દસ દિવસમાં એક વધુ હજારી જમ્પ સાથે સેન્સેક્સ ૩૮,૦૦૦ની પાર

ICICI બૅન્ક છ મહિનાની ટોચે, SBI પરિણામની પૂર્વસંધ્યાએ મજબૂત : પેજ ઇન્ડસ્ટ્રીઝ નીચા મથાળેથી ૩૦૦૦ રૂપિયાની તેજીમાં નવા શિખરે : તગડા ટર્નઅરાઉન્ડમાં TTK હેલ્થકૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ પાંચમા દિવસે ઑલટાઇમ હાઈની નવી ઇનિંગ આગળ વધારતાં સેન્સેક્સ ગઈ કાલે ૩૮,૦૭૬ થઈ ૧૩૭ પૉઇન્ટની આગેકૂચમાં ૩૮,૦૨૪ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ૩૭થી ૩૮નો હજારી પડાવ પૂરો કરવામાં બજારે ૧૦ દિવસ લીધા છે. નિફ્ટી ૧૧,૪૯૫ના નવા બેસ્ટ લેવલ બાદ ૨૧ પૉઇન્ટ વધીને ૧૧,૪૭૧ નજીક ગયો છે. ટકાવારીની રીતે ગઈ કાલે સેન્સેક્સ કરતાં નિફ્ટીનો સુધારો અડધો રહ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી બાવીસ શૅર પ્લસ હતા. ICICI બૅન્ક અને ઍક્સિસ બૅન્ક બન્ને ખાતે ટૉપ ગેઇનર બન્યા હતા, જ્યારે પોણાપાંચેક ટકાની ખરાબીમાં ભારતી ઍરટેલ ટૉપ લૂઝર હતો. બજારના ૧૩૭ પૉઇન્ટ જેવા સુધારામાં ICICI બૅન્કનો ફાળો ૯૬ પૉઇન્ટ હતો. ઍક્સિસ બૅન્ક ૩.૯ ટકા અને સ્ટેટ બૅન્ક અઢી ટકા વધીને બંધ રહેતાં એમાં બીજા ૭૨ પૉઇન્ટ ઉમેરાયા હતા. મતલબ કે ગઈ કાલની મજબૂતી કેવળ ત્રણ બૅન્ક શેરનું પરિણામ હતી. માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી યથાવત છે. IT ઇન્ડેક્સ ૫૯માંથી ૩૫ શૅરની પીછેહઠ છતાં હેવીવેઇટ ઇન્ફોસિસ સવા ટકો વધીને ૧૩૮૦ રૂપિયા બંધ આવતાં સાધારણ સુધારામાં રહ્યો હતો. R.કૉમ સવાનવ ટકા, આઇડિયા પોણાબે ટકા તથા MTNL દોઢ ટકો વધવા છતાં અને ૧૭માંથી ૧૨ શૅર સુધરવા છતાં ભારતી ઍરટેલના કડાકામાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૩ ટકા ડૂલ્યો હતો.

સાલનમાં ડોલી પાછળ તેજીની બારાત

ઑઇલ ડ્રીલિંગ એકસ્પ્લોરેશન બિઝનેસમાં પ્રવૃત્ત સાલન એક્સ્પ્લોરેશન તેજીની આગેકૂચમાં ફ્લ્ચ્ ખાતે ૨૭૮ની પોણાત્રણ વર્ષની નવી ટૉપ બતાવી ગઈ કાલે પાંચ ટકા વધીને ૨૬૪ રૂપિયા બંધ હતો. BSE ખાતે ભાવ ૨૭૫ થઈ ૫.૫ ટકાની મજબૂતીમાં ૨૬૪ રૂપિયા હતો. મોટા ગજાના ઇન્વેસ્ટર ગણાતા ડોલી અન્નાએ બ્લૉકડીલમાં ૧.૦૪ લાખ શૅર કે ૦.૬૪ ટકા હોલ્ડિંગ લીધું હોવાના સમાચાર પાછળ શૅરમાં તેજીની બારાત જોરમાં આવી છે. જૂન ક્વૉર્ટરના અંતે કંપનીમાં ડોલી અન્નાનું હોલ્ડિંગ દોઢ ટકા નજીકનું હતું. શૅરનો ભાવ વર્ષ પૂર્વે ૧૫૭ હતો. ૬ ઑગસ્ટે કંપનીએ જૂન ક્વૉર્ટરના પરિણામમાં અગાઉના ૩૩૯ લાખ રૂપિયા સામે આ વખતે ૧૪૨૫ લાખ રૂપિયાનો તગડો નફો દર્શાવ્યો ત્યારે ભાવ ૨૦૦ રૂપિયાની નીચે બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૮૦ રૂપિયા આસપાસ છે. મે ૨૦૧૪માં શૅર ૬૬૨ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો. કંપનીએ એક માત્ર બોનસ નવેમ્બર ૨૦૧૦માં દસ શૅરદીઠ એકના પ્રમાણમાં આપેલું છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૮ ટકા કરતાંય ઓછું છે. પિઅર ગ્રુપમાં ગઈ કાલે અલ્ફાજીઓ, ડોલ્ફીન ઑફશૉર, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન, જિન્દલ ડ્રીલિંગ એકથી સાડાત્રણ ટકા અપ હતા. દરમ્યાન પ્રારંભિક મજબૂતીમાં ૧૬૭ પૉઇન્ટ વધેલો ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ક્રમશ: લપસતો જઈ ઉપલા મથાળેથી ૨૩૨ પૉઇન્ટના ઘટાડે નીચામાં ૧૫,૧૦૦ થયો હતો. છેલ્લે નહીંવત ઘટાડામાં ૧૫,૧૩૪ બંધ આવ્યો છે. કૅસ્ટ્રોલ ઇન્ડિયા, ONGC, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઑઇલ ઇન્ડિયા ઇત્યાદિ અડધાથી ૧.૮ ટકા નરમ હતા. ભારત પેટ્રો ૦.૪ ટકા વધી ૩૮૯ રૂપિયા હતો.

ICICI બૅન્ક પખવાડિયામાં ૩૩ ટકા વધી ગયો

ICICI બૅન્ક ઝડપી સુધારાની ચાલમાં ગઈ કાલે ૩૪૫ ઉપર છ માસની ટૉપ બનાવી છેલ્લે ૪.૫ ટકાની મજબૂતીમાં ૩૩૩ રૂપિયા બંધ આવ્યો છે. ૧૯ જુલાઈએ ભાવ નીચામાં ૨૫૯ થઈ અંતે ૨૬૧ રૂપિયા બંધ હતો. આ ધોરણે ૧૫ દિવસમાં ભાવ નીચલા મથાળેથી ૩૩ ટકા કરતાં વધુ ઊંચકાઈ ચૂક્યો છે. વિડિયોકૉન લોનપ્રકરણ અને હિસાબી હેરાફેરી મારફત બૅડ લોન ઓછી બતાવવા સહિતના અનેકવિધ આક્ષેપથી બૅન્ક ઘેરાયેલી છે. જૂન ક્વૉર્ટરમાં ઇતિહાસની પ્રથમ જંગી ખોટ કરી છે. કૉર્પોરેટ ગવર્નન્સના ધોરણ ખાડે ગયા છે. આ બધું જોતાં તાજેતરની તેજી કોઈ પણ રીતે ફન્ડામેન્ટલ્સને આભારી ગણાવી શકાય એમ નથી. બૅન્ક તરફથી AGM ૧૦ ઑગસ્ટે નક્કી કરાઈ હતી એ મહિનો પાછળ લઈ જવાઈ છે. હવે એ ૧૨ સપ્ટેમ્બરે યોજાશે.

દરમ્યાન બૅન્કેક્સ ૧૦માંથી ૬ શૅરની આગેકૂચમાં ૩૨,૧૦૬ના નવા શિખરે જઈ ૧.૩ ટકા વધી ૩૨,૦૦૩ બંધ હતો. અહીં ૪૧૬ પૉઇન્ટના વધારામાં ICICI બૅન્કનો ફાળો ૨૯૭ પૉઇન્ટનો હતો. બૅન્ક નિફ્ટી પણ ૨૮,૩૬૩ વટાવી અંતે એક ટકો વધીને ૨૮,૩૨૯ બંધ આવ્યો છે. એના ૧૨માંથી ૭ શૅર પ્લસ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીમાં ૧૬,૦૪૦ની સર્વોચ્ચ સપાટી દેખાઈ છે. અંતે આંક એક ટકો વધીને ૧૫,૯૯૫ હતો, જ્યારે PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં સર્વાધિક ત્રણ ટકા ઊંચકાયો હતો. જેના પરિણામ શુક્રવારે આવવાના છે એ SBI ગઈ કાલે ૩૧૯ની છ મહિનાની નવી ટૉપ બનાવી અઢી ટકા વધીને ૩૧૬ રૂપિયા બંધ હતો. ગઈ કાલે સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧ શૅરમાંથી ૧૦ શૅર નરમ હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક ત્રણ ટકાની ખરાબીમાં મોખરે હતો. બંધન બૅન્ક નવા બુલ-રનમાં ચાર ગણા કામકાજ સાથે ૭૪૧ની ઑલટાઇમ હાઈ બતાવી સાડાપાંચ ટકાના ઉછાળે ૭૨૯ રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૮૬,૯૮૫ કરોડ થઈ ગયું છે. યસ બૅન્ક નીચામાં ૩૭૮ થઈ અંતે ૦.૪ ટકા ઘટી ૩૮૧ રૂપિયા રહેતાં એનું માર્કેટકૅપ ૮૭,૯૨૯ કરોડે આવી ગયું છે.

એક શૅરમાં સારાવાટ તો ૧૧મા ખરાબીના સંકેત

સેન્સેક્સ નિફ્ટીમાં રોજેરોજ નવા સર્વોચ્ચ શિખરની હારમાળા ચાલુ છે. મેઇન બેન્ચમાર્કનો ચાર્ટ જુઓ તો બજાર ફાટફાટ તેજીમાં હોવાની લાગણી થશે, પરંતુ હકીકત સાવ ઊલટી છે. એક અંદાજ પ્રમાણે આજની તારીખે બજારમાં ૧૭૨૦ જેટલા શૅર એમની ૨૦૦ ડેઇલી મૂવિંગ ઍવરેજ (DMA)ની નીચે ચાલી રહ્યા છે. ચાર્ટ અને ટેક્નિકલ પરિભાષામાં કોઈ પણ શૅરનો ભાવ જ્યારે ૨૦૦ દિવસના દૈનિક ભાવની સરેરાશ કે ઍવરેજ કરતાં નીચે જાય ત્યારે એને મંદીનો સંકેત માનવામાં આવે છે. મતલબ કે આવા શૅરમાં વધવાના બદલે ઘટવાના ચાન્સ વધુ હોય છે. શૅરનો ભાવ જ્યારે ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજથી ઉપર હોય ત્યારે એનો ભાવ વધ-ઘટે વધતો કે સુધારાતરફી રહેવાની મૂવિંગ ઍવરેજ કરતાં ભાવ ઉપર હોય એવા શૅરની સંખ્યા ૧૬૦ની છે. સામે ઍવરેજ કરતાં નીચા ભાવવાળા શૅરની સંખ્યા ૧૭૨૦ની છે. એટલે કે ચાર્ટ પર એક શૅર મજબૂત તો સામે ૧૧ કરતાં વધુ શૅર નબળા દેખાઈ રહ્યા છે. અગાઉ જાન્યુઆરી ૨૦૦૮માં બજાર વિક્રમી સપાટીએ ગયું હતું ત્યારે ૫૮૩ શૅરના ભાવ ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ કરતાં ઉપર અને ૧૩૦૦ શૅરના રેટ મૂવિંગ ઍવરેજથી નીચે ચાલતા હતા અને ત્યાર પછી તેજીનો વિસ્ફોટ સામે અંત શરૂ થયો હતો. આ વખતે જોઈએ શું થાય છે? ગુરુત્વાકર્ષણનો નિયમ ધરતી પર બધે લાગુ પડે છે. જે જેટલા જોરથી ઉપર જાય એ બમણા વેગથી પટકાય. દરેક મોટી તેજી પછી જોરદાર મોટી મંદી અવશ્ય આવે છે, ઇતિહાસ સાક્ષી છે.

પેજ ઇન્ડસ્ટ્રીઝ બૉટમથી ૩૦૦૦ રૂપિયા વધ્યો


જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વૉર્ટરમાં ૪૬ ટકાના વધારામાં ૧૨૪ કરોડ રૂપિયાથી વધુનો નેટ પ્રૉફિટ કરીને શૅરદીઠ ૪૧ રૂપિયા કે ૪૧૦ ટકાનું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કરતાં ભાવ ગઈ કાલે સાડાચાર ગણા કામકાજમાં ૨૯,૭૫૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૩૨,૭૫૦ની નવી વિક્રમી સપાટી બતાવી અંતે સાત ટકાની તેજીમાં ૨૧૩૭ રૂપિયા વધીને ૩૨,૩૯૧ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે આ શૅર ૧૫,૦૮૯ રૂપિયા હતો. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૭૬૦ રૂપિયા જેવી છે. મેઇડન બોનસ અને રાઇટનાં ખાનાં ખાલી છે. શૅર વિભાજનનીય આશા રખાય છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૯ ટકા છે. FII પાસે ૩૫ ટકાથી વધુ માલ છે. TTK હેલ્થકૅર જૂન ક્વૉર્ટરમાં ૧૩૨૭ લાખ રૂપિયાની નેટ લૉસમાંથી આ વખતે ૭૮૭ લાખ રૂપિયાના ચોખ્ખા નફામાં આવતાં શૅર ગઈ કાલે ૬૦ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૦૫ રૂપિયા થયો છે. હેટસન ઍગ્રો ઉપરમાં ૭૧૩ નજીક જઈ અંતે અડધો ટકો ઘટી ૭૦૬ રૂપિયા બંધ હતો, પરંતુ એનો પાર્ટલી પેઇડ-અપ શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૭૦ રૂપિયાના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. અતુલ લિમિટેડ સરેરાશ કરતાં અડધા વૉલ્યુમમાં ૩૧૭૦ની લાઇફટાઇમ ટૉપ બનાવી ૬.૩ ટકાની મજબૂતીમાં ૩૧૪૭ રૂપિયા હતો. ટેસ્ટી બાઇટનો નેટ પ્રૉફિટ ૩૫૧ લાખથી વધીને ૫૭૭ લાખ રૂપિયા આવતાં ભાવ ગઈ કાલે ઉપરમાં ૯૦૧૫ વટાવી અંતે ૪૬૨ રૂપિયા કે ૫.૫ ટકાના જમ્પમાં ૮૮૧૯ હતો. ગુડયર ઇન્ડિયાએ ૨૮ કરોડની સામે ૨૪ કરોડ રૂપિયા જેવો નેટ પ્રૉફિટ આપતાં શૅર ૧૧ ગણા કામકાજમાં સાડાસાત ટકા ગગડીને ૧૧૫૨ રૂપિયા આસપાસ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK