શૅરબજારમાં ધિરાણનીતિ પહેલાં સાવચેતીનું વલણ

જાહેર ક્ષેત્રના બૅન્કિંગ શૅરમાં એકંદરે મજબૂત વલણ : મોટા ભાગના બ્લુચિપ સ્ટૉક ડાઉન, માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી : પસંદગીયુક્ત શુગર કંપનીઓના શૅરમાં વૉલ્યુમ સાથે તેજી

sensex


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીના આઉટકમ પૂર્વે ભારતીય શૅરબજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૬૭ પૉઇન્ટના ઘટાડે ૩૨,૮૦૨ અને નિફ્ટી ૧૦ પૉઇન્ટની નરમાઈમાં ૧૦,૧૧૮ના મથાળે બંધ થયા હતા. બપોર સુધીના સુસ્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ નીચામાં ૩૨,૬૮૨ અને નિફ્ટી ૧૦,૦૬૯ના લેવલ સુધી ગયા હતા, પણ કામકાજના છેલ્લા કલાકમાં પસંદગીયુક્ત જાતોમાં લેવાલી નીકળતાં બજાર નીચા મથાળેથી રિકવરી થયું હતું, પરંતુ પૉઝિટિવ ઝોનમાં બંધ રહેવામાં સફળતા મળી નથી. સેન્સેક્સના ૩૧માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર નેગેટિવ ઝોનમાં બંધ હતા જેમાં હીરો મોટોકૉર્પ, વિપ્રો ૨.૩ ટકા, તાતા સ્ટીલ, NTPC ૧.૭ ટકા, ONGC દોઢ ટકા, ડૉ. રેડ્ડીઝ, પાવર ગ્રિડ ૧.૪ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા, લાર્સન, HDFC બૅન્ક, મહિન્દ્ર-મહિન્દ્ર, એશિયન પોઇન્ટ, HUL, લુપિન, કોલ ઇન્ડિયા, ITC, તાતા મોટર્સ, ઍક્સિસ બૅન્કના શૅરમાં સાધારણથી પોણા ટકા સુધીની ખરાબી જોવા મળી હતી. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર શૅરમાં SBI બે ટકા, ભારતી ઍરટેલ ૧.૨ ટકા, રિલાયન્સ ૧.૧ ટકા, સન ફાર્મા, ICICI બૅન્ક, સિપ્લાના શૅર એકંદરે સુધારામાં જણાતા હતા. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં BSE ખાતે ૧૧૦૫ વધીને જ્યારે ૧૫૪૯ જાતો ઘટાડે બંધ રહી હતી. BSEની માર્કેટ કૅપ ૧૪૪.૨૧ લાખ કરોડ રૂપિયા હતી. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં પાવર ઇન્ડેક્સ સૌથી વધુ એક ટકો ડાઉન હતો.

મૉનિટરી પૉલિસી પહેલાં બૅન્ક શૅરમાં મિશ્ર વલણ

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પહેલાં બૅન્કિંગ સેક્ટરના શૅરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં ૪૦માંથી ૨૧ શૅર વધ્યા હતા. સિટી યુનિયન બૅન્ક અઢી ટકા, મહારાષ્ટ્ર બૅન્ક ૨.૩ ટકા, ફેડરલ બૅન્ક બે ટકા, SBI બે ટકા, યસ બૅન્ક, કૅનેરા બૅન્ક, PNB પોણો ટકો, યુનિયન બૅન્ક સવા ટકા, ઓરિયેન્ટલ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, DCB બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક જેવા શૅરમાં અડધાથી પોણા ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ નુકસાનીમાં બંધ રહેનાર બૅન્ક શૅરમાં લક્ષ્મી વિલાસ બૅન્ક ૨.૮ ટકા, વિજયા બૅન્ક દોઢ ટકા, IOB સવા ટકા, સેન્ટ્રલ બૅન્ક, IDBI ૧ ટકો, AU બૅન્ક, દેના બૅન્ક, IDBFC બૅન્ક, કર્ણાટક બૅન્ક, HDFC બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આંધ્ર બૅન્ક, RBL બૅન્કના શૅરમાં વત્તે-ઓછા પ્રમાણમાં પીછેહઠ જોવા મળી હતી. ૧૦માંથી ૮ શૅરની મજબૂતીમાં બૅન્કેક્સ સાધારણ સુધારે ૨૮,૫૫૯ અને બૅન્ક નિફ્ટી ૨૫,૧૨૪ના સ્તરે બંધ થયા હતા.

શુગર સ્ટૉકની મીઠાશ વધી

સાંકડી રેન્જના ટ્રેડિંગ સેશનમાં શુગર કંપનીઓના શૅર ભારે વૉલ્યુમ સાથે લાઇમલાઇટમાં રહ્યા હતા જેમાં દ્વારકેશ શુગર કંપનીનો શૅર આજે ઉપરમાં ૬૩.૬ રૂપિયાની ટોચ બનાવી ૧૦.૫ ટકાના ઉછાળામાં ૬૩ રૂપિયા પ્લસ બંધ રહી ટૉપ ગેઇનર બન્યો હતો. તો ત્રિવેણી ૭.૭ ટકા, ધામપુર શુગર ૫.૭ ટકા, મવાણા શુગર ૫.૧ ટકા, અવધ શુગર પાંચ ટકા, ઉગર શુગર, ડૉલેક્સ ૪.૫ ટકા, બલરામપુર ચીની ૩.૨ ટકા, દાલમિયા ૩ ટકા, ઇન્ડિયન રિસોર્સ ૨.૨ ટકા, KCP શુગર ૧.૯ ટકા, ઉત્તમ શુગર દોઢ ટકા, EMP શુગર, KM શુગર, સિમ્ભોલી સવા ટકા જેટલા વધ્યા હતા. શુગર સ્ટૉકમાં તેજીનું મુખ્ય કારણ ખાંડના ઉત્પાદનમાં વધારાને માનવામાં આવે છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના આંકડા મુજબ નવી પિલાણ સીઝનમાં ઑક્ટોબરથી નવેમ્બર દરમ્યાન દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ૧૧.૬૯ લાખ ટન વધીને ૩૯.૫ લાખ ટન નોંધાયું છે, જ્યારે પાછલા વર્ષે સમાન ગાળામાં ૨૭.૮૨ લાખ ટન પ્રોડક્શન થયું હતું. નવી સીઝનની શરૂઆતમાં ઓપનિંગ સ્ટૉક ૩૮.૭૬ લાખ ટન જેટલો હતો જે છેલ્લાં સાત વર્ષનો લોએસ્ટ ક્લોઝિંગ સ્ટૉક છે. ચાલુ વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન વધીને ૨૫૧ લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઘટાડે બંધ રહેનાર શુગર સ્ટૉકની વાત કરીએ તો પિકા શુગર ૪.૩ ટકા, EID પૅરી, ગાયત્રી શુગર અઢી ટકા, થિરુ શુગર બે ટકા, ધામપુર શુગર, DCM શુગર દોઢ ટકા, કેસર એન્ટર, રાણા શુગર જેવી કંપનીઓના શૅર અડધાથી એક ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

રામકી ઇન્ફ્રા નવી ઊંચાઈએ

કન્સ્ટ્રક્શન્સ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં પ્રવૃત્ત કંપની રામકી ઇન્ફ્રાનો શૅર ગઈ કાલે આરંભથી અંત તેજીની ચાલમાં ૨૬૩ રૂપિયાની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. ભારે વૉલ્યુમ સાથે આ શૅરનો ભાવ આઠ ટકાના ઉછાળે ૨૫૮ રૂપિયા બંધ હતો. BSE ખાતે રોજના સરેરાશ ૧.૨૬ લાખ શૅર સામે ગઈ કાલે ૩.૪૨ લાખ શૅરના કામકાજ થયા હતા. આઠમી નવેમ્બરે બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત બાદ આ રિયલ્ટી કંપનીનો શૅર ૫૦ ટકા ઊછળ્યો છે. એ દિવસે શૅરનો ભાવ ૧૭૨ રૂપિયા બોલાતો હતો. આ સાથે પાછલા ત્રણ મહિનામાં રામકી ઇન્ફ્રાના શૅરમાં ૧૫૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે સમીક્ષાધીન સમયગાળામાં બેન્ચમાર્ક સેન્સેક્સ માત્ર ૩ ટકા જ વધ્યો છે. કન્સ્ટ્રક્શન્સ અને એન્જિનિયરિંગ સેક્ટરની ૮૮ કંપનીમાંથી ૩૭ કંપનીના શૅર વધ્યા હતા જેમાં હાઇ ગ્રાઇન્ડ ૬ ટકા, મધુકોન ૫.૮ ટકા, SKIL પાંચ ટકા, GI એન્જિનિયરિંગ સૉલ્યુશન ૪.૯ ટકા, રાજદર્શન ઇન્ડસ્ટ્રીઝ ૪.૯ ટકા, ગ્રાનેટ કન્સ્ટ્રક્શન અને કાશ કોન્સ્ટ્રોવેલનો શૅર સાડાચાર ટકા જેટલો વધ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ઉપરમાં ૨૪૦૫ અને નીચામાં ૨૩૬૮નું લેવલ બનાવી અંતે નજીવા ઘટાડે ૨૩૭૮ના સ્તરે બંધ રહ્યો હતો. એના ૧૦માંથી ૪ શૅર પ્લસ હતા.

ફોર્સ મોટર્સ વર્ષના નીચા સ્તરે

નવેમ્બર મહિનાના નિરાશાજનક વેચાણના વસવસામાં ફોર્સ મોટર્સનો શૅર ગઈ કાલે કામકાજ દરમ્યાન ત્રણેક ટકાની ખરાબીમાં ૩૧૬૪ રૂપિયાની વર્ષની નીચી સપાટીએ ક્વૉટ થયા બાદ પણ ભાવ સતત દબાણ હેઠળ રહેતાં શૅર પોણાબે ટકાની પીછેહઠમાં ૩૨૦૦ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૧૮ હજાર શેર સામે ગઈ કાલે ૫૬,૦૦૦ શેરના કામકાજ થયા હતા. નવેમ્બરમાં કંપનીએ ૧૬૮૭ નંગ કારનું વેચાણ કર્યું છે, જ્યારે ઑક્ટોબરમાં કંપનીએ ૨૫૩૯ નંગ વાહનોનું વેચાણ કર્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં આ શૅર અન્ડર પર્ફોન્સ રહેતાં ભાવમાં બાવીસ ટકાનું ધોવાણ થયું છે. અડધા ટકાના રિવર્સ ગિયરમાં ઑટો ઇન્ડેક્સ ૨૪,૭૭૧ના સ્તરે બંધ થયો હતો. એના ૧૪માંથી ૧૦ શૅર ડાઉન હતા જેમાં હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા, અશોક લેલૅન્ડ બે ટકા, આઇસર મોટર્સ ૧.૯ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા, મહિન્દ્ર-મહિન્દ્ર, એક્સાઇડ ઇન્ડ., મધરસન સુમી, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી સાધારણથી પોણા ટકાની આસપાસ ઘટ્યા હતા. તો સુધારે બંધ રહેનાર ઑટો શૅરમાં ભારત ફોર્જ ૩.૪ ટકા, TVS મોટર્સ ૧.૬ ટકા, ક્યુમિન્સ ઇન્ડ. દોઢ ટકા અને MRશ્નો શૅર ૦.૬ ટકા વધીને ૬૬,૭૧૧ રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK