રોકડામાં સુસ્તી વચ્ચે શૅરબજારમાં સુધારાની થઈ હૅટ-ટ્રિક, આંતરપ્રવાહ રહ્યો કમજોર

એન્કેઈ વ્હીલ્સ ફન્ડ બાઇંગમાં સવોર્ચ્ચ સપાટીએ જોવા મળ્યો : કર્ણાટકના પરિણામ પછી ભાવવધારો આવશે, રિફાઇનરી શૅર નીચા મથાળેથી ઊંચકાયા : અરવિંદ ને સિન્ટેક્સમાં પરિણામ પાછળ મોટો જમ્પ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ એક ઉત્પાતિયો જીવ છે અને એના ભાગરૂપ હવે ઈરાન સાથેની ન્યુક-ડીલ રદ કરવાની તથા વ્યાપારી પ્રતિબંધ ફરીથી લાગુ કરવાની કવાયત આ માણસે હાથ ધરી છે. ઈરાન પર આર્થિક પ્રતિબંધ આવે તો ભારતને પ્રમાણમાં જે સસ્તું ક્રૂડ મળે છે એ બંધ થઈ જશે. બાસમતી ચોખા, ચા, ટૂ-વ્હીલર્સ ઇત્યાદિની આપણી નિકાસને પણ વત્તે-ઓછા અંશે ફટકો પડશે. ક્રૂડની વિશ્વબજાર વધુ ટાઇટ થતાં ભાવમાં ભળતા વધારાને પ્રોત્સાહન મળશે. ડૉલર સામે રૂપિયો ઝડપથી ૬૮ ભણી પ્રયાણ કરવા માંડશે. જોકે બજારે લાંબું વિચારવાનું, વાસ્તવિકતામાં જીવવાનું છોડી દીધું છે. બધું જ અવગણી છપ્પનની છાતીથી કામ ચલાવી રહ્યું છે. શૅરબજાર ગઈ કાલે પ્રારંભિક પીછેહઠમાં ૩૫,૧૩૪ થઈ ઉત્તરોત્તર સુધારામાં ૩૫,૪૦૫ નજીક જઈને અંતે ૧૦૩ પૉઇન્ટ તો નિફ્ટી ૧૦,૭૬૬ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૨૪ પૉઇન્ટ વધી ૧૦,૭૪૨ નજીક બંધ રહ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા નિફ્ટી ખાતે તાતા મોટર્સ, ટાઇટન તથા તાતા સ્ટીલ દોઢથી પોણાત્રણ ટકાની મજબૂતીમાં ટૉપ-થþી ગેઇનર બન્યા હતા. ૧૯ સેક્ટોરલ બૅન્ચમાર્કમાંથી ૧૦ પ્લસમાં બંધ આવ્યા છે. IT ઇન્ડેક્સ ૫૯માંથી ૩૧ શૅરની પીછેહઠ છતાં સર્વાધિક પોણો ટકો વધ્યો હતો. બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી પ્રાઇવેટ બૅન્કોની હૂંફમાં સાધારણ પ્લસ PSU હતો. PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નરમાઈમાં પોણો ટકો ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૨ શૅર સુધર્યા હતા. અલાહાબાદ બૅન્ક ૪ ટકા તો IDBI બૅન્ક બે ટકા અપ હતા. સામે દોઢ ડઝન બૅન્કિંગ શૅરમાં એક ટકાથી લઈને અઢી ટકા સુધીની નરમાઈ હતી.

ડેક્કન ગોલ્ડ સુધારાની હૅટ-ટ્રિક

સુપ્રીમ કોર્ટ તરફથી કર્ણાટક રાજ્ય સરકારને હુટી ગોલ્ડ રિઝર્વ ફીલ્ડ ખાતે પ્રોસ્પેક્ટિંગ લાઇસન્સ આપવાના મામલે ડેક્કન ગોલ્ડ માઇન્સની માગણી ધ્યાનમાં લેવાનો આદેશ જારી થતાં શૅર સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં પાંચ ગણા કામકાજમાં ૬૨ રૂપિયાની ૧૯ મહિનાની ટોચે જઈ છેલ્લે ૧૯ ટકાની મજબૂતીમાં ૬૧ રૂપિયા ઉપર બંધ આવ્યો છે. એક રૂપિયાના શૅરની બુકવૅલ્યુ સવાબે રૂપિયા કરતાં થોડીક ઓછી છે. થોડાક સમય પૂર્વે, ૨૬ માર્ચે આ કાઉન્ટર ૨૮ રૂપિયા આસપાસના ઐતિહાસિક તળિયે હતું. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ સવાસત્તાવીસ ટકા છે. ડૉમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ્સ વર્ક્સમાં ૧૦ ગણા વધારામાં માર્ચ ક્વૉર્ટરનો નેટ પ્રૉફિટ ૬૮ કરોડ રૂપિયાને વટાવી ગયો છે. કંપનીએ શૅરદીઠ એક મેઇડન બોનસ જાહેર કર્યું છે. બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૩૧૫૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે અહીં બાયની ભલામણ આવી છે. તો ગોલ્ડમૅન સાક્સ દ્વારા બાયમાંથી ન્યુટ્રલ રેટિંગ આવી શૅરમાં બેરિશ વ્યુ જારી થયો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૨૬૪૩ રૂપિયા થઈ છેલ્લે સહેજ ઘટીને ૨૫૫૬ રૂપિયા બંધ હતો. એપ્રિલ મહિનામાં બ્રિટિશ સબસિડિયરી જગુઆર લૅન્ડ રોવરનું વેચાણ બારેક ટકા વધ્યું હોવાના સમાચારે તાતા મોટર્સ ૩૪૭ રૂપિયા નજીક જઈ અંતે ૨.૮ ટકા વધીને ૩૪૧ રૂપિયા બંધ હતો.

સિન્ટેક્સમાં વૉલ્યુમ સાથે તગડો જમ્પ

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સારાં પરિણામ સાથે નફાશક્તિમાં સુધારો દર્શાવવામાં આવતાં શૅર ગઈ કાલે ૧૦ ગણા કામકાજમાં ઉપરમાં ૧૯.૪૫ રૂપિયા થઈ અંતે ૮.૩ ટકાના જમ્પમાં ૧૮.૩૦ બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો અને બુકવૅલ્યુ ૬૬ રૂપિયા આસપાસ છે. મંગળવારે ભાવ ૧૬.૮૦ રૂપિયાના ઐતિહાસિક તળિયે ગયો હતો. ગ્રુપ કંપની સિન્ટેક્સ પ્લાસ્ટિક્સનાં પરિણામ માટે પણ બોર્ડ-મીટિંગ ગઈ કાલે હતી. રીઝલ્ટની રાહ જોવાતી હતી. આ શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ઉપરમાં ૫૭ રૂપિયા નજીક જઈ અંતે ૩.૫ ટકા વધી ૫૪ રૂપિયા હતો. અન્ય ટોચની ગુજ્જુ કંપની અરવિંદ લિમિટેડ તરફથી આવકમાં ૨૧ ટકા અને નેટ પ્રૉફિટમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે પ્રોત્સાહક દેખાવ થતાં ભાવ ત્રણ ગણા કામકાજમાં ૪૪૪ રૂપિયા થઈ છેલ્લે ૪.૬ ટકાની તેજીમાં ૪૩૯ રૂપિયા બંધ હતો. ગ્રુપ કંપની અરવિંદ સ્માર્ટ સ્પેસ બમણા વૉલ્યુમમાં ૧૯૨ રૂપિયા બતાવી અંતે અઢી ટકા વધી ૧૯૦ રૂપિયા બંધ હતો. રુબી મિલ્સ સાડાત્રણ ગણા વૉલ્યુમમાં ૪૨૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નવ ટકાની મજબૂતીમાં ૩૯૮ રૂપિયા બંધ હતો. EID મૅરીનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૩૦૦ કરોડ રૂપિયાથી ગગડીને ૪૦ કરોડ રૂપિયા થતાં ભાવ ૨૫૧ રૂપિયાના વર્ષના તળિયે જઈ છેલ્લે ર.૭ ટકાની નબળાઈમાં ૨૬૧ રૂપિયા હતો.

રિફાઇનરી શૅર નીચા મથાળેથી સુધારામાં

ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની ન્યુક-ડીલ રદ કરવાની અને આર્થિક પ્રતિબંધ ફરીથી લાદવાની હિલચાલથી ક્રૂડમાં વધારાને એક નવું મજબૂત કારણ મળી ગયું છે. આ સમાચાર કર્ણાટકની ચૂંટણી જીતવા તનતોડ પ્રયાસ કરી રહેલા BJPને પરોક્ષ સાથ આપી છેલ્લાં બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવ જૈસેથે રાખનારી સરકારી રિફાઇનરી કંપનીઓ માટે સારા નથી. બાય ધ વે, કર્ણાટકનાં પરિણામ આવી જવા દો પછી જુઓ કે પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું થાય છે. ગઈ કાલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નીચામાં ૨૯૦ રૂપિયા થઈ બાઉન્સબૅકમાં ૩૦૮ રૂપિયા વટાવી ગયો એનું રહસ્ય આજ છે. શૅર છેલ્લે અડધો ટકો ઘટી ૩૦૫ રૂપિયા બંધ હતો. ભારત પેટ્રોલિયમ પણ નીચામાં ૩૭૮ રૂપિયા અને ઉપરમાં ૩૮૭ રૂપિયા વટાવી ૩૮૬ રૂપિયા તથા ઇન્ડિયન ઑઇલ ૧૬૧ રૂપિયાની નીચે ગયા બાદ ૧૬૮ રૂપિયા થઈ છેલ્લે નહીંવત્ વધી ૧૬૭ રૂપિયા બંધ આવ્યો છે. MRPL ૧૦૨ રૂપિયા થયા પછી પોણો ટકો ઘટી ૧૦૫ રૂપિયા તો ચેન્નઈ પેટ્રોલિયમ ૨૮૩ રૂપિયાના તળિયે જઈ ૩૦૭ રૂપિયા વટાવ્યા પછી અંતે અડધા ટકાની નરમાઈમાં ૩૦૨ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ બીજા દિવસની આગેકૂચમાં ૯૮૩ રૂપિયા નજીક જઈ અંતે પોણો ટકો વધીને ૯૭૫ રૂપિયા હતો.

કામકાજમાં ડિલિવરીનું પ્રમાણ ૮ વર્ષના તળિયે

છેલ્લા આંકડા પ્રમાણે એપ્રિલ મહિનામાં બન્ને શૅરબજારો ખાતે થયેલા કુલ વૉલ્યુમમાં ડિલિવરી બેઝ્ડ ટ્રેડિંગનું પ્રમાણ ૩૫.૬ ટકા નોંધાયું છે જે નવેમ્બર ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટી કહી શકાય. માર્ચ ૨૦૧૭માં આ પ્રમાણ ૫૨.૬ ટકાની વિક્રમી સપાટીએ નોંધાયું હતું. ત્યારે સેન્સેક્સ ૩૦,૦૦૦ની આસપાસ હતો. ત્યાર પછીના નવ-દસ મહિનામાં બજાર વધતું રહી ૨૦૧૮ની ૨૯ જાન્યુઆરીએ ઇન્ટ્રા-ડેની રીતે ૩૬,૪૪૪ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. કુલ કામકાજમાં ડિલિવરીનું ઘટતું પ્રમાણ એ બજારમાં વધી રહેલી સટ્ટાકીય પ્રવૃત્તિનો એક સંકેત છે. લોકોને હાલમાં બજારનું ભવિષ્ય બહું સારું લાગતું નથી. ડિલિવરીનું જોખમ લેવાના બદલે ગામ હાલમાં બને એટલી ઝડપથી નફો ગાંઠે કરવાના કે લૉસ બુક કરવાનું વધુ પસંદ કરે છે. ઇન શૉર્ટ, આગામી છ-આઠ કે દસ મહિનામાં માર્કેટ વધવાને બદલે ઘટવાના ચાન્સ વધુ છે એમ લોકો માની રહ્યા છે. IT, ફાર્મા, બૅન્કિંગ, રિફાઇનરી, ટેલિકૉમ, માઇનિંગ જેવા સેક્ટરમાં તો ડિલિવરી બેઝ્ડ ટ્રેડિંગનું પ્રમાણ સવિશેષ ઘટી ગયું છે.

એન્કેઈ વ્હીલ્સમાં લાઇફટાઇમ હાઈ


એન્કેઈ વ્હીલ્સ ઇન્ડિયામાં બ્લુલૉટ્સ કૅપિટલ મલ્ટિબેગર ફન્ડ દ્વારા ખુલ્લા બજારમાંથી શૅરદીઠ સરેરાશ ૪૨૧ રૂપિયાના ભાવે ૮૫,૦૦૦ શૅર ખરીદ કરાયાના અહેવાલ પાછળ આ કાઉન્ટર ગઈ કાલે ૪૭૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૯.૪ ટકાની તેજીમાં ૪૫૭ રૂપિયા બંધ હતું. કામકાજ સરેરાશ કરતાં સાત ગણા હતા. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુ તથા બુકવૅલ્યુ ૨૧ રૂપિયા નજીક છે. જાણકારો નજીકમાં વધ-ઘટે ૫૫૦ રૂપિયાનો ભાવ લાવ્યા છે. કંપનીમાં જૅપનીઝ પ્રમોટર એન્કેઈ કૉર્પોરેશનનું હોલ્ડિંગ ૭૦.૮ ટકાનું છે. ત્રણ વર્ષ પૂર્વે એ ૬૬.૫ ટકા અને પાંચ વર્ષ પૂર્વે ૬૪.૭ ટકા હતું. વિદેશી પ્રમોટર્સ ક્રીપિંગ ઍક્વિઝિશન રૂટ મારફત સતત તેમનો હિસ્સો વધારતા ગયા છે. છેલ્લે પ્રેફરન્શિયલ ઇશ્યુમાં શૅરદીઠ ૪૮૮ રૂપિયાના ભાવે શૅર લીધા હતા. લગભગ વર્ષ પૂર્વે, ૩૦ મે, ૨૦૧૭ના રોજ ભાવ ૨૧૬ રૂપિયાના તળિયે હતો. એન્કેઈ વ્હીલ્સમાં રોકાણકારોને બે વર્ષમાં ૨૧૮ ટકા, ત્રણ વર્ષમાં ૨૬૩ ટકા તથા પાંચ વર્ષમાં ૭૭૧ ટકાનું રીટર્ન મળ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK