IT, ફાર્મા અને બૅન્ક શૅર થકી બજારમાં છ દિવસની નરમાઈનો અંત

સિમેન્ટ શૅરમાં તેજીનું ચણતર, શુગર શૅરમાં મીઠાશ વધી : સિપ્લા NSE ખાતે સવાઆઠ ટકા ઊંચકાયો, સનફાર્મા ટૉપ ગેઇનર બન્યો : ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સ સુસ્ત લિસ્ટિંગ બાદ તેજીની ચાલમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વૈશ્વિક શૅરબજારોમાં એકંદર સુધારાનું વલણ અને ક્રૂડમાં પીછેહઠની હૂંફ વચ્ચે કંપની પરિણામ સારાં આવતાં શૅરબજારના છ દિવસના ઘટાડાનો અંત આવ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોન પકડી રાખીને સેન્સેક્સ ગઈ કાલે ૩૪,૬૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે ૩૩૦ પૉઇન્ટ વધી ૩૪,૪૧૩ તો નિફ્ટી ઉપરમાં ૧૦,૬૩૮ નજીક જઈ અંતે ૧૦૦ પૉઇન્ટના પ્રત્યાઘાતી સુધારામાં ૧૦,૫૭૬ આસપાસ બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૪ તો નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર પ્લસ હતા. IT, ફાર્મા, બૅન્કિંગ, સિમેન્ટ, ટૂ-થ્રી વ્હીલર્સ, રિયલ્ટી, કૅપિટલ ગુડ્સ જેવા સેગમેન્ટમાં વિશેષ ઝમક હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅર સુધારામાં હોવા છતાં નહીંવત ઘટીને બંધ હતો. સેન્સેક્સ ખાતે સનફાર્મા સવાછ ટકાથી વધુની તેજીમાં તો NSEમાં સિપ્લા સવાઆઠ ટકાના ઉછાળામાં ટૉપ ગેઇનર બન્યા હતા. ફાર્મા શૅરમાં ઑલરાઉન્ડ તંદુરસ્તી વચ્ચે ઑરોબિંદો ફાર્મા અઢી ટકા જેવા ઘટાડામાં અપવાદ હતો. બૅન્ક નિફ્ટી તમામ બાર શૅર પ્લસમાં આપીને એક ટકા જેવો વધીને આવ્યો છે. PSU બૅન્ક નિફ્ટી જોકે અઢી ટકાથી વધુ મજબૂત હતો, જ્યારે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીમાં ૦.૯ ટકાથી ઓછો સુધારો નોંધાયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી સાત નરમ હતી જેમાં સ્ટેન્ચાર્ટ બૅન્ક અઢી ટકા જેવા ઘટાડે મોખરે હતી. IDBI બૅન્ક સવાછ ટકાની આગેકૂચમાં ૬૧ રૂપિયા પ્લસનો બંધ આપી અત્રે ટૉપ ગેઇનર બની હતી. સાર્વત્રિક વૅલ્યુબાઇંગ થકી માર્કેટ-બ્રેડ્થ સારી એવી મજબૂત બની છે. NSE ખાતે ગઈ કાલે ૨૩૫ શૅર નરમ હતા સામે ૧૩૩૦ જાતો વધીને બંધ આવી હતી.

ગૅલૅક્સીનું લિસ્ટિંગ સુસ્તી પછી મજેદાર રહ્યું

શૅરદીઠ ૧૪૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે મૂડીબજારમાંથી ૯૩૭ કરોડ રૂપિયા ઊભા કરી જનારી ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સનો IPO ગઈ કાલે લિસ્ટિંગ દરમ્યાન BSE ખાતે ૧૫૨૦ રૂપિયા ખૂલ્યો હતો. બાદમાં ઉપરમાં ૧૭૩૨ રૂપિયા થઈ છેલ્લે ૧૭૩૦ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ ૧૩.૫ લાખ શૅરનું હતું. NSEમાં ભાવ ૧૫૨૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૭૩૫ રૂપિયા દેખાડી છેલ્લે ૮૫ લાખ શૅરના કામકાજમાં ૧૭૦૦ રહ્યો છે. ભરણું કુલ વીસેક ગણું છલકાયું હતું. છેલ્લા કેટલાક સમય દરમ્યાન લિસ્ટેડ થયેલા IPO પર નજર કરીએ તો ૮૫૯ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો અંબેર એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે ઉપરમાં ૧૨૩૫ રૂપિયા અને નીચામાં ૧૧૭૭ રૂપિયા બતાવી છેલ્લે અડધો ટકો ઘટીને ૧૧૯૬ રૂપિયા બંધ હતો. ૨૪૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ન્યુજેન સૉફ્ટવેર અઢી ટકા વધીને ૨૩૯ રૂપિયા, અપોલો માઇક્રો સિસ્ટમ્સ કે જેની ઇશ્યુ પ્રાઇસ ૨૭૫ રૂપિયા હતી એ સવા ટકાના ઘટાડે ૩૨૪ રૂપિયા જ્યારે ૫૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ઍસ્ટ્રોન પેપર સવાત્રણ ટકા વધીને ૧૩૦ રૂપિયા બંધ હતા. BSE ખાતેનો IPO ઇન્ડેક્સ ગઈ કાલે ૩૫માંથી ૨૪ શૅરના સુધારામાં પોણા ટકાની આસપાસ વધ્યો છે. બાય ધ વે, ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સનો ૯૩૭ કરોડ રૂપિયાનો IPO સમગ્રપણે ઑફર ફૉર સેલ સ્વરૂપનો હોવાથી ભરણાની એક પાઈ પણ કંપનીને મળી નથી.

FDC બાયબૅક પાછળ બેસ્ટ લેવલે


ફાર્મા કંપની FDC લિમિટેડ દ્વારા ૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચે શૅરદીઠ મહત્તમ ૩૫૦ રૂપિયાની પ્રાઇસથી ૩૪.૩ લાખ શૅર બાયબૅક કરવાનું જાહેર થતાં ભાવ ગઈ કાલે ૨૯૪ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સાડાઆઠ ટકાના ઉછાળે ૨૭૬ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૭.૩૫ લાખ શૅરના સોદા પડ્યા હતા. એક રૂપિયાની ફેસવૅલ્યુ અને ૭૧ પ્લસ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતી આ કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૯૪ ટકાના વધારામાં ૪૨૭૦ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. તો સિપ્લા દ્વારા કન્સોલિડેટેડ ધોરણે આમ તો ૭.૭ ટકાના વૃદ્ધિદરથી ૪૦૧ કરોડ રૂપિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો દર્શાવાયો છે, પરંતુ ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન ૧૮.૬ ટકાથી વધીને ૨૦.૯ ટકાએ આવતાં ભાવ ગઈ કાલે ૬૧૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે આઠેક ટકાની મજબૂતીમાં ૬૧૪ રૂપિયા હતો. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૯માંથી ૫૭ શૅરની આગેકૂચમાં ઉપરમાં ૧૪,૩૬૩ વટાવી છેલ્લે ત્રણ ટકા વધીને ૧૪,૩૪૪ બંધ રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ ૧૦માંથી ૯ શૅરની મજબૂતીમાં ૩.૭ ટકા ઊંચકાયો હતો. હેવીવેઇટ અને ફ્રન્ટલાઇન જાતોમાં સનફાર્મા ૫૮૫ રૂપિયા થયા બાદ છ ટકા વધીને ૫૮૨ રૂપિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ ત્રણ ટકા વધી ૨૧૭૩ રૂપિયા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ અઢી ટકા, બાયોકોન પોણાચાર ટકા, કૅડિલા હેલ્થકૅર એક ટકો, ડિવીઝ લૅબ સવાબે ટકા, ઇપ્કા લૅબ અઢી ટકા, અજન્ટા ફાર્મા સવાપાંચ ટકા, સ્પાર્ક સાડાપાંચ ટકા, વૉકહાર્ટ ત્રણ ટકા અપ હતા. ફાર્મા ઉદ્યોગના કુલ ૧૩૯ શૅરમાંથી ગઈ કાલે ઘટેલા શૅરની સંખ્યા ૨૨ની હતી. ઑરોબિંદો ફાર્મા, જ્યુબિલન્ટ લાઇફ, ફાઇઝર, સનોફી, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, આરતી ડ્રગ્સ જેવાં કાઉન્ટર પોણાથી સવાબે ટકા ડાઉન હતા. લુપિન પોણો ટકો વધી ૮૧૫ રૂપિયા હતો.

સિમેન્ટ શૅરમાં ફૅન્સી, ૪૪માંથી ૪૦ શૅર અપ


ગઈ કાલે સિમેન્ટ શૅર સારી એવી ફૅન્સીમાં હતા. હેડલબર્ગ સિમેન્ટ ખોટમાંથી નફામાં આવવાની સાથે ખ્ઘ્ઘ્ની નફાકમાણી સ્ટ્રૉન્ગ આવતાં સમગ્ર ઉદ્યોગને જબરી હૂંફ મળી હતી. સિમેન્ટ તેમ જ સિમેન્ટ પ્રોડક્ટ બિઝનેસના ૪૪ શૅરમાંથી ગઈ કાલે માત્ર ચાર શૅર નરમ હતા જેમાં બિરલા કૉર્પની બે ટકાની નરમાઈ સૂચક છે. વધેલાં ૪૦ કાઉન્ટરમાંથી ૨૬ શૅર ચાર ટકાથી લઈને વીસ ટકા સુધી ઊંચકાયા હતા. ACC, હેડલબર્ગ, ઝિમ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, સાગર સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, પણ્યમ સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ, ગ્રાસિમ, મંગલમ સિમેન્ટ, સહ્યાદ્રિ સિમેન્ટ, ડેન સિમેન્ટ, આંધ્ર સિમેન્ટ ઇત્યાદિ પાંચથી ૧૧ ટકા અપ હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ બે ટકાની નજીક તો શ્રી સિમેન્ટ નહીંવત સુધર્યો હતો. ખાંડ ઉપરની આયાત-જકાત ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવાના સરકારી નિર્ણય પાછળ શુગર શૅરમાં આવેલી મીઠાશ ગઈ કાલે પણ વધી હતી. ઉદ્યોગના ૩૩માંથી ૨૮ શૅર પ્લસ હતા. અવધ શુગર સર્વાધિક સાત ટકાના ઉછાળે ૬૭૫ રૂપિયા બંધ હતો. ધરણી શુગર, ધામપુર સ્પેશ્યલિટી તથા સર શાદીલાલ એકથી ત્રણ ટકા નરમ હતા.

એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ટકાની સપાટીએ

એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૧૧૭ લાખ રૂપિયા સામે આ વખતે ૧૯૫૬ લાખ રૂપિયાના ચોખ્ખા નફા સાથે બહેતર પરિણામ રજૂ થયાના પગલે શૅર ગઈ કાલે ૧૮ ગણા કામકાજમાં ૧૪૯ રૂપિયાના ઉછાળે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૯૫ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બંધ રહ્યો છે. કૅડિલા હેલ્થકૅર ગ્રુપની ઝાયડ્સ વેલનેસનો ત્રિમાસિક કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ ૪૪ ટકા વધીને ૩૬ કરોડ રૂપિયાથી વધુનો થતાં ભાવ ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમમાં ૧૧૯૭ રૂપિયાની નવી વિક્રમી સપાટી બનાવી અંતે નવ ટકાના જમ્પમાં ૧૧૪૬ રૂપિયા હતો. હેડલબર્ગ સિમેન્ટ તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની ૩૫૮ લાખ રૂપિયાની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૩૧૭૬ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે નવેક ગણા વૉલ્યુમમાં ૧૬૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે સવાસાત ટકાની તેજીમાં ૧૬૧ રૂપિયા હતો. આર્શિયા લિમિટેડ રોજના સરેરાશ ૨૦,૦૦૦ શૅર સામે ગઈ કાલે સવાનવ લાખ શૅરના જંગી કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૦ રૂપિયા ઉપર બંધ હતો. કંપનીનાં ત્રિમાસિક પરિણામ ૧૪ ફેબ્રુઆરીએ આવવાનાં છે. પેજ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૬૨૮૮ લાખ રૂપિયા સામે આવેલા ૮૩૪૦ લાખ રૂપિયાના ચોખ્ખા નફા કરતાં ભાવ ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૨૦,૮૧૧ રૂપિયા થઈ છેલ્લે ૬.૮ ટકા કે ૧૩૧૬ રૂપિયાના ઉછાળે ૨૦,૬૪૪ રૂપિયા બંધ હતો. સૂર્યા રોશની સાડાચાર ગણા વૉલ્યુમમાં સવાસોળ ટકા ઊછળી ૪૭૨ રૂપિયા તથા મોરપેન લૅબ ત્રણ ગણા કામકાજમાં સાળાસોળ ટકાની મસ્તીમાં ૩૮ રૂપિયા પ્લસ બંધ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK