પૅરેડાઇઝ પેપર્સના પગલે શૅરબજાર નવા શિખર બાદ સાવચેતીના મૂડમાં

ટાઇટનના બિઝનેસની આગેકૂચ જ્વેલરી શૅરોને પણ ફળી : RComમાં નવું ઑલટાઇમ બૉટમ, અનિલ ગ્રુપના શૅર નરમ : મહિન્દ્રમાં ૧૨ વર્ષે બોનસ આવશે, શૅરમાં સુધારો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટના ઇન્ટરનૅશનલ કન્સોર્ટિયમ દ્વારા પૅરેડાઇઝ પેપર્સના ટાઇટલથી જાહેર થયેલા રિપોર્ટમાં ૭૦૦થી વધુ ભારતીય કંપનીઓ અને હસ્તીઓનાં નામ બહાર આવ્યાં છે. સેબી અને શૅરબજારોના સત્તાવાળા આ મામલે ઘટતી તપાસ કરવા સક્રિય બન્યા છે. પૅરેડાઇઝ પેપર્સનો મામલો કેવળ ભારત પૂરતો નથી, વિશ્વભરની જાણીતી હસ્તીઓ અને કંપનીઓને એના વત્તે-ઓછે અંશે છાંટા ઊડવા માંડ્યા છે. ગઈ કાલે મોટા ભાગનાં એશિયન શૅરબજારો સાંકડી રેન્જમાં મિશ્ર રહ્યાં છે. યુરોપ સાધારણ નરમ જણાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ પ્રારંભિક નરમાઈમાં ૩૩૫૮૨ થયા બાદ બાઉન્સબૅકમાં ૩૩૮૪૮ની નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૪૬ પૉઇન્ટ જેવા સુધારામાં ૩૩૭૩૧ બંધ રહૃાા છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૦૪૯૦ની ઑલટાઇમ હાઈ બાદ અંતે પોણા પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૧૦૪૫૨ નજીક જોવા મળ્યો છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૭ શૅર વધ્યા હતા, પણ નિફ્ટીનો ૫૦માંથી ૩૧ જાતો નરમ હતી. માર્કેટ-બ્રેડ્થમાં પણ બન્ને બજારો વચ્ચે નહીંવત પ્લસ-માઇનસ વચ્ચે સામસામા રાહ હતા. બજારનુ માર્કેટકૅપ ગઈ કાલે ૧૪૬.૨૩ લાખ કરોડ રૂપિયાના શિખરે ગયું છે. દરમ્યાન ફાટફાટ તેજીમાં બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૭૬૦૫૦ ડૉલરની નવી વિક્રમી સપાટી નોંધાવી રનિંગ ક્વોટમાં ૭૩૨૦ ડૉલર દેખાતો હતો. ભારતીય કરન્સીમાં એનો ભાવ સવાપાંચ લાખ રૂપિયાના શિખરે જઈ રનિંગમાં ૫.૦૭ લાખ રૂપિયા પ્લસ બોલાતો હતો. બિટકૉઇન સહિતની ક્રિપ્ટો કરન્સીની વધતી લોકપ્રિયતાને ડામવા સરકાર એના ડીલર્સ સામે પગલાં લેવા સક્રિય બની હોવાના અહેવાલ છે. જોકે ખરેખર સરકારની દાનત શુદ્ધ હોય તો એણે બિટકૉઇનના ડીલર્સ સામે પગલાં લેવાને બદલે બિટકૉઇનને જ સ્પક્ટ શબ્દોમાં ગેરકાનૂની જાહેર કરવો જોઈએ.

રિલાયન્સ નિપ્પૉનનું પ્રોત્સાહક લિસ્ટિંગ

શૅરદીઠ ૨૫૨ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળા રિલાયન્સ નિપ્પૉન લાઇફ ઍસેટ્સ મૅનેજમેન્ટનું લિસ્ટિંગ એકંદરે પ્રોત્સાહક રહ્યું છે. ભાવ BSE ખાતે ૨૯૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૯૯ નજીક અને નીચામાં ૨૭૮ થઈ છેલ્લે ૨૮૪ રૂપિયા બંધ આવ્યો છે. NSEમાં ભાવ ૨૯૬ રૂપિયા નજીક ખૂલી ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૨૯૯ અને નીચામાં ૨૭૮ બતાવી અંતે ૨૮૪ રૂપિયા હતો. બન્ને બજાર ખાતે કુલ ૪૯૪ લાખ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. ૧૫૪૦ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ ૮૧.૫ ગણો છલકાયો હતો. તાજેતરમાં લિસ્ટેડ અન્ય IPઋની વાત કરીએ તો ૪૬૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો ગોદરેજ ઍગ્રોવિટ ગઈ કાલે સાડાત્રણ ટકા ઘટીને ૫૯૪ રૂપિયા, ૯૩૮ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો પ્રતાય સ્નૅક્સ નહીંવત વધીને ૧૧૭૨ રૂપિયા, ૭૦૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો SBI લાઇફ બે ટકા વધીને ૬૫૭ રૂપિયા તથા ૬૬૧ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સામે ICICI લોમ્બાર્ડ સવા ટકો વધીને ૬૮૧ રૂપિયા બંધ હતા.

ટાઇટન નવી ટોચે

ટાઇટન દ્વારા કન્સોલિડેટેડ ધોરણે ૭૧ ટકાના વધારામાં ૩૦૫ કરોડ રૂપિયાનો ચોખ્ખો ત્રિમાસિક નેટ પ્રૉફિટ હાંસલ થતાં ભાવ ગઈ કાલે ૨૦ ગણા કામકાજમાં ૮૨૩ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૧૯ ટકાની તેજીમાં ૭૮૪ રૂપિયા બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૪૮ રૂપિયા જેવી છે. કંપનીમાં પ્રમોટર્સ તામિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ૨૭.૯ ટકા અને તાતા સન્સ ૨૦.૮ ટકા સહિત તાતા ગ્રુપ કુલ ૨૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે. FII પાસે ૨૧.૭ ટકા અને રાકેશ ઝુનઝુનવાલા પાસે ૮.૧ ટકા જેવું હોલ્ડિંગ છે. એકમાત્ર બોનસ એપ્રિલ ૨૦૧૧માં શૅરદીઠ એકના ધોરણે આપ્યું છે અને ત્યારે ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન પણ જાહેર કરાયું હતું. લગભગ વર્ષ પૂર્વે ૨૧ નવેમ્બરે ભાવ ૨૯૬ રૂપિયાના વર્ષના તળિયે હતો. કંપનીની આવકમાં ૮૦ ટકા ફાળો આપતા જ્વેલરી બિઝનેસની ત્રિમાસિક આવક ૩૭ ટકા વધીને ૨૭૧૦ કરોડ રૂપિયા વટાવી ગઈ છે. આની અસર ગઈ કાલે અન્ય જ્વેલરી શૅરમાં પણ દેખાઈ હતી. TBZ પાંચ ટકાની મજબૂતીમાં ૧૨૮ રૂપિયા, રેનેસાં અઢી ટકા વધીને ૧૭૮ રૂપિયા, ગીતાંજલિ જેમ્સ ચારેક ટકા વધીને ૬૮ રૂપિયા, પીસી જ્વેલર્સ ૫.૭ ટકાના જમ્પમાં ૩૭૪ રૂપિયા, તારા જ્વેલર્સ એક ટકો વધીને ૨૨ રૂપિયા તથા થંગમયિલ જ્વેલરી પાંચ ટકાની મજબૂતીમાં ૪૪૪ રૂપિયા બંધ હતા.

RComમાં નવું ઑલટાઇમ તળિયું જોવા મળ્યું

૪૭,૦૦૦ કરોડ રૂપિયાના દેવાના બોજથી પીડાતી અને વિધિવત નાદારીના કેસમાંથી બચવા હવાતિયાં મારી રહેલી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ ગઈ કાલે ૧૫.૫૦ રૂપિયાનું ઑલટાઇમ નવું બૉટમ બનાવી છેલ્લે સવાછ ટકાની ખરાબીમાં ૧૬ રૂપિયાની નજીક બંધ રહ્યો છે. એક સમયે જેનું માર્કેટકૅપ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું હતું. એ કંપની હાલમાં ૪૦૦૦ કરોડ રૂપિયાનીય રહી નથી. સાદી ભાષામાં કહીએ તો દાયકામાં રોકાણકારોની ૯૮ ટકા મૂડી આ શૅરમાં સાફ થઈ ગઈ છે. અનિલ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ કૅપિટલ નીચામાં ૫૫૫ થઈ છેલ્લે ૫.૩ ટકા ગગડીને ગઈ કાલે ૫૫૭ રૂપિયા, રિલાયન્સ હોમ ફાઇનૅન્સ અઢી ટકાના ઘટાડે ૮૪ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બે ટકાની નરમાઈમાં ૪૮૦ રૂપિયા, રિલાયન્સ નેવલ ૩.૭ ટકા ખરડાઈને ૫૧.૫૦ રૂપિયા તથા રિલાયન્સ પાવર એક ટકાની નબળાઈમાં ૪૧ રૂપિયા નજીક બંધ હતા. વડીલ બંધુ મુકેશ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૯૨૯ બનાવી છેલ્લે દોઢ ટકા ઘટીને ૯૩૧ રૂપિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઇન્ફ્રા દોઢ ટકાની પીછેહઠમાં ૫૨૯ રૂપિયા બંધ હતા.

મહિન્દ્રમાં બોનસ માટે બોર્ડ-મીટિંગની હૂંફ

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રમાં ૧૦ નવેમ્બરે બોર્ડ-મીટિંગમાં બોનસ વિશે વિચારણાની જાહેરાતના પગલે શૅર ગઈ કાલે લગભગ પોણાબે ગણા કામકાજમાં ઉપરમાં ૧૩૭૮ થઈ છેલ્લે ત્રણ ટકા વધીને ૧૩૭૩ રૂપિયા બંધ હતો. કંપનીએ છેલ્લે જૂન ૨૦૦૫માં શૅરદીઠ એક પ્રમાણે બોનસ આપ્યું હતું. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૪૮૦ રૂપિયા આસપાસ છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૬.૭ ટકા છે જેમાંથી ૪.૭ ટકા માલ ગીરવી છે. ઇવેન્ટ-બેઝ્ડ અન્ય કાઉન્ટરની વાત કરીએ તો કિટેક્સ ગાર્મેન્ટનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૮૫ ટકા જેવા વધારામાં  ૨૪૧૨ લાખ રૂપિયા આવતાં ભાવ ગઈ કાલે બાર ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯૫ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. ઇન્ફિબીમ ઇન્કૉર્પોરેશન સળંગ ચોથા દિવસની આગેકૂચમાં બમણા કામકાજમાં ૧૯૬ રૂપિયા નજીક નવી ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે ૧૦ ટકાના ઉછાળે ૧૮૪ રૂપિયા હતો. ચાર દિવસ પૂર્વે ભાવ ૧૨૭ રૂપિયાની અંદર હતો. સરકાર દ્વારા ૭૩ ટકા પ્લસનું સંપૂર્ણ હોલ્ડિંગ વેચી મારવાના નિર્ણયના પગલે ડ્રેજિંગ કૉર્પોરેશન ઉપરમાં ૭૭૭ રૂપિયા નજીક જઈને છેલ્લે પાંચેક ટકા વધીને ૭૩૬ રૂપિયા હતો. ચાર દિવસમાં આ શૅર ૨૧૯ રૂપિયા જેવો ઊંચકાયો છે.

PSU બૅન્ક શૅરમાં સિલેક્ટિવ આકર્ષણ 


સેન્સેક્સના સાધારણ સુધારા સામે ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી થોડા નરમ હતા. જોકે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં અડધા ટકાથી વધુ ડાઉન હતો. જ્યારે PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારામાં એકાદ ટકાની નજીક વધીને બંધ રહ્યો છે. ઇન્ડિયન બૅન્ક દ્વારા ગ્રોસ તથા નેટ NPAમાં ઘટાડા સાથે ત્રિમાસિક ચોખ્ખા નફામાં વધારો દર્શાવાતાં શૅર ચાર ગણા કામકાજમાં ૩૮૪ રૂપિયાના મલ્ટિયર શિખરે જઈ છેલ્લે પોણાનવ ટકાની તેજીમાં ૩૭૭ રૂપિયા બંધ આવ્યો છે. સરકાર દ્વારા બે વર્ષમાં કુલ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના રીકૅપિટલાઇઝેશન પ્લાન્ટ હેઠળ ચાલુ વર્ષે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા બૅન્કોને ફાળવવાની હિલચાલ હાથ ધરાઈ હોવાના સમાચાર પણ જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સિલેક્ટિવ સપોર્ટનું કારણ બન્યા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી કુલ ૧૫ શૅર વધ્યા હતા. યુકો બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, IDFC  બૅન્ક, યસ બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, કર્ણાટક બૅન્ક, ઍક્સિસ બૅન્ક, JK બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, યુનાઇટેડ બૅન્ક જેવી જાતો એકથી ત્રણ ટકા નરમ હતી. આંધ્ર બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક દોઢથી ત્રણ ટકા પ્લસ હતા. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK