પાંચ દિવસની નબળાઈમાં ચાલુ વર્ષનો સુધારો બજારમાં ધોવાયો

તાતા મોટર્સમાં લગભગ બે વર્ષની નીચી સપાટી : એશિયા-યુરોપનાં અગ્રણી શૅરબજારો પોણાથી બે ટકા સુધીના સુધારામાં : માર્કેટ-બ્રેડ્થ તદ્દન ખરાબ, બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

એશિયન બજારોના સારા સુધારાની હૂંફમાં ગઈ કાલે ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૦૧ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલી ૩૪,૦૬૦ની ટોચે ગયો ત્યારે લાગતું હતું કે ચાર દિવસની નરમાઈ અટકશે. માર્કેટ કમસે કમ ૩૦૦ પૉઇન્ટની આસપાસ સુધરશે. જોકે આ ગણતરી અલ્પજીવી નીવડી હતી. પ્રારંભિક સુધારો ક્રમશ: ઘસાતો ગયો હતો અને બે વાગ્યા પછી તો સીધી લપસણીની ચાલ શરૂ થઈ હતી જેમાં બજાર ૩૩,૨૧૦ની અંદર ચાલી ગયું હતું. ઇન્ટ્રા-ડે હાઈથી ૮૩૭ પૉઇન્ટના આ ધબડકા બાદ શેરઆંક છેલ્લે ૪૨૯ પૉઇન્ટ ખરડાઈને ૩૩,૩૧૭ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૦,૪૪૧ અને નીચામાં ૧૦,૨૧૬ની અંદર જઈ અંતે ૧૦૯ પૉઇન્ટના ધોવાણમાં ૧૦,૨૪૯ થયો છે. આ સાથે હાલના તબક્કે વર્ષ ૨૦૧૮માં સેન્સેક્સ ૨.૨ ટકા તથા નિફ્ટી ૨.૭ ટકાના નેગેટિવ રિટર્નમાં આવી ગયા છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૨૭ તો નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર માઇનસ ઝોનમાં હતા. સન ફાર્મા ત્રણ-સવાત્રણ ટકાના ધોવાણમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. બન્ને બજાર ખાતેના તમામ ઇન્ડાઇસિસ ગઈ કાલે લાલ રંગમાં હતા. બ્રૉડર માર્કેટ અર્થાત BSE-૫૦૦ ખાતે એક શૅર વધ્યો હતો તો સામે ચારેક જાતો નરમ હતી. ‘એ’ ગ્રુપ ખાતેના ૩૯૧ શૅરમાંથી ૮૦ ટકા અને ‘બી’ ગ્રુપની ૧૧૧૦ સ્ક્રીપ્સમાં ૮૫ ટકા જાતો ઢીલી હતી. ૧૩૧ શૅર BSE ખાતે ઉપલી સર્કિટમાં બંધ હતા તો ૨૫૭ કાઉન્ટર્સમાં મંદીની સર્કિટ લાગેલી હતી. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી સવાથી દોઢ ટકો કટ થયા હતા. PSU બૅન્ક નિફ્ટી ૨૯૧૬ની મલ્ટિયર બૉટમ બનાવી છેલ્લે બારેબાર શૅરની ખરાબીમાં ત્રણેક ટકા ગગડીને ૨૯૩૬ બંધ રહ્યો છે. ૪૩૩૫ની ઑલટાઇમ હાઈથી આ આંક ૩૨.૮ ટકા જેવો ગગડી ચૂક્યો છે. મતલબ કે PSU બૅન્ક શૅર મંદીની ઑર્બિટમાં ક્યારનાય પ્રવેશી ચૂક્યા છે. ઘરઆંગણે ખાંડનું ઉત્પાદન ૪૨ ટકા વધ્યું હોવાના અહેવાલ પાછળ શુગર ઉદ્યોગના ૩૪ શૅરમાંથી માત્ર ત્રણ શૅર વધ્યા હતા. દ્વારકેશ, રાજશ્રી, ત્રિવેણી, ધામપુર, થીરૂ અરુણન, ઉગર શુગર, અવધ શુગર, બલરામપુર ચીની સાતથી બાર ટકા તૂટ્યા હતા.  

તાતા મોટર્સમાં બે વર્ષનું બૉટમ

તાતા મોટર્સ ઘટાડાની ચાલમાં ગઈ કાલે બમણા કામકાજમાં નીચામાં ૩૪૫ રૂપિયા થયો હતો જે લગભગ બે વર્ષની નીચી સપાટી છે. ભાવ અંતે દોઢેક ટકાના ઘટાડે ૩૪૬ રૂપિયા હતો. તાતા મોટર્સનો DVR પણ નીચામાં ૧૯૫ રૂપિયાની અંદર ઊતરી જતાં માર્ચ ૨૦૧૪ પછીનું બૉટમ બન્યું હતું. શૅર છેલ્લે બે ટકાથી વધુની નબળાઈમાં ૧૯૫ રૂપિયા પ્લસ રહ્યો છે. ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ખાતે ૧૪માંથી બે શૅર પ્લસ હતા. એક્સાઇડ ઇન્ડિયા સર્વાધિક ૦.૭ ટકા વધ્યો હતો. TVS મોટર્સ, મહિન્દ્ર, મારુતિ સુઝુકી, બજાજ ઑટો, બૉશ, MRF, કાઇનેટિક એન્જિનિયરિંગ, બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ, SML-ઇસુઝુ, એસ્કોર્ટ્સ દોઢથી સવાત્રણ ટકા ડાઉન હતા. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧૪માંથી ૧૧ શૅરની પીછેહઠમાં ૧.૪ ટકા કે દોઢસો પૉઇન્ટ ઢીલો હતો. ઑટો પાર્ટ્સ અને ઍન્સિલિયરી સેગમેન્ટમાં ૨૬ શૅર વધ્યા હતા. સામે ૬૬ કાઉન્ટર ડાઉન હતાં.

લુપિનમાં પંચાવન મહિનાની નીચી સપાટી

ફાર્મા જાયન્ટ લુપિનમાં મંદી ઘેરી બની રહી છે. શૅર ગઈ કાલે નીચામાં ૭૭૧ રૂપિયા થયો હતો જે ઑગસ્ટ ૨૦૧૩ પછીની બૉટમ છે. ભાવ છેલ્લે દોઢા કામકાજ વચ્ચે બે ટકા ઘટીને ૭૭૫ રૂપિયા બંધ રહ્યો છે. ૧૧ મહિના પૂર્વે, ૨૩ માર્ચે શૅર ૧૪૯૮ રૂપિયા પ્લસના શિખરે હતો, જ્યારે ૨૦૧૫ની ૭ એપ્રિલે ૨૦૯૧ રૂપિયાની વિક્રમી સપાટી બની હતી. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૮માંથી ૪૭ શૅરની નરમાઈમાં એક ટકા જેવો ડાઉન હતો. હેવીવેઇટ્સમાં સન ફાર્મા ૩ ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ ૩ ટકા, નાટકો ફાર્મા ૩.૭ ટકા, જ્યુબિલન્ટ લાઇફ ૪.૮ ટકા, સ્ટ્રાઇડ સાશૂન ૩.૭ ટકા, કૅડિલા હેલ્થકૅર સવા ટકો, ઇપ્કા લૅબ ૩.૭ ટકા, ફાઇઝર પોણાબે ટકા ડાઉન હતા, જ્યારે હેસ્ટર બાયો,  ગ્લેનમાર્ક, સિન્જેન ઇન્ટરનૅશનલ, ઑરોબિંદો ફાર્મા, અલ્કેમ એકથી ત્રણ ટકા સુધર્યા હતા. સમગ્ર ફાર્મા ઉદ્યોગ ખાતેની કુલ ૧૩૭ જાતોમાંથી ૮૪ આઇટમ ઘટી હતી. TTK હેલ્થકૅર આગલા દિવસે ૧૧૩૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૨૮૯ રૂપિયા થઈ ૧૨૫૮ રૂપિયા બંધ હતો એ ગઈ કાલે હેવી પ્રૉફિટ-બુકિંગમાં દોઢા વૉલ્યુમમાં ૧૩૨૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૧૬૧ રૂપિયા થઈ છેલ્લે સાડાઆઠ ટકા તૂટીને ૧૧૭૭ રૂપિયા બંધ રહ્યો છે. ક્રેબ્સ બાયો પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૧ રૂપિયા પ્લસ બંધ હતો.

ડઝન જેટલા બૅન્ક-શૅર નવા તળિયે

ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી એકાદ ટકાના ઘટાડે બંધ હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૮ શૅર માઇનસમાં હતા. અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કર્ણાટકા બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, જે.કે બૅન્ક, યુનિયન બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક તથા યુનાઇટેડ બૅન્ક જેવી જાતોના ભાવ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા નીચા તળિયે પહોંચ્યા હતા. પંજાબ નૅશનલ બૅન્ક નીચામાં ૯૬ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકા ગગડી ૯૭ રૂપિયા હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક તથા સિટી યુનિયન બૅન્ક પોણાથી એક ટકાની રેન્જમાં વધીને બંધ આવ્યા છે. ICICI બૅન્ક અઢી ટકા ડાઉન હતો. ગીતાંજલિ જેમ્સ સળંગ ૧૪મા દિવસે મંદીની સર્કિટમાં પાંચ ટકા ગગડી ૧૮.૩૫ રૂપિયાના ઑલટાઇમ તળિયે બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને માંડ ૩૨,૫૦૦ શૅરના કામકાજ હતા. સામે ૮૪ લાખ શૅરના સેલર્સ ઊભા હતા. વકરાંગીમાં સોમવારે ઇન્ટ્રા-ડેમાં પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૪૭ રૂપિયાની ૧૪ મહિનાની નીચી સપાટી બતાવી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬૨ રૂપિયા બંધ રહ્યા બાદ ગઈ કાલે પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૧ રૂપિયા નજીક બંધ આવ્યો છે. સિમ્ભોલી શુગર સળંગ ચોથા દિવસની નરમાઈમાં સવાત્રણ ટકા ઘટી ૧૪ રૂપિયા નીચે હતો.

સિટી નેટવર્ક્સમાં ઑગસ્ટ ૨૦૧૩ પછીનું બૉટમ

બ્રૉડકાસ્ટિંગ-કેબલ ટીવી બિઝનેસમાં પ્રવૃત્ત સિટી નેટવર્ક્સમાં HDFC મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા બે ટકા કે ૫૮.૬ લાખ શૅર ઓપન માર્કેટમાં વેચાયાના પગલે ઘટાડો ઝડપી બન્યો છે. શૅર ગઈ કાલે ૧૫.૭૦ રૂપિયાની ઑગસ્ટ ૨૦૧૩ પછીની નીચી સપાટી બનાવી છેલ્લે પોણાસાત ટકા તૂટીને ૧૭ રૂપિયા બંધ હતો. પાંચેક ટકાના વિદેશી સહિત સાત દેશી પ્રમોટર્સ મળીને કંપનીમાં ૭૩.૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે જેમાંથી ૭૮ ટકા માલ ગીરવી પડેલો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ સવાસાત રૂપિયા આસપાસ છે. ગઈ કાલે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૫માંથી ૧૧ શૅરની નરમાઈ છતાં સહેજ વધીને બંધ રહ્યો છે. સનTV ૧.૪ ટકા, ઝી એન્ટરટેઇનમેન્ટ સવા ટકો અપ હતા. બાલાજી ટેલિ, BAG ફિલ્મ્સ, PVR, ઝી મીડિયા જેવી જાતો પોણાથી સવાબે ટકા વધેલી હતી. ડિશ TV, DB કૉર્પ, DQ એન્ટરટેઇનમેન્ટ, GTPL, હૅથવે કેબલ, જાગરણ પ્રકાશન, મુક્તા આર્ટ્સ, NDTV, શ્રી અધિકારી બ્રધર્સ, ટીપ ઇન્ડસ્ટ્રીઝ દોઢથી સાડાચાર ટકા ડાઉન હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK