IT સિવાય તમામ બેન્ચમાર્ક ડાઉન, ફાર્મા શૅરમાં તગડી ખરાબી

હિસ્સો નહીં વધારવાના હૅન્કલના નિર્ણયથી જ્યોતિ લૅબમાં કડાકો : લુપિન સાડાછ વર્ષની મોટી ખરાબીમાં ચાર વર્ષના તળિયે ગયો : માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૧.૭૪ લાખ કરોડની હાનિ

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર ગઈ કાલે પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા બાદ ૩૩,૮૬૬ નજીક નવી વિક્રમી સપાટીએ ગયું હતું. જોકે આ પ્રારંભિક સુધારો અલ્પજીવી નીવડતાં માર્કેટ દસ વાગ્યા પછી માઇનસ ઝોનમાં સરક્યું અને લપસણી ચાલમાં ઘટાડો આગળ વધતો રહ્યો. ઇન્ટ્રા-ડેમાં ૩૩,૩૪૨ની અંદર ગયા બાદ સેન્સેક્સ છેવટે ૩૬૦ પૉઇન્ટની કમજોરીમાં ૩૩,૩૭૧ નજીક બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૦,૪૮૫ થઈ છેલ્લે ૧૦૨ પૉઇન્ટ બગડીને ૧૦,૩૫૦ જોવાયો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી પચીસ તો નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર માઇનસ ઝોનમાં હતા. લુપિન બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. સિપ્લા અને સ્ટેટ બૅન્ક ત્યાર પછીના ક્રમે હતા. સેન્સેક્સના એકાદ ટકાની સામે સ્મૉલ કૅપ-મિડ કૅપ દોઢ ટકાની આસપાસ અને ઘટાડાના વધુ વ્યાપ સાથે નરમ રહેતાં માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી ખરાબ જોવા મળી છે. NSE ખાતે તો ૧૮૦૧ શૅરમાંથી વધેલા શૅરની સંખ્યા માત્ર ૪૫૦ની હતી. માર્કેટકૅપની રીતે ગઈ કાલે રોકાણકારો માટે ૧.૭૪ લાખ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. ડૉલર સામે રૂપિયામાં માંડ અડધા ટકાની નરમાઈથી IT ઇન્ડેક્સ બે ટકા પોરસાયો છે. જોકે આ બજારની ખરાબીને શક્ય હદે સીમિત રાખવાની ખેલાડીઓની કોશિશ સિવાય કંઈ નથી. IT શૅર ફરી પાછા ભીંસમાં આવી જવાના છે. IT સિવાય BSE ખાતે તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. આવી જ સ્થિતિ NSEમાં હતી. અહીં નિફ્ટી ફાર્મા તમામ શૅરની ખરાબીમાં સવાચાર ટકાથી વધુ પટકાયો હતો. ત્યાર બાદ PSU બૅન્ક નિફ્ટી ચારેક ટકા તૂટ્યો હતો. કન્ઝ્યુમર ગુડ્સ જર્મન મલ્ટિનૅશનલ હૅન્કલ દ્વારા ૨૦૧૧ના એગ્રિમેન્ટ અનુસાર જ્યોતિ લૅબમાં વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાનો વિકલ્પ જતો કરવાનો નિર્ણય લેવાયાના અહેવાલ પાછળ જ્યોતિ લૅબ બન્ને બજાર ખાતે વીસેક લાખ શૅરના ભારે કામકાજ વચ્ચે નીચામાં ૩૨૮ રૂપિયાની અંદર જઈ છેલ્લે ૧૪ ટકા લથડીને BSE ખાતે ૩૩૬ રૂપિયા તો NSEમાં ૧૫ ટકા તૂટી ૩૩૨ રૂપિયા બંધ હતો.

લુપિન મોટા કડાકામાં ચાર વર્ષના તળિયે


લુપિનના ગોવા તથા ઇન્દોર ખાતેના ડ્રગ્સ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટને USFDA તરફથી વૉર્નિંગ લેટર જારી થયાના અહેવાલ પાછળ શૅર સાડાછ વર્ષના મોટા કડાકામાં ૧૦૪૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપથી ૮૪૬ રૂપિયાના ચાર વર્ષના તળિયે જઈ છેલ્લે ૧૭ ટકા લથડીને ૮૬૦ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૧૮ ગણુ વધુ નોંધાયું હતું. લુપિન પાછળ સમગ્ર ફાર્મા સેગમેન્ટમાં માનસ ખરડાયું હતું. હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪,૬૭૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ૭૨૫ પૉઇન્ટ તૂટ્યા બાદ છેલ્લે ૭૦માંથી ૧૦ શૅરના સુધારામાં સાડાત્રણ ટકા કે ૫૧૦ પૉઇન્ટના ઘટાડે ૧૪,૦૩૭ બંધ હતો. સિપ્લાએ ઑપરેટિંગ માર્જિનમાં દોઢ ટકાના વધારા સાથે બજારની ધારણા કરતાં ઊંચા એવા ૧૮ ટકાના વૃદ્ધિદરથી ૮૦૪ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નફો હાંસલ કર્યો હોવા છતાં શૅર નીચામાં ૬૦૧ રૂપિયા થઈ છેલ્લે ૭ ટકાની ખરાબીમાં ૬૦૮ રૂપિયા બંધ હતો. સનફાર્મા ૨.૪ ટકા, ઍલેમ્બિક ૪.૫ ટકા, સ્ટ્રાઇડ સાશૂન ૪.૨ ટકા, વૉકહાર્ટ ૪.૭ ટકા ડાઉન હતા. સામે એસ્ટ્રા ઝેનેકા દ્વારા અગાઉના ૮૦ લાખ રૂપિયા સામે આ વખતે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૭૩૮ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં ભાવ ૧૦૯૫ રૂપિયાના આગલા બંધ સામે ૧૨૭૮ રૂપિયાની વર્ષની ટોચ બતાવી છેલ્લે સવાઆઠ ટકાની તેજીમાં ૧૧૮૬ રૂપિયા હતો. રોજના માંડ ૩૩૦૦ શૅર સામે ગઈ કાલે BSEમાં ૫૯,૦૦૦ શૅરનાં કામકાજ થયાં હતાં. ટૉરન્ટ ફાર્મા ૨.૯ ટકા તો યુનિકેમ લૅબોરેટરીઝ ૪.૫ ટકા ડાઉન હતા. 

રૂપિયાની નબળાઈમાં IT શૅરને શૂરાતન


ઓવરઑલ નરમ બજાર વચ્ચે IT શૅર ગઈ કાલે સામા પ્રવાહમાં નોંધપાત્ર વધ્યા હતા. IT ઇન્ડેક્સ બે ટકા વધીને ૧૦,૬૯૦ બંધ હતો. હેવીવેઇટ્સ ઇન્ફોસિસ દોઢા કામકાજમાં ૯૬૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૨.૮ ટકા વધીને ૯૫૫ રૂપિયા, TCS ૨૭૪૩ રૂપિયાની વર્ષની ટૉપ બનાવી ૧.૭ ટકાની મજબૂતીમાં ૨૭૧૧ રૂપિયા તથા વિપ્રો પોણો ટકો વધીને ૩૦૨ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ૮૧ પૉઇન્ટનો લાભ થયો હતો. અન્ય કાઉન્ટર્સમાં ડેટામેટિક્સ ગ્લોબલ ૧૧ ટકાના ઉછાળે ૧૧૪ રૂપિયા હતો. હેક્સાવેર, માસ્ટેક, પોલારિસ, HCL ટેક્નૉલૉજીઝ, એમ્ફાસિસ, ઓરેકલ, ન્યુક્લિયસ, ટેક મહિન્દ્ર, ઝેનસાર જેવી જાતો લગભગ બેથી સાડાચાર ટકા અપ હતી. ડૉલર સામે રૂપિયાની કમજોરીને IT શૅરમાં ફૅન્સીનું કારણ બતાવાતું હતું. જોકે આ બધી વાતો છે. ફ્રન્ટલાઇન ચલણી IT શૅરની મજબૂતી ટેક્નૉલૉજી ઇન્ડેક્સને ફળી હતી. જસ્ટ ડાયલ, ડીબી કૉર્પ, MTNL, ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ, ડિશ ટીવી, ભારતી ઍરટેલ, PVR, આઇડિïયા સેલ્યુલર, સનટીવી, તાતા કમ્યુનિકેશન્સ, R.કૉમ જેવાં કાઉન્ટર અત્રે બેથી સાડાસાત ટકા ડાઉન હોવા છતાં IT શૅરની હૂંફ મળતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૬૧૫૬ની વર્ષની ટોચે જઈ છેલ્લે સવા ટકા વધી ૬૧૧૨ બંધ રહ્યો છે.

ક્રૂડની તેજી વિમાની શૅરને નડી

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૬૪ ડૉલરની અઢી વર્ષની ટોચે જતાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં મોટો વધારો થવાની દહેશત હેઠળ એવિયેશન શૅર ગઈ કાલે સારા એવા નરમ હતા. જેટ ઍરવેઝ નીચામાં ૫૯૧ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકાની નબળાઈમાં ૬૦૧ રૂપિયા, સ્પાઇસ જૅટ સાડાચાર ટકા લથડીને ૧૪૧ રૂપિયા તથા ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લૉબ સાડાત્રણ ટકાની નરમાઈમાં ૧૨૦૦ રૂપિયા બંધ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં સવા ટકાથી વધુ લપસ્યો હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા તૂટીને ૯૦૬ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને સર્વાધિક ૯૬ પૉઇન્ટનો માર પડ્યો હતો. IOC અને ONGC અઢી ટકાની આસપાસ તો કૅસ્ટ્રોલ બે ટકા ડાઉન હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ સામા પ્રવાહે સવાબે ટકા ઊંચકાયો હતો. ક્રૂડના ભાવ મજબૂત બને તો એક્સાઇઝ અને વૅટના દર ઘટાડ્યા પછી સરકાર હવે PSU ઑઇલ કંપનીઓને લીટરદીઠ એકાદ રૂપિયાનો બોજ વેઠવા મજબૂર કરશે. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪માંથી ૧૦ શૅરના ઘટાડે એક ટકો ઢીલો હતો. અશોક લેલૅન્ડ MRF, તાતા મોટર્સ, બજાજ ઑટો પોણાબેથી ત્રણ ટકા નરમ હતા.

બૅન્કિંગમાં એક શૅર વધ્યો, સાત ઘટ્યા

ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી સવા ટકાની આસપાસ માઇનસ હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રનાં ૪૦માંથી ૩૫ કાઉન્ટર કટ થયાં હતાં. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૮ શૅરની નબળાઈ છતાં માંડ પોણો ટકો ઘટેલો નહોતો. સામે PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની ખરાબીમાં ચારેક ટકા તૂટ્યો છે. સિટી યુનિયન બૅન્ક, DCB તેમ જ DCB બૅન્ક એકાદ ટકાના સુધારામાં મોખરે હતા. બીજી તરફ OBC, યુનિયન બૅન્ક, PNB, બૅન્ક ઑફ ઇન્ડિયા, કર્ણાટકા બૅન્ક, આંધ્ર બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક ચાર ટકાથી લઈને છ ટકા સુધી ધોવાયા હતા. કુલ ૩૦ બૅન્ક શૅર બે ટકાથી માંડીને છ ટકા સુધી ગઈ કાલે તૂટ્યા છે. સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા, ઍક્સિસ બૅન્ક તથા ICICI બૅન્ક સવા ટકો અને HDFC બૅન્ક ૦.૪ ટકા ઘટીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૯૮ પૉઇન્ટની હાનિ થઈ હતી.

ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપલી સર્કિટમાં નવી ટોચે


ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ ત્રીજા દિવસના સુધારા અને બીજા દિવસની ઉપલી સર્કિટમાં ૨૦ ટકા વધી ૧૧૭ રૂપિયાના નવા શિખરે બંધ રહ્યો છે. કામકાજ ૧૧ ગણા હતા. TVS ગ્રુપની વ્હીલ્સ ઇન્ડિયા સારાં પરિણામો સાથે વિસ્તરણ યોજનાના અહેવાલમાં ૧૯૭૦ રૂપિયાનું નવું શિખર મેળવી અંતે ૧૩ ટકા કે ૨૧૬ રૂપિયાના ઉછાળે ૧૮૬૧ રૂપિયા હતો. આગલા દિવસના ૨૦ ટકાના જમ્પ બાદ કીટેક્સ ગાર્મેન્ટ્સ બાર ગણા વૉલ્યુમમાં ૧૧ ટકા ઊંચકાઈને ૩૨૮ રૂપિયા નજીક બંધ આવ્યો છે. ક્રૂડની તેજી પાછળ હિન્દુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન ૧૧૯ રૂપિયાની મલ્ટિયર હાઈ બનાવી પોણાઆઠ ટકા વધી ૧૧૫ રૂપિયા હતો તો જ્યોતિ લૅબ નબળા રિઝલ્ટના પગલે ૩૦ ગણા કામકાજમાં નીચામાં ૩૨૭ રૂપિયા થઈ છેલ્લે ૧૪ ટકા તૂટીને ૩૩૬ રૂપિયા રહ્યો હતો. શિપિંગ અને માઇનિંગ સેગમેન્ટના તમામ શૅર ડાઉન હતા. શુગર ઉદ્યોગ ખાતે પાંચ શૅર વધ્યા હતા તો સામે ૩૦ જાતો નરમ હતી જેમાંથી ૧૫ શૅર સાડાïત્રણથી લઈને સાડાસાત ટકા સુધી કડવા બન્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK