નબળા અન્ડર કરન્ટ વચ્ચે હેવીવેઇટ્સમાં સુધારાના પગલે બજારમાં ઘટાડો અટક્યો

બૅન્કિંગ શૅરમાં પસંદગીયુક્ત લેવાલીનો ટેકો જોવા મળ્યો : ભૂષણ સ્ટીલ ૧૬ ટકા વધ્યો, તાતા સ્ટીલ બે ટકા ડાઉન : શુગર શૅરમાં આગળ વધતી નબળાઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ છ દિવસની નબળાઈ બાદ શૅરબજાર ગુરુવારે છેલ્લા કલાકના સિલેક્ટિવ સપોર્ટથી ૩૧૮ પૉઇન્ટ વધીને ૩૩,૩૫૧ બંધ આવ્યું છે. સેન્સેક્સ નીચામાં ૩૩,૦૩૭ તથા ઉપરમાં ૩૩,૪૪૦ આસપાસ ગયો હતો. નિફ્ટી નીચામાં ૧૦,૧૪૬ અને ઉપરમાં ૧૦,૨૭૬ બતાવી અંતે ૮૮ પૉઇન્ટ વધીને ૧૦,૨૪૩ નજીક રહ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૭ તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર પ્લસ હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ચાર ટકા પ્લસની તેજીમાં બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર બન્યો છે. ICICI બૅન્ક ત્યાર પછી બીજા ક્રમે હતો. સેન્સેક્સમાં તાતા સ્ટીલ બે ટકા જેવો તો નિફ્ટીમાં સનફાર્મા પોણાત્રણ ટકાના ધોવાણમાં ટૉપ લૂઝર હતા. સેન્સેક્સની ટ્રિપલ સેન્ચુરી છતાં બજારનો આંતરપ્રવાહ કમજોર હતો. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ હતી. ‘એ’ ગ્રુપ ખાતે ૩૯૧ શૅરમાંથી ૬૦ ટકા જાતો વધી હતી, પરંતુ ‘બી’ ગ્રુપ ખાતેના ૧૧૧૭ કાઉન્ટરમાં આ પ્રમાણ ૪૨ ટકા જ નોંધાયું છે. ૧૩૬ શૅર BSE ખાતે ઉપલી સર્કિટમાં બંધ હતા. સામે ૨૪૪ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી હતી. ભાવની રીતે ૩૭ સ્ક્રીપ્સ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગઈ હતી. બીજી તરફ ૨૪૪ શૅરમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં. સુબ્રમણ્યમ સ્વામીના નિશાનમાં આગલા દિવસે અદાણી ગ્રુપના શૅર સારા એવા ઘવાયા હતા. ગઈ કાલે પણ અદાણી એન્ટરપ્રાઇઝિસ બે ટકા, અદાણી પાવર સવાપાંચ ટકા અને અદાણી ટ્રાન્સમિશન દોઢ ટકાથી વધુ ડાઉન હતા. એક માત્ર અદાણી પોટ્ર્સ ત્રણેક ટકા વધી ૩૮૮ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારનો બે ટકાનો ઘટાડો ભૂંસીને ગઈ કાલે સવાબે ટકા વધી ૯૧૧ રૂપિયા બંધ રહ્યો છે. રૂરલ ઇલેક્ટિÿફિકેશન સળંગ સાતમા દિવસની ખરાબીમાં ૧૨૩ રૂપિયાનું નવું બૉટમ બનાવી ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં સવાસાત ટકા પટકાઈને ૧૨૬ રૂપિયા નજીક બંધ હતો.

ભૂષણ સ્ટીલ તાતાની એન્ટ્રીથી પોરસાયો


ભૂષણ સ્ટીલને હસ્તગત કરવા માટે આશરે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની ઑફર સાથે તાતા સ્ટીલ નંબર-નવ બિડર તરીકે બહાર આવી છે. અન્ય પ્રતિસ્પર્ધી JSW સ્ટીલ દ્વારા ૨૯,૭૦૦ કરોડ રૂપિયાની બિડ કરાઈ હતી. એને પગલે ગઈ કાલે ભૂષણ સ્ટીલ ત્રણેક ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૯ રૂપિયા નજીક જઈ છેલ્લે સોળ ટકાની તેજીમાં ૪૭ રૂપિયા બંધ રહ્યો છે. ભૂષણ સ્ટીલના બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ માઇનસ ૬૫.૫૦ રૂપિયા આસપાસ છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૭.૮ ટકા છે એમાંથી ૭૧ ટકા માલ ગિરવી છે. LIC પાસે સાડાત્રણ ટકા હોલ્ડિંગ છે. ૨૦૧૧ની ૧૮ એપ્રિલે આ શૅરમાં ૫૦૮ રૂપિયાની વિક્રમી સપાટી બની હતી. ફેબ્રુઆરી ૨૦૧૬માં ભાવ ૩૬ રૂપિયાની દસ વર્ષની નીચી સપાટીએ જોવાયો હતો. તાતા સ્ટીલનો શૅર ગઈ કાલે સરેરાશ કરતાં ૭૦ ટકાના કામકાજમાં ઉપરમાં ૬૬૦ રૂપિયા અને નીચામાં ૬૩૨ રૂપિયા થઈ અંતે બે ટકાની નરમાઈમાં ૬૩૫ રૂપિયા બંધ આવ્યો છે. ચાલુ વર્ષના જાન્યુઆરીના આખરમાં શૅર ૭૪૭ રૂપિયાની ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયો હતો. JSW સ્ટીલ ગઈ કાલે નહીંવત વધીને ૨૯૦ રૂપિયા, સેઇલ પોણો ટકો વધીને ૭૪ રૂપિયા તથા હિન્દાલ્કો પોણો ટકો ઘટી ૨૨૨ રૂપિયા બંધ હતા. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ચાર શૅરની નબળાઈમાં અડધો ટકા ડાઉન હતો.

બૅન્ક શૅરમાં સિલેક્ટિવ સુધારાનું વલણ


કેટલાક પસંદગીયુક્ત બૅન્ક શૅરના સથવારે ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીમાં બગાડ અટક્યો છે. બૅન્કેક્સ ૧૦માંથી ૭ શૅરના સુધારામાં ૧.૪ ટકા તો બૅન્ક નિફ્ટી ૧૨માંથી નવ શૅરના સુધારામાં ૧.૪ ટકા પ્લસ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૩ શૅરની નરમાઈમાં સવા ટકો વધ્યો હતો, જ્યારે PSU બૅન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૭૯૭ની વીસેક મહિનાની નીચી સપાટી બતાવી બાઉન્સ-બૅકમાં પોણાત્રણ ટકા વધીને ૨૯૧૧ હતો. એના ૧૨માંથી નવ શૅર સુધર્યા હતા. ICICI બૅન્ક ૩.૬ ટકા વધીને ૨૯૭ રૂપિયા, સ્ટેટ બૅન્ક ચાર ટકા વધીને ૨૫૭ રૂપિયા, ઍક્સિસ બૅન્ક સવા ટકો વધી ૫૧૯ રૂપિયા, HDFC બૅન્ક એકાદ ટકો વધી ૧૮૫૧ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ગઈ કાલે ૧૫૨ પૉઇન્ટનો લાભ થયો હતો. યસ બૅન્ક દોઢ ટકાની નરમાઈમાં ૩૦૮ રૂપિયા હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૨૭ શૅર ગઈ કાલે વધીને બંધ રહ્યા છે. ફેડરલ બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, DCB, સાઉથ ઇન્ડિયન બૅન્ક, AU સ્મૉલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કૉર્પોરેશન બૅન્ક, સ્ટાન્ચાર્ટ બૅન્ક જેવી જાતો દોઢ ટકાથી લઈને સાતેક ટકાની આસપાસ ઊંચકાઈ હતી. IDBI બૅન્ક સાડાપાંચ ટકાની ખરાબીમાં બૅન્કિંગ સેગમેન્ટ ખાતે ટૉપ લૂઝર હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા અને વિજયા બૅન્ક દોઢથી ત્રણ ટકા ઢીલા હતા. PNB ૯૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવા ટકો વધીને ૯૭ રૂપિયા નજીક રહ્યો છે.

ટેલિકૉમ શૅરમાં સરકારી રિલીફ પૅકેજની હૂંફ

સરકાર દ્વારા દેવાના બોજ તળે દટાયેલા ટેલિકૉમ ઉદ્યોગ માટે રાહતનું પૅકેજ જારી કરાયું છે. એક અંદાજ પ્રમાણે ટેલિકૉમ સેક્ટરનો દેવાનો બોજ ૪.૬ લાખ કરોડ રૂપિયાનો છે. સરકારે ઉદ્યોગના લાભાર્થે ટેલિકૉમ કંપનીઓને સ્પેક્ટ્રમ પેટે ચૂકવવાની ડિફર્ડ લાયાબિલિટીઝ તરીકે ચૂકવવાની થતી રકમમાં રિસ્ટ્રક્ચરિંગની છૂટ આપી છે. વધુમાં સ્પેક્ટ્રમના હોલ્ડિંગની સીલિંગમાં વધારો કર્યો છે. એના લીધે ઉદ્યોગનો કૅશફ્લો ત્વરિત સુધરવાની વકી છે. ગઈ કાલે ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી આઠ શૅરના સુધારામાં સાધારણ ઘટ્યો હતો. તેજસ નેટ ૮.૮ ટકા, ITI ૩.૭ ટકા, ઑન મોબાઇલ ૨.૮ ટકા, તાતા ટેલિ સર્વિસિસ ૨.૭ ટકા, વિંદ્ય ટેલિ અઢી ટકા, હિમાચલ ફ્યુચ્યુરિસ્ટિક્સ પોણાબે ટકા પ્લસ હતા. આઇડિયા, R.કૉમ, ભારતી ઍરટેલ, MTNL જેવા ફ્રન્ટલાઇન સ્ટૉક પ્રારંભિક સુધારા બાદ પ્રૉફિટ-બુકિંગ કામે લાગતાં નહીંવત્થી લઈને સવા ટકા સુધી માઇનસ હતા. GTL ઇન્ફ્રા સાડાછ ટકા તો અક્સ ઑપ્ટિફાઇબર સવાત્રણ ટકા ઢીલા હતા.

ભારત અર્થમૂવર્સ વર્ષના તળિયે

ભારત અર્થમૂવર્સમાં સરકાર તરફથી ૨૬ ટકા હિસ્સો વેચવાની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી મળી હોવાના અહેવાલે વિપ્રો કંપની મૅનેજમેન્ટ અજાણ હોવાનો ખુલાસો આવતાં ભાવ ગઈ કાલે પોણાબે ગણા કામકાજમાં ૧૧૧૧ રૂપિયાની વર્ષની બૉટમ બનાવી છેલ્લે પાંચ ટકા ગગડી ૧૧૩૯ રૂપિયા બંધ રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે આ શૅરમાં ભાવ ઉપરમાં ૧૪૧૮ રૂપિયા થયો છે. ગીતાંજલિ જેમ્સ ૧૭મા દિવસે મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટી ૧૬.૬૦ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે બંધ આવ્યો છે. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ બમણા વૉલ્યુમમાં સવાત્રણ ટકાના ઘટાડે પોણાતેર રૂપિયા હતો. શુગર શૅરમાં ઘટાડો આગળ ધપતાં ઉદ્યોગના ૩૪ શૅરમાંથી માત્ર છ શૅર વધી શક્યા હતા. ધામપુર, KCP શુગર, શ્રી રેણુકા શુગર, SBEC શુગર સવાબેથી સાતેક ટકા સુધી ઊંચકાયા હતા. દાલમિયા શુગર સવાનવ ટકા તૂટ્યો હતો. ઉત્તમ શુગર, સર શાદીલાલ, બલરામપુર ચીની, મવાણા શુગર, KM શુગર, ત્રિવેણી, અવધ શુગર, મગધ શુગર, ધરણી શુગર જેવી જાતો સાડાપાંચ ટકાથી લઈને નવ ટકા કડવી બની હતી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK