સુસ્ત ચાલ છતાં બજારમાં નવાં ઊંચાં શિખર, બૅન્ક-શૅર બગડ્યા

PNBની નેટ લૉસ ધારણા કરતાં ઘણી ઓછી આવી, પણ શૅર લથડ્યો : ૧૯ વર્ષથી બોનસ ન આપનારી બ્રિટાનિયા ઇક્વિટીને બદલે બોનસ ડિબેન્ચરમાં આપશે : મુમ્બૈયા પૉલ્સનના શૅરમાં ૧૭૫૪ રૂપિયાનો ઉછાળો

BSE


શૅરબજારનું ચલકચલાણું – અનિલ પટેલ

રેન્જ-બાઉન્ડ, સુસ્ત ચાલમાં શૅરબજાર ગઈ કાલે ૩૭,૮૭૭ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૨૬ પૉઇન્ટની પીછેહઠમાં ૩૭,૬૬૬ જેવું બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૧,૮૨૯ થઈ અંતે બે પૉઇન્ટ વધીને ૧૧,૩૮૯ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી બાવીસ શૅર પ્લસ હતા. તાતા સ્ટીલ સાડાત્રણ ટકાથી વધુની મજબૂતીમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો તો અદાણી પોર્ટ્સ વર્સ્ટ પર્ફોર્મર હતો. નફાકમાણીની ફિકરમાં અદાણી ગ્રુપના અન્ય શૅર પણ ધોવાયા છે. આગલા દિવસે ૬૫ ટકાના તગડા પ્રીમિયમે ૧૮૧૫ રૂપિયા બંધ રહેલો HDFC ઍસેટ્સ મૅનેજમેન્ટનો શૅર ગઈ કાલે નીચામાં ૧૭૪૦ થઈ અંતે અઢી ટકાના ઘટાડે ૧૭૭૦ રૂપિયા બંધ હતો. ૧૭૨ કરોડની ધારણા કરતાં ઓછો, ૧૪૭ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નફો બતાવનારી TVS  મોટરનો શૅર પોણાત્રણ ગણા કામકાજમાં ચારેક ટકા વધીને ૫૪૯ રૂપિયા આસપાસ જોવાયો છે. હોકિન્સ કૂકરનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૧૩૨ ટકા વધીને આવતાં ભાવમાં ૧૩૫ રૂપિયાની તેજીની સીટી વાગી હતી. ગઈ કાલે માર્કેટ બ્રેડ્થ સાધારણ નેગેટિવ હતી. BSE ખાતે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની આગેકૂચમાં સર્વાધિક સવા ટકો અપ હતો. VIP ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકા અને ટાઇટન અઢી ટકા વધતાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પણ આટલો જ ઊંચકાયો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નરમાઈમાં એક ટકો લપસ્યો છે.

બ્રિટાનિયામાં બોનસ ડિબેન્ચર્સ, શૅર-વિભાજન

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૦૦ વર્ષ નિમિત્તે બોનસ તરીકે શૅરધારકોને સિક્યૉર્ડ રિડીમેબલ નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યુ કરવાનું નક્કી થયું છે. પ્રત્યેક શૅરદીઠ ૬૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળું આ એક ડિબેન્ચર્સ રોકાણકારોને અપાશે. કંપની દ્વારા વધુમાં ૧૨૫૦ ટકાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે અને શૅર-વિભાજન બાબતે ૨૩ ઑગસ્ટે બોર્ડમીટિંગમાં વિચારણા કરવાની જાણ કરાઈ છે. શૅરની ફેસવૅલ્યુ હાલમાં બે રૂપિયા છે. બુકવૅલ્યુ ૨૮૫ રૂપિયા આસપાસ છે. કંપનીએ છેલ્લે મે ૧૯૯૯માં બે શૅરદીઠ એકના પ્રમાણમાં બોનસ આપ્યું હતું. ૧૯ વર્ષથી બોનસનો આ દુકાળ ચાલુ વર્ષે ઉદાર બોનસ સાથે ભાગશે એવી આશા હતી, પરંતુ કંપનીએ ઇક્વિટી બોનસના બદલે ડિબેન્ચર બોનસ જાહેર કરી રોકાણકારોને નિરાશા આપી છે. મે ૨૦૧૦માં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન કરાયું હતું. પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૦.૭ ટકા છે. LIC પાસે ૪.૯ ટકા જેવો માલ છે. વર્ષ પૂર્વે ભાવ ૩૯૦૨ હતો જે વધતો રહી ૧ ઑગસ્ટે ૬૬૨૮ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. શૅર ગઈ કાલે લગભગ બમણા કામકાજમાં નીચામાં ૬૧૭૦ થઈ અંતે ૧.૭ ટકા ઘટીને ૬૨૨૦ રૂપિયા બંધ હતો

મહિન્દ્રના નફામાં લાલી, શૅર સુસ્ત

ઑટો અગ્રણી મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રાએ જૂન ક્વાર્ટરમાં ૧૧૮૦ કરોડની એકંદર ધારણા સામે અગાઉના ૭૫૨ કરોડ રૂપિયાની તુલનામાં ૬૭ ટકાના વૃદ્ધિદરમાં ૧૨૫૭ કરોડ રૂપિયાનો તગડો નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. શૅર જોકે ૯૩૩ના આગલા બંધ સામે ઉપરમાં ૯૪૫ની વિક્રમી સપાટી બનાવી સુસ્તીમાં સરી પડ્યો હતો. ભાવ નીચામાં ૯૨૧ થઈ અંતે પોણો ટકો ઘટીને ૯૨૫ રૂપિયા બંધ આવ્યો છે. મહિન્દ્ર ગ્રુપના અન્ય શૅરમાં મહિન્દ્ર લૉજિસ્ટિક્સ દોઢ ટકા, મહિન્દ્ર હોલીડેઝ સહેજ ઘટી ૨૮૭ રૂપિયા બંધ હતો. મહિન્દ્રનું હોલ્ડિંગ સવાબાર ટકા છે એનો ભાવ પોણાબે ટકા વધીને ૨૬૦ રૂપિયા રહ્યો હતો. ટેક મહિન્દ્ર પ્રારંભિક સુધારામાં ૬૭૫ નજીક ગયા બાદ ૬૫૨ થઈ અંતે એક ટકાના ઘટાડે ૬૫૯ રૂપિયા બંધ આવ્યો છે. પરાગ મિલ્ક ફૂડ્સ દ્વારા જૂન ક્વૉર્ટરમાં નેટ પ્રૉફિટમાં ૧૬૯ ટકાનો વધારો દર્શાવતાં શૅર અઢી ગણા કામકાજમાં પ્રારંભિક ઉછાળામાં ૩૪૪ વટાવી અંતે ૧૦૭ ટકા વધીને ૩૨૩ રૂપિયા બંધ આવ્યો છે. અદાણી પોર્ટ તરફથી અગાઉના ૭૬૭ કરોડ રૂપિયાની તુલનામાં જૂન ક્વૉર્ટરમાં નવ ટકાના ઘટાડામાં ૬૯૭ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો જાહેર થયાના પગલે ભાવ ગઈ કાલે અઢી ગણા વૉલ્યુમમાં નીચામાં ૩૬૯ થઈ છેલ્લે ૬.૨ ટકા ગગડીને ૩૭૩ રૂપિયા જોવાયો છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ ૪.૭ ટકા, અદાણી ગ્રીન એનર્જી‍ પાંચ ટકા, અદાણી પાવર ૧૦ ટકા ડાઉન તથા અદાણી ટ્રાન્સમિશન ૨.૭ ટકા વધ્યો હતો.

PNBને ખોટ : શૅર ગગડ્યો

દેશની ચોથા નંબરની મોટી બૅન્ક PNB દ્વારા જૂન ક્વૉર્ટરમાં વિશ્લેષકોની એકંદર ૨૩૩૫ કરોડ રૂપિયાની ધારણા કરતાં ઘણી ઓછી એવી ૯૪૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. શૅર ૯૦ના આગલા બંધ સામે ગઈ કાલે પરિણામ પૂર્વે ઉપરમાં ૯૨ નજીક ગયો હતો. રિઝલ્ટ બાદ ગગડી ૮૨ થઈ છેલ્લે આઠ ટકાની ખરાબીમાં ૮૩ રૂપિયા નજીક બંધ રહ્યો છે. વૉલ્યુમ લગભગ ચાર ગણું હતું. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૩ શૅર ગઈ કાલે ડાઉન હતા જેમાં PNB મોખરે હતો. આંધþ બૅન્ક ૫.૪ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૫.૨ ટકા, OBC પાંચ ટકા, યુનિયન બૅન્ક ૪.૫ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૩.૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૯ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૩ ટકા, IOB ત્રણ ટકા અને અલાહાબાદ બૅન્ક તથા JK બૅન્ક એકથી બે ટકાની આસપાસ પ્લસ હતા. બૅન્કેક્સ ૧૦માંથી છ શૅરના ઘટાડે ૦.૩ ટકા તો બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરની નબળાઈમાં સવાબે ટકા ખરડાયો હતો. સ્ટેટ બૅન્કનાં રિઝલ્ટ ૧૦ ઑગસ્ટે છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૦૩ થઈ અંતે દોઢ ટકા ઘટી ૩૦૪ રૂપિયા બંધ હતો.

તગડા નફામાં મર્ક ઊછળ્યો

મલ્ટિનૅશનલ ફાર્મા કંપની મર્ક દ્વારા અગાઉના ૨૦ કરોડ રૂપિયા સામે જૂન ક્વૉર્ટરમાં આ વખતે ૪૮ કરોડથી વધુનો તગડો ચોખ્ખો નફો જાહેર થતાં રોજના સરેરાશ ૪૩૪૩ શૅર સામે ગઈ કાલે ૭૮,૦૦૦ શૅરના જંગી કામકાજમાં ભાવ ૨૯૩૮ની વિક્રમી સપાટીએ જઈ અંતે ૧૮ ટકા કે ૪૩૩ રૂપિયાની તેજીમાં ૨૮૮૨ રૂપિયા બંધ રહ્યો છે. ઇન્ટલેક્ટ ડિઝાઇનને વિદેશી બૅન્કનો મલ્ટિમિલ્યન ડૉલરનો કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર ૧૨ ગણા કામકાજમાં ૨૩૨ વટાવી છેલ્લે ૧૫ ટકાના જમ્પમાં ૨૩૩ રૂપિયા રહ્યો હતો. ૫૧૫ રૂપિયાના શિખરથી સાડાપાંચ મહિનામાં ૭ જૂને ૩૧ રૂપિયાના ઐતિહાસિક તળિયે ગયેલી તોફાની પ્રમોટર્સની વકરાંગી પાંચ-પાંચ ટકાની ત્રણ ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૭ થઈ અંતે ૧૮.૪ ટકાની તેજીમાં ૬૬ રૂપિયા બંધ હતો. અવન્તિ ફીડ્સમાં ત્રણ ગણા વૉલ્યુમમાં બાર ટકાનું ગાબડું હતું. HEG ઉપરમાં ૪૨૪૦ બતાવી ૩૭૫૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવાપાંચ ટકા તૂટી ૩૯૬૫ રૂપિયા બંધ હતો. ટેક્નિકલ કારણનું બહાનું આગળ ધરીને જૂન ક્વૉર્ટરનાં પરિણામો મોડાં જાહેર કરવાની જાણ કરનારી ક્વૉલિટીનો શૅર ૨૭ જુલાઈએ ૧૧ રૂપિયાની નીચે ઑલટાઇમ તળિયે ગયા બાદ ઉપલી સર્કિટનો સિલસિલો જારી રાખતાં ગઈ કાલે પાંચ ટકા વધીને ૧૬.૭૦ રૂપિયા નજીક બંધ આવ્યો છે. JK ઍગ્રી જેનેટિકમાં દોઢસો રૂપિયા અને વૅન્કીઝમાં અઢીસો રૂપિયાનાં ગાબડાં હતાં. ટીમલીઝ પણ ૧૫૫ રૂપિયા તૂટ્યો હતો. પૉલ્સન લિમિટેડ ૨૬૫ શૅરના કામકાજમાં પોણાબાર ટકા કે ૧૭૫૪ રૂપિયાના ઉછાળે ૧૬,૬૭૨ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ ૫૦ રૂપિયાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK