માર્કેટ-બ્રેડ્થમાં મજબૂત વલણ સાથે શૅરબજાર બૅક ટુ બૅક વિક્રમી સપાટીએ

આઇડિયા સેલ્યુલર અને ભારતી ઍરટેલના ધબડકામાં ટેલિકૉમ ઇન્ડેક્સ અઢી ટકા કટ થયો : સનફાર્મા સાત મહિનાની અને વૉકહાર્ટ સવા વર્ષની ઊંચી સપાટીએ : શોભા તથા ગોવા કાર્બનમાં પરિણામ પાછળ ઉછાળો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ક્રૂડમાં કઠણાઈ છતાં વૈશ્વિક શૅરબજારો માટે ૨૦૧૮નો આરંભ હજી સુધી સારો રહ્યો છે. અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈની આગેકૂચને જાળવી રાખતાં ૨૫,૩૦૦ નજીક પહોંચી ગયો છે. નાસ્ડેક ઇન્ડેક્સમાં ૭૧૩૭નું બેસ્ટ લેવલ જોવાયું છે. જૅપનીઝ નિક્કી લગભગ બે દાયકાની નવી ટોચ બનાવવાનો શિરસ્તો જાળવી રાખતાં ૨૫,૭૩૦ને વટાવી ગઈ કાલે ૨૫૭૧૪ની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો છે. હૉન્ગકૉન્ગ માર્કેટ ૩૧,૦૦૦નો માઇલસ્ટોન સર કરવાની ઉતાવળમાં હોય એમ ૩૦,૯૨૬ સુધી જઈ ચડ્યો છે. ઑસ્ટ્રેલિયન શૅરબજારે ૬૧૪૩ની નવી ઊંચી સપાટી મેળવી છે. સિંગાપોર માર્કેટ ૩૫૧૪ને આંબી નવા શિખરે આવી ગયું છે. ટ્રમ્પ સરકાર પાકિસ્તાન સામે લાલઘૂમ થતી જાય છે છતાં ત્યાંનું શૅરબજાર છેલ્લા દસમાંથી નવ દિવસની આગેકૂચમાં ૩૯,૯૨૫થી વધી ગઈ કાલે ઉપરમાં ૪૩,૨૫૬ થઈ છેલ્લે ૫૮૮ પૉઇન્ટના ઉછાળે ૪૩,૧૧૨ બંધ રહ્યું છે. લંડનનો ફુત્સી ઇન્ડેક્સ ૭૭૩૩ની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. વિશ્વબજારો હૂંફ સાથે ઘરઆંગણે ડિસેમ્બર ક્વૉર્ટરનાં કંપની પરિણામ તેમ જ કેન્દ્રીય બજેટ માથે હોઈ શૅરબજાર હાલમાં જરાય નમતું જોખવાના મૂડમાં નથી. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનને પકડી રાખતાં સેન્સેક્સ ગઈ કાલે ૩૪,૩૮૬ નજીક જઈ છેલ્લે ૧૯૯ પૉઇન્ટની આગેકૂચમાં ૩૪,૩૫૩ નજીક તો નિફ્ટી ૧૦,૬૩૧ની ટૉપ બની ૬૫ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦,૬૨૩ બંધ આવ્યો છે. બન્ને મેઇન બેન્ચમાર્કેમાં નવાં સર્વોચ્ચ શિખરની સાથે-સાથે ગ્લ્ચ્નું માર્કેટકૅપ ૧૫૪.૬૪ લાખ કરોડ રૂપિયાની નજીકના નવા બેસ્ટ લેવલે જોવાયું છે. રોકડામાં લાવ-લાવ જેવો માહોલ જામ્યો છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ BSE-૫૦૦ પોણાથી એક ટકા જેવા વધારાની વચ્ચે નવી વિક્રમી સપાટીએ આવી ગયા છે. રોકડાની ઝમક થકી માર્કેટ-બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSE ખાતે તમામ બેન્ચમાર્ક પ્લસ હતા. એકમાત્ર ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી માઇનસ ઝોનમાં બંધ રહ્યો છે.

ઇથરમાં તેજીનું જોર આગળ વધ્યું

ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટમાં ૨૦,૦૦૦ ડૉલર નજીક ગયેલો બિટકૉઇન છેલ્લા કેટલાક દિવસથી થાક ખાઈ રહ્યો છે, પરંતુ ઇથર, રિપ્પલ લાઇટ કૉઇન, મિઓટા કે આઇઓટા જેવાં કૉઇન્સ મસ્તીમાં છે. મહિના પહેલાં માંડ ૨૫ સેન્ટમાં મળતો રિપ્પલ ૪ જાન્યુઆરીએ ૩૮૧ સેન્ટનું બેસ્ટ લેવલ હાંસલ કર્યા બાદ શાર્પ ડાઉનટર્નમાં હાલમાં અઢી ડૉલર આસપાસ આવી જતાં ૯૯ અબજ ડૉલરના માર્કેટકૅપ સાથે ત્રીજા સ્થાને હડસેલાયો છે. જ્યારે ઇથર તેજીની આગેકૂચમાં ૧૨૬૭ ડૉલરની ઑલટાઇમ હાઈ બની દોઢેક ટકાના સુધારામાં ૧૧૪૫ ડૉલરના રેટ સાથે ૧૧૧ અબજ ડૉલરના માર્કેટકૅપમાં હવે બીજા ક્રમે છે. મહિના પહેલાં ઇથર સાડાચારસો ડૉલર આસપાસ તો વર્ષ પૂર્વે સાડાનવ ડૉલર જેવો હતો. બિટકૉઇન ગઈ કાલે ૧૬,૨૬૯ ડૉલરની ઇન્ટ્રા-ડે હાઈ બની સાડાચાર ટકાની નરમાઈમાં રનિંગમાં ૧૫,૪૨૫ ડૉલર ચાલતો હતો. એનું માર્કેટકૅપ હાલમાં ૧૫૫ અબજ ડૉલરનું છે. સમગ્ર ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ૭૫૪ અબજ ડૉલર જેવું મુકાતું હતું.

ક્રૂડ ૮૦-૯૦ ડૉલર થવાના અમંગળ વરતારા

૨૦૧૭ના આરંભે બેરલદીઠ ૫૦ ડૉલરની આસપાસ ચાલતું ક્રૂડ ધીમી અને મક્કમ તેજીમાં વીસેક ટકા વધી હાલમાં ૬૮ ડૉલરે આવી ગયું છે. આગામી એક વર્ષમાં ભાવ વધતો રહીને ૮૦ ડૉલર અને ત્યાર પછીના વર્ષે ૯૦ ડૉલરે જશે એમ મોટા ભાગના વિશ્લેષકોનું માનવું છે. ક્રૂડ મોંઘું થવાની સીધી અસર હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, IOC, MRPL, ચેન્નઈ રિફાઇનરી જેવી સરકારી રિફાઇનરી કંપનીઓ તેમજ જેટ ફ્યુઅલના સંભવિત ભાવવધારાના કારણે જેટ ઍરવેઝ, સ્પાઇસ જેટ તથા ઇન્ડિગો ફેઇમ ઇન્ટરગ્લોબ એવિયેશન જેવી વિમાની કંપનીઓને થવાની છે. તો ONGC, ઑઇલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કેઇર્ન ઇન્ડિયા, ગેઇલ, પેટ્રોનેટ LNG, અબાન ઑફશૉર, જિન્દલ ડ્રિલિંગ, ગ્લોબલ ઑફશૉર, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન, સાલન એક્સ્પ્લોરેશન ઇત્યાદિ જેવા ઑઇલ-ગૅસ ઉત્પાદક શૅર તેમ જ ઑઇલ એક્સ્પ્લોરેશન બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ વત્તે-ઓછે ક્રૂડના વધતા ભાવથી લાભ ખાટશે. ક્રૂડની મજબૂતી પેઇન્ટ્સ, સ્પેશ્યલિટી કેમિકલ્સ, ખાતર, પોલિમર્સ, પાવર કંપનીઓ માટે કાચા માલ અને ઇન-પુટ્સ મોંઘાં બનાવશે. ઘરઆંગણે ફ્યુઅલ ખાસ કરીને ડીઝલ મોંઘું અને એટલા અંશે સમગ્ર અર્થતંત્રમાં ફુગાવાને વધુ પ્રોત્સાહન મળશે. રાજકોર્ષીય ખાધના ગણિત ખોટા પડશે. ડૉલર સામે રૂપિયા નબળો પડવા લાગશે. શૅરબજાર માટે આ બધુ સારું તો હરગિજ નથી.

વૉકહાર્ટ ૧૭ મહિને ફરી ચાર આંકડે

વૉકહાર્ટ ક્રમશ: તેજીની આગેકૂચમાં ગઈ કાલે બમણા કામકાજમાં ૧૦૧૨ રૂપિયા થયો હતો. ૨૦૧૬ની પાંચમી ઑગસ્ટ પછી પ્રથમ વાર આ કાઉન્ટર ચાર આંકડે દેખાયું છે. ભાવ છેલ્લે ૬ ટકા વધીને ૯૯૩ રૂપિયા બંધ હતો. મહિના પૂર્વે ભાવ નીચામાં ૬૮૦ રૂપિયા હતો. ફાર્મા સેગમેન્ટમાં આ ઉપરાંત ગઈ કાલે આલ્બર્ટ ડેવિડ, અલ્કેમ, બાયોકૉન, લાયકા લૅબ, મેડિકામૅન બાયો, યુનિકેમ લૅબ જેવા બીજા અડધો ડઝન શૅર ઐતિહાસિક ઊંચા શિખરે ગયા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ દસમાંથી ૯ શૅરની મજબૂતીમાં ૧.૪ ટકા વધીને બંધ રહ્યો છે. BSE ખાતે હેલ્થકૅર બેન્ચમાર્ક ૭૦માંથી ૪૬ શૅરના સુધારામાં સવા ટકા અપ હતો. સમગ્ર ફાર્મા ઉદ્યોગમાં ૮૫ જાતો વધી હતી. ૪૬ શૅર ડાઉન હતા. વીનસ રેમેડીઝ ૩૨ ગણા કામકાજમાં ૧૨૬ રૂપિયાની વર્ષની ટૉપ બતાવી છેલ્લે ૧૯.૪ ટકાના ઉછાળે ૧૨૫ રૂપિયા બંધ હતો. SMS ફાર્મા, કોપરાન, લાયકા લૅબ્સ, ઑર્કિડ ફાર્મા, આલ્બર્ટ ડેવિડ, માર્ક સન્સ,  કૅડિલા હેલ્થકૅર, સિન્જેન ઇન્ટરનૅશનલ, લુપિન, બાયોકૉન, સન ફાર્મા, મેડિકામૅન, સનોફી જેવી સ્ક્રિપ્સ બેથી સાત ટકા ઊંચકાઈ હતી.

લાર્સનમાં નવા ઑર્ડર થકી તેજીની આગેકૂચ

ઇજનેરી જાયન્ટ લાર્સન ટૂબ્રોના કન્સ્ટ્રક્શન ડિવિઝનને આંધþ પ્રદેશ રાજ્ય સરકાર તરફથી ૨૨૬૫ કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળ્યાના સમાચાર પાછળ શૅર પ્રમાણમાં સારા કામકાજ સાથે ૧૩૪૫ રૂપિયાની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને અંતે પોણાબે ટકાની મજબૂતીમાં ૧૩૩૮ રૂપિયા બંધ રહ્યો છે. લાર્સન ગ્રુપની અન્ય કંપનીઓમાં લાર્સન ઇન્ફોટેક અડધો ટકો વધીને ૧૧૧૫ રૂપિયા, લાર્સન ટેક્નૉલૉજીઝ દોઢ ટકાના ઘટાડે ૧૧૦૩ રૂપિયા તથા લાર્સન ફાઇનૅન્સ પાંચ ટકાની તેજીમાં ૧૮૪ રૂપિયા બંધ હતા. લાર્સનની હૂંફમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૦૧૯૬ની વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છેલ્લે ૨૪૩ પૉઇન્ટ વધીને ૨૦૧૨૯ બંધ રહ્યો છે જેમાં લાર્સનનો ફાળો ૧૯૧ પૉઇન્ટનો હતો. અન્ય શૅરમાં ગ્રેફાઇટ ઇન્ડિયા સાડાચાર ટકાની મજબૂતીમાં ૮૫૦ રૂપિયા બંધ હતો. રિલાયન્સ નેવલ સાડાત્રણ ટકા, CG પાવર પોણાચાર ટકા, ફિનોલેક્સ કેબલ પોણાપાંચ ટકા, વેલ કૉર્પ પોણાબે ટકા, ભારત અર્થમૂવર સવા ટકો, કલ્પતરુ પાવર એક ટકો પ્લસ હતો. GET&D પાંખા વૉલ્યુમમાં સવાબે ટકાની નબળાઈમાં ૪૪૭ રૂપિયા બંધ આપી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો.

જિન્દલ સ્ટીલ ૪૦ મહિનાની ટોચે ગયો

જિન્દલ સ્ટીલ ઍન્ડ પાવર દ્વારા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ મારફત  ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની તેમ જ ઓમાન ખાતે વાર્ષિક ૨૦ લાખ મેટ્રિક ટનની ક્ષમતાવાળો ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ ધરાવતી પૂર્ણ માલિકીની સબસિડિયરી વિદેશી એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવી ૧૫૦૦થી ૨૦૦૦ કરોડ રૂપિયા મેળવવાની યોજના હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૨૭૦ રૂપિયાની ૨૦૧૪ ઑગસ્ટ પછીની ટોચ બતાવી ગઈ કાલે ૭ ટકાના જમ્પમાં ૨૫૬ રૂપિયા બંધ આવ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળું આ કાઉન્ટર એપ્રિલ ૨૦૧૦ની આખરમાં  ૭૪૬ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયું હતું. ઍની વે, વર્ષ પૂર્વે શૅર ૭૩ રૂપિયાની અંદર હતો. અન્ય સ્ટીલ શૅરમાં તાતા સ્ટીલ સોમવારે ૭૮૦ રૂપિયાની મલ્ટિયર ટૉપ, મિડજૂન ૨૦૦૮ પછીની બેસ્ટ સપાટી બનાવી છેલ્લે નહીંવત ઘટાડે ૭૬૮ રૂપિયા હતો. સેઇલ જૂન ૨૦૧૪ પછી પ્રથમ વાર ત્રણ આંકડે થઈ ઉપરમાં ૧૦૧ વટાવી છેલ્લે સવા ટકાની મજબૂતીમાં ૯૯ રૂપિયા બંધ આવ્યો છે. JSW સ્ટીલ ઇન્ટ્રા-ડેમાં ૨૯૦ રૂપિયા પ્લસની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી અંતે નજીવા ઘટાડે ૨૮૫ રૂપિયા હતો. મેટલ ઇન્ડેક્સમાં કોલ ઇન્ડિયા ગઈ કાલે ઉપરમાં ૨૯૦ થઈ છેલ્લે સવાત્રણ ટકાની તેજીમાં ૨૮૮ રૂપિયા બંધ હતો. તાતા સ્પૉન્જ ૧૦૮૨ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને સવાચાર ટકાના જમ્પમાં ૧૦૫૬ રૂપિયા હતો. સાંડૂર મૅન્ગેનીઝ ૧૩૭૬ રૂપિયાની સર્વોચ્ચ સપાટી મેળવી બે ટકા વધીને ૧૩૪૯ રૂપિયા હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૪ શૅરની નરમાઈમાં એકાદ ટકાની નજીક વધ્યો છે. હિન્દુસ્તાન કૉપર અહીં સવાબે ટકા તો નાલ્કો સવા ટકાની નજીક ડાઉન હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK