છેલ્લા કલાકમાં માર્કેટ ૨૦૦ પૉઇન્ટ નીચે ઊતરી ઘટાડે બંધ

HG ઇન્ફ્રાનું નિરાશાજનક લિસ્ટિંગ, શૅલ્બી અને એસ્ટર DMમાં નવાં નીચાં બૉટમ : સેન્ટ્રલ બૅન્ક તગડા વૉલ્યુમ સાથે સળંગ ત્રીજા દિવસે મજબૂત : અદાણી ગ્રુપના શૅરમાં નબળાઈ, અદાણી પાવર વર્ષના તળિયે


sensex

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનને પકડી રાખી સુધારામાં રહેલું શૅરબજાર ગઈ કાલે છેલ્લા કલાકમાં વેચવાલી આવતાં ૨૦૦ પૉઇન્ટ જેવું નીચે ઊતરી છેલ્લે ૪૪ પૉઇન્ટની પીછેહઠમાં ૩૩,૩૦૭ બંધ આવ્યું છે. સેન્સેક્સ ૩૩,૫૧૯ની ઇન્ટ્રા-ડે હાઈ સામે ત્રણેક વાગ્યે ૩૩,૨૫૬ના ઇન્ટ્રા-ડે તળિયે જોવાયો હતો. નિફ્ટી ૧૬ પૉઇન્ટ ઘટીને ૧૦,૨૨૭ની નજીક દેખાયો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૫ તો નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર શુક્રવારે સુધર્યા હતા. તાતા સ્ટીલ સાડાત્રણથી સાડાચારેક ટકાની રેન્જમાં ખરડાઈ બન્ને મુખ્ય આંક ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી બરકરાર છે. બન્ને બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. IT ઇન્ડેક્સ અડધા ટકાના સર્વાધિક સુધારામાં સામે પ્રવાહે હતો. ગ્લ્ચ્માં ૧૩૧ શૅર ઉપલી સર્કિટમાં તો ૨૪૫ જાતો મંદીની સર્કિટમાં બંધ રહી છે. અદાણી ગ્રુપના શૅરમાં માનસ ઢીલું પડ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ચારેક ગણા કામકાજમાં સાડાસાત ટકા તૂટીને ૧૫૬ રૂપિયા બંધ રહ્યો છે. અદાણી પાવર ૨૫ રૂપિયાનું વર્ષનું બૉટમ બતાવી પોણાત્રણેક ટકાના ઘટાડે ૨૫ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ સવાબે ટકા ડાઉન હતો. અદાણી ટ્રાન્સમિશન ત્રણ ટકા વધી ૧૮૨ રૂપિયા હતો. અનિલ અંબાણી ગ્રુપમાં R.કૉમ સવાયા કામકાજમાં પોણાદસ ટકા તૂટીને ૨૩ રૂપિયાની અંદર આવી ગયો છે. રિલાયન્સ કૅપિટલ અઢી ટકા, રિલાયન્સ હોમ દોઢ ટકો, રિલાયન્સ નેવલ સાડાત્રણ ટકા અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બે ટકાથી વધુની નરમાઈમાં બંધ હતા. ઍરસેલની નાદારીના પગલે બિઝનેસને માઠી અસર થવાની કબૂલાત પાછળ GTL ઇન્ફ્રા ૨૦ ટકાની મંદીની સર્કિટમાં તો GTL લિમિટેડ સવાનવ ટકાથી વધુના કડાકામાં હતા. નોકરીડોટકૉમ ફેમ ઇન્ફોએજ ઇન્ડિયા સાડાસાત ગણા કામકાજમાં આઠેક ટકા ઊછળીને ૧૨૯૪ રૂપિયા રહ્યો છે. શુગર શૅરમાં ઉત્પાદનના બોજ પાછળ ભાવમાં ઘટાડાની આગેકૂચ જોવાઈ છે.

સેન્ટ્રલ બૅન્ક ચાર મહિનાની ઊંચી સપાટીએ

બૅન્કિંગ સેક્ટરની ઑલરાઉન્ડ ખરાબીમાં PSU સેન્ટ્રલ બૅન્કનો શૅર બુધવારે ઇન્ટ્રા-ડેમાં ૬૩ રૂપિયાની નીચે લગભગ બે વર્ષના તળિયે જતો રહ્યો હતો. ત્યાંથી શાર્પ બાઉન્સબૅક દાખવી સુધારાની હૅટટ્રિકમાં ભાવ ગઈ કાલે ૮૦ રૂપિયા નજીક ગયો છે જે ચારેક મહિનાની ઊંચી સપાટી કહી શકાય. ભાવ અંતે ૯.૭ ટકાની તેજીમાં ૭૬ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને અઢી કરોડ શૅરથી વધુનું જંગી વૉલ્યુમ નોંધાયું હતું. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૯૦ રૂપિયા નજીક છે. સરકારનું હોલ્ડિંગ ૮૧.૯ ટકાનું છે. દરમ્યાન આગલા દિવસના પ્રત્યાઘાતી સુધારા બાદ બૅન્ક નિફ્ટી તથા બૅન્કેક્સ રાબેતા મુજબ ઘટાડાની ચાલમાં આવી ગયા છે. બૅન્કેક્સ ૧૦માંથી સાત શૅરની નરમાઈમાં પોણો ટકો તો બૅન્ક નિફ્ટી ૧૨માંથી નવ શૅરની નબળાઈમાં પોણો ટકો ડાઉન હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના પોણા ટકાથી ઓછા ઘટાડા સામે PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના ઘસારામાં ૧.૮ ટકા ખરડાયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી નવ શૅર ગઈ કાલે પ્લસ હતા. સેન્ટ્રલ બૅન્ક એમાં મોખરે હતો. વિજયા બૅન્ક, સ્ટાન્ચાર્ટ બૅન્ક અને IOB દોઢથી ચાર ટકા અપ હતા. કૅનેરા બૅન્ક ૨૩૧ રૂપિયાનું નવું ઐતિહાસિક બૉટમ બનાવી છેલ્લે છ ટકાના ધોવાણમાં ૨૩૫ રૂપિયા હતો. કૉર્પોરેશન બૅન્ક, થ્ધ્ બૅન્ક, OBC, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક જેવા અન્ય આઠ બૅન્ક-શૅરમાં પણ નવાં નીચાં બૉટમ બન્યાં હતાં.

મેટલ-શૅરમાં મસમોટાં ગાબડાં પડ્યાં


અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા ટૅરિફ-વૉર મારફત વેપારયુદ્ધનો નવો દોર શરૂ થતાં મેટલ- શૅરમાં તાત્કાલિક માનસ ખરડાયું છે. ગઈ કાલે BSE ખાતે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરની ખરાબીમાં બે ટકા પીગળ્યો હતો. આ ઇન્ડેક્સ છેલ્લા આઠમાંથી સાત દિવસ માઇનસ ઝોનમાં બંધ આવ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરની કમજોરીમાં ૧.૮ ટકા ડુલ હતો. સેઇલ ૭૬ રૂપિયાની નજીક ઇન્ટ્રા-ડે હાઈથી સવાછ ટકા લથડીને ૬૯ રૂપિયા બંધમાં ખુવારીમાં મોખરે હતો. તાતા સ્ટીલ આગલા દિવસની બે ટકા જેવી નરમાઈ આગળ ધપાવતાં નીચામાં ૬૦૧ રૂપિયા થઈ છેલ્લે પોણાબે ગણા વૉલ્યુમમાં ૪.૭ ટકા તૂટી ૬૦૫ રૂપિયા હતો. જિન્દલ સ્ટીલ પાંચેક ટકા, નાલ્કો બે ટકા, NMDC દોઢ ટકા, કોલ ઇન્ડિયા એક ટકો, વેદાન્ત એક ટકો, હિન્દુસ્તાન કોપર સવા ટકો ડાઉન હતા. JSW સ્ટીલ એક ટકો તેમ જ હિન્દુસ્તાન ઝિન્ક અડધો ટકો પ્લસ હતા. ગુજરાત સરકારનું સાહસ GMDC સળંગ ચોથા દિવસના ઘટાડામાં સાડાચાર ટકા ખરડાઈને ૧૨૫ રૂપિયાના મલ્ટિ-મન્થના તળિયે પહોંચી ગયું છે.

લાર્સન ફાઇનૅન્સમાં પ્રીમિયમે પ્રેફરન્શિયલ ઇશ્યુ

L&Tની ૬૬ ટકા માલિકીની L&T ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ દ્વારા પ્રમોટર્સની તરફેણમાં ૧૦ રૂપિયાનો એક એવા ૧૦૭૮ લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે શૅરદીઠ ૧૮૫.૫૧ રૂપિયાના ભાવે ઇશ્યુ કરીને આશરે ૨૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરાયા છે. પ્રેફરન્શિયલ ઇશ્યુનો શૅરદીઠ ૧૮૫ રૂપિયા પ્લસનો ભાવ ૧૫૯ રૂપિયા નજીકના આગલા બંધ કરતાં લગભગ ૧૮ ટકા ઊંચો હોવાથી શૅર ગઈ કાલે ૧૬૪ રૂપિયા નજીક જઈ બન્ને પોણો ટકો વધીને ૧૬૦ રૂપિયા બંધ આવ્યો છે. કામકાજ ત્રણ ગણા હતા. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૪૩.૬૦ રૂપિયા આસપાસ છે. ઇન્ડસ્ટ્રીના એકંદર ૪૨.૮ના P/E સામે હાલમાં આ શૅર લગભગ ૨૧.૬ના P/Eમાં મળે છે. લાર્સન ગ્રુપના અન્ય શૅરમાં લાર્સન ઇન્ફોટેક સાડાત્રણ ટકાના ઘટાડે ૧૩૫૫ રૂપિયા હતો. પ્રમોટર્સ તરીકે L&Tનું હોલ્ડિંગ અહીં ૮૩.૭ ટકા જેવું છે. તો લાર્સનની ૮૯.૩ ટકા માલિકીની લાર્સન ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૧૩૧૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૨૫૧ રૂપિયા થઈ બન્ને સવાબે ટકા ઘટીને ૧૨૫૮ રૂપિયા હતો. ખુદ L&T સરેરાશ કરતાં અડધા વૉલ્યુમમાં સળંગ બીજા દિવસના સુધારામાં ઉપરમાં ૧૨૯૫ રૂપિયા વટાવી છેલ્લે અડધો ટકા વધીને ૧૨૯૦ રૂપિયા રહ્યો છે.

HG ઇન્ફ્રાનું ડલ લિસ્ટિંગ

શૅરદીઠ ૨૭૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા IPO HG ઇન્ફ્રા એન્જિનિયરિંનું લિસ્ટિંગ સાવ સુસ્ત નીવડ્યું છે. BSE ખાતે ભાવ ૨૭૦ રૂપિયા ખૂલી નીચામાં ૨૫૨ રૂપિયા થઈ બાઉન્સબૅકમાં ૨૭૬ રૂપિયા બતાવી બન્ને ૨૭૦ રૂપિયા બંધ રહ્યા છે. વૉલ્યુમ ૩૩૨ લાખ શૅરનું હતું. NSE ખાતે ૧૫૮ લાખ શૅરના કામકાજમાં ભાવ નીચામાં ૨૫૨ રૂપિયા અને ઉપરમાં ૨૭૬ રૂપિયા થઈ બન્ને ૨૬૮ રૂપિયા નજીક રહ્યો છે. ૪૬૨ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ પાંચેક ગણો ભરાયો હતો. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા નવા IPOમાં શૅરદીઠ ૧૯૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો એસ્ટર DM હેલ્થકૅર ગઈ કાલે ૧૫૪ રૂપિયા અંદર ઑલટાઇમ નવું બૉટમ બતાવી છેલ્લે સાડાપાંચ ટકાના ઘટાડે ૧૫૫ રૂપિયા બંધ હતો. ૧૪૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ગૅલૅક્સી સર્ફકટન્ટ્સ ૧૫૫૦ રૂપિયા ખૂલી નીચામાં ૧૪૭૯ રૂપિયા થઈ છેલ્લે નહીંવત વધી ૧૫૦૦ રૂપિયા હતો. ૮૫૯ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો અંબર એન્ટરપ્રાઇઝિસ નીચામાં ૧૦૯૮ રૂપિયા થઈ બન્ને સાધારણ ઘટાડે ૧૧૦૭ રૂપિયા હતો. ૨૪૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો શૅલ્બી લિમિટેડ ગઈ કાલે ૧૯૨ રૂપિયાનું ઑલટાઇમ તળિયું દેખાડી છેલ્લે ચાર ટકાની નબળાઈમાં ૧૯૫ રૂપિયા નજીક બંધ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK