સળંગ છઠ્ઠા દિવસની બૂરાઈમાં શૅરબજારે ૩૩,૦૦૦નું લેવલ ગુમાવ્યું

સ્વામીએ નિશાન સાધતાં અદાણી ગ્રુપના શૅર ઘવાયા : ખાંડ-ઉદ્યોગમાં વધતી કડવાશ, ૩૪માંથી એક પણ શૅર ન વધ્યો : માર્કેટ-બ્રેડ્થમાં સાર્વત્રિક રમખાણ, ૩૪૯ જાતો મંદીની સર્કિટમાં બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની કૂકરી ગાંડી બની છે. વિશ્વસ્તરે વેપાર-યુદ્ધ વકરવાના ભણકારા વધી રહ્યા છે. એશિયન શૅરબજારો બુધવારે અડધાથી લઈને બે ટકા સુધી નીચે ગયાં છે. યુરોપ નરમ ઓપનિંગ બાદ સાધારણ ઘટાડાતરફી ચાલ દાખવતું હતું. ઘરઆંગણે PNB સ્કૅમ કે નીમો-ફ્રૉડનો વ્યાપ વધી રહ્યો છે. ઍક્સિસ બૅન્ક તરફથી તો નીરવ મોદી અને મેહુલ ચોકસીને આપેલું ધિરાણ માંડવાળ કરી નાખવું પડશે એવી કબૂલાત આવી છે. તમામ બૅન્કો, ખાસ કરીને સરકારી બૅન્કોની હાલત દિવસે-દિવસે વધુ નાજુક બની રહી છે. બજારમાં રિયલ કરેક્શનનું ઝેર વધતું જાય છે. આરંભથી અંત સુધી લગભગ નેગેટિવ ઝોનમાં રહેલું શૅરબજાર ગઈ કાલે ૩૩,૦૦૦નું મહત્વનું લેવલ તોડી નીચામાં ૩૨,૯૯૧ થઈ છેલ્લે ૨૮૪ પૉઇન્ટની વધુ નબળાઈમાં ૩૩,૦૩૩ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦,૧૪૧ની નીચી સપાટી બતાવી ૯૫ પૉઇન્ટના ઘટાડે ૧૦,૧૫૪ આવ્યો છે. બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ હતા. સ્મૉલ કૅપ, મિડ કૅપ, કૅપિટલ ગુડ્સ, ટેલિકૉમ, ફાર્મા-હેલ્થકૅર, બૅન્કિંગ, ફાઇનૅન્સ, પાવર, ઑઇલ, ગૅસ, મેટલ, એનર્જી ઇત્યાદિ બેન્ચમાર્ક સવાથી સવાબે ટકા તૂટ્યા છે. માર્કેટ-બ્રેડ્થમાં ખુવારી વધી છે. BSE ખાતે ૨૮૬૫ શૅરમાં સોદા પડ્યા હતા એમાં વધેલા શૅરની સંખ્યા ૫૦૨ હતી. ૯૮ શૅર ઉપલી સર્કિટે તો ૩૪૯ જાતો મંદીની સર્કિટમાં બંધ હતી. BSE ખાતે ભાવની રીતે માત્ર ૩૮ શૅર ગઈ કાલે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં. બીજી તરફ ૨૭૮ કાઉન્ટરમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. NSEમાં ૧૯૦ શૅર પ્લસ હતા. એની સામે ૧૩૫૮ જાતો ઘટીને બંધ રહી હતી. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૮૮ રૂપિયાની મલ્ટિ-મન્થ બૉટમ બનાવી બે ટકાથી વધુના કડાકામાં ૮૯૧ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૬૩ પૉઇન્ટનો માર પડ્યો હતો. ગીતાંજલિ જેમ્સ નીચલી સર્કિટના શિરસ્તામાં પાંચ ટકા તૂટીને ૧૭.૪૫ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે બંધ રહ્યો છે.

ICICI બૅન્ક ચારેક મહિનાના તળિયે

ICICI  બૅન્ક તેમ જ ઍક્સિસ બૅન્કનાં મૅનેજિંગ ડિરેક્ટર ચંદા કોચર તેમ જ શિખા શર્મા સહિતના ઉચ્ચ પદાધિકારીઓને PNB સ્કૅમના સંદર્ભમાં પૂછપરછ માટે સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસના સમન્સ ગયાના અહેવાલ પાછળ ગઈ કાલે બૅન્કિંગ શૅરમાં બૂરાઈ વધી હતી. બૅન્ક નિફ્ટી તેમ જ બૅન્કેક્સ સવા ટકાથી વધુ ઘટ્યા છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની નરમાઈમાં એક ટકો ડાઉન હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની ખરાબીમાં ૨૮૧૩ની નવી ઐતિહાસિક બૉટમ બતાવી છેલ્લે ૩.૬ ટકા લથડીને ૨૮૩૧ બંધ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૭ શૅર માઇનસ ઝોનમાં બંધ રહ્યા છે. સેન્ટ્રલ બૅન્ક ચારેક ટકા વધીને ૬૬ રૂપિયા હતો. ICICI બૅન્ક ૨૮૫ રૂપિયાની ચારેક મહિનાની બૉટમ બતાવી ૨.૯ ટકાની નબળાઈમાં ૨૮૭ રૂપિયા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો ઘટીને ૫૧૩ રૂપિયા, સ્ટેટ બૅન્ક ચારેક ટકા ગગડીને ૨૪૬ રૂપિયા તથા HDFC બૅન્ક એકાદ ટકો ઘટી ૧૮૩૪ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ૧૩૬ પૉઇન્ટની હાનિ થઈ હતી. ગઈ કાલે અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક, OBC, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, દેના બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, IDFC બૅન્ક, વિજયા બૅન્ક, IOB,  JK બૅન્ક, કર્ણાટકા બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ સિંધ બૅન્ક, RBL બૅન્ક, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક,  યુનાઇટેડ બૅન્ક જેવા બાવીસ શૅરમાં નવાં નીચાં તળિયાં બન્યાં હતાં.

અદાણી ગ્રુપના શૅર સ્વામીના સપાટામાં


આખા બોલા ભાજપી નેતા સુબ્રમણ્યમ સ્વામી તરફથી ગૌતમ અદાણીને સરકારી બૅન્કોનો NPA અને બૅડ લોનના સંદર્ભમાં સૌથી મોટા કલાકાર હોવાનો સિરપાવ આપવામાં આવતાં અદાણી ગ્રુપના શૅરમાં ગઈ કાલે વ્યાપક વેચવાલી જોવાઈ છે. અદાણી ટ્રાન્સમિશન બમણા કામકાજમાં નીચામાં ૧૭૩ રૂપિયા થઈ છેલ્લે ૭.૭ ટકા ગગડીને ૧૮૦ રૂપિયા નીચે, અદાણી પાવર ૨૭ રૂપિયાની અંદર ગયા બાદ અઢી ગણા વૉલ્યુમમાં સાડાછ ટકાની ખરાબીમાં ૨૭ રૂપિયા, અદાણી પોટ્ર્સ નીચામાં ૩૭૩ રૂપિયા થઈ છેલ્લે સાડાછ ટકા લથડીને ૩૭૭ રૂપિયા તથા અદાણી એન્ટરપ્રાઇઝિસ ત્રણ ગણા કામકાજમાં ૧૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે સવાસાત ટકા ઘટીને ૧૭૨ રૂપિયા બંધ હતા. છેલ્લા ઉપલબ્ધ આંકડા પ્રમાણે અદાણી એન્ટરપ્રાઇઝિસનું દેવું સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતે ૨૨,૪૨૫ કરોડ રૂપિયા, અદાણી પોર્ટ્સનું ૨૦,૭૯૧ કરોડ રૂપિયા, અદાણી પાવરનું દેવું ૪૭,૧૬૦ કરોડ રૂપિયા તથા અદાણી ટ્રાન્સમિશનનું દેવું ૮૩૫૬ કરોડ રૂપિયા છે. આ બધાની સામે અદાણી ગ્રુપની કુલ નેટવર્થ ૪૦ હજાર કરોડ રૂપિયાથી વધુ નથી.

ખાંડ ઉદ્યોગના તમામ શૅર કડવા બન્યા

ચાલુ ખાંડ વર્ષમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના ગાળામાં દેશનું ખાંડનું ઉત્પાદન લગભગ ૧૬૩ લાખ ટનથી ૪૨ ટકા જેવું વધીને ૨૩૦ લાખ ટનને વટાવી ગયું છે. ઉત્પાદનમાં આ વધારો વિશ્વબજારમાં પણ ખાંડના ભાવ પર ભીંસ પેદા કરશે. નિકાસ બિન-પોષણક્ષમ બનશે. ઘરઆંગણે ચાલુ કૅલેન્ડર વર્ષમાં ખાંડના ભાવ સાતેક ટકા ઘટીને ટનદીઠ ૩૫૦૦ રૂપિયાની ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ સાથે ચાલુ ખાંડ વર્ષનું ઉત્પાદન ૨૯૫ લાખ ટનને વટાવી જવાની નવી ધારણા છે. આ નવા સમીકરણ પાછળ બજારમાં શુગર શૅર વધુ કડવા બનવા માડ્યા છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૪ શૅરમાંથી એક પણ શૅર વધ્યો ન હતો. બજાજ હિન્દુસ્તાન, બલરામપુર ચીની, દાલમિયા શુગર, DCM શ્રી રામ, ધરણી શુગર, ધામપુર શુગર, દ્વારકેશ શુગર, ઇન્ડિયન સુક્રોઝ, KCP શુગર, KM શુગર, મવાણા શુગર, રાજશ્રી શુગર, રાણા શુગર, શક્તિ શુગર, સિમ્ભોલી શુગર, સર શાદીલાલ, થીરુઅરુણન શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ, ઉગર શુગર, રીગા શુગર, બન્નારી અમાન શુગર જેવા ૨૧ શુગર શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયા હતા. ૨૮ શૅરના ભાવ સવાબે ટકાથી લઈને સાડાઆઠ ટકા સુધી તૂટ્યા હતા.

ફાર્મા-હેલ્થકૅર ક્ષેત્રની તબિયત વધુ બગડી

ફાર્મા તથા હેલ્થકૅર ઉદ્યોગમાં મંદી આગળ ધપી રહી છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ નીચામાં ૧૩,૫૪૭ થઈ છેલ્લે દોઢ ટકા ઘટીને ૧૩,૫૬૫ બંધ હતો. એના ૬૮માંથી માત્ર આઠ શૅર વધ્યા હતા જેમાં FDC પાંચ ટકા અને ઇપ્કા લૅબ અઢી ટકાના સુધારામાં મોખરે હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૦૧૭ની ૧૧ ઑગસ્ટે ૧૨,૫૧૩ના ઑલટાઇમ તળિયે જોવાયો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તમામ દસ શૅરની નબળાઈમાં દોઢ ટકા ડાઉન હતો. જ્યારે સમગ્ર ફાર્મા ઉદ્યોગ ખાતેના ૧૩૭ કાઉન્ટરમાંથી બુધવારે વધેલા શૅરની સંખ્યા ફક્ત બાવીસની હતી. ઍડ્વાન્સ્ડ એન્ઝિમ, એસ્ટર DM, લુપિન, કૉન્કોર્ડ ડ્રગ્સ, કોરલ લૅબ, GSK ફાર્મા, જગસનપાલ ફાર્મા, ન્યુલૅન્ડ લૅબ, ઑર્ચિડ ફાર્મા, શિલ્પા મેડીકૅર, વીવીમેડ લૅબ, વિનસ રેમેડીઝ જેવાં કાઉન્ટર નવા ઐતિહાસિક તળિયે ગયા હતા. સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, બાયોકોન, ફોર્ટિસ હેલ્થકૅર, SMS ફાર્મા, પેનેસિયા બાયો, વિમતા લૅબ, ઑરોબિંદો ફાર્મા, લુપિન, ડિવીઝ લૅબ, કૅડિલા હેલ્થકૅર, RPG લાઇફ, એસ્ટ્રા ઝેનેકા, સુવેન લાઇફ, કૅપ્લીન પૉઇન્ટ, આરતી ડ્રગ્સ, ઇન્ડોકો રેમેડીઝ, વૉકહાર્ટ, ટૉરન્ટ ફાર્મા, ઝાયડ્સ વેલનેસ ઇત્યાદિ એક ટકાથી લઈને આઠેક ટકા સુધી ખરડાયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK