શૅરબજારમાં ૪૦૭ પૉઇન્ટનો આફ્ટરશૉક

ચાઇના અને હૉન્ગકૉન્ગ માર્કેટમાં મસમોટા કડાકા, યુરોપ રડમસ : ઘરઆંગણે રોકડામાં એકંદરે સામા પ્રવાહે ટકેલું વલણ : સાત બૅન્ક શૅરની નબળાઈ બજારને ૧૯૩ પૉઇન્ટ નડી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વૈશ્વિક શૅરબજારના ધબડકા પાછળ ભારતીય શૅરબજારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમાં સેન્સેક્સ ૪૦૭ પૉઇન્ટના કડાકામાં ૩૪,૦૦૫ અને નિફ્ટી ૧૨૨ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૪૫૫ના મથાળે બંધ રહ્યા હતા. વિશ્વબજારની મંદી પાછળ ઇન્ડિયન બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધથી ૫૬૪ પૉઇન્ટના ઇન્ટ્રા-ડે કડાકામાં ૩૩,૮૪૯ના તળિયે જતો રહ્યો હતો. એવી જ રીતે નિફ્ટી પણ ૧૭૯ પૉઇન્ટ ખાબકી ૧૦,૩૯૮ની નીચી સપાટીએ ક્વોટ થયો હતો. સમગ્ર સેશન દરમ્યાન બજારમાં મંદીનું વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સના ૩૧માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર ડાઉન હતા જેમાં યસ બૅન્ક ૨.૮ ટકા, ICICI બૅન્ક ૨.૩ ટકા, HDFC ૨.૧ ટકા, ઇન્ફોસિસ, ઍક્સિસ બૅન્ક બે ટકા, ભારતી ઍરટેલ ૧.૮ ટકા, SBI, કોટક બૅન્ક ૧.૭ ટકા, વિપ્રો, બજાજ ઑટો, તાતા મોટર્સ, HDFC બૅન્ક દોઢ ટકા જેટલા તૂટ્યા હતા. આજે સાત બૅન્ક શૅરની નબળાઈ બજારને ૧૯૩ પૉઇન્ટ નડી હતી. પોણાબે ટકાની નરમાઈમાં બૅન્કેક્સ ૨૮,૮૮૨ અને બૅન્ક નિફ્ટી ૨૫,૪૬૩ના મથાળે બંધ રહ્યા હતા. સેન્સેક્સના હેવીવેઇટ્સ સ્ટૉકમાં તાતા સ્ટીલ ૧.૮ ટકા વધ્યો હતો.

આજે મોટા ભાગનાં વૈશ્વિક બજારો તૂટ્યાં હતાં. એશિયન માર્કેટમાં અડધાથી ૪.૨ ટકા સુધીનો ભૂકંપ આવ્યો હતો. તો રનિંગ ક્વોટમાં યુરોપિયન માર્કેટ એકથી બે ટકા જેટલું ડાઉન હતું. અમેરિકન શૅરબજારમાં આવેલા ભૂકંપના આંચકા યુરોપિયન અને એશિયન દેશોનાં માર્કેટમાં પણ અનુભવાયાં હતાં. આ આંચકા આફ્ટરશૉક છે કે આગામી મોટા ભૂકંપ પૂર્વેના સંકેત એ કહેવું હવે મુશ્કેલ થઈ ગયું છે.

સિંહ બ્રધર્સની એક્ઝિટ પાછળ ફોર્ટિસમાં તેજી


તોફાની કે વિવાદાસ્પદ છાપ ધરાવતા સિંહ બ્રધર્સ અર્થાત મલવિન્દર સિંહ અને શિવિન્દર સિંહને અંતે ફોર્ટિસ હેલ્થકૅર તેમ જ ફોર્ટિસ મલબારના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે. અન્ય કંપની રેલિગેર પણ તેમને છોડવી પડશે એમ લાગે છે. તેમનાં રાજીનામાં પછી ફૂટેલા નવા ફણગા પ્રમાણે આ બન્ને ભાઈઓએ બોર્ડની કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ફોર્ટિસમાંથી ૭૮૦ લાખ ડૉલર એટલે કે આશરે ૫૦૦ કરોડ રૂપિયા ઘરભેગા કર્યા હોવાનું બહાર આવ્યું છે. ઍની વે, સિંહ બ્રધર્સની એક્ઝિટને તેમના શૅરના ભાવ જોતા બજારે વધાવી લાગે છે. ફોર્ટિસ હેલ્થકૅરનો ભાવ ગઈ કાલે સાડાછ ગણા કામકાજમાં ઉપરમાં ૧૫૭ રૂપિયા વટાવી છેલ્લે સાડાસત્તર ટકાના ઉછાળે ૧૪૮ રૂપિયા બંધ હતો. કંપનીમાં સિંહ બ્રધર્સનું હોલ્ડિંગ ૩૪.૪ ટકા છે એમાંથી સવાઅઠ્ઠાણું ટકા માલ ગિરવી છે. ફોર્ટિસ મલબાર હૉસ્પિટલ પ્રમોટર્સ ફોર્ટિસ હૉસ્પિટલ્સ ૬૨.૯ ટકા હિસ્સો ધરાવે છે. એનો ભાવ ગઈ કાલે આઠ ગણા કામકાજમાં ઉપરમાં ૬૬ રૂપિયા નજીક જઈ અંતે ૯.૫ ટકાની મજબૂતીમાં ૬૨ રૂપિયા હતો, જ્યારે રેલિગેર એન્ટરપ્રાઇઝિસ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૦ રૂપિયા નજીક હતો. છેલ્લે બે લાખ શૅરના બાયર ઊભા હતા. આ કંપનીમાં પ્રમોટર્સ સિંહ બ્રધર્સ ૧૩ ટકા હિસ્સો ધરાવે છે. એમાંથી ૮૪ ટકા શૅર ગિરવી પડ્યા છે.

અઢી વર્ષ બાદ સેઇલ પ્રથમ વાર નફામાં

PSU સ્ટીલ જાયન્ટ સેઇલ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની ૭૯૫ કરોડ રૂપિયાની નેટ લૉસ સામે આ વખતે ૪૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. કંપનીનાં છેલ્લાં ૧૦ ક્વૉર્ટરની સળંગ ખોટ બાદ આ પ્રથમ વખતનો નફો છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૯૪ રૂપિયા વટાવી અંતે નવ ટકાના જમ્પમાં ૯૪ રૂપિયા નજીક બંધ હતો. ગ્લેનમાર્ક ફાર્માએ ૭૮ ટકાના ધબડકામાં ૧૦૫ કરોડ રૂપિયા જેવા નેટ પ્રૉફિટ સાથે નબળો ત્રિમાસિક દેખાવ કરતાં શૅર ગઈ કાલે સાડાસાત ગણા કામકાજમાં ૫૨૪ રૂપિયાના તળિયે ગયો હતો જે ૧૯ મે ૨૦૧૪ પછીની બૉટમ છે. ભાવ છેલ્લે સાડાસાત ટકાની ખરાબીમાં ૫૩૫ રૂપિયા રહ્યો હતો. PSU ઑઇલ રિફાઇનરી હિન્દુસ્તાન પેટ્રોલિયમે અગાઉના ૧૫૯૦ કરોડ રૂપિયા સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૯૫૦ કરોડ રૂપિયા જેવો નેટ પ્રૉફિટ મેળવી ધારણાં કરતાં સારાં પરિણામ સાથે ૧૪૫ ટકાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૧ માર્ચ છે. શૅર રિઝલ્ટના પગલે ૩૮૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊછળી ૪૦૪ રૂપિયા વટાવી પ્રૉફિટ બુકિંગમાં સવા ટકા જેવા ઘટાડે ૩૯૫ રૂપિયા બંધ હતો. પ્રાઇસ મેનિપ્યુલેશનના કથિત આરોપમાં બજાર સત્તાવાળાના રડારમાં આવી ગયેલી વકરાંગીનો ભાવ કામકાજના છેલ્લા નવ દિવસમાં ૬૨ ટકા ગગડીને ૫૦૫ રૂપિયા પરથી ૧૯૨ રૂપિયા થઈ ગયા બાદ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૦૨ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ દોઢું હતું. છેલ્લે પાંચેક લાખ શૅરના બાયર લાઇનમાં દેખાતા હતા.

સ્ટેટ બૅન્ક રિઝલ્ટ પૂર્વે નરમાઈમાં

બૅન્કિંગ જાયન્ટ PSU સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ગઈ કાલે ત્રિમાસિક પરિણામ પૂર્વે આરંભથી અંત સુધી રેડ ઝોન પકડી રાખતાં ૨૯૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ છેલ્લે ૧.૭ ટકા ઘટીને ૨૯૬ રૂપિયા બંધ રહ્યો છે. બજારની ધારણા સ્ટૅન્ડઅલોન ધોરણે ૨૯ ટકાના ઘટાડામાં ૧૮૫૪ કરોડ રૂપિયા જેવા ચોખ્ખા નફાની છે. બૅન્ક ઑફ બરોડાનાં ત્રિમાસિક પરિણામ પણ ગઈ કાલે બંધ બજારે અપેક્ષિત હતાં. શૅર ત્રણ વાગ્યા સુધી સતત માઇનસ ઝોનમાં હતો. ૧૫૨ રૂપિયાની બૉટમ બની હતી. ત્રણ વાગ્યા પછી ઝડપી ઉછાળામાં ભાવ ૧૫૮ રૂપિયા વટાવી છેલ્લે નહીંવત વધીને ૧૫૬ રૂપિયા બંધ આવ્યો છે. ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી પોણાબે ટકાની આસપાસ ઢીલા હતા. PSU બૅન્ક નિફ્ટીની સવા ટકાની પીછેહઠ સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી પોણાબે ટકાથી વધુ ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી ૧૫ શૅર વધ્યા હતા. છ ટકા પ્લસની તેજી સાથે આગલા દિવસે અત્રે મોખરે રહેલો IDBI બૅન્ક ગઈ કાલે પણ સવાબે ટકાની આગેકૂચમાં ૬૩ રૂપિયા પ્લસ બંધ આપી વિશેષ ઝળક્યો હતો. વિજયા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, Dઘ્ગ્ બૅન્ક સવાથી પોણાબે ટકા અપ હતા. ધનલક્ષ્મી બૅન્ક પાંચ ટકાથી વધુ તૂટ્યો હતો. HDFC બૅન્ક દોઢ ટકા, ICICI બૅન્ક બે ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક પોણાબે ટકા, યસ બૅન્ક પોણાત્રણ ટકા અને ઍક્સિસ બૅન્ક દોઢ ટકો તથા ઇન્ડસઇન્ડ બૅન્ક પોણા ટકાથી વધુ ઘટીને બંધ આવતાં સેન્સેક્સને કુલ મળીને ૧૯૨ પૉઇન્ટનો માર ગઈ કાલે પડ્યો છે.

તાતા સ્ટીલના નફામાં પાંચ ગણો વધારો


તાતા સ્ટીલ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૨૩૨ કરોડ રૂપિયા સામે આ વખતે ૧૧૩૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. જોકે બજારની એકંદર અપેક્ષા ૧૪૫૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની હતી. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૮૮ રૂપિયા વટાવી છેલ્લે પોણાબે ટકા પ્લસના સુધારામાં ૬૮૪ રૂપિયા નજીક બંધ હતો. દરમ્યાન શુગર શૅરમાં આયાત-જકાત બેવડાઈને ૧૦૦ ટકા થતાં સળંગ ત્રીજા દિવસે મજબૂતી જોવાઈ છે. ઉદ્યોગના ૩૩ શૅરમાંથી ૭ શૅર નરમ હતા. રિગા શુગર, સિમ્ભોલી શુગર અને ઇન્ડ શુગર દોઢથી પોણાચાર ટકા ડાઉન હતા. સામે અવધ શુગર તગડા કામકાજમાં સવાતેર ટકાની તેજીમાં ૭૬૪ રૂપિયા બંધ હતો. ઉત્તમ શુગર સાડાઅગિયાર ટકાની મજબૂતીમાં ૧૨૮ રૂપિયા હતો. સર શાદીલાલ, મવાણા શુગર, કેસર એન્ટરપ્રાઇઝિસ, ધરણી શુગર, ધામપુર સ્પેશ્યલિટી, રાજશ્રી શુગર, દાલમિયા શુગર જેવી જાતો સાડાચારથી સાડાસાત ટકા ઊંચકાઈ હતી. ગુરુવારે ખાસ્સા મજબૂત રહેલા સિમેન્ટ શૅરમાં ગઈ કાલે એકંદર પીછેહઠનું વલણ જોવાયું છે. ઉદ્યોગના ૧૪ શૅર વધ્યા હતા સામે ૩૦ શૅર નરમ હતા. 

Comments (1)Add Comment
...
written by R T Shah, February 10, 2018
Anil Patel is giving unbiased neutral comments.I like to read his articles.Anilbhai do write about IPO separately one two liner if possible.
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK