ક્રૂડના ભાવની વધતી ફિકરમાં શૅરબજારમાં ઘટાડાની આગેકૂચ

નબળાં પરિણામોમાં અરવિંદ અને GNFCમાં મોટો કડાકો : નરમ બજારમાં રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ વૉલ્યુમ સાથે બાઉન્સબૅક: નૅશનલ પેરૉક્સાઇડમાં કર્મચારી દ્વારા મોટી ગોલમાલમાં શૅર ટોચથી ૫૦૦ રૂપિયા તૂટી ગયો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૬૪ ડૉલરની અઢી વર્ષની ટોચે ગયા બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં ૬૩ ડૉલર આસપાસ આવી ગયું છે, પરંતુ ત્રણથી છ મહિનામાં ક્રૂડ ૭૦ ડૉલર થવાના વરતારા વધી ગયા છે. જો આ આશંકા સાચી ઠરે તો સત્તાસ્થાને આવ્યા પછી અત્યાર સુધી ઇલેક્શન-મોડમાંથી બહાર નહીં આવેલી અને ચાર તંત્રના જોરે આર્થિક વિકાસની ડંફાસ મારતી રહેલી NDA સરકારની હાલત બગડી જવાની છે. સરકારનું તો જે થવું હશે એ થશે, પરંતુ નોટબંધી અને GSTનાં અળવિતરાં પગલાંથી અર્થતંત્ર સ્લોડાઉનનો ભોગ બની ગયું છે એનું શુ થશે? અને નક્કર ફન્ડામેન્ટલ્સને અવગણીને શૅજાર અત્યાર સુધી વચ્યુર્અનલ રિયલિટીમાં તેજીના ઘોડા પર સવાર છે એ કેવું પટકાશે? અમે ફરી કહીએ છીએ કે શૅરબજારમાં કોઈ પણ તેજી યા તો મંદી ક્યારેય આખરી હોતી નથી. તેજી-મંદીની ઘટમાળ અવિરત ચાલ્યા કરે છે, પરંતુ જ્યારે તેજી અવાસ્તવિક, ફન્ડામેન્ટલ્સ વિહોણી બને છે ત્યારે બજારમાં જોખમ ખાસ વધી જાય છે. ઇઝ ડૂઇંગ બિઝનેસમાં ભારત ૩૦ ડગલાંની હરણફાળ સાથે ૧૦૦મા ક્રમે આવી ગયું, સારી વાત છે; પરંતુ છેલ્લા અહેવાલ પ્રમાણે બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સની રીતે ભારત જૂન ક્વૉર્ટરમાં બીજા સ્થાને હતું એ હવે સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે સાતમા ક્રમે હડસેલાયું છે એનું શું? જવા દો, આવી બધી વાતો કરીને આપણે ઍન્ટિ-નૅશનલ નથી થવું યાર!

ગઈ કાલે શૅરબજાર બે વાગ્યા સુધી માંડ ૧૦૦ પૉઇન્ટની સાંકડી રેન્જમાં ઉપર-નીચે થયા બાદ છેલ્લા કલાકની ખરાબીમાં ૩૩,૧૫૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૧૫૨ પૉઇન્ટના ઘટાડાની આગેકૂચમાં ૩૩,૨૧૯ તથા નિફ્ટી ૪૭ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૧૦,૩૦૩ બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૮ તો નિફ્ટીના ૫૦માંથી ૨૭ કાઉન્ટર ઢીલાં હતાં. માર્કેટ-બ્રેડ્થમાં નોંધપાત્ર નબળાઈ જળવાઈ રહી છે. હેવીવેઇટ્સમાં રિલાયન્સ સળંગ પાંચમા દિવસની નરમાઈમાં બે ટકા વધુ ગગડીને ૮૮૮ રૂપિયા બંધ આવતાં બજારને સર્વાધિક ૬૪ પૉઇન્ટની હાનિ થઈ હતી. રૂપિયાની નરમાઈના ઓથે ખેલાડીઓ હાલમાં IT શૅરમાં વળ્યા છે. IT અને એની હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સને બાદ કરતાં ગઈ કાલે BSEના બાકીના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ હતા. TCS, પોલારિસ, એમ્ફાસિસ, ન્યુક્લિયસ, લાર્સન ઇન્ફોટેક, લાર્સન ટેક્નૉલૉજીઝ, KPIT, ઇન્ટ્રાસોટ ઇત્યાદી જેવા IT શૅર નવાં ઐતિહાસિક શિખરે ગયાં છે. IT ઇન્ડેક્સ ૬૦માંથી ૩૨ શૅરની નરમાઈ છતાં ૧૦,૭૯૯ની વર્ષની નવી ટૉપ બતાવી છેલ્લે અડધા ટકાની નજીકના સુધારામાં ૧૦,૭૩૨ બંધ રહ્યો છે.

સ્ટાફની ભાઈગીરી ઇન્ડિગોને નડી...

ઇન્ડિગો ફેઇમ ઍરલાઇન્સ કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનના સ્ટાફ દ્વારા પૅસેન્જર પર હુમલાનો મામલો વાઇરલ થતાં કંપનીનો શૅર ગઈ કાલે ૧૨૧૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૧૪૫ રૂપિયા થઈ છેલ્લે સવાબે ટકા ઘટીને ૧૧૮૨ રૂપિયા બંધ રહ્યો છે. કંપની દ્વારા આ મામલે માફી માગવામાં આવી છે અને ભાઈગીરી પર ઊતરી આવેલા સ્ટાફને પાણીચું પકડાવાયું છે. કેન્દ્રીય એવિયેશન મિનિસ્ટરી પણ હવે પિક્ચરમાં આવી છે અને સમગ્ર મામલાનો રિપોર્ટ મગાવાયો છે. મતલબ કે મુદ્દો રાજકારણનો રંગ પકડશે. ઇન્ડિગોની હરીફ શૅરમાં ગઈ કાલે જેટ ઍરવેઝ ઉપરમાં ૬૨૭ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકા વધીને ૬૨૪ રૂપિયા અંદર બંધ હતો. સ્પાઇસ જેટ ઉપરમાં ૧૪૫ રૂપિયા નજીક જઈ અંતે ૧૪૨ રૂપિયા ફ્લૅટ હતો. હેલિકૉપ્ટર સર્વિસિસ બિઝનેસમાં પ્રવૃત્ત ગ્લોબલ વેક્ટ્રા ૧૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો વધીને ૧૬૨ રૂપિયા બંધ હતો. ક્રૂડની મજબૂતીના લીધે આગામી સમયમાં જેટ ફ્યુઅલના ભાવ વધતા જવાના છે એટલે એવિયેશન શૅરમાં વધ-ઘટે ઘટાડાની ચાલ જોવા મળે તો નવાઈ નહીં.

ભારતી ઍરટેલમાં કતારનું કમઠાણ

ભારતી ઍરટેલમાં કતાર ફાઉન્ડેશનની સહયોગી એવી સિંગાપોર ખાતેની થ્રી પિલર્સ દ્વારા લગભગ ૨૦ કરોડ શૅર એકથી વધુ બ્લૉકડીલ મારફત શૅરદીઠ ૪૭૩થી ૪૯૦ રૂપિયા સુધીના ભાવે વેચાયાના અહેવાલ પાછળ ભાવ ૬.૮ ટકાના આઠેક મહિનાના મોટા કડાકામાં નીચામાં ૪૮૦ રૂપિયા થઈ છેલ્લે પોણાચાર ટકા ગગડી ૪૯૫ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે ગઈ કાલે કુલ મળીને ૩૨.૪૮ કરોડ શૅરના જંગી કામકાજ થયા હતા. થ્રી પિલસેર્ શૅરદીઠ ૩૪૦ રૂપિયાના ભાવે પ્રેફરïન્શિયલ રૂટ મારફત જૂન ૨૦૧૩માં ભારતી ઍરટેલમાં પાંચ ટકા હિસ્સો મેળવ્યો હતો. ગઈ કાલે તમામ હોલ્ડિંગ તેણે વેચી માર્યું છે. માલ કોના ઘરમાં ગયો એની વિગત હાલ જાણવા મળતી નથી. અન્ય ટેલિકૉમ શૅરમાં તાતા ટેલિ સર્વિસિસ સળંગ ૧૫ દિવસની ઉપલી સર્કિટમાં મંગળવારે ઇન્ટ્રા-ડેમાં ૧૧ રૂપિયાની ત્રણ વર્ષની ટોચ બતાવી પાંચ ટકાની નીચલી સર્કિટે બંધને આગળ ધપાવતા ગઈ કાલે લગભગ સાડાનવ રૂપિયા નજીક બંધ હતો. છેલ્લે ૬૪ લાખ શૅરના સેલર ઊભા હતા. આઇડિયા નહીંવત વધ-ઘટે ૯૮ રૂપિયા ઉપર ફ્લૅટ હતો. MTNL સળંગ બીજા દિવસના ધબડકામાં નીચામાં સાડીબાવીસ રૂપિયા થઈ અંતે સવાછ ટકા ગગડીને ૨૩ રૂપિયા હતો. આરકૉમ સાધારણ ઘટાડામાં ૧૬ રૂપિયાની અંદર હતો. તાતા કમ્યુનિકેશન્સ ઉપરમાં ૬૮૫ રૂપિયા બતાવી છેલ્લે ૧૦ ટકાની આસપાસ સુધારામાં ૬૭૭ રૂપિયા હતો.

ICICI બૅન્કને પૅરેડાઇઝ પેપર્સના છાંટા

ICICI બૅન્ક દ્વારા બ્રોકિંગ બિઝનેસ માટેની પૂર્ણ માલિકીની સબસિડિયરી ICICI સિક્યૉરિટીઝનો IPO લાવવાનું નક્કી થયું છે. બીજી તરફ DSC લિમિટેડને લોન આપવાના મામલે ICICI બૅન્કનું નામ પૅરેડાઇઝ પેપર્સમાં ખરડાયું છે. બૅન્કનો શૅર ગઈ કાલે નીચામાં ૩૦૩ રૂપિયા થઈ છેલ્લે બે ટકા ઘટીને ૩૦૬ રૂપિયા બંધ હતો. ગ્રુપની અન્ય કંપનીમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ દોઢ ટકાની આસપાસ ઘટીને ૩૭૫ રૂપિયા તથા ICICI લોમ્બાર્ડ સાધારણ નરમાઈમાં ૬૮૧ રૂપિયા બંધ હતા. બૅન્કિંગ ક્ષેત્રના અન્ય શૅરની વાત કરીએ તો ઍક્સિસ બૅન્કમાં ભંડોળ ઊભું કરવાના વિવિધ વિકલ્પ ચકાસવા ૧૦મીએ બોર્ડ-મીટિંગની નોટિસ વાગતાં શૅર ૫૫૧ રૂપિયાની વર્ષની ટૉપ બતાવી છેલ્લે સાડાત્રણ ટકા વધીને ૫૪૫ રૂપિયા હતો. તો યસ બૅન્ક અઢી ટકા, સ્ટેટ બૅન્ક સવાબે ટકા અને બૅન્ક ઑફ બરોડા બે ટકા નરમ હતા. સમગ્ર બૅન્કિંગ સેગમેન્ટના ૪૦માંથી ૩૧ શૅર ગઈ કાલે માઇનસ ઝોનમાં હતા. OBC સર્વાધિક છ ટકા ડાઉન હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના નહીંવત ઘટાડા સામે PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરની નબળાઈમાં બે ટકા ઢીલો થયો હતો. આગલા દિવસે પણ આ બેન્ચમાર્ક ચાર ટકા તૂટ્યો હતો.

રુચિ સોયા વૉલ્યુમ સાથે બાઉન્સબૅક

રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ઉપરમાં ૨૮.૭૫ રૂપિયા થઈ છેલ્લે પાંચેક ટકાની તેજીમાં ૨૬.૩૦ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૭૦ લાખ શૅરથી વધુનું વૉલ્યુમ જોવાયું હતું. NSE ખાતે પાંચ લાખથી વધુ શૅરની બ્લૉકડીલ ૨૬.૨૦ રૂપિયાના ભાવે થયાના અહેવાલ બાઉન્સબૅકનું નિમિત્ત બન્યા હતા. વર્ષે દહાડે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ ધરાવતી આ કંપનીમાં ડેવોન શાયર કૅપિટલ તબક્કાવાર ધોરણે ૪૦૦૦ કરોડ રૂપિયામાં ૫૧ ટકા કન્ટ્રોલિંગ સ્ટેક લેવાની છે. ત્રિમાસિક પરિણામ ૧૪ નવેમ્બરે આવવાના છે. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૮ રૂપિયા જેવી છે. હાલમાં કુલ વૉલ્યુમમાંથી ૪૮ ટકા માલ ડિલિવરીવાળાના ઘરમાં જઈ રહ્યો છે. ગઈ કાલે લાર્સન-ટૂબ્રો ઇન્ફોટેક રોજના સરેરાશ ૧૮,૦૦૦ શૅર સામે BSE ખાતે સવાત્રણ લાખ શૅરના વૉલ્યુમમાં ૮૮૬ રૂપિયાના નવા શિખરે જઈ છેલ્લે સાતેક ટકાના જમ્પમાં ૮૭૪ રૂપિયા નજીક બંધ હતો. હોમ અપ્લાયન્સિસ સેગમેન્ટમાં હોકિન્સ કૂકર્સ ૧૫ ગણા કામકાજમાં ૩૦૫૦ રૂપિયા થઈ ૧૭૩ રૂપિયા કે સાડાછ ટકાના ઉછાળે ૨૮૬૩ રૂપિયા, બટરફ્લાય ગાંધીમતી ૩૭૨ રૂપિયાની બેસ્ટ સપાટી મેળવી ચાર ટકાની મજબૂતીમાં ૩૫૨ રૂપિયા બંધ હતા.

અરવિંદ નબળાં પરિણામોમાં તૂટ્યો

અરવિંદ લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સ્ટૅન્ડઅલોન ધોરણે ૬૭૪૮ લાખ રૂપિયાની સામે ૪૨૧૧ લાખ રૂપિયાના નેટ પ્રૉફિટ સાથે નબળાં પરિણામો જાહેર થતાં શૅર ૪૬૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી ગગડી ૪૦૫ રૂપિયા થઈ છેલ્લે નવ ટકાની ખરાબીમાં ૪૧૩ રૂપિયા બંધ રહ્યો છે. કામકાજ છ ગણા હતા. તો TTK હેલ્થકૅરનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૪૫૫ લાખ રૂપિયાથી વધીને ૭૮૭ લાખ રૂપિયા આવતાં ભાવ રોજના માંડ ૧૦૦ શૅર સામે ૫૯,૦૦૦ શૅરના કામકાજમાં ૨૦ ટકાની સર્કિટમાં ૯૩૬ રૂપિયા થઈ અંતે ૧૧૩ રૂપિયા કે ૧૪.૬ ટકા ઊછળીને ૮૯૩ રૂપિયા રહ્યો હતો. GNFC તરફથી ૧૬૬ લાખ રૂપિયાના નફા સામે સુસ્ત કામગીરી રજૂ થતાં ભાવ ત્રણ ગણા કામકાજમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ મારીને ૪૫૫ રૂપિયાની નીચે બંધ આવ્યો છે. એલિકોન એન્જિનિયરિંગની ચોખ્ખી ખોટ વધીને આવતાં શૅર બમણા કામકાજમાં ૧૪ ટકા લથડીને ૭૨ રૂપિયા બંધ હતો. નૅશનલ પૅરોક્સાઇડ્સમાં નિપુલ ત્રિવેદી અને અન્ય દ્વારા પ્રથમદર્શીય રીતે મોટી રકમની ઉચાપાત થઈ હોવાની અને એનાથી કંપનીની કામગીરી પર માઠી અસર થવાની દહેશત વ્યક્ત થતાં શૅર બાર ગણા કામકાજમાં ઇન્ટ્રા-ડે હાઈથી ૫૦૦ રૂપિયા તૂટી છેલ્લે ૧૩ ટકાની ખુવારીમાં ૨૧૩૫ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK