નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૦,૦૦૦ બતાવી છેલ્લે પાંચ આંકડાની અંદર બંધ

માથે દિવાળી વચ્ચે સરકારી રાહતથી જ્વેલરી શૅરમાં ઝમક : અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ડીમર્જરના સારા સમાચારને જનઆક્રોશ નડ્યો : ગુજરાત આલ્કલીઝમાં સપ્તાહમાં પોણાબસો રૂપિયાની તેજીશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


વિશ્વબજારમાં ગઈ કાલની મહત્વની ઘટના ટર્કી હતું. અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધમાં તનાવના અહેવાલના પગલે ટર્કીની કરન્સી લીરા પાંખા વૉલ્યુમમાં એશિયન ટ્રેડિંગ દરમ્યાન સવાછ ટકા તૂટી ડૉલરદીઠ ૩.૮૫૩ લીરાના તળિયે બોલાયો હતો. ત્યાંના શૅરબજારનો મેઇન બેન્ચમાર્ક બુર્સ ઇસ્તનબુલ-૧૦૦ ખૂલતાની સાથે જ ૪૯૨૭ પૉઇન્ટના કડાકામાં એક લાખ પૉઇન્ટની અંદર ૯૯,૨૧૦ થઈ ગયો હતો. જોકે છેલ્લે રનિંગ ક્વોટમાં ડૉલર સામે લીરા સવાત્રણ ટકા તો બુર્સ ઇસ્તનબુલ ૩.૭ ટકા કે ૩૭૯૮ પૉઇન્ટ નીચે દેખાતા હતા. ટર્કીના આંચકાની અસરમાં યુરોપિયન શૅરબજાર નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ જણાતાં હતાં. એશિયન બજારોમાં વલણ સુધારાતરફી હતું. જૅપનીઝ નિક્કી ૨૦,૭૨૧ની ૨૪ મહિનાની ટોચે જઈ સાધારણ વધીને ૨૦,૬૯૦ તો ચાઇનીઝ માર્કેટ ૩૪૧૦ની ૨૧ મહિનાની ઊંચી સપાટી બાદ પોણો ટકો વધી ૩૩૭૪ બંધ હતાં. હાજર અને વાયદામાં વૈશ્વિક સોનું અડધાથી પોણો ટકો મજબૂત થયું છે. ક્રિપ્ટોકરન્સી બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૫૫૪ ડૉલરની બૉટમથી ઉપરમાં ૪૬૪૬ ડૉલર વટાવી રનિંગ ક્વોટમાં ૪૫૮૧ ડૉલર મુકાતું હતું. દરમ્યાન ઘરઆંગણે ઊંટના ઢેકા જેવી ચાલમાં દિવસ દરમ્યાન દોઢસો પૉઇન્ટ ઉપર-નીચે થઈ છેવટે ૩૩ પૉઇન્ટ વધીને ૩૧,૮૪૭ બંધ રહ્યું છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ફરીથી પાંચ આંકડે ૧૦,૦૧૬ નજીક જઈ છેલ્લે નજીવા સુધારામાં નવ પૉઇન્ટ વધીને ૯૯૮૯ રહ્યો છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ સળંગ સાતમા દિવસની આગેકૂચમાં વધીને ૧૬,૭૩૭ બંધ હતો. આ આંક હાલમાં ૭૮ પ્લસના પી/ઇ ઉપર ચાલે છે. ગુજરાત આલ્કલીઝ તેજીની ચાલ જાળવી રાખતાં ૭૨૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે ૧૪.૫ ટકાની મજબૂતીમાં ૬૯૮ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બંધ આવ્યો છે. સપ્તાહના આરંભે ભાવ નીચામાં ૫૫૦ રૂપિયા હતો. સાંવરિયા ઍગ્રો, ટીવીએસ ઇલેક્ટ્રો, જીસી વેન્ચર્સ, પેનેસીઆ જેવી આઇટમ ૨૦ ટકાના ઉછાળે બંધ હતી. માર્કેટ-બ્રેડ્થ હકારાત્મક રહી છે. રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક સવાબે ટકા જેવો પ્લસ હતો. શોભા લિમિટેડમાં વિદેશી બ્રોકરેજ હાઉસના બુલિશ-વ્યુ પાછળ રોજના ૫૮૪૩ શૅર સામે ગઈ કાલે BSE ખાતે પોણાચાર લાખ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૬૯ રૂપિયાના નવા શિખર બાદ ૧૬.૮ ટકાના ઉછાળે ૪૫૭ રૂપિયા બંધ આવ્યો છે.

જ્વેલરી શૅરમાં ઝમક આવી


૫૦,૦૦૦થી વધુ રૂપિયાની જ્વેલરીની ખરીદીના કેસમાં પૅન તથા આધાર કાર્ડની ફરજિયાત જોગવાઈ સરકારે રદ કરતાં જ્વેલરી શૅર ગઈ કાલે ફૅન્સીમાં હતા. આમેય દિવાળીના તહેવાર માથે છે. ઉક્ત પગલાના કારણે ઝવેરી બજારની દિવાળી સારી જવાની આશા જાગી છે. સોમવારે TBZ ત્રણ ગણા કામકાજમાં ૧૩૧ રૂપિયા નજીક ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે છ ટકા વધીને ૧૨૮ રૂપિયા બંધ હતો. થંગમયિલ જ્વેલરી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૪૧૯ રૂપિયાની વિક્રમી સપાટી બાદ ત્યાં જ બંધ હતો. ૨૭ ડિસેમ્બરે આ કાઉન્ટર ૧૫૮ રૂપિયાના તળિયે હતું.ï ભ્ઘ્ જ્વેલર્સ ૩૯૯ રૂપિયા નજીક જઈ અંતે દોઢ ટકા વધીને ૩૭૯ રૂપિયા, રેનેસા જ્વેલરી ૧૮૩ રૂપિયા નજીક ગયા બાદ ૧.૯ ટકા વધીને ૧૭૭ રૂપિયા, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૨.૮ ટકા વધીને ૮૦ રૂપિયા, લિપ્સા જેમ્સ પોણાબે ટકાની મજબૂતીમાં ૪૪ રૂપિયા તથા વૈભવ ગ્લોબલ સાધારણ વધી ૫૪૯ રૂપિયા બંધ હતા. ટાઇટન ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૬૨૯ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકા વધીને ૬૧૮ રૂપિયા હતો. બાય ધ વે, ગોલ્ડ જ્વેલરીની ખરીદી સંબંધે નિયમ હળવા બનાવનારી સરકારના મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે અમે મની લૉન્ડરિંગ અને કાળાં નાણાંને ડામવાની ઝુંબેશના ભાગરૂપ ગોલ્ડ જ્વેલરીની ખરીદી વિશે નવા નિયમ ટૂંકમાં લાવીશું. જોકે બજારે હાલમાં આ વાતની નોંધ લેવાનું ટાળ્યું હોય એમ લાગે છે.

સ્પાર્ક તગડા વૉલ્યુમ સાથે ૧૫ ટકા તૂટ્યો


સન ફાર્માની સબસિડિયરી સન ફાર્મા ઍડ્વાન્સ્ડ રિસર્ચ (સ્પાર્ક) દ્વારા મલ્ટિપલ સ્ક્લરોસીસના ઇલાજ માટે નવતર ફૉમ્યુર્લેિશન્સ બૅકલોફેન GRS પરીક્ષણના ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયાના અહેવાલના પગલે શૅર ગઈ કાલે ૧૪ ગણા કામકાજમાં ૩૮૯ રૂપિયા પ્લસના આગલા બંધ સામે એક તબક્કે ૧૫ ટકાના કડાકામાં ૩૩૨ રૂપિયા થઈ છેલ્લે ૫.૮ ટકાની ખરાબીમાં ૩૬૬ રૂપિયા બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ માંડ સાડાછ રૂપિયા છે. પેરન્ટ કંપની સન ફાર્મા પણ ૫૩૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૫૨૨ રૂપિયા થઈ છેલ્લે નજીવો ઘટી ૫૩૦ રૂપિયા હતો. ફાર્મા સેગમેન્ટમાં પેનેસીઆ બાયોટેક પાંચ ગણા કામકાજમાં ૨૪૩ રૂપિયા થયા બાદ છેલ્લે ૨૦ ટકાની તેજીમાં ૨૪૩ રૂપિયા હતો. ન્યુલૅન્ડ લૅબ, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, શિલ્પા મેડિકૅર, પિરામલ હેલ્થકૅર, વિવિમેડ લૅબ, ઇન્ડોકો રેમેડિઝ, ઇપ્કા લૅબ, સ્ટ્રાઇડ સાશૂન, સમ્રાટ ફાર્મા, વિનસ રેમેડિઝ જેવી જાતો બેથી આઠ ટકા ઊંચકાઈ હતી. સન ફાર્મા સિવાયની અન્ય ફ્રન્ટલાઇન ફાર્મા ãસ્ક્રપ્સમાં ડિવીઝ લૅબ ૧.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા, સિપ્લા નજીવા પ્લસ હતા. સમગ્ર ફાર્મા સેક્ટરના ૭૩ શૅર વધ્યા હતા. સામે ૫૯ જાતો નરમ હતી. હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૨૭ શૅરના સુધારા વચ્ચે પાંચેક પૉઇન્ટ પ્લસ હતો. 

અદાણી એન્ટરપ્રાઇઝિસમાં માયૂસી

અદાણી એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે પોણાબે ગણા કામકાજમાં ઇન્ટ્રા-ડેમાં પોણાપાંચ ટકાથી વધુની ખરાબીમાં ૧૧૭ રૂપિયાના તળિયે જઈ છેલ્લે ૩.૩ ટકા ઘટીને ૧૧૯ રૂપિયા બંધ હતો. ઑસ્ટ્રેલિયા ખાતે મહત્વાકાંક્ષી કારમાઇકલ કોલ પ્રોજેક્ટ સામે વ્યાપક બનતા જનઆક્રોશની અસરમાં કંપનીના ડીમર્જરના સારા અહેવાલ પણ બે-અસર પુરવાર થયા છે. કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે એ એના રિન્યુએબલ એનર્જી બિઝનેસને ડીમર્જર કરી અદાણી ગ્રીન એનર્જીમાં ટ્રાન્સફર કરશે અને આ કંપનીનું બજારમાં લિસ્ટિંગ કરાવશે. અદાણી એન્ટરપ્રાઇઝિસ હાલમાં ૨૧૪૮ મેગાવૉટનો રિન્યુએબલ એનર્જી બિઝનેસ ધરાવે છે. ડીમર્જરની સમગ્ર ક્વાયત ૨૦૧૮ના માર્ચ સુધીમાં પૂરી કરવામાં આવશે. મર્જરની સ્કિમ હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝિસના શૅરધારકોને એક રૂપિયાનો એક એવા પ્રત્યેક ૧૦૦૦ શૅર સામે અદાણી ગ્રીન એનર્જીનો ૧૦ રૂપિયાનો એક એવા ૭૬૧ શૅર ઇશ્યુ કરાશે. ૨૦૧૬-’૧૭ દરમ્યાન અદાણી એન્ટરપ્રાઇઝિસના કુલ ટર્નઓવરમાં રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પ્રદાન સાડાનવ ટકા કે ૮૧૬ કરોડ રૂપિયા જેવું હતું. કુલ ૨૧૪૮ મેગાવૉટની રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ૧૯૮૮ મેગાવૉટ સોલર પાવર સેગમેન્ટમાં આવે છે. ગ્રુપના અન્ય શૅરમાં ગઈ કાલે અદાણી પાવર અઢી ટકા ઘટીને ૩૦ રૂપિયા, અદાણી ટ્રાન્સમીશન સાડાત્રણ ટકા વધીને ૧૭૬ રૂપિયા તથા અદાણી ર્પોટ્સ સવા ટકા જેવો વધી ૩૯૩ રૂપિયા બંધ હતા.

OBC બૅન્ક ડાઉન

જૂન ક્વૉર્ટરના અંતે OBCની નેટ NPA ૮.૧ ટકાથી વધીને ૯.૬ ટકા નજીક પહોંચી જતાં રિઝર્વ બૅન્ક દ્વારા કરેક્ટિવ ઍક્શન પ્લાન લાગુ કરાયો છે. એને લીધે બૅન્ક પર નવી બ્રાન્ચ ખોલવામાં, નવી ભરતી કરવામાં તથા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ન હોય એવી કંપનીઓને ધિરાણ આપવામાં નિયત અંકુશનો સામનો કરવો પડશે. આ અગાઉ રિઝર્વ બૅન્ક તરફથી દેના બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, IDBI બૅન્ક, ઇન્ડિયન ઓવરસિઝ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર તથા યુકો બૅન્કને કરેક્ટિવ ઍક્શન પ્લાન હેઠળ મૂકવામાં આવી ચૂકી છે. OBC બૅન્કનો શૅર ગઈ કાલે નીચામાં ૧૧૮ રૂપિયા પ્લસ થઈ છેલ્લે ત્રણેક ટકા ઘટીને ૧૨૦ રૂપિયા બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૬૬ રૂપિયા છે. ગયા વર્ષે બૅન્કની ગ્રોસ NPA ૧૪,૭૦૨ કરોડ રૂપિયાથી વધીને ૨૨,૫૮૯ કરોડ રૂપિયા તથા નેટ NPA ૯૯૩૨ કરોડ રૂપિયાથી વધીને ૧૪,૧૧૮ કરોડ રૂપિયા પહોંચતાં બૅન્કે  ૧૫૬ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સામે ગયા વર્ષે ૧૦૯૪ કરોડ રૂપિયાની જંગી ચોખ્ખી ખોટ કરી છે. બાય ધ વે, ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૧૫ શૅર પ્લસ હતા. સેન્ટ્રલ બૅન્ક ૮ ટકાના ઉછાળે એમાં મોખરે હતી.

BSEના પરિસરમાં અત્યાધુનિક સાઇબર સિક્યૉરિટી ઑપરેશન્સ સેન્ટર શરૂ થયું


બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના પરિસરમાં ગઈ કાલે અત્યાધુનિક સાઇબર સિક્યૉરિટી ઑપરેશન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એમાં સાઇબર સુરક્ષા માટે ૨૦ અલગ-અલગ ઉપાયો કરવામાં આવ્યા છે. એની મદદથી સાઇબર-જોખમોને શોધીને હલ કાઢવામાં આવશે તથા એને નિવારવામાં આવશે. આ સુવિધા દ્વારા બાહ્ય અને આંતરિક જોખમોને પણ નિવારવામાં આવશે એમ BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ આશિષકુમાર ચૌહાણે કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK