માર્કેટને મોદીનાં પગલાંની પ્રતીક્ષા

શૅરબજાર હવે કઈ દિશામાં ચાલતું રહેશે એ નિશ્ચિત કહેવું મુશ્કેલ જણાય છે, પણ આ ચિંતાનો વિષય શૉર્ટ ટર્મ રોકાણ પ્લાન કરી રહ્યા હોય તેમના માટે વાજબી છે, જેમણે લૉન્ગ ટર્મ રોકાણ કરવું છે તેઓ સિલેક્ટિવ ખરીદી કરી શકે. બજારને તેજ કે તેજી મળે એ માટે અર્થતંત્રને વેગ આપવા સરકારનાં નક્કર કદમ જરૂરી છે

BSE

શૅરબજાતની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સોમવારે ગાંધી જન્મજયંતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. જોકે આર્થિક પરિબળો નબળાં પડવાના નામે સરકાર સામે પડકારો વધતા રહ્યા હોવાના અહેવાલો અને અભિપ્રાયો છવાઈ રહ્યા છે. સરકાર પર વિકાસને વેગ આપતાં પગલાં લેવાનું દબાણ સતત વધી રહ્યું છે.પરિણામે સરકાર હવે કોઈ પણ સમયે રાહત પૅકેજ અથવા પ્રોત્સાહન પૅકેજ જાહેર કરે તો નવાઈ નહીં. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી કે માર્કેટમાં સેન્ટિમેન્ટ અને પ્રવાહિતા પણ નબળાં પડી ગયાં છે. આ માટે કોઈ નક્કર અથવા બળ આપનારાં કારણ પણ તો જોઈએને! ઉપરથી નેગેટિવ વાતો આવ્યા કરે તો સહજ છે કે લોકો હમણાં હોલ્ડ પર રહેવાનું પસંદ કરે. નાણાપ્રધાને અર્થતંત્રની ધીમી ગતિનો બચાવ તો કર્યો છે, પણ એમાં બહુ દમ નથી. બજારને નકકર કદમ જોઈએ છે, નબળી યા પોકળ વાતો નહીં. એમ છતાં રોકાણકારોએ પોતાના અભિગમને વિવેકપૂર્ણ રીતે સાચવવો જોઈશે. બજારમાં આવાં વલણ અને આવી વધ-ઘટ અનેક વાર આવી ને ગયાં છે. તમારા અનુભવને યાદ કરીને નિરીક્ષણ કરો. અત્યારે એક ખાસ વાત એ પણ યાદ રાખવી આવશ્યક છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છેલ્લા એકાદ મહિનાથી સતત નેટ વેચવાલ રહ્યા છે, જ્યારે કે સ્થાનિક નાણાસંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ સતત નેટ બાયર રહ્યાં છે. આ જ કારણે બજાર બહુ ઘટતું નથી અને બહુ વધતું પણ નથી.

બજાર ફરી પૉઝિટિવ ટ્રેન્ડમાં

ગાંધી જન્મમજયંતીના બીજા દિવસે મંગળવારે જાણે બજારને ઇકૉનૉમીનું સત્ય મળી ગયું હોય એમ સેન્સેક્સે અઢીસો પૉઇન્ટનો ઉછાળો લગાવ્યો હતો. બજાર શરૂથી ધીમે-ધીમે પૉઝિટિવ ટ્રેન્ડમાં આવતું ગયું હતું. બુધવારે આ પૉઝિટિવ વલણ ચાલુ રહ્યું અને સેન્સેક્સ વધુ પોણાબસો પૉઇન્ટ ઉપર ગયો. ગ્લોબલ નિર્દેશો સારા હોવાની ચર્ચા હતી. જ્યારે રિઝર્વ બૅન્કની પૉલિસીની બુધવારે જાહેરાતમાં રેટ-કટ તો આવ્યો નહીં, પણ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) અડધો ટકો ઘટાડાયો હતો. આ રેશિયો મુજબ બૅન્કોએ ફરજિયાત નિયત પ્રમાણમાં ભંડોળ રિઝર્વ બૅન્ક પાસે જમા રાખવું પડે છે, જેમાં હવે ઘટાડો કરવામાં આવતાં બૅન્કો પાસે ફન્ડની ઉપલબ્ધિ વધશે, જેની કંઈક અંશે પ્લસ અસર હતી. આમ પણ રેટ-કટની શક્યતા ઓછી યા નહીંવત જ હતી. ગુરુવારે બજાર શરૂમાં પ્લસ રહ્યા બાદ પ્રૉફિટબુકિંગ શરૂ થઈ ગયું હતું, જેથી અંતે ૮૦ પૉઇન્ટ જેટલું માઇનસ બંધ રહ્યું હતું. જોકે શુક્રવારે ફરી બજારે પૉઝિટિવ ટર્ન લઈ સવાબસો પૉઇન્ટનો સુધારો પ્રાપ્ત કર્યો હતો. નિફ્ટી ફરી વાર દસ હજારની નજીક પહોંચી ગયો હતો. સતત વિરોધ અને વિવાદના અહેવાલો વચ્ચે માર્કેટ ઘટતું અટકી સુધરવાનું શરૂ કરતાં રોકાણકારોમાં આશ્ચર્ય, આનંદ સાથે રાહત પણ હતાં. જોકે આ સંજોગોમાં બજાર સામે કોઈ ચોક્કસ દિશા કે ટ્રેન્ડ નથી. માર્કેટ ન બેરિશ, ન બુલિશ કહી શકાય એવી દશામાં છે. ફરી ઘટી અને ફરી વધી શકે છે, જેથી સામાન્ય રોકાણકારોએ તેલ અને તેલની ધાર જોઈને ચાલવાનું રહેશે. શુક્રવારે સરકારને નોટબંધી બાદનું કાળાં નાણાંના વ્યવહારોનું મોટું ષડ્યંત્ર હાથ લાગ્યું હતું, જેમાં હજારો કંપનીઓ સંકળાયેલી છે. આ કિસ્સા કે કારનામાં શેલ કંપનીઓનાં અને એની સાથે સંકળાયેલા લોકોનાં છે, જેથી એની અસર બજાર પર જોવા મળે તો નવાઈ નહીં.

ખોટી સ્ક્રિપ્સમાં ઍવરેજ કરવાનું ટાળો

બજાર અત્યારે સતત વૉલેટાઇલ રહે છે ત્યારે રોકાણકારોએ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. સામાન્ય રીતે આવા સમયમાં ઘણા રોકાણકારો પોતાની સ્ક્રિપ્સના ભાવ ઘટે ત્યારે ઍવરેજ કરવા ઘટેલા ભાવે એ શૅરો ખરીદતા રહે છે. આ સાદો નિયમ છે, એમાં ખોટું નથી, પણ દર વખતે આવું વલણ સફળ ન પણ થાય. આ કાર્ય હકીકતમાં સ્ક્રિપ્સને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ, અર્થાત સિલેક્ટિવલી કરવું જોઈએ. આ ભાવ શા માટે ઘટ્યો એ જાણવું જોઈએ એ પછી એમાં ઍવરેજ કરવાનું નક્કી કરવું જોઈએ.

રિઝર્વ બૅન્કની પૉલિસીના સંકેત

રિઝર્વ બૅન્કે વ્યાજદર પર કાપ મૂક્યો નહીં, પરંતુ SLRમાં અડધા ટકાનો ઘટાડો કરી રિઝર્વ બૅન્કે બૅન્કોને ૫૭,૦૦૦ કરોડની વધુ પ્રવાહિતા કરી આપી. બીજું, રિઝર્વ બૅન્કના ગવર્નરે આર્થિક વિકાસ દરનો અંદાજ નીચો મૂક્યો, પણ સાથે-સાથે GSTની અસર ટૂંકા ગાળાની હોવાનું પણ જણાવ્યું, જે GSTને માથે માછલાં ધોતા લોકોને એક જવાબ કહી શકાય. રિઝર્વ બૅન્કે સરકારને મોંઘવારી બાબતે ચોક્કસ ચેતવણી પણ આપી છે અને ગ્રોથ માટે સત્વરે પગલાં ભરવાની હિમાયત પણ કરી છે. રિઝર્વ બૅન્કની આ ગંભીરતાને ધ્યાનમાં રાખી રોકાણકારો પોતાની રોકાણ વ્યૂહરચના ઘડે એ સલાહભર્યું છે. ઇન શૉર્ટ લાંબા ગાળા માટે જ રોકાણ કરવામાં સાર છે. ટૂંકા ગાળે વૉલેટિલિટી અને જોખમ વધુ રહેશે.

મોદીના જવાબોમાં કયા સંકેત


ગયા બુધવારે વડા પ્રધાને નીચા ગયેલા કે મંદ પડેલા વિકાસના ટીકાકારોને જવાબ આપતાં કહ્યું હતું કે સરકારનાં પગલાં ઑન ટ્રૅક અને રાઇટ ટ્રૅક પર છે. દેશના સારા ભવિષ્ય માટે આ જરૂરી છે, બાકી ગ્રોથને વેગ આપવા બાબતે સરકાર વહેલી તકે કદમ ભરશે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. સૌથી મહત્વની વાત એ કે તેમણે GSTને મામલે જે કોઈ અવરોધ-અડચણ છે એને દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે એમ જણાવી અને કોઈના જૂના રેકૉર્ડ ઉખેડાશે નહીં એવું આશ્વાસન બિઝનેસમેનોને આપીને તેમણે નવેસરથી વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આને એક પૉઝિટિવ સંકેત કહી શકાય. અન્યથા બદલાતા સંજોગોમાં મોદી પરના વિશ્વાસનું લેવલ પણ ઘટી રહ્યું યા ડગુમગુ થઈ રહ્યું છે.

સરકારે કંઈક નક્કર કરવું રહ્યું

સરકાર પાસે સૌથી મોટી આશા GSTને ખરા અર્થમાં સરળ બનાવી વ્યાપક વેપારઉદ્યોગ વર્ગને રાહત આપવાની છે. માત્ર કરરાહત નહીં, પણ પદ્ધતિ કે યંત્રણાની રાહત. આ સાથે સરકાર ઉદ્યોગોને વેગ આપવા પ્રોત્સાહન પૅકેજ જાહેર કરે એવી પ્રતીક્ષા પણ છે. ખાનગી ક્ષેત્રની રોકાણ-સાઇકલ ઝડપી બને અને આ પ્રવાહ વધે એની તાતી જરૂરિયાત છે. સરકારે જાહેર ક્ષેત્રનાં સાહસોને પણ આ વરસે મોટા મૂડીખર્ચ કરવા સૂચના આપી છે. રોજગાર સર્જનના વિષયમાં અને મોંઘવારીને અંકુશમાં લાવવાના મામલે પણ સરકારે ગંભીર અને પરિણામલક્ષી કદમ ભરવાનાં છે. કૉર્પોરેટ અર્નિંગ્સ વિના કંપનીઓના ફન્ડામેન્ટલ્સ સુધરવાની શક્યતા ઓછી છે. સરકાર માત્ર લાંબા ગાળાનાં પગલાં અને પરિણામના આધારે અર્થતંત્ર અને બજારને વેગ ન આપી શકે. નૅચરલી, સરકારને આ સત્ય નહીં સમજાતું હોય એ માનવાની જરૂર નથી, માટે નજીકના સમયમાં સરકાર એનાં પાનાં ખોલશે એવી આશા રાખી શકાય. જોકે માત્ર શૅરબજારની ચાલને ઇકૉનૉમીની વાસ્તવિક સ્થિતિ માની લેવી પણ જરૂરી નથી. અહીં વાત થાય છે તમામ ધંધા અને ઉદ્યોગની. સરકારના લક્ષ્યમાં પણ ઓવરઑલ ગ્રોથ જ છે. જોકે સમય સંવેદનશીલ અને પડકારરૂપ બનતો જાય છે.

GSTની રાહતો હજી પણ આવશે

શુક્રવારે GST કાઉન્સિલે નાના એકમો અને નાના વેપારીઓને તેમ જ નિકાસકારોને રાહત આપતાં પગલાં જાહેર કર્યાં અને કેટલીક ચીજો પરના ટૅક્સ-રેટ ઓછા કર્યા. એની અસર કંઈક અંશે બજારને પૉઝિટિવ સ્વરૂપે થશે એવી આશા વધી છે, કેમ કે આ જ આશામાં શુક્રવારે આ નિર્ણયો આવતાં પહેલાં બજાર પૉઝિટિવ થઈ ગયું હતું. અહીં એ નોંધવું મહત્વનું છે કે GST કાઉન્સિલ-સરકાર આ વિષયમાં ગંભીર હોવાથી વધુ પગલાં પણ આવશે અને GSTને ખરા અર્થમાં ગુડ ઍન્ડ સિમ્પલ ટૅક્સ બનાવશે, જેમાં સરકારનું હિત પણ છે અને સફળતા પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK