બૅન્કિંગ શૅરની હૂંફ જળવાઈ રહેતાં શૅરબજારમાં સુધારાની આગેકૂચ

વકરાંગી નીચલી સર્કિટની હારમાળામાં ૨૯૩ રૂપિયા પરથી ૧૬૩ રૂપિયા : વર્ષમાં ભણસાલી એન્જિનિયરિંગ ૩૫ રૂપિયા પરથી ૨૧૮ રૂપિયા : ફાર્મા કંપનીઓનાં ત્રિમાસિક પરિણામ એકંદર નબળાં રહેવા સંભવ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


વિડિયોકૉન લોન પ્રકરણમાં ICICI બૅન્કનાં CMD ચંદા કોચરની મુશ્કેલી વધી રહી છે. પ્રારંભે સર્વાનુમતે સમર્થનમાં રહેલું બોર્ડ ઑફ ડિરેક્ટર્સ હવે વિભાજિત થયું હોવાના અને ચંદા કોચરને બૅન્કના સૂત્રધાર તરીકે ચાલુ રાખવા કે પાણીચું આપવું એ બાબતે ટૂંકમાં ખાસ મીટિંગ યોજાશે એવા અહેવાલ છે. BJPના સાંસદ ડૉ. ઉદીત રાજે ICICIનાં ચંદા કોચર સામે CBIની તપાસ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવા માગણી કરી છે. આ માહોલમાં ICICI ગઈ કાલે પ્રારંભિક નરમાઈમાં ૨૭૫ રૂપિયાની અંદર ઊતરી ગયા પછી ક્રમશ: સુધારામાં ૨૮૩ રૂપિયા વટાવી છેલ્લે સહેજ વધી ૨૮૧ રૂપિયા બંધ આવ્યો એ સૂચક છે. ચંદા કોચરની બૅન્કમાં હોદ્દાની મુદત આમ તો માર્ચ ૨૦૧૯ સુધીની છે. તેમની સાથે ઍક્સિસ બૅન્કનાં વડાં શિખા શર્મા પણ આજકાલ વિવાદમાં ઘેરાયાં છે. રિઝર્વ બૅન્ક તરફથી આ બન્નેના ‘બોનસ’ અટકાવી દેવાયા છે. ઍક્સિસ બૅન્કનો શૅર દોઢા કામકાજમાં ગઈ કાલે ૫૨૧ રૂપિયા થઈ છેલ્લે ૩.૨ ટકાના ઉછાળે ૫૧૬ રૂપિયા બંધ હતો. ICICI બૅન્કમાંય ગઈ કાલે BSE ખાતે લગભગ ૧૯ ગણું વૉલ્યુમ થયું હતું. ઍની વે, ગઈ કાલે બજાર સુધારાની ચાલ કે રિલીફ રૅલી આગળ ધપાવતાં ૩૩,૮૪૬ની ઇન્ડ્રા-ડે હાઈ બનાવી ૧૬૧ પૉઇન્ટ વધીને ૩૩,૭૮૮ તો નિફ્ટી ૧૦,૩૯૮ નજીક જઈ ૪૮ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૬૭૯ બંધ આવ્યો છે. સેન્સેક્સ-નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી પોણા ટકાથી વધુ અપ હતા. બજારમાં છેલ્લો અડધો કલાક હળવા પ્રૉફિટ-બુકિંગનો હતો. ઍક્સિસ બૅન્ક, HDFC બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, યસ બૅન્ક વધીને બંધ રહેતાં બજારને ૮૩ પૉઇન્ટનો લાભ થયો હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧ શૅરમાંથી ગઈ કાલે ૧૦ શૅર નરમ હતા. દોઢ ડઝન જાતો અત્રે એકથી પોણાપાંચ ટકા ઊંચકાઈ હતી, ઇન્ફોસિસ દોઢ ટકો, TCS પોણો ટકો અને વિપ્રો નહીંવત્ ઘટીને બંધ રહેતાં IT ઇન્ડેક્સ એક ટકાની નજીક ડાઉન હતો. હિન્દુસ્તાન પેટ્રો, ભારત પેટ્રોલિયમ, IOC ત્રણથી સાડાત્રણ ટકા વધ્યા હતા. ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક દોઢ ટકો પ્લસ જોવાયો છે. મિલ્ક ફૂડ્સ, રૂબી મિલ્સ, લિપ્સા જેમ્સમાં ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

વકરાંગી નીચલી સર્કિટની હારમાળામાં

ઑપરેટર બેઝ્ડ કે સટોડિયા કંપની હોવાની છાપ ધરાવતી વકરાંગી લિમિટેડ પાંચ માર્ચે ૧૪૭ રૂપિયાની મલ્ટિયર બૉટમ બાદ ઉપલી સર્કિટની હારમાળામાં વધતો રહી જોતજોતામાં ૨૧ માર્ચે ૨૯૩ રૂપિયા થઈ ગયો હતો અને ત્યાર પછી શૅર ફરી એક વાર ગગડવો શરૂ થયો છે જેમાં નીચલી સર્કિટની હારમાળામાં ભાવ ગઈ કાલે વધુ પાંચ ટકા તૂટી ૧૬૩ રૂપિયાની નીચે બંધ આવ્યો છે. BSE ખાતે રોજના સરેરાશ ૨૯,૦૦૦ શૅર સામે ગઈ કાલે સાડાત્રણ લાખ શૅરનું વૉલ્યુમ હતું અને ૨૬ લાખ જેટલા શૅરના સેલર ઊભા હતા! વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ચાર-પાંચ દિવસના સુધારા બાદ ગઈ કાલે બમણા કામકાજમાં ૧૪ રૂપિયાની નીચે જઈ અંતે છ ટકાની ખરાબીમાં ૧૪ BSE બંધ રહ્યો છે. ગીતાંજલિ જેમ્સ ૧૫,૦૦૦ શૅરના કામકાજમાં પાંચ ટકાની એક વધુ મંદીની સર્કિટમાં સવાછ રૂપિયાની આસપાસ નવા ઑલ ટાઇમ તળિયે બંધ હતો. બાર લાખ શૅરના સેલર BSE ખાતે ઊભા હતા. વર્ષ પૂર્વે, પાંચ મેએ ૩૫ રૂપિયામાં મળતો ભણસાલી એન્જિનિયરિંગ ઉપલી સર્કિટના સિલસિલામાં ગઈ કાલે ૧૦ ટકા ઊછળી ૨૧૮ રૂપિયા નજીકના નવા ઐતિહાસિક શિખરે બંધ આવ્યો છે.

ટાઇટનમાં નવી વિક્રમી સપાટી

ટાઇટન કંપની દ્વારા ક્વૉર્ટરલી અપ-ડેટમાં જ્વેલરી, વૉચીસ, આઇવેર ડિવિઝનનો ગ્રોથ-રેટ માર્ચ ક્વૉર્ટરમાં બહેતરીન રહ્યો હોવાની જાણકારી આપવામાં આવતાં શૅર ગઈ કાલે પ્રમાણમાં સારા વૉલ્યુમ સાથે ૯૭૧ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે સવાબે ટકા વધીને ૯૬૦ રૂપિયા બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૨.૯ ટકા છે. એમાં સહ-પ્રમોટર તરીકે તાતા ગ્રુપ ૨૫ ટકા આસપાસ હિસ્સો ધરાવે છે. ડેટા મેટિક્સ ગ્લોબલ દ્વારા ફિલિપીન્સ ખાતેની BPO કંપની RJ ગ્લોબલ સોલ્યુશન્સનો ૭૫ ટકા હિસ્સો ૫૦,૬૨૫ ડૉલરમાં હસ્તગત કરાયો હોવાના અહેવાલ પાછળ બાર ગણા કામકાજમાં ૧૩૦ રૂપિયા નજીક જઈ છેલ્લે તેર ટકાની તેજીમાં ૧૨૭ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. એક્ઝોનોબલ દ્વારા શૅરદીઠ મહત્તમ ૨૧૦૦ રૂપિયા સુધીના ભાવે ૧૧ લાખથી વધુ શૅર બાયબૅક કરવાનું નક્કી થયું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૯૪૦ રૂપિયા થઈ અંતે પોણો ટકો વધીને ૧૯૨૫ રૂપિયા બંધ હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩ ટકા જેવું છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૧૬ રૂપિયા છે. કંપનીએ છેલ્લે ઑગસ્ટ ૧૯૭૮માં બોનસ આપ્યું હતું. થોડાક સમય પૂર્વે એનો સ્પેશ્યલિટી કેમિકલ્સ બિઝનેસ સબસિડિયરીને વેચી કંપનીએ ૩૨૦ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા.

ફાર્મા સેક્ટરનાં પરિણામ નબળાં આવવાની વકી


બજારના વિશ્લેષકોની ધારણા પ્રમાણે માર્ચ ક્વૉર્ટરનાં ફાર્મા ક્ષેત્રનાં પરિણામ એકંદર નબળાં રહેશે. આવક ત્રણેક ટકા વધવાની સામે નેટ પ્રૉફિટ નવ ટકા નીચો રહેવાની ગણતરી રખાય છે. ઘરઆંગણે દવાના ભાવ પર અંકુશ રાખવાની સરકારની નીતિથી નફા માર્જિનને માઠી અસર થવા વકી છે. ડૉલરની સામે રૂપિયાની ચારેક ટકાની મજબૂતી નિકાસઆવકને વત્તે-ઓછે અંશે માઠી અસર કરશે. ઉદ્યોગની એકંદર નબળાઈ વચ્ચે OTC માર્કેટમાં સ્ટ્રૉન્ગ બ્રૅન્ડ્સ ધરાવતી કંપનીઓ પ્રમાણમાં સારો દેખાવ કરશે. ગઈ કાલે BSEનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭માંથી ૩૩ કંપનીઓના સુધારામાં સાધારણ નરમ બંધ હતો. ઑરોબિંદો ફાર્મા, સન ફાર્મા, લુપિન, ફાઇઝર, ટૉરન્ટ ફાર્મા, પેનેસિઆ બાયોટેક, ગેન્યુઅલ્સ ઇન્ડિયા, ઇપ્કા લૅબ, ઍલેમ્બિક, પિરામલ એન્ટરપ્રાઇઝિસ બાયો, સ્પાર્ક ઇત્યાદિ પોણાથી સવાબે ટકા ડાઉન હતા. ઑપ્ટો સર્કિટ, સુવેન લાઇફ, ન્યુલૅન્ડ લૅબ, HEG, હાઇકલ, સિન્જેન, આરતી ડ્રગ્સ, સમ્રાટ ફાર્મા, બાયોકૉન, નેક્ટર લાઇફ, મર્ક, ફોર્ટિસ હેલ્થકૅર, એરિસ લાઇફ, ડિવીઝ લૅબ જેવી આઇટમો એકથી પાંચ ટકા જેવી મજબૂત હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની પીછેહઠમાં ૦.૪ ટકા ઢીલો હતો.

લેમન ટ્રી હોટેલ્સનું પ્રોત્સાહક લિસ્ટિંગ


શૅરદીઠ ૫૬ રૂપિયાના ઇશ્યુ પ્રાઇસ સાથે કુલ ૧૦૩૯ કરોડ રૂપિયા જેવું ભંડોળ ઊભું કરી જનારી લેમન ટ્રી હોટેલ્સનું લિસ્ટિંગ એકંદરે પ્રોત્સાહક નીવડ્યું છે. ભાવ BSE ખાતે ૬૧ રૂપિયા પ્લસ ખૂલી ઉપરમાં ૭૪ રૂપિયા અને નીચામાં ૫૭ રૂપિયા થઈ છેલ્લે ૭૧ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૮૮ લાખ શૅરનું હતું. NSEમાં શૅર ઉપરમાં ૭૪ રૂપિયા તથા નીચામાં ૫૭ રૂપિયા બનાવી અંતે ૭૨ રૂપિયા બંધ આવ્યો છે. કામકાજ ૬૭૬ લાખ શૅરના હતા. લેમન ટ્રી હોટેલ્સ હૉસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવૃત્ત છે. ભરણું ૧.૨ ગણું ભરાયું હતું. જોકે રીટેલ ર્મોશન બાર ગણો છલકાયો હતો.

દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOની વાત કરીએ તો શૅરદીઠ ૫૨૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ICICI સિક્યૉરિટીઝ ગઈ કાલે ૪૩૩ રૂપિયાનું નવું બૉટમ બતાવી અંતે એક ટકો ઘટી ૪૩૬ રૂપિયા હતો. ૧૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો કાર્ડા કન્સ્ટ્રક્શન દોઢ ટકા વધીને ૧૬૮ રૂપિયા, ૧૨૧૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સહેજ વધી ૧૧૦૪ રૂપિયા, ૩૭૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો બંધન બૅન્ક એક ટકો વધીને ૫૧૪ રૂપિયા તો ૪૨૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ભારત ડાયનેમિક્સ BSEમાં ૩૮૦ રૂપિયા અને NSEમાં ૩૭૫ રૂપિયાનું નવું બૉટમ બતાવી અંતે સહેજ ઘટી ૩૮૮ રૂપિયા બંધ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK