બૅન્કિંગ હેવીવેઇટ્સની આગેવાનીમાં શૅરબજાર નવા સર્વોચ્ચ શિખરે

ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ માર્ક મોબિયસને બજારમાં હજી દસ ટકાની તેજી દેખાય છે : સેન્સેક્સ ૧૩૬ પૉઇન્ટ વધ્યો, પણ ચાર બૅન્ક-શૅરનો ફાળો ૧૫૪ પૉઇન્ટનો : બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી બેસ્ટ લેવલે, ફાર્મા નિફ્ટીમાં ૭ દિવસની તેજીને બ્રેક

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નાનકડા અલ્પવિરામ બાદ ઑલટાઇમ હાઈની હારમાળા ફરી શરૂ કરવાની હોડમાં ગઈ કાલે શૅરબજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૩૭,૮૦૫ના નવા બેસ્ટ લેવલ બાદ ૧૩૬ પૉઇન્ટ  જેવું વધીને ૩૭,૬૯૨ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૧૧,૪૨૮ નજીકની વિક્રમી સપાટી બતાવી ૨૬ પૉઇન્ટના સુધારામાં ૧૧,૩૮૭ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી બાવીસ શૅર પ્લસ હતા. બન્ને બજાર ખાતે ઍક્સિસ બૅન્ક, ICICI બૅન્ક અને સ્ટેટ બૅન્ક ટૉપ-થ્રી ગેઇનર બન્યા હતા. તાતા મોટર્સ, સનફાર્મા, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્ર બૅન્ક, ગેઇલ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ટાઇટન જેવી જાતો દોઢથી ત્રણ ટકાના ઘટાડે ટૉપ લૂઝર્સ લિસ્ટમાં અગ્રક્રમે હતી. સેન્સેક્સ નિફ્ટીના મુકાબલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ પ્રમાણમાં વધુ સુધર્યા હોવાથી માર્કેટ-બ્રેડ્થ હકારાત્મક જોવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો વધી ૧૧૯૧ રૂપિયા પર બંધ રહેતાં બજારને ૪૮ પૉઇન્ટ મળ્યા હતા. દરમ્યાન ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ માર્ક મોબિયસે સ્મૉલ કૅપ તથા મિડ કૅપ માર્કેટ આઉટ પર્ફોર્મર રહેવાની ધારણા સાથે બજાર હજી ૧૦ ટકા જેવું વધવાની આગાહી કરી છે. મોજુદા રંગ જોતાં નિફ્ટીમાં ૧૨,૦૦૦ના દીવા દિવાળી પહેલાં દેખાય તો જરાય નવાઈ નહીં થાય.

વૉલ્યુમ સાથે વધેલી જાતોમાં ગઈ કાલે વિનતિ ઑર્ગેનિક્સ સવાઓગણીસ ટકા, ટ્રીડેન્ટ સાડાદસ ટકા, માર્કસન્સ પંદર ટકા, IDFC સાડાછ ટકા, બલરામપુર ચીની મિલ્સ સવાછ ટકા, ક્વૉલિટી પાંચ ટકા, એડ્યુરન્સ ટેક્નૉલૉજી પાંચ ટકા, આદિત્ય બિરલા ફૅશન્સ પોણાપાંચ ટકા ઊંચકાયા હતા. સુઝલોન પરિણામ પાછળ સવાસાત ટકા ખરડાઈ ૭.૩૨ રૂપિયા બંધ હતો. બજાજ ઑટોના પરચૂરણ ઘટાડાને બાદ કરતાં ટૂ-થ્રી વ્હીલર્સ સેગમેન્ટના બાકીના નવ શૅર વધ્યા હતા. અતુલ ઑટો છ ટકા ઊછળ્યો હતો. પેપર તથા પેપર પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં તેજીની આગેકૂચ જારી હતી. અહીં બૅન્ક-શૅરના ઘટાડા સામે ત્રણ શૅર વધ્યા હતા. ૨૦ જેટલા શુગર શૅર દોઢ ટકાથી લઈને સાડાઆઠ ટકા જેવા મીઠા બન્યા છે. ઇન્ફી, વિપ્રો, TCS, HCL, ટેક્નૉલૉજી, એમ્ફાસિસ, હેક્સાવેર, ઇન્ફિબીમ, સોનાટા, સાસ્કેન, રોલ્ટા સહિત ૫૯માંથી ૩૫ શૅરની નરમાઈમાં IT ઇન્ડેક્સ સાધારણ લૉગ-આઉટ થયો હતો.

HDFC ઍસેટ્સનું તગડું લિસ્ટિંગ

શૅરદીઠ ૧૧૦૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા HDFC ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપનીના IPOનું લિસ્ટિંગ ધારણા કરતાંય વધુ તગડું થયું છે. BSE ખાતે ભાવ ૧૭૩૯ ખૂલી નીચામાં ૧૭૩૦ રહ્યો છે. વૉલ્યુમ ૩૦ લાખ શૅરનું હતું. NSE ખાતે ભાવ ૧૭૨૬ ખૂલી તેને જ નીચી સપાટી બનાવી ઉપરમાં ૧૮૪૪ થયા બાદ અંતે ૧૯૩ લાખ શૅરના કામકાજમાં ૧૮૧૬ રૂપિયા બંધ રહ્યો છે. દેશની સેકન્ડ લાર્જેસ્ટ ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપનીનો ૨૮૦૦ કરોડ રૂપિયાનો IPO ૮૩ ગણો ભરાયો હતો. ગયા વર્ષે ૧૫૪૨ કરોડના ભરણા સાથે મૂડીબજારમાં આવેલી રિલાયન્સ નિપ્પોન ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપની પછી આ સેગમેન્ટની આ બીજી કંપની બજારમાં લિસ્ટેડ થઈ છે. રિલાયન્સ નિપ્પોનની ઇશ્યુ પ્રાઇસ ૨૫૨ રૂપિયા હતી. આ શૅર ગઈ કાલે ૨૫૬ની અંદર જઈ ૩.૮ ટકા ઘટી અંતે ૨૫૮ રૂપિયા બંધ હતો. ૧૬ જાન્યુઆરીએ ભાવ ઉપરમાં ૩૩૪ અને ૧ જૂને ૨૦૬ નીચામાં જોવાઓ છે. એનું માર્કેટકૅપ ૧૫,૯૭૫ કરોડ રૂપિયાની આશપાસ છે, જ્યારે HDFC ઍસેટ્સનું માર્કેટકૅપ ૩૮,૪૭૯ કરોડ રૂપિયા છે.

HDFC ગ્રુપ તાતા પછી બીજા ક્રમે

દેશમાં તાતા ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકૅપ હાલમાં ૧૧ લાખ કરોડ રૂપિયાની આસપાસ હોવાથી એ પ્રથમ સ્થાને છે, પરંતુ આ સ્થાન એ કયાં સુધી ટકાવી રાખશે એ એક સવાલ છે કેમ કે HDFC ગ્રુપ એની ઘણું નજીક આવી ગયું છે. HDFC, HDFC બૅન્ક, HDFC સ્ટાન્ડર્ડ, HDFC ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપની તથા ગૃહ ફાઇનૅન્સ એમ પાંચ લિસ્ટેડ કંપનીઓ સાથે HDFC ગ્રુપનું માર્કેટકૅપ ગઈ કાલે લગભગ ૧૦.૭ લાખ કરોડ નજીક પહોંચી ગયું છે. મુકેશ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક-૧૮ મીડિયા તથા TV-૧૮ બ્રૉડકાસ્ટ લિસ્ટેડ છે. આ ઉપરાંત બાલાજી ટેલિ ફિલ્મ્સમાં રિલાયન્સ ૨૪.૯ ટકા અને EIH લિમિટેડમાં ૧૮.૫ ટકા હિસ્સો ધરાવે છે. આ ધોરણે મુકેશ અંબાણી ગ્રુપનું માર્કેટકૅપ હાલમાં ૭.૬૯ લાખ કરોડ રૂપિયા નજીક બેસે છે. જ્યારે અનિલ અંબાણી ગ્રુપ જે એક વખતે મુકેશ અંબાણીથી અલગ પડ્યું ત્યારે માર્કેટકૅપમાં મોટા ભાઈ કરતાં આગળ નીકળી ગયું હતું. એનું માર્કેટકૅપ હાલમાં માંડ ૫૫,૭૨૫ કરોડ રૂપિયા પણ નથી રહ્યા. અનિલ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ હોમ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, R.કૉમ, રિલાયન્સ નિપ્પોન તથા રિલાયન્સ નેવલ એમ કુલ ૭ કંપની લિસ્ટેડ છે.

બૅન્ક-શૅરની સુધારામાં આગેવાની જોવા મળી

સેન્સેક્સ-નિફ્ટીના સાધારણ સુધારા સામે ગઈ કાલે બૅન્કેક્સ એક ટકો અને બૅન્ક નિફ્ટી પોણો ટકો અપ હતા. ઇન્ટ્રા-ડેમાં બૅન્કેક્સમાં ૩૧,૫૪૮ની સર્વોચ્ચ સપાટી બની હતી. બૅન્ક નિફ્ટી ૨૭,૯૯૪ના બેસ્ટ લેવલે ગયો હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી પણ ૧૫,૭૮૭ના નવા શિખરે ગયો હતો, જ્યારે PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરની તેજીમાં અઢી ટકા સર્વાધિક વધીને બંધ આવ્યો છે. અત્રે એક માત્ર સિન્ડિકેટ બૅન્ક અઢી ટકા નરમ હતી. ઍક્સિસ બૅન્ક ૩.૯ ટકા, ICICI બૅન્ક ૩.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૩ ટકા, યસ બૅન્ક ૧.૩ ટકા વધીને બંધ આવતાં સેન્સેક્સને ગઈ કાલે ૧૫૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. કોટક મહિન્દ્ર બૅન્કમાં ૧.૭ ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્કમાં એક ટકાની નરમાઈ હતી. HDFC બૅન્ક સાધારણ ઘટાડે ૨૧૧૫ રૂપિયા બંધ હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧માંથી ૨૮ જાતો સોમવારે પ્લસ હતી. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક દોઢા કામકાજમાં ઉપરમાં સવાસોળ વટાવી છેલ્લે ૬.૭ ટકાની તેજીમાં ૧૫.૯૦ રૂપિયા બંધ આવી અત્રે મોખરે હતો. બંધન બૅન્ક તેમજ લક્ષ્મી વિલાસ બૅન્ક એકથી સવા ટકાની આસપાસ ડાઉન હતા. વધેલા ૨૮ બૅન્ક-શૅરમાંથી દોઢ ડઝન કાઉન્ટર સવા ટકાથી લઈને ૬.૭ ટકા ઊંચકાયાં હતાં.

નિફ્ટી ફાર્મામાં સાત દિવસની તેજી અટકી

ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી છ શૅરની પીછેહઠમાં એક ટકો ડાઉન હતો. સાત દિવસની આગેકૂચ આ સાથે અટકી છે. BSEમાં હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭માંથી ૩૨ શૅરની નરમાઈમાં ૦.૪ ટકા ઢીલો હતો. અત્રે લોરસ લૅબ નબળાં પરિણામો પાછળ ૧૫ ગણા કામકાજમાં ૪૩૦ની ઑલટાઇમ બૉટમ બનાવી છેલ્લે ૬.૯ ટકા તૂટીને ૪૩૭ રૂપિયા બંધ આવ્યો છે. કેટલીન પૉઇન્ટ લૅબ પાંચ ટકા, ઇન્ડોકો રેમેડીઝ અઢી ટકા, FDC સવાબે ટકા, RPG લાઇફ અને એસ્ટ્રાઝેનેકા બે-બે ટકા માઇનસ હતા. માર્કસન્સ ફાર્મા પોણાસોળ ટકા ઊછળી ૩૪ રૂપિયા નજીક બંધ આપી ફાર્મા સેગમેન્ટમાં ટૉપ ગેઇનર બન્યો હતો. શેલ્બી સવાદસ ટકા, વિમતા લૅબ દસ ટકા, HCG સવાસાત ટકા, હેસ્ટર બાયો છ ટકા, જ્યુબિલન્ટ ફાર્મા સવાપાંચ ટકા, ઍલેમ્બિક સાડાચાર ટકા, પેનેસિયા બાયો ત્રણ ટકા વધીને બંધ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK