એક વધુ ટ્રિપલ સેન્ચુરી સાથે શૅરબજારમાં બાઉન્સબૅક પાર્ટી

યુનિટેકમાં મૅનેજમેન્ટ હસ્તગત કરવા સરકાર સક્રિય, શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ : ફ્યુચર ગ્રુપના શૅરોમાં વૉલ્યુમ સાથે તગડા જમ્પ : માત્ર બાર કલાકમાં બિટકૉઇનમાં આઠ હજાર ડૉલરની ઊથલપાથલ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગુજરાતના રસાકસીભર્યા ચુનાવી માહોલ વચ્ચે પણ સત્તારૂઢ પક્ષ જીતશે એવા વરતારાથી શૅરબજારમાં પ્રત્યાઘાતી સુધારાની ચાલ આગળ વધી છે. સેન્સેક્સ બૅક-ટુ-બૅક ટ્રિપલ સેન્ચુરીમાં ગઈ કાલે ૩૦૧ પૉઇન્ટની મજબૂતીમાં ૩૩,૨૫૦ બંધ રહ્યો છે. નિફ્ટી ૯૯ (પૉઇન્ટ)ના એક વધુ ઘામાં ૧૦,૨૬૫ને વટાવી ગયો છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ કાઉન્ટર વધીને બંધ હતાં. હેવીવેઇટ્સમાં ITC સાડાત્રણ ટકાની તેજીમાં ૩૬૨ રૂપિયા નજીક બંધ રહી બજારને સર્વાધિક ૭૮ પૉઇન્ટ લાભદાયી બન્યો હતો. HDFC ટ્વિન્સની તેજીથી એમાં બીજા ૧૦૩ પૉઇન્ટ ઉમેરાયા હતા. મતલબ કે ત્રણ શૅર થકી માર્કેટને ગઈ કાલે ૧૮૦ પૉઇન્ટથી વધુનો ફાયદો થયો છે. FMCG ઇન્ડેક્સ ગઈ કાલે સવાબે ટકાની મજબૂતીમાં ૨૩૦ પૉઇન્ટ વધ્યો એમાં એકલી ITCનો ફાળો ૧૪૦ પૉઇન્ટનો હતો. બજારના તમામ સેક્ટોરિયલ બેન્ચમાર્ક ગઈ કાલે પૉઝિટિવ ઝોનમાં રહ્યા છે. ગઈ કાલે પેપર ઉદ્યોગના શૅર ખાસ્સા ફૅન્સીમાં હતા. જે. કે. પેપર, પદમજી પેપર, રેઇનબો પેપર, પદમજી પલ્પ, બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ, બાલક્રિષ્ણ પેપર, સેશાષયી પેપર, રુચિરા પેપર, શ્રી રામા ન્યુઝપ્રિન્ટ, તામિલનાડુ ન્યુઝપ્રિન્ટ, સ્ટાર પેપર, વેસ્ટ કોસ્ટ પેપર, માલુ પેપર ઇત્યાદિ ચાર ટકાથી લઈને લગભગ સોળ ટકા સુધી વધીને બંધ આવ્યા છે.

બિટકૉઇનમાં નિરંકુશ બનતી ઊથલપાથલ

વિકાસની તો ખબર નથી, પરંતુ ક્રિપ્ટોકરન્સી માર્કેટ અને ખાસ કરીને બિટકૉઇનમાં તો તેજી રીતસર ગાંડી થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૪,૨૩૫ ડૉલરથી ઊછળીને ૧૯,૬૯૭ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ નીચામાં ૧૩,૭૧૮ ડૉલર બનાવી આ લખાય છે ત્યારે ૧૫,૩૬૦ ડૉલર આસપાસ ચાલી રહ્યો છે. મતલબ કે ૨૪ કલાકમાં વધ-ઘટનો ગાળો બાર હજાર ડૉલર નજીકનો આવે છે. ભારતીય કરન્સીમાં બિટકૉઇન ૧૨.૪૦ લાખ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી રનિંગ ક્વોટમાં ૧૦.૩૭ લાખ રૂપિયા ચાલતો હતો. નીચામાં એ ૮.૭૯ લાખ રૂપિયા થઈ ગયો હતો. સૌથી મોટું તોફાન ગુરુવારની રાતે અને શુક્રવારની વહેલી સવારે દોઢેક કલાકનો ગાળો કાતિલ અફરાતફરીનો હતો જેમાં બિટકૉઇન ૧૬,૦૦૦થી ૧૯,૬૯૭ થઈને નીચામાં ૧૪,૫૦૦ ડૉલર આસપાસ આવી ગયો હતો. સાદી ભાષામાં કહીએ તો દર મિનિટે સરેરાશ ૮૦ ડૉલર એટલે કે પ્રત્યેક સેકન્ડે આશરે સવા ડૉલરનો વધારો કે ઘટાડો આ ગાળામાં નોંધાયો હતો. આવી ઊથલપાથલ ગાંડપણ જ કહી શકાય. ભારતીય ચલણમાં આ ૯૦ મિનિટ દરમ્યાન બિટકૉઇનમાં સાડાચાર લાખ રૂપિયાની અફરાતફરી નોંધાઈ હતી.

યુનિટેકમાં સરકારની એન્ટ્રીની હિલચાલ

રિયલ્ટી કંપની યુનિટેકમાં વર્તમાન પ્રમોટર્સ તથા મૅનેજમેન્ટ દ્વારા મોટાપાયે મિસમૅનેજમેન્ટ તથા ફન્ડ-ડાયવર્ઝનના પગલે સરકાર તરફથી કંપનીના હાલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને સસ્પેન્ડ કરી નવું બોર્ડ રચવાની તથા વહીવટ હસ્તગત કરવાની માગણીને નાદારીની કોર્ટ તરફથી લીલી ઝંડી મળી છે. કંપની પાસે ૧૫,૦૦૦ જેટલા નાના થાપણદારોના લગભગ ૬૦૦ કરોડ રૂપિયા સલવાયા છે. ૧૯,૦૦૦ જેટલા હોમ બાયર્સ તેમના રહેઠાણ માટે ઝૂરે છે. વધુમાં ૯૦૦ કરોડ રૂપિયાનું ડિબેન્ચર્સધારકો તથા બૅન્કોનું લેણંહ ઝૂલે છે. સરકારની આ કારવાઈના પગલે ગઈ કાલે યુનિટેકનો શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭.૨૯ રૂપિયા બંધ હતો. રોજના સરેરાશ ૧૫.૪૩ લાખ શૅર સામે વૉલ્યુમ ૧૯૧ લાખ શૅરનું BSE ખાતે જોવાયું હતું અને છેલ્લે ૨૦ લાખ શૅરના બાયર ઊભા હતા. NSE ખાતે ૧૨૭૪ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ભાવ ૭.૩૦ રૂપિયા બંધ હતો. લગભગ ૯૯ લાખ શૅરના બાયર લાઇનમાં હતા. યુનિટેકના પ્રમોટર્સ તરફથી ઉક્ત કારવાઈ સામે કોર્ટમાં જવાનું નક્કી થયું છે. મામલો લાંબી કાનૂની લડાઈનો બનવાનો છે.

મારુતિ હૅટ-ટ્રિકમાં ૯૧૦૦ રૂપિયાની પાર


મારુતિ સુઝુકી સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં રોજના સરેરાશ ૩૨,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૨.૮૮ લાખ શૅરના કામકાજમાં ૯૧૨૦ રૂપિયા નજીક એક ઓર વિક્રમી સપાટી હાંસલ કરી પોણાબે ટકાની મજબૂતીમાં ૯૦૪૧ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે. લગભગ વર્ષ પૂર્વે, ૨૩ ડિસેમ્બરે શૅર ૫૦૪૨ રૂપિયા હતો. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૧૨૨૮ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીમાં મેઇડન બોનસ અને/અથવા શૅર-વિભાજન ગમે ત્યારે આવી શકે છે. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે પણ ૧૪માંથી ૧૦ શૅરના સુધારામાં એક ટકો જેવો વધ્યો છે. તાતા મોટર્સ સવાબે ટકાની નજીક ઊંચકાઈને ૪૧૧ રૂપિયા બંધ હતો. બજાજ ઑટો, આઇશર મોટર્સ, મહિન્દ્ર, અશોક લેલૅન્ડ અડધા ટકાથી દોઢેક ટકાની આજુબાજુ પ્લસ હતા. ઑટો ટાયર સેગમેન્ટમાં એકંદર સુધારો હતો. બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ગણા કામકાજમાં ૨૪૫૦ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે આઠેક ટકા કે ૧૭૫ રૂપિયાના ઉછાળે ૨૪૧૬ રૂપિયા રહ્યો હતો. અપોલો ટાયર્સ, MRF, ગુડયર, મોદી રબર, સિએટ એકથી સવાબે ટકા વધેલા હતા. પિક્સ ટ્રાન્સમિશનમાં પાંચ ટકાથી વધુની તેજી હતી.

જેટ ઍરવેઝમાં નબળા પરિણામનો વસવસો


જેટ ઍરવેઝ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૯૧ ટકાના ધોવાણમાં ૫૦ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં સાડાચાર ટકા તૂટીને ૬૬૫ રૂપિયા બંધ રહ્યો છે. નફામાં ધોવાણ માટે જેટ ફ્યુઅલનો ભાવવધારો મહત્વનું કારણ બન્યો છે. અન્ય એવિયેશન શૅરમાં સ્પાઇસજેટ દોઢા વૉલ્યુમમાં ઉપરમાં ૧૪૬ રૂપિયા થઈ છેલ્લે સવાત્રણ ટકા વધીને ૧૪૫ રૂપિયા પ્લસ તો ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન પાંચ ગણા કામકાજમાં ૧૧૯૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે પાંચેક ટકાના જમ્પમાં ૧૧૮૦ રૂપિયા બંધ હતા. બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૧૯ શૅર પ્લસ તો એટલા જ શૅર માઇનસ હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને IDFC બૅન્ક જૈસે-થે હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી પાંચ શૅરની નરમાઈમાં એક ટકાથી વધુ ઊંચકાયો હતો. જોકે PSU બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરની નબળાઈમાં ૦.૪ ટકા માઇનસ જોવાયો છે. સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી સવા ટકાથી વધુના સુધારામાં હતો. HDFC બૅન્ક પોણાબે ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો, ICICI બૅન્ક દોઢ ટકો તથા કોટક મહિન્દ્ર બૅન્ક પોણો ટકો વધીને આવતાં સેન્સેક્સને ૧૧૮ પૉઇન્ટનો ફાયદો થયો છે.

ફ્યુચર કન્ઝ્યુમરમાં મૉર્ગન બુલિશ

ફ્યુચર કન્ઝ્યુમરમાં મૉર્ગન સ્ટેન્લી દ્વારા ૯૧ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં શૅર દસ ગણા વૉલ્યુમમાં ૬૯ રૂપિયાના નવા શિખરે જઈ છેલ્લે ૧૬ ટકા જેવા જમ્પમાં ૬૮ રૂપિયા નજીક બંધ હતો. ૬ રૂપિયાની ફેસવૅલ્યુવાળું આ કાઉન્ટર ૨૬ ડિસેમ્બરે ગયા વર્ષે ૧૯ રૂપિયા ચાલતું હતું. ફ્યુચર ગ્રુપના અન્ય શૅરમાં ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ ચાર ગણા કામકાજમાં દસ ટકાના ઉછાળે ૫૫ રૂપિયા, ફ્યુચર એન્ટરપ્રાઇઝિસનો DVR સવાનવ ટકાની તેજીમાં ૫૪ રૂપિયા, ફ્યુચર માર્કેટ નેટવર્ક રોજના સેરરાશ ૫૦૫૨ શૅર સામે ૧.૫૨ લાખ શૅરના વૉલ્યુમમાં ૧૮ ટકાનો જમ્પ મારીને ૧૫૫ રૂપિયા તથા ફ્યુચર રીટલે બે ટકા ઊંચકાઈને ૫૨૮ રૂપિયા બંધ હતા. ફ્યુચર લાઇફ નજીવા ઘટાડે ૩૫૧ રૂપિયાની નીચે હતો. આગલા દિવસના વીસેક ટકાના કડાકામાં ૯૫ રૂપિયાનો બંધ આપનાર ૬૩ મૂન્સ ટેક્નૉલૉઝિસ ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૦૨ રૂપિયા અને નીચામાં ૯૧ રૂપિયા બતાવી છેલ્લે દોઢ ટકો વધીને ૯૬ રૂપિયા પ્લસ બંધ આવ્યો છે. અનિલ ગ્રુપની R.કૉમ બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૨ રૂપિયા વટાવી અંતે પોણાપાંચ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં પોણાબાર રૂપિયા હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK