બજારનું હવે પછીનું ટ્રિગર બજેટ બનશે

અત્યારે તો રોકાણકારો વર્તમાન ઊંચા ભાવે એન્ટ્રી કરું, પ્રૉફિટ બુક કરું કે પછી હોલ્ડ કરી રાખું એવા સવાલ સાથે ઊભા છે ત્યારે બજારની દિશાના સંકેત સમજીએ


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

૨૦૧૮માં પણ તેજી આગળ વધશે એ સ્વરૂપે વીતેલા વર્ષના અંતે બંધ થયેલા શૅરબજારે નવા વર્ષના પ્રથમ દિવસે અને સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ૨૫૦ પૉઇન્ટના ઘટાડા સાથે બંધ થઈને આરંભ કર્યો હતો જેનું મુખ્ય કારણ પ્રૉફિટ-બુકિંગ હતું. મંગળવારે બજાર  વધ-ઘટ બાદ સ્થિર રહ્યું હતું. બુધવારે પણ બજારમાં કોઈ ફોર્સ નહોતો. નજીવી વધ-ઘટ સાથે સેન્સેક્સ ૧૮ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. ગુરુવારે બજાર ૧૭૫ પૉઇન્ટની રિકવરી કરીને ફરી ૩૪,૦૦૦ની નજીક પહોંચી ગયું હતું. સરકારે બૅન્કોના રીકૅપિટલાઇઝેશન માટે લોકસભામાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી મેળવવાનો પ્રસ્તાવ મૂકતાં બજારને અને બૅન્ક-શૅરોને ગુરુવારે નવું જોમ પ્રાપ્ત થયું હતું. શુક્રવારે ગ્લોબલ માર્કેટની તેજીની અસર અને સેન્ટિમેન્ટના વધુ સુધારા સાથે સેન્સેક્સ વધુ ૧૮૬ પૉઇન્ટ સુધરીને ૩૪,૧૦૦ની નવી સપાટીએ બંધ રહ્યો હતો. ૨૦૧૮ માટે આમ પણ બે જુદા-જુદા વ્યૂહ વ્યક્ત થઈ રહ્યા છે. એક વ્યૂહ કહે છે કે બજારની તેજી વધુ વેગથી ઊંચે જશે અને બીજો વ્યૂહ કહે છે કે ૨૦૧૮નું વર્ષ ૨૦૧૭ કરતાં ઓછું વળતર આપશે. અર્થાત્ બીજા વ્યૂહમાં વળતર ઓછાની અપેક્ષા ખરી, પરંતુ તેજીનો આશાવાદ ઊંચો જ છે. જોકે અત્યારના સંજોગોમાં રોકાણકારો આ ઊંચા ભાવે પ્રવેશું, વેચીને પ્રૉફિટ બુક કરું કે પછી હોલ્ડિંગ જાળવી રાખું એવા સવાલો સાથે ઊભા છે અને ઘણાખરા બજેટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે બજારનું હવેનું ટ્રિગર બજેટ જ બનશે. 

ક્રૂડ અને ફેડરલ રેટની ચિંતા


બજાર સામે ચિંતાના વિષયમાં બે પરિબળ મુખ્ય છે; એક ક્રૂડના ભાવ અને બીજું, અમેરિકન ફેડરલ રિઝર્વ. ફેડરલ રિઝર્વ આ વર્ષે પણ વ્યાજદરનો વધારો કરશે એ નક્કી છે જે અમુક અંશે ભારતમાંથી વિદેશી રોકાણકારોનાં નાણાં પાછાં ખેંચાવી શકે છે. ક્રૂડના ઊંચા ભાવ ભારતની આયાત મોંઘી કરી શકે છે. સરકાર માટે અત્યારના સંજોગોમાં ફિસ્કલ ડેફિસિટની  સિચુએશન પણ ચિંતાનો મુદ્દો છે. ત્યાં વળી સરકારે લોકસભામાં બૅન્કોને સહાયરૂપ બનવા ૮૦,૦૦૦ કરોડના ખર્ચની માગણી મૂકી છે. આ નાણાં બૅન્કોના રીકૅપિટલાઇઝેશન માટે હશે જેને ધ્યાનમાં રાખીને ગુરુવારે બૅન્ક-શૅરોના ભાવ રિકવર પણ થયા હતા. આમ વર્તમાન સંજોગોમાં આ તમામ બાબતો સહિત ગ્લોબલ સંજોગો પર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે.  

કડાકામાં કે કરેક્શનમાં ખરીદીની તક

અનેક રોકાણકારોમાં હાલમાં એક સૌથી મોટી મૂંઝવણ એ છે કે કયા ભાવે ખરીદી કરું? મોટા ભાગના લોકો ભાવો વધુ ઊતરે એની રાહમાં બેઠા છે, જ્યારે બજાર ઘટે છે અને પાછું વધી જાય છે. વિચાર કરીને અમલ કરાય એ પહેલાં તો બજાર ટર્ન લઈ લે છે. દોસ્તો, એ તો એમ જ ચાલવાનું છે. વધ-ઘટ માટે કારણો આવતાં રહે એવા સંજોગો બનતા રહે છે. સતત બજાર ઘટે કે સતત વધે એવા સંકેત હાલમાં દેખાતા નથી, પરંતુ લૉન્ગ ટર્મ માટે જેમણે શૅરો જમા કરવા છે તેમણે દરેક મોટા કરેક્શનમાં ખરીદી કરતા જવામાં જ સાર છે. અન્યથા દરેક વખતે અને દર વખતની જેમ રહી ગયાની લાગણી થશે. 

લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સનો ડર

બજેટમાં આ વખતે ગ્રામ્યલક્ષી અને ખેતીલક્ષી પૉપ્યુલર પગલાં આવવાની આશા છે તેમ જ આ સાથે રેવન્યુ કલેક્શન વધારવાનાં અને ડેફિસિટ કન્ટ્રોલનાં પણ પગલાં આવી શકે છે જેમાં શૅરબજારને ચિંતા કરાવતું પગલું લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ પુન: લાગુ થઈ જવાનો ભય માથે લટકી રહ્યો છે. આ ટૅક્સની મુક્તિનો ગેરલાભ લેવાતો હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે અને આવતા રહે છે. સરકાર સમક્ષ આ વિષયમાં રજૂઆત પણ થઈ છે જેથી આ મામલે કંઈક તો જરૂર થશે. અર્થાત્ લેભાગુઓને આનો લાભ લઈ જતા   અટકાવવા, સિલેક્ટિવલી પણ આ પગલું આવી શકે એવી શક્યતા ઊંચી છે. આની બજારના સેન્ટિમેન્ટ પર અસર થઈ શકે. કાળાં નાણાં અને મની-લૉન્ડરિંગને ડામવા પણ આ પગલું જરૂરી મનાય છે જેથી આ કદમ ભરાય તો નવાઈ નહીં. ખાસ નોંધવાનું એ કે ઇન્કમ ટૅક્સ ઍક્ટમાં પણ આ વખતે નોંધપાત્ર સુધારા અપેક્ષિત છે. વાસ્તવિક મોંઘવારી સામે આ પગલાં કેવાં ફળદાયી રહે છે એ જોવાનું રહેશે.

અનેક ઇશ્યુ-ઑફર્સ કતારમાં

આગામી મહિનાઓમાં સંખ્યાબંધ ત્ભ્બ્ અને રાઇટ ઑફર સહિત વિવિધ સંસ્થાકીય ઑફર આવતી રહેવાની ધારણા છે. આ ધારણાને સમર્થન આપતા સંકેત સતત મળી રહ્યા છે. નવા ઇશ્યુઓની કતાર આ વર્ષે પણ નિશ્ચિત મનાય છે. શૅરબજારમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આને વેગ મળતાં વાર નહીં લાગે. અત્યારે સેબી પાસે ઘણા ઑફર દસ્તાવેજો ફાઇલ થઈ રહ્યા છે. રોકાણકારો આ ઑફરો માટે પણ નાણાં બચાવી રાખશે. આ સાથે મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફથી પણ નવી ઑફરો આવવાની છે જે રોકાણકારોનાં નાણાં આકર્ષશે અને બજારને પણ વેગ આપવાની ભૂમિકા ભજવશે.

ફૉરેન ઇન્વેસ્ટરોનું માનસ

૨૦૧૭માં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તરફથી ભારતીય માર્કેટમાં ૮ અબજ ડૉલરનું રોકાણ થયું હતું. જોકે એમાં મોટા ભાગનું રોકાણ IPOમાં ગયું હતું, અર્થાત્ સેકન્ડરી માર્કેટમાં રોકાણ ઓછું આવવાનું કારણ ઊંચા ભાવોથી દૂર રહેવાનું અને નવી ઇક્વિટી તરફ વળવાનું હોઈ શકે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ સેબીમાં રજિસ્ટર્ડ થયા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ આ વર્ષે હજી ત્રણેક વાર વ્યાજદર વધારવાનું હોવાની જાહેરાત અગાઉ થઈ છે એથી આ રોકાણકારોની નજર ત્યાં વધુ રહેશે એમ જણાય છે. અલબત્ત, ભારતીય ઇક્વિટીઝ પણ તેમને માટે આકર્ષણનું કારણ રહેશે એવું ચોક્કસ માની શકાય જે માટે આર્થિક સુધારા અને વિકાસ મહત્વની બાબત રહેશે.

વ્યાજદરના સંકેત

અહીં ભારતીય રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે કે નહીં એના સવાલ વચ્ચે સ્ટેટ બૅન્કે ધિરાણ પરના વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને પગલે અન્ય  બૅન્કો પણ રેટ-કટ તરફ વળે તો નવાઈ નહીં, કેમ કે ધિરાણ ડિમાન્ડ નીકળવાની શક્યતા ધીમે-ધીમે વધી રહી છે, જ્યારે પંજાબ નૅશનલ બૅન્કે પણ મોટી ડિપોઝિટ માટે વ્યાજદર  વધારવાની જાહેરાત કરી છે. દરમ્યાન સરકારે કેટલીક બૅન્કો માટે ૭૦૦૦ કરોડથી વધુ મૂડી છૂટી કરવાની જાહેરાત પણ કરી છે. જોકે સપ્તાહ દરમ્યાન બૅન્ક-શૅરો અને બૅન્ક નિફ્ટી માર્કેટના ઘટાડાનું કારણ પણ બન્યા હતા. આમ અત્યારે બૅન્ક-શૅરો ક્યાંક તક અને ક્યાંક ચિંતાનો વિષય બન્યા છે. બજાર ઑલરેડી ઊંચું છે. જોખમ તો ગણાય જ; પરંતુ  યાદ રહે કે લાંબા ગાળા માટે જોખમ સીમિત છે. શૉર્ટ ટર્મ માટે જોખમ પણ ઊંચાં છે.

GDPના નીચા દરની અસર સંભવ

શુક્રવારે માર્કેટ અને ઇકૉનૉમી માટે નેગેટિવ સમાચાર આવ્યા હતા જેમાં દેશનો GDP દરï ૬.૫ ટકાનો રહેવાનો અંદાજ મુકાયો હતો જે ચાર વર્ષની નીચી સપાટી છે. અલબત્ત, આ માટે નોટબંધી અને GST મોટાં અને જાહેર કારણો છે, પરંતુ આની નેગેટિવ અસર આજે એટલે કે સોમવારે બજાર પર પડે તો નવાઈ નહીં. ઇનશૉર્ટ, કરેક્શન આવે તો  ખરીદવાની તક.

બજાર સામેનાં આ ૧૦ જોખમો પણ યાદ રાખો


૧.    આ વર્ષે ચાર રાજ્યોમાં ચૂંટણી છે એની અસરïરૂપે બજારમાં વધ-ઘટ થઈ શકે.

૨.    રિઝર્વ બૅન્ક પૉલિસી કડક કરીને પ્રવાહિતાને રોકી યા કન્ટ્રોલમાં લાવી શકે.

૩.    કેન્દ્રની વધતી જતી ફિસ્કલ ડેફિસિટ નેગેટિવ પરિબળ સમાન છે.

૪.    ટૅક્સ-કલેક્શનમાં થયેલો ઘટાડો પણ ચિંતાનો વિષય.

૫.    GSTની ગૂંચવણની સમસ્યા હજી ઊભી જ છે.

૬.    કૉર્પોરેટ્સ રિઝલ્ટની અસર પણ બજાર પર થશે.

૭.    અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચેનો તનાવ પણ ચિંતાનો મામલો.

૮.     ક્રૂડના વધતા ભાવ ભારે પડી શકે, ડૉલર-રૂપિયાની સ્થિતિ પણ જોવી પડે.

૯.     ગ્લોબલ સ્તરે કંઈ પણ વિપરીત બને તો એની અસર થઈ શકે.

૧૦.    રાજકીય જોખમો સાથે ૨૦૧૯નાં નગારાં અત્યારથી વાગવાનું શરૂ થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK