હવે બજારનો સૌથી મોટો આધાર બજેટ

સેન્સેક્સ અને નિફ્ટી સિવાય પણ માર્કેટને જોવું જોઈએ


market


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


શૅરબજાર માટે બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડા પ્રધાનની ૩૧ ડિસેમ્બરની સ્પીચે કોઈ મોટો રોમાંચ કે આંચકો નથી આપ્યો, પરંતુ એમાંથી બજેટના સંભવત: નિર્દેશો મળી શક્યા છે. આ સંજોગોમાં બજાર કરતાં સિલેક્ટિવ શૅરો પર ધ્યાન આપવું હિતાવહ રહેશે અને એથી જ સેન્સેક્સ અને નિફ્ટી સિવાયની સ્ક્રિપ્સ પર પણ નજર રાખવી જોઈશે. સામાન્ય રીતે આપણે બજારની વધ-ઘટને સેન્સેક્સ અને નિફ્ટીની વધ-ઘટની નજરે જ જોતા હોઈએ છીએ, જ્યારે કે ઘણી વાર એવું બને કે સેન્સેક્સ ઘટ્યો હોય, પણ બજાર ઓવરઑલ વધ્યું હોય. ડિસેમ્બરના છેલ્લા કેટલાક દિવસોમાં એવું જોવાયું હતું કે સેન્સેક્સ-નિફ્ટી નીચે આવી ગયા હતા, પરંતુ અન્ય ઇન્ડેક્સ વધ્યા હતા અર્થાત્ મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો વધ્યા હોય. અહીં એ નોંધવું જરૂરી છે કે બજાર એ માત્ર સેન્સેક્સ કે નિફ્ટી નથી. આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઉપરાંત પણ બીજા ઇન્ડેક્સ છે અને બીજી હજારો સ્ક્રિપ્સમાં પણ રોકાણ થતું હોય છે. આ વાત અહીં કરવાનો ઉદ્દેશ એ છે કે હવેનો સમય સ્ટૉક સ્પેસિફિક રહેવાનો વધુ છે. બજારની વધ-ઘટને જોઈ રોકાણનું પ્લાનિંગ કરવાને બદલે ફન્ડામેન્ટલ્સથી મજબૂત એવા શૅરો-કંપનીઓમાં ધ્યાન આપી એ શૅરો જમા કરતા રહેવામાં શાણપણ રહેશે.

તેજી માટેનો આશાવાદ ઊંચો છે


સોમવારે બજાર નેગેટિવ ખૂલવાનું નક્કી હતું, કેમ કે સરકારે સિંગાપોર સાથે ટૅક્સ કરારમાં જે સુધારા કર્યા છે એને કારણે સિંગાપોર માર્ગે આવતું રોકાણ અસર પામશે એવી ધારણા બંધાઈ ગઈ હતી તેમ જ આગલા ડિસેમ્બરના અંતિમ દિવસોમાં માર્કેટ જે મુજબ વધ્યું હતું એમાં પ્રૉફિટ-બુકિંગ આવવું પણ સહજ હતું. જોકે સોમવારે શરૂમાં ઘટેલું બજાર બંધ થતાં પહેલાં રિકવર થઈ ગયું હતું અને સામાન્ય નીચું બંધ રહ્યું હતું. ૩૧ ડિસેમ્બરે વડા પ્રધાનની સ્પીચમાં કોઈ નેગેટિવ જાહેરાત નહોતી આવી બલકે બજેટ માટે કેટલાક સંકેત હતા અને જાહેરાતમાં ગરીબ વર્ગ માટે થોડી રાહત હતી, પરંતુ જે લોકોમાં ઉચાટ કે ગભરાટ હતો એવું કંઈ નીકળ્યું નહીં એની રાહત હતી. જોકે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સેન્સેક્સ સવાસો પૉઇન્ટ ઘટ્યો હતો જેનું મુખ્ય કારણ પ્રૉફિટ-બુકિંગ ગણાતું હતું. જોકે મહત્વની વાત એ છે કે બજાર થોડા દિવસ પહેલાં જે રીતે સતત ઘટી રહ્યું હતું એ જોઈ ગભરાટ જેવું વાતાવરણ બની રહ્યું હતું એ હવે દૂર થયું જણાય છે. જાણીતા ઇન્વેસ્ટમેન્ટ ગુરુ રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં પોતાના અભિપ્રાયમાં કહ્યું હતું કે ‘અત્યારનો સમય ખરીદીનો છે. ડીમૉનેટાઇઝેશનને ભૂલીને ઇન્વેસ્ટરોએ ખરીદી કરતાં જઈ સારા-મજબૂત શૅરો જમા કરતા રહેવું જોઈએ.’

અહીં એ નોંધવું મહત્વનું છે કે અગ્રણી વિદેશી બ્રોકરેજ હાઉસિસ સહિત ભારતીય મોટાં બ્રોકરેજ હાઉસિસ શૅરોની તેજી માટે આશાવાદી છે, પછી ભલે અત્યારનો સમય કપરો અને અનિશ્ચિતતાનો ગણાય. તેઓ લાંબા ગાળાની તેજી માટે વિશ્વાસ ધરાવે છે.

બજેટના સંકેતો જોતા રહેવા

હવેનો આખો મહિનો બજેટના સંકેતોનો રહેશે. સરકાર તરફથી સતત બજેટમાં શું આવી શકે એના ઇશારા થતા રહેશે અથવા બજાર પણ એની ધારણા બાંધતું રહેશે. ડીમૉનેટાઇઝેશનની નકારાત્મક અસરોને દૂર કરવા અને હળવી કરવા સરકારે કંઈક એવું નક્કર કરવું જ પડશે જે ઇકૉનૉમીને વેગ આપી શકે. બાકી અત્યારે તો બે ક્વૉર્ટર સુધી અર્થતંત્ર ઢીલું-મંદ ગતિએ ચાલવાનું એવો નિષ્કર્ષ ક્યારનો અને સતત વ્યક્ત થતો રહ્યો છે. બજેટ કરવેરામાં રાહતો લઈને આવશે એવું વારંવાર કહેવાઈ રહ્યું હોવાથી એ માટે ઊંચી આશા બંધાઈ ગઈ છે. ટૅક્સ કલેક્શન વધવાની આશા પણ ઉચ્ચ સ્તરે પહોંચી છે. GST હજી અધ્ધર સ્થિતિમાં ગણાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપ્યા સિવાય કોઈ વિકલ્પ નથી એવું નિષ્ણાતો કહે છે. સરકાર બચત અને રોકાણને પ્રોત્સાહન આપવા તેમ જ ગ્રામ્ય ક્ષેત્ર માટે વિશેષ પગલાં ભરશે એવું વ્યક્ત થઈ રહ્યું છે. અમુક રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પણ બજેટ પર દરેકની વિશિક્ટ નજર છે. ચૂંટણી પહેલાં બજેટ રજૂ થવા ન દેવું જોઈએ એવી માગણી પણ વિરોધી રાજકીય પક્ષો તરફથી સતત થઈ રહી છે. જોકે આ વાત ધ્યાનમાં લેવાશે કે કેમ એ ટૂંકમાં સ્પક્ટ થઈ જશે. જોકે બજેટની તારીખ પાછળ ઠેલાય તો પણ સરકારનાં પગલાંમાં કોઈ ફેરફાર નહીં હોય એ નક્કી છે, કારણ કે ડીમૉનેટાઇઝેશનની લોકોના માનસ પર પડેલી નકારાત્મક અસરોનો જવાબ કે ઉપાય આપવા આ બજેટ મોદી સરકાર માટે બહુ મોટો આધાર છે.  

બૅન્કોના વ્યાજદર ઘટવાના શરૂ, પરંતુ...

જાન્યુઆરીના આરંભ સાથે જ બૅન્કોએ વ્યાજદર પર કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે. જોકે એને લીધે ધિરાણની ડિમાન્ડ કેવી નીકળે છે એ તો આગામી સમય કહેશે. દેશની ટોચની કંપનીઓ ૨૦૧૭માં ઇકૉનૉમી મંદ ગતિએ આગળ વધશે એવું માને છે, પરંતુ આ ઉદ્યોગોને સરકારનાં પગલાં અને કામગીરી પર વિશ્વાસ છે એ નોંધનીય છે. દરમ્યાન સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અભ્યાસ મુજબ દેશમાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટનું પ્રમાણ નોંધપાત્ર નીચું ગયું છે જે ઇકૉનૉમી મંદ ગતિએ ચાલવાની વધુ એક સાક્ષી પૂરે છે.

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી


વિદેશી રોકાણકારો સતત વેચવાલ બન્યા છે. હવે પછી ભારતીય શૅરબજાર માટે મોટો આધાર સ્થાનિક રોકાણકારો બન્યા છે જેમાં સંસ્થાકીય અને મ્યુચ્યુઅલ ફન્ડ જેવા મહારથી રોકાણકારોએ મહત્વની ભૂમિકા ભજવવાની આવશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી રોકાણકારો સતત શૅરો વેચી રહ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ચાલુ રહી છે. રીટેલ રોકાણકારો માર્કેટ માટે હજી કન્ફ્યુઝ અવસ્થામાં વધુ છે જેથી માર્કેટને બદલે મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વધુ વળી રહ્યા છે. જોકે એ સારી નિશાની છે.

ગ્લોબલ અનિશ્ચિતતા


ગ્લોબલ પરિબળો પર પણ નજર રાખવી જોઈશે. ક્રૂડના ભાવ, ડૉલર-રૂપિયાની સ્થિતિ, અમેરિકન ફેડરલ રિઝર્વ તેમ જ ટ્રમ્પની આગામી નીતિઓ, બ્રેક્ઝિટની અસર સહિત ઘણાં ગ્લોબલ પરિબળો આપણી બજાર પર એક યા બીજી અસર કરાવતાં રહેશે, જેમાં અનિશ્ચિતતા વધુ રહેવાની એથી બજારને એ સતત વૉલેટાઇલ રાખશે, જ્યારે ભારતીય ઇકૉનૉમીના ફન્ડામેન્ટલ્સ વિશે પણ ડીમૉનેટાઇઝેશન બાદ મહત્તમ અનિશ્ચિતતા જ સર્જા‍ઈ હોવાનો મત વ્યક્ત થાય છે. લાંબા ગાળે સારું થશે એવી વાતો થાય છે, પણ લાંબા ગાળાની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. અત્યારે ભલે એને બેથી ત્રણ ક્વૉર્ટર પૂરતી સમસ્યા માનવામાં આવે, પરંતુ આ કપરો અને મંદ સમય લાંબો પણ ચાલી શકે અને એથી જ હવે પછીનો સૌથી મોટો આધાર બજેટ જ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy