GST કાઉન્સિલમાં કરિશ્માના આશાવાદ પાછળ નિફ્ટી ફરીથી ૧૦ ભણી સરક્યો

રિલાયન્સ પાંચ દિવસની આગેકૂચમાં ૫૩ રૂપિયા વધી ગયો : સ્મૉલકૅપ ઇન્ડેક્સમાં સળંગ છઠ્ઠા દિવસે સુધારો જારી : કેમિકલ્સ શૅરમાં તેજીની કેમિસ્ટ્રી કામે લાગી

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


રેટ-કટ અને સ્ટિમ્યુલસ ડોઝના મોરચે નિરાશા બાદ હવે GST કાઉન્સિલની બેઠક પર બજારે નજર ઠેરવી છે. હાલકડોલક અવસ્થામાં સપડાયેલા અર્થતંત્રને બૂસ્ટ આપવાની વિચારણાના ભાગરૂપ GSTના દરમાં સરકાર દ્વારા નોંધપાત્ર રાહત જારી થવાની વ્યાપક અપેક્ષા છે જેમાં શૅરબજાર શુક્રવારે આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનને પકડી રાખી પોણા ટકાની નજીક કે ૨૨૨ પૉઇન્ટ વધીને ૩૧૮૧૪ બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૯૯૮૯ નજીક જઈ છેલ્લે એકાદ ટકો કે ૯૧ પૉઇન્ટ ઊંચકાઈને ૯૮૮૦ આસપાસ જોવા મળ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૨૫ તો નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર પ્લસ હતા. નિફ્ટીમાં અગાઉ ૫૧ શૅર હતા જેમાંથી તાતા મોટર્સના DVRને બાકાત કરવામાં આવ્યો છે, પણ BSE ખાતે સેન્સેક્સ શૅરની યાદીમાં હજી એ ચાલુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ પાંચમા દિવસની આગેકૂચમાં દોઢ ટકો વધીને ૮૩૭ રૂપિયા નજીક બંધ આવ્યો છે. સપ્તાહમાં આ કાઉન્ટર ૫૩ રૂપિયા જેવું વધી ગયું છે. BSE ખાતે હીરો મોટોકૉર્પ દોઢેક ટકાના ઘટાડે વર્સ્ટ પર્ફોર્મર સેન્સેક્સ ખાતે બન્યો હતો, જ્યારે તાતા સ્ટીલ ટૉપ ગેઇનર હતો. નિફ્ટી ખાતે ૫.૮ ટકાના ઉછાળે ૪૫૬ રૂપિયાના બંધમાં ગેઇલ બેસ્ટ પર્ફોર્મર બન્યો હતો. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી હકારાત્મક હતી. NSE ખાતે ૧૭૮૩ શૅરમાંથી ૫૨૪ શૅર ઘટ્યા હતા. સામે ૧૧૭૨ જાતો પ્લસ હતી. એશિયન બજારો અંદર નોંધપાત્ર સુધારામાં હતી. પાકિસ્તાની શૅરબજાર આગલા બંધથી ૭૬૯ પૉઇન્ટ બાઉન્સબૅકમાં ૪૧૨૩૭ રનિંગ ક્વોટમાં દેખાતું હતું. ઘરઆંગણે શૅરબજાર ભલે સુધારામાં હોય, FIIનો વેચવાલીનો મૂડ યથાવત છે. ચાલુ મહિનાના કામકાજના ત્રણ દિવસમાં એણે ૧૬૦૦ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ કરી નાખ્યું છે. ડોકલામ બૉર્ડર પર ચાઇના તરફથી લશ્કરી જમાવટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં હકીકતમાં બધું સબ-સલામત નથી. દરમ્યાન આગલા દિવસે લિસ્ટેડ થયેલો મોંઘા વૅલ્યુએશનવાળો પ્રતાપ સ્નૅક્સ ગઈ કાલે સાડાઆઠ ટકા કે ૯૯ના ઉછાળે ૧૨૭૮ રૂપિયા નજીક બંધ હતો, તો SBI લાઇફ નજીવા સુધારામાં ૬૯૫ રૂપિયા નજીકનો બંધ છતાં બિલોપાર કૅટેગરીમાં પડી રહ્યો છે. ICICI લોમ્બાર્ડ પોણાત્રણેક ટકા વધીને ૬૭૯ રૂપિયા પ્લસ બંધ હતો

PSU બૅન્ક નિફ્ટી બે ટકા વધીને બંધ

સેન્સેક્સ-નિફ્ટી પોણાથી એક ટકાની નજીકના સુધારા સામે ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી અડધા ટકાની આસપાસ પ્લસ હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની પોણાથી પોણાચાર ટકાની મજબૂતીમાં બે ટકા કરતાં વધુ પ્લસ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૯ શૅર નરમ હતા, જેમાં પોણા ટકાની પીછેહઠમાં DCB બૅન્ક મોખરે હતો. JK બૅન્ક અને કરૂર વૈશ્ય બૅન્ક અડધા ટકાની આજુબાજુ ડાઉન હતા. સામે સાઉથ ઇન્ડિયન બૅન્ક ૬ ટકાના ઉછાળે અહીં બેસ્ટ પર્ફોર્મર બન્યો હતો. યુકો બૅન્ક ચાર ટકાની નજીક, પંજાબ નૅશનલ બૅન્ક સાડાત્રણ ટકા, ફેડરલ બૅન્ક અને યુકો બૅન્ક ત્રણ-ત્રણ ટકા અપ હતા. હેવીવેઇટ PSU બૅન્ક સ્ટેટ બૅન્ક બે ટકા ઊંચકાઈને ૨૫૭ રૂપિયા નજીક બંધ રહ્યો છે. HDFC બૅન્ક નામકે વાસ્તે નરમ હતો. ICICI બૅન્ક નહીંવત, ઍક્સિસ બૅન્ક અડધો ટકો અને યસ બૅન્ક દોઢ ટકો પ્લસ હતા.

કેમિકલ્સ શૅરમાં તેજીની કેમિસ્ટ્રી

કેમિકલ્સ શૅરમાં ગઈ કાલે તેજીની સારી કેમિસ્ટ્રી કામે લાગી હતી. મલ્ટિનૅશનલ બાસ્ફ ઇન્ડિયા રોજના સરેરાશ ૧૮૨૭ શૅર સામે શુક્રવારે BSE ખાતે ૧.૧૭ લાખ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૯૪ ઊછળીને ૧૭૬૫ રૂપિયા બંધ હતો. ઇન્ડિયા ગ્લાયકોલ આઠ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૦૪ રૂપિયાના ઐતિહાસિક શિખરે તો શ્રી પુષ્કર કેમિકલ્સ પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૫૭ રૂપિયા નજીક વિક્રમી સપાટીએ બંધ હતા. અન્ય કાઉન્ટર્સમાં આલ્કલી એમાઇન્સ ૫.૪ ટકા વધીને ૪૮૫ રૂપિયા, કૅમલિન ફાઇનકેમ ૪.૪ ટકાની આગેકૂચમાં ૮૪ રૂપિયા નજીક, ગુજરાત આલ્કલીઝ ૬૧૭ નજીક નવી ઊંચી સપાટી હાંસલ કરીને પાંચ ટકાની મજબૂતીમાં ૬૧૨ રૂપિયા, તાતા કેમિકલ્સ ૬૮૮ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ બે ટકા વધીને ૬૭૮ રૂપિયા, મેઘમણિ ઑર્ગેનિક્સ પોણાસાત ટકાના જમ્પમાં ૯૦ રૂપિયા બંધ હતા. DIC ઇન્ડસ્ટ્રીઝ, અમલ રસાયણ, જયસિન્થ, ક્લેરિયન્ટ કેમિકલ્સ, કેલટેક એનર્જી જેવી જાતો ચારથી સાડાછ ટકા ઊંચકાઈ હતી.

સ્મૉલકૅપ ઇન્ડેક્સ છઠ્ઠા દિવસે સુધર્યો

BSE ખાતેનો સ્મૉલકૅપ ઇન્ડેક્સ સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં એક ટકાથી વધુ ઊંચકાઈને ૧૬૬૨૯ બંધ આવ્યો છે. એના ૮૪૯ શૅરમાંથી ૫૬૦ શૅર ગઈ કાલે વધ્યા હતા. જમના ઑટો, TVS ઇલેક્ટ્રૉનિક્સ, મેઘમણિ ઑર્ગેનિક્સ, જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસ, નોસિલ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, ગુફિક બાયો, મિન્ડા કૉર્પોરેશન, ઓરિયેન્ટ પેપર, MM ફોર્જિંગ્સ, KII ઇન્ડસ્ટ્રીઝ, એપકોટેક્સ, કોરોમંડલ ઇન્ટરનૅશનલ, ઑટોમોટિવ ઍક્સેલ, દિલીપ બિલ્ડકૉન, જીનેશિસ ઇન્ટરનૅશનલ, એમ્બી ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત આલ્કલીઝ, લુમેક્સ ઑટો, મોતીલાલ ઓસવાલ, સનલેગ આર્યન, દીપક નાઇટ્રેટ, વિસાકા ઇન્ડસ્ટ્રીઝ, ફિલિપ્સ કાર્બન, ઓરિયેન્ટ કાર્બન જેવી ૩૧ જાતો વિક્રમી સપાટીએ પહોંચી હતી. NSE ખાતેનો સ્મૉલકૅપ-૧૦૦ ઇન્ડેક્સ ૧.૩ ટકા વધ્યો હતો.

તાતા સ્ટીલના શૅરમાં મજબૂતી

જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૭ ટકાના દરે વેચાણવૃદ્ધિ હાંસલ કર્યાના અહેવાલ પાછળ તાતા સ્ટીલ ગઈ કાલે બમણા કામકાજમાં ૬૯૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે પોણાપાંચ ટકાની તેજીમાં ૬૯૧ રૂપિયા બંધ હતો. NSE ખાતે ભાવ પાંચેક ટકાના જમ્પમાં ૬૯૪ રૂપિયા નજીક રહ્યો હતો. તાતા સ્ટીલની હૂંફમાં સેઇલ ચાર ટકા, જિન્દલ સ્ટીલ સવાત્રણ ટકા, JSW સ્ટીલ સવાત્રણ ટકા અપ હતા. મેટલ ઇન્ડેક્સ ૪૩૧ પૉઇન્ટના ઉછાળે દસેદસ શૅરની મજબૂતીમાં સવાત્રણ ટકા નજીક વધીને બંધ આવ્યો છે. અન્ય મેટલ શૅરમાં હિન્દાલ્કો ચાર ટકા, નાલ્કો પોણાત્રણ ટકા, વેદાંતા અઢી ટકા, હિન્દુસ્તાન ઝિન્ક બે ટકા, હિન્દુસ્તાન કૉપર ૪.૭ ટકા, કોલ ઇન્ડિયા સવા ટકો, ઓડિશા મિનરલ્સ સવાબે ટકા વધ્યા હતા. બાય ધ વે ઑઇલ ગૅસ ઇન્ડેક્સ બે ટકા કે ૩૧૬ પૉઇન્ટ વધ્યો હતો. એના તમામ ૧૦ શૅર અપ હતા. ગેઇલ પાંચ ટકાના ઉછાળે ૪૫૨ રૂપિયા બંધ આપીને મોખરે હતો. રિલાયન્સ દોઢ ટકો વધીને ૮૩૬ રૂપિયા ઉપર રહ્યો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK