તમામ ઇન્ડાઇસિસના સુધારા સાથે શૅરબજાર બીજા દિવસે મજબૂત

ક્વૉલિટીમાં બોનસ/બાયબૅકની લૉલીપૉપ કામ ન આવી : નાદારીનો કેસ જાહેર થતાં વિડિયોકૉન ઑૅલટાઇમ તળિયે : ઇન્ફોસિસમાં સર્વોચ્ચ સપાટી, રિલાયન્સ પાંચમા દિવસે પણ સુધારામાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સામાન્ય સંજોગોમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારે ત્યારે શૅરબજાર ત્વરિત માયૂસીમાં સરી પડે છે, પરંતુ હાલમાં બજાર સામાન્ય અવસ્થામાં નથી. વાસ્તવિકતા કે ફન્ડામેન્ટલ્સ સાથે એને ઝાઝી નિસ્બત રહી નથી. સરવાળે ગણિત કોઈ કામમાં આવતું નથી અથવા તો એમ પણ કહી શકાય કે બજારે એનું આગવું ગણિત તૈયાર કરી લીધું છે જે આપણને સમજાતું નથી. ઍની વે, રેપો રેટનો આંચકો પચાવીને શૅરબજાર સળંગ બીજા દિવસના સુધારામાં ઉપરમાં ૩૫,૬૨૮ વટાવી અંતે ૨૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ગઈ કાલે ૩૫,૪૬૩ તથા નિફ્ટી ૧૦,૮૧૮ થઈ ૮૪ વધીને ૧૦,૭૬૮ બંધ આવ્યા છે. આરંભથી અંત સુધી મજબૂત વલણમાં પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારની માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી હકારાત્મક હતી. તમામ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ હતા. સેન્સેક્સમાં ૩૧માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર ગઈ કાલે પ્લસ હતા. તાતા સ્ટીલ તથા તાતા મોટર્સ ત્રણથી પોણાચાર ટકાની તેજી દાખવી બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકાથી વધુ તો ICICI બૅન્ક અઢી ટકા વધીને બંધ રહેતાં સેન્સેક્સને લગભગ ૧૦૬ પૉઇન્ટનો ફાયદો થયો હતો. ૮૫૦૦ કરોડના રાહત-પૅકેજ પછી પણ શુગર શૅરમાં ખાસ મીઠાશ ગઈ કાલે દેખાઈ નથી. NSE ખાતે ૧૩૭૭ શૅર વધ્યા હતા. ૩૬૩ કાઉન્ટર માઇનસમાં બંધ હતાં.  BSEમાં ૨૧૭ શૅર તેજીની સર્કિટે તો ૨૧૨ કાઉન્ટર મંદીની સર્કિટમાં રહ્યાં હતાં. નિફ્ટી મિડ કૅપ તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ગઈ કાલે પણ દોઢથી બે ટકા ઊંચકાયા છે. ધબડકાની તૈયારી રાખજો. BSEમાં ભાવની રીતે ગઈ કાલે ૧૮૮ કાઉન્ટરમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં નીચાં બૉટમ બન્યાં છે. વકરાંગી ૩૧ રૂપિયાની અંદર નવું મલ્ટિયર તળિયું દેખાડી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૪ રૂપિયા બંધ રહ્યો છે. મનપસંદ બેવરેજિસમાં પ્રારંભિક સુધારા પછી નીચલી સર્કિટ મારવાનો શિરસ્તો જળવાયો છે. ભાવ ૧૬૫ રૂપિયાની નવી નીચી સપાટીએ પહોંચ્યો છે. અવંતિ ફીડ્સ તેજીની ચાલમાં ૧૯૨૧નું લેવલ બનાવી સવાબાર ટકાની મજબૂતીમાં ૧૮૨૧ રૂપિયા હતો.

V-માર્ટ રોજના સરેરાશ ૩૭૫૫ શૅર સામે ૬૨,૦૦૦ શૅરના કામકાજમાં ૨૪૫૦ રૂપિયા થયા બાદ સાડાબાર ટકાના જમ્પમાં ૨૩૭૬ રૂપિયા બંધ હતો. હેવીવેઇટ ઇન્ફોસિસ ૧૨૫૭ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સવા ટકો વધીને ૧૨૫૧ રૂપિયા નજીક જોવાયો છે. બજાજ ફાઇનૅન્સ, ડૉલર ઇન્ડસ્ટ્રીઝ, ગૃહ ફાઇનૅન્સ, JSW સ્ટીલ, વાઇઝમૅન ફીનકૉર્પ, સ્વરાજ ઑટો, VIP ઇન્ડસ્ટ્રીઝ જેવી અન્ય કેટલીક જાણીતી ચીજોમાં નવાં ઊંચાં શિખર સર થયાં હતાં. થીરુમલાઈ કેમિકલ્સ વૉલ્યુમ સાથે સુધારાની હૅટ-ટ્રિકમાં ત્રણ દિવસમાં ૧૧૭૬ રૂપિયાની બૉટમથી ઊંચકાઈ ૧૬૦૩ રૂપિયા થઈ આઠ ટકા પ્લસની મજબૂતીમાં ગઈ કાલે ૧૫૬૮ રૂપિયા બંધ હતો.

ક્વૉલિટીમાં બોનસ અને બાયબૅકની લૉલીપૉપ


ક્વૉલિટી લિમિટેડ દ્વારા ૨૦ જૂને મળનારી બોર્ડ-મીટિંગમાં ઇન્ટરિમ ડિવિડન્ડ ઉપરાંત બોનસ અને અથવા બાયબૅક વિશે વિચારણા કરવાની જાહેરાત કરાઈ છે. શૅરે આમ છતાં નીચલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં પાંચ ટકા તૂટી ૩૨ રૂપિયાની અંદર મે ૨૦૧૪ પછીની નવી નીચી સપાટીએ બંધ રહ્યો છે. એપ્રિલ ૨૦૧૭માં આ શૅર ૧૬૩ રૂપિયા નજીક સર્વોચ્ચ શિખરે હતો. જ્યારે વર્ષની ટોચ ૨૦૧૭ના જૂનના ત્રીજા સપ્તાહમાં ૧૬૦ રૂપિયા નજીકની છે. ફેસવૅલ્યુ એક રૂપિયો તથા બુકવૅલ્યુ ૫૦ રૂપિયા જેવી છે. કંપનીમાં એકમાત્ર બોનસ એપ્રિલ ૨૦૧૦માં આવ્યું હતું. રેશિયો સાત શૅરદીઠ પાંચનો હતો. સપ્ટેમ્બર ૨૦૦૯માં દસ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન થયું હતું. છેલ્લા કેટલાક મહિનાથી મંદીના પ્રેશરમાં આવેલો આ શૅર છેલ્લા એક સપ્તાહમાં ૩૦ ટકા, મહિનામાં ૩૯ ટકા, ત્રણ મહિનામાં ૬૨ ટકા, છ મહિનામાં ૬૯ ટકા, નવ મહિનામાં ૭૪ ટકા તથા એક વર્ષમાં ૭૭ ટકા તૂટી ગયો છે. કંપનીમાં પ્રમોટર્સ-હોલ્ડિંગ ૫૫ ટકા નજીકનું છે એમાંથી ૭૯ ટકા માલ ગિરવી પડ્યો છે. રોજના સરેરાશ સવાચાર લાખ શૅર સામે ગઈ કાલે ૧૦૭ લાખ શૅરના વૉલ્યુમમાં મંદીની સર્કિટ લાગી હતી. છેલ્લે BSE ખાતે ચાર લાખ તો NSE ખાતે ૧૮ લાખ શૅરના વેચું ઊભા હતા. NSE ખાતે ૧૮ લાખ શૅરના વેચું ઊભા હતા. ફ્લ્ચ્માં કામકાજ ૧૮૬ લાખ શૅરના નોંધાયા હતા.

વિડિયોકૉનનો ભાવ ઑલટાઇમ તળિયે

કુલ ૪૭,૦૦૦ કરોડ રૂપિયાના ગ્રોસ દેવાનો બોજ ધરાવતી વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ છેવટે નાદારીની ર્કોટનો કેસ જાહેર થઈ છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮.૬૨ રૂપિયાના ઑલટાઇમ તળિયે જઈ છેલ્લે ત્રણ ટકા ઘટીને ૮.૮૦ રૂપિયા બંધ રહ્યો છે. આ કાઉન્ટર ૨ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ ૮૦૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયું હતું. વર્ષની ઊંચી સપાટી ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ સાડીતેત્રીસ રૂપિયા નોંધાઈ છે. આમ તો કંપનીનો ૧૦ રૂપિયાનો શૅર ૧૮૩ રૂપિયા કરતાં વધુની બુકવૅલ્યુ ધરાવે છે, પરંતુ આ બધું કાગળ પરનું ચિતરામણ છે. ડિસેમ્બર ૨૦૧૭ના અંતે કંપનીમાં પ્રમોટર્સ-હોલ્ડિંગ ૫૮.૭ ટકા હતું. એમાંથી ૯૬ ટકા કરતાંય વધુ માલ ગિરવી મુકાયેલો હતો. LICનું હોલ્ડિંગ સવાછ ટકા નજીક તો IDBI બૅન્કનું હોલ્ડિંગ દોઢ ટકાથી વધુનું છે. ડિસેમ્બર પછીની હોલ્ડિંગ પૅટર્ન કંપનીએ હજી જાહેર કરી નથી, છેલ્લાં દસ વર્ષમાં કમસે કમ છ વાર હિસાબી વર્ષ બદલનારી આ કંપનીએ માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા ૧૫ મહિના માટેના હિસાબી વર્ષમાં કન્સોલિડેટેડ ધોરણે કુલ ૧૪,૨૧૬ કરોડ રૂપિયાની આવક પર ૨૭૦૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી છે. માર્ચ ક્વૉર્ટરનાં રિઝલ્ટ્સ હજી સુધી જાહેર થયાં નથી. ગયા મહિનાની આખરમાં કંપની તરફથી ૫ જૂને પરિણામ માટે બોર્ડ-મીટિંગની જાહેરાત કરાઈ હતી, પરંતુ પછી કાંઈ થયું નથી.

અફૉર્ડેબલ હાઉસિંગ રિયલ્ટી શૅરમાં તેજી

રિઝર્વ બૅન્ક દ્વારા અફૉર્ડેબલ હાઉસિંગ માટેની લોનના ધોરણ ઉદાર બનાવવામાં આવતાં ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા ઊંચકાયો હતો. યુનિટેક ૨૦ ટકા જેવો વધીને પાંચ રૂપિયા પર બંધ હતો. પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, HDIL સાત ટકાથી લઈ સાડાઆઠ ટકા ઊછળ્યો હતો. સમગ્ર રિયલ્ટી સેક્ટરના ૬૨ શૅર વધ્યા હતા સામે ૨૫ જાતો નરમ હતી. સિટાડેલ, અલ્યાઇન હાઉસિંગ, નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, અંસલ, અંસલ હાઉસિંગ જેવી જાતો સાડાઆઠ ટકાથી લઈને ૨૦ ટકા સુધી અપ હતી. નીતેશ એસ્ટેટ્સ, અંસલ બિલ્ડિંગ, ઍલ્ડર હાઉસિંગ, આશિયાના, સિમ્પ્લેક્સ રિયલ્ટી, મંજિરા હાઉસિંગ, ફિનિક્સ ટાઉનશિપ જેવાં કાઉન્ટર બે ટકાથી લઈ છ ટકા જેવા ડાઉન હતાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ પાંચમા દિવસની આગેકૂચમાં બે ટકા નજીકની મજબૂતીમાં ૯૭૧ રૂપિયા પર બંધ રહેવાની સાથે ઇન્ડિયન ઑઇલ સિવાયના અન્ય શૅર સુધારામાં રહેતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવા ટકો વધ્યો છે. સેઇલની પોણાસાત ટકાની તેજીમાં જિંદલ સ્ટીલ, તાતા સ્ટીલ, નાલ્કો ઇત્યાદિ પોણાબેથી સવાચાર ટકાના વધારામાં સહભાગી બનતાં મેટલ ઇન્ડેક્સ દોઢેક ટકા મજબૂત જોવાયો છે.

બૅન્ક-શૅરમાં સુધારાની આગેકૂચ જળવાઈ

રિઝર્વ બૅન્ક દ્વારા બૉન્ડના યીલ્ડ વધતાં બૅન્કોને માર્ક-ટુ-માર્કેટ ધોરણે બૉન્ડના ભાવ ગગડતાં પડેલા મારથી જે લૉસ ગઈ છે એની આગામી ચાર ક્વૉર્ટરમાં તબક્કા વાર જોગવાઈ કરવાની છૂટ અપાઈ છે. એનાથી જૂન ક્વૉર્ટરમાં બૅન્કોના સરવૈયા પ્રમાણમાં ઊજળા રહી શકશે. આ સિવાય ધિરાણનીતિમાં બૅન્કો માટે લાભદાયી બીજું કંઈ નથી. આમ છતાં, ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૩૭ શૅર વધીને બંધ આવ્યા છે. IDBI બૅન્ક સર્વાધિક સાડાછ ટકા પ્લસની તેજીમાં અત્રે મોખરે હતો. પંજાબ નૅશનલ બૅન્ક, યુકો બૅન્ક, આંધ્ર બૅન્ક, IDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, દેના બૅન્ક, યુનિયન બૅન્ક, ફેડરલ બૅન્ક, ICICI બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ધનલક્ષ્મી બૅન્ક, કૅનેરા બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક ઇત્યાદિ દોઢ ડઝન બૅન્ક-શૅર દોઢ ટકાથી લઈ સાડાચાર ટકા સુધી વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્ક સર્વાધિક અડધા ટકા જેવી નરમાઈમાં બંધ રહ્યા છે. સ્ટેટ બૅન્કમાં ૬૫ પૈસાની પરચૂરણ પીછેહઠ હતી. બૅન્ક નિફ્ટી ઉપરમાં ૨૬,૭૬૭ નજીક જઈ અંતે દોïઢસો પૉઇન્ટ ઊંચકાઈને ૨૬,૫૧૮ બંધ આવ્યો છે. બૅન્કિંગમાં સુધારો કેટલો લાંબો ચાલે છે એ જોવું રહ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK