતો. ક્રૂડ ઑઇલના ભાવ વધતાં આવી ઑઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓની કામગીરી વધતાં તોમની નફાશક્તિ પર સાનુકૂળ અસર જોવા મળશે. એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન સેક્ટરના ૧૦માંથી ૭ શૅર વધ્યા હતા જેમાં ટૉપ ગેઇનર અબાન ઑફશૉર ઉપરાંત જિન્દલ ડ્રિલિંગ ૫.૫ ટકા, ઇન્ટરલિન્ક પેટ્રોલિયમ પાંચ ટકા, સેલન એક્સ્પ્લોરેશન ટેક્નૉલૉજી ૩.૩ ટકા, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૩.૩ ટકા અને ઑઇલ ઇન્ડિયા લિમિટેડનો શૅર ૧.૭ ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ગુજરાત નૅચરલ રિસોર્સ બે ટકા અને નાગાજુર્ન ઑઇલ રિફાઇનરીના શૅર ૧.૯ ટકા ઘટ્યા હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નજીવો ઘટી ૧૬,૨૯૮ના સ્તરે બંધ હતો. HPCL ૧.૭ ટકા, ઑઇલ ઇન્ડિયા ૧.૭ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, ONGC અને રિલાયન્સ સાધારણ વધ્યા હતા. તો બીજી બાજુ BPCL, કૅસ્ટ્રોલ, ગેઇલ, પેટ્રોનેટ અને IOCના શૅરમાં સાધારણથી એક ટકાની નરમાઈ હતી.

IT, ટેક અને રિયલ્ટી ઇન્ડેક્સ વધ્યા

નરમાઈતરફી ટ્રેડિંગ સેશનમાં IT, ટેક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં લગભગ બે ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી હતી. ૫૯માંથી ૩૦ શૅર સુધારે બંધ રહેતાં IT ઇન્ડેક્સ ૧.૯ ટકા વધીને ૧૧,૫૯૯ બંધ હતો. લાયકોક્સ ૧૦.૩ ટકા, ઇન્ફિનિટ કમ્પ્યુટર ૧૦.૧ ટકા, ત્રિજ્ઞાન ટેક્નૉલૉજી ૬.૪ ટકા, નિટટેક સવાચાર ટકા, ડિલિન્ક ૪ ટકા, તાતા ઍલેક્સી ૩.૮ ટકા, મૅજિસ્કો ૩ ટકા, વિપ્રો ૨.૭ ટકા, ઝેનટેક બે ટકા, HCL ટેક્નૉ., ટેક મહિન્દ્રા જેવા શૅર પોણાબે ટકા સુધી વધ્યા હતા. દોઢ ટકાની મજબૂતીમાં ટેક ઇન્ડેક્સ ૬૫૨૫ બંધ હતો. ૧૦માંથી ૬ શૅર ઘટાડે બંધ રહેવા છતાં પણ રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ સવા ટકાની મજબૂતીમાં ૨૭૪૯ બંધ હતો. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી પાંચ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૪ ટકા, ગોદરેજ કૉર્પ ૪ ટકા, HDIL અડધા ટકો વધ્યો હતો. તો બીજી બાજુ યુનિટેક ૨.૬ ટકા, ઓમેક્સ બે ટકા, ફિનિક્સ મિલ્સ ૧.૯ ટકા, પ્રેસ્ટિજ, DLF અને શોભા ડેવલપમેન્ટ નામ માત્ર ડાઉન હતા.

BSE અને NSE આજે લૉન્ચ કરશે IRF કૉન્ટ્રૅક્ટ્સ

દેશનાં બે અગ્રણી સ્ટૉક એક્સચેન્જ BSE અને NSE આજે ઇન્ટરેસ્ટ રેટ ફ્યુચર્સ (IRF) કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કરશે. દસ વર્ષની મુદતના આ સરકારી બૉન્ડ્સ પર ૭.૧૭ ટકાનું વળતર આપવામાં આવશે, જે  ૨૦૨૮ની આઠ જાન્યુઆરીએ પાકશે. આ કૉન્ટ્રૅક્ટ વેચનાર અને ખરીદનાર વચ્ચેની સરકારી બૉન્ડ્સ જેવી ઇન્ટરેસ્ટ ધરાવતી સિક્યૉરિટી ભાવિ તારીખે ડિલિવર કરવાની સંમતિ છે. આ સિવાય વ્યાજદરમાં થતા ફેરફારને કારણે આવતાં જોખમો સામે આ કૉન્ટ્રૅક્ટ હેજિંગનો વિકલ્પ આપશે. આ વ્યાજદર RBIની પૉલિસી, લિક્વિડિટી અને વિદેશી ભંડોળ પ્રવાહ જેવાં પરિબળો પર આધાર રાખે છે. આ કૉન્ટ્રૅક્ટમાં બૅન્ક, પ્રાઇમરી ડીલર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, ઇન્શ્યૉરન્સ કંપની, FII, કૉર્પોરેટ્સ અને બ્રોકરો જેવા રોકાણકારો ભાગ લઈ શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK