ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિકમાં સેન્સેક્સ, નિફ્ટી અને માર્કેટકૅપ નવા ઊંચા શિખરે

બાયબૅક પ્રાઇસ પાછળ આરતી ડ્રગ્સમાં કરન્ટ, યુનિકેમમાં વસવસો : ગ્લોબલ બ્રોકરેજ હાઉસના બેરિશ વ્યુ પાછળ ICICI લોમ્બાર્ડ લથડ્યો : રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણેક ટકાના ઉછાળે નવી ઊંચી સપાટીએ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

પ્રી-બજેટ રૅલીનાં મંડાણ થઈ ચૂક્યાં હોય તેમ જ શૅરબજારમાં સળંગ ત્રીજા દિવસે ઑલટાઇમ હાઈનો સિલસિલો જારી રહ્યો છે. સેન્સેક્સ ૩૪,૪૮૮ થયા બાદ ૯૦ પૉઇન્ટની આગેકૂચમાં ૩૪,૪૪૩ તથા નિફ્ટી ૧૦,૬૫૯ની ટૉપ બાદ ૧૩ પૉઇન્ટ વધીને ૧૦,૬૩૭ બંધ આવ્યા છે. આ સાથે BSEનું માર્કેટકૅપ પણ ૧૫૪.૮૯ લાખ કરોડ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૩ તો નિફ્ટીના ૫૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. નૉન કોકિંગ કોલ કે થર્મલ ગ્રેડ કોલના ભાવવધારા મારફત ચાલુ નાણાં વર્ષમાં ૧૯૫૬ કરોડ રૂપિયા તથા સમગ્ર વર્ષની રીતે ૬૪૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી લેવાની કવાયત પાછળ કોલ ઇન્ડિયા પોણાછ ટકા જેવી તેજીમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. બાય ધ વે, કોલ ઇન્ડિયાનો લાભ પાવર કંપનીઓની ઇન્પુટ કોસ્ટ કે ઉત્પાદનખર્ચના વધારામાં પરિણમશે. ગ્રાહકોએ હવે પછી વીજળીના વધુ દામ ચૂકવવા પડશે. ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ખાતે ૧૯માંથી ફક્ત ચાર શૅર વધ્યા હતા. સુઝલોન સાડાચાર ટકાની તેજીમાં મોખરે હતો. રિલાયન્સ પાવર સાડાચારથી છ ટકા કટ થયો હતો. અદાણી પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, JSW એનર્જી, GMR ઇન્ફ્રા, તાતા પાવર જેવી જાતો સવાથી સવાત્રણ ટકા ડાઉન હતી. મિડ કૅપ તેમ જ સ્મૉલ કૅપ બેન્ચમાર્ક નવા બેસ્ટ લેવલે ગયા બાદ હળવા પ્રૉફિટ-બુકિંગમાં સુસ્ત બંધ આવ્યા છે. માર્કેટ-બ્રેડ્થમાં ઘણા દિવસ પછી થોડીક નબળાઈ જોવા મળી છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ગઈ કાલે પણ દોઢેક ટકાની નજીકની નરમાઈમાં વસ્ર્ટ પર્ફોર્મર બન્યો છે. સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૯ ટકાની તેજીમાં ૨૭૧૮ના નવા મલ્ટિયર શિખરે બંધ આવ્યો છે. DLF, ગોદરેજ  પ્રૉપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ જેવા શૅર નવી ઐતિહાસિïક ઊંચી સપાટીએ બંધ હતા. એક આર્યજનક ઘટનામાં રોજના માંડ ૬૫૦૦ શૅર સામે ૩.૪૧ લાખ શૅરના કામકાજમાં કૉફી ડે એન્ટરપ્રાઇઝિસ ૩૨૪ રૂપિયાના વર્ષના શિખરે બંધ રહ્યો છે. બાય ધ વે, ગઈ કાલે BSE ખાતે ૪૦૩ શૅર તેજીની સર્કિટે તો ૧૮૩ કાઉન્ટર મંદીની સર્કિટમાં બંધ હતાં.

ICICI લોમ્બાર્ડમાં મેકવાયરનો બેરિશ વ્યુ

જનરલ ઇન્શ્યૉરન્સ બિઝનેસમાં પ્રવૃત્ત ICICI લોમ્બાર્ડમાં ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મેકવાયર દ્વારા ૫૬૫ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી થવાના પગલે શૅર ગઈ કાલે ચાર ગણાથી વધુના કામકાજમાં ૭૭૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે સાત ટકાની ખરાબીમાં ૭૮૮ રૂપિયા બંધ રહ્યો છે. મિડ સપ્ટેમ્બરમાં શૅરદીઠ ૬૬૧ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે IPO આવ્યો હતો. શૅર સોમવારે ૮૫૦ રૂપિયા નજીકની વિક્રમી સપાટીએ ગયો હતો. ICICI પ્રૂડેન્શ્યલ લાઇફ ગઈ કાલે બમણા કામકાજમાં ૪૨૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૧૦ રૂપિયા થઈ છેલ્લે સહેજ વધી ૪૧૨ રૂપિયા બંધ હતો. ICICI બૅન્ક અડધો ટકો ડાઉન હતો. HDFC-સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યૉરન્સ સામા પક્ષે અઢી ગણા વૉલ્યુમમાં ૪૪૮ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી ૩.૪ ટકાની મજબૂતીમાં ૪૩૬ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ નિપ્પોન લાઇફ ઍસેટ્સ કંપની ૩૦૦ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૯૧ રૂપિયા થઈ સવા ટકાની નરમાઈમાં ૨૯૪ રૂપિયા, SBI લાઇફ ઇન્શ્યૉરન્સ ૭૨૦ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ બે ટકા વધીને ૭૧૮ રૂપિયા તો જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન પાંખા કામકાજમાં નામકે વાસ્તે વધ-ઘટમાં ૭૭૨ રૂપિયા બંધ હતો. આ શૅરનો IPO મિડ ઑક્ટોબરમાં શૅરદીઠ ૯૧૨ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસથી થયો હતો.

સોલર પાવર શૅર ડિમાન્ડમાં દેખાયા

ઘરઆંગણાના ઉત્પાદકોની માગણીને અનુલક્ષી તેમને રક્ષણ આપવા સરકાર ચાઇના તથા મલેશિયાથી આયાત થતા સોલર સેલ તેમ જ મૉડ્યુલ્સ પર ૭૦ ટકાની સેફગાર્ડ ડ્યુટી કે ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી નાખવા વિચારી રહી હોવાના અહેવાલ પાછળ સોલર પાવર બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના શૅર ગઈ કાલે ડિમાન્ડમાં આવ્યા હતા. વેબસોલ એનર્જી સિસ્ટમ્સ ત્રણેક ગણા કામકાજમાં ૧૭૨ રૂપિયાનું બેસ્ટ લેવલ બતાવી છેલ્લે ૧૦ ટકાના જમ્પમાં ગઈ કાલે ૧૬૬ રૂપિયા બંધ રહ્યો છે. વર્ષ પૂર્વે ભાવ ૪૩ રૂપિયાની અંદર હતો. ઇન્ડોસોલર લિમિટેડ સવાચૌદ રૂપિયાની વર્ષની ટૉપ બનાવી અંતે અઢી ગણા કામકાજમાં અઢી ટકા વધીને ૧૪ રૂપિયા નજીક તથા ઉજાસ એનર્જી ૨૯ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકાના સુધારામાં ૨૭ રૂપિયા ઉપર હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ પણ મુન્દ્રા સોલાર ટીવી લિમિટેડ નામની સબસિડિયરી મારફત સોલાર મોડ્યુલ્સ / સેલ બિઝનેસમાં પ્રવૃત્ત છે. એનો શૅર નહીંવત ઘટાડે ૧૯૬ રૂપિયા હતો. સુરાણા સોલર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૦ રૂપિયા થઈ અંતે ચાર ટકાના ઉછાળે ૧૯ રૂપિયા બંધ હતો. દરમ્યાન પ્રમોટર્સનું ૭૪.૨૨ ટકા હોલ્ડિંગ ધરાવતી ચેન્નઈ બેઝ્ડ IT કંપની પૉલારીસ કન્સલ્ટિંગ ગઈ કાલે ૪૧૦ રૂપિયાની સવાસાત વર્ષની ઊંચી સપાટી બતાવી છેલ્લે એક ટકા ઘટી ૩૯૬ રૂપિયા બંધ રહ્યો છે. સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટેની ઑફરમાં ફ્લોર પ્રાઇસ ૨૩૨ રૂપિયા જેવી રખાઈ હતી. ભાવ એનાથી ઘણો વધી ગયો છે અર્થાત કંપનીની સ્વૈચ્છિક ડીલિસ્ટિંગની યોજના પાર પડવાની નથી.

આરતી ડ્રગ્સમાં આવ્યો બાયબૅકનો કરન્ટ

ફાર્મા કંપની આરતી ડ્રગ્સ દ્વારા શૅરદીઠ ૮૭૫ રૂપિયા સુધીના ભાવે મહત્તમ ૨.૭૦ લાખ શૅર બાયબૅક કરવાનું નક્કી થતાં શૅર પાંચેક ગણા કામકાજમાં ગઈ કાલે ઉપરમાં ૭૮૫ રૂપિયા થયો હતો. જે એપ્રિલ ૨૦૧૫ પછીની ઊંચી સપાટી છે. ઑલટાઇમ હાઈ ૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ ૮૧૪ રૂપિયા નજીકની જોવાઈ હતી. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૭૨ રૂપિયા છે. ભાવ ગઈ કાલે છેલ્લે પાંચેક ટકાની મજબૂતીમાં ૭૬૭ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૨.૫ ટકા જેવું છે. દરમ્યાન ગ્રુપ કંપની આરતી ઇન્ડસ્ટ્રી કે જેમાં ડિસેમ્બરના અંતે શૅરદીઠ ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅકની જાહેરાત કરાઈ હતી. એનો ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૧૭૦ રૂપિયા થઈ છેલ્લે દોઢ ટકાની નરમાઈમાં ૧૧૩૧ રૂપિયા હતો. આ કંપનીમાં પ્રમોટર્સ ગોગારી પરિવારનું હોલ્ડિંગ ૫૩.૭ ટકાનું છે. અન્ય ગુજ્જુ ફાર્મા કંપની યુનિકેમ લૅબ્સ દ્વારા મહત્તમ ૨૦૬ લાખ શૅરને કુલ ૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે શૅરદીઠ ૪૩૦ રૂપિયાના ભાવે બાયબૅક કરવાની જાહેરાતમાં ભાવ સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૩૮૨ રૂપિયાની વિક્રમી સપાટી બાદ ઘટાડાની ચાલ જાળવી રાખતાં ગઈ કાલે નીચામાં ૩૫૬ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાની નબળાઈમાં ૩૫૯ રૂપિયા બંધ રહ્યો છે. આ કંપની દ્વારા એનો ભારત તેમ જ નેપાલ ખાતેનો ફાર્મા બિઝનેસ આશરે ૩૬૦૦ કરોડ રૂપિયામાં ટૉરન્ટ ફાર્માને તાજેતરમાં વેચવામાં આવ્યો છે. એના લીધે ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ અગાઉના ૨૬ કરોડ રૂપિયાની ખોટ સામે આ વખતે ૨૫૦૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. બાય ધ વે, ઑપરેટિંગ લેવલે કંપનીની ખોટ આ ગાળામાં ૧૫૫૮ લાખ રૂપિયાથી વધીને ૫૭૯૬ લાખ રૂપિયાને વટાવી ગઈ છે.

NMDC ઑફર ફૉર સેલમાં મુરઝાયો


PSU માઇનિંગ કંપની NMDCમાં આગલા દિવસના ૧૬૨ રૂપિયા નજીકના બંધ ભાવ સામે શૅરદીઠ ૧૫૩.૫૦ રૂપિયાના ભાવની ઑફર ફૉર સેલ ગઈ કાલથી શરૂ થતાં શૅર ગઈ કાલે નીચામાં ૧૫૪ રૂપિયા થઈ છેલ્લે સાડાચાર ટકાની નરમાઈમાં ૧૫૫ રૂપિયા જેવો બંધ રહ્યો છે. સરકાર દોઢ ટકાનું હોલ્ડિંગ ઑફર ફૉર સેલ મારફત વેચીને આશરે ૭૫૦ કરોડ રૂપિયા ઊભા કરવા ધારે છે. એક રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૭૧ રૂપિયા પ્લસ છે. કંપનીમાં સરકારનું હોલ્ડિંગ હાલમાં ૭૪.૯૪ ટકાનું છે. LIC પાસે ૧૨.૩ ટકા માલ છે. જાન્યુઆરી ૨૦૧૦માં ભાવ ૫૩૩ રૂપિયા પ્લસની વિક્રમી સપાટીએ ગયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬માં શૅરમાં ૭૯ રૂપિયા નીચેનું ઑલટાઇમ તળિયું બન્યું હતું. ઑફર ફૉર સેલના ઓવર સબસ્ક્રિપ્શનના કેસમાં વધુ દોઢ ટકાનો ગ્રીન-શુ ઑપ્શન છે. એનો અમલ થાય તો ડાઇવેસ્ટમેન્ટ ત્રણ ટકા સુધી જઈ શકે છે. રીટેલ ઇન્વેસ્ટર્સને ઑફર ફૉર સેલમાં જે કટ-ઑફ પ્રાઇસ નક્કી થાય એમાં પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. અન્ય માઇનિંગ શૅરમાં ગઈ કાલે સાંડુર મૅન્ગેનીઝ સવાબે ટકા તથા ઓડિશા મિનરલ અડધો ટકો નરમ તેમ જ MOIL પોણો ટકો અપ હતા. ટ્વેન્ટી માઇક્રોન્સ દોઢ ટકા તો આશાપુરા માઇનકેમ એક ટકા વધ્યા હતા. કોલ ઇન્ડિયા દ્વારા નૉન-કોકિંગ કોલના ભાવ પાંચ ટકા વધારવામાં આવતાં શૅર ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૩૧૦ રૂપિયા થઈ અંતે સાડાપાંચ ટકાની તેજીમાં ૩૦૪ રૂપિયા બંધ હતો. GMDCમાં દોઢ ટકા તથા વેદાન્તમાં પોણા ટકાની નબળાઈ હતી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK