શૅરબજારમાં કરેક્શન ક્યારે અને કેટલું? રાહ જોઉં કે ખરીદું?

આવા સંજોગોમાં રોકાણકારો મૂંઝાય એ સ્વાભાવિક છે. હવે હજી ખરીદું કે કરેક્શનની રાહ જોઉં એવા વિચારો વચ્ચે કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. આમાં ઘોડા ભેગા ગધેડા પણ દોડવાના હોવાથી સાવચેત રહેવું જરૂરી છે એટલે જ સ્માર્ટ ઇન્વેસ્ટરો ફાવશે, બાકીના ફસાઈ શકે છે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

વીતેલા સપ્તાહનો પ્રથમ દિવસ પૉઝિટિવ શરૂ થયો હતો. હવે એવું થયું છે કે બજાર જેમ અને જેટલું વધે છે એમ ઇન્ડેક્સની નવી ઊંચી સપાટી બને છે. ગયા સોમવારે વધ-ઘટ સાથે સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ ઉપર બંધ રહ્યો જેના મુખ્ય કારણમાં તેજીનું સેન્ટિમેન્ટ અને સારા ગ્લોબલ સંકેતો હતા. મંગળવારે સાધારણ કરેક્શન આવ્યું હતું જેમાં સેન્સેક્સ માત્ર ૫૦ પૉઇન્ટ જેટલો નીચે આવ્યો હતો. જોકે મંગળવારે ભારતના બિઝનેસ-રૅન્કિંગ વિશે વર્લ્ડ બૅન્કના પ્રોત્સાહક સમાચાર આવતાં તેમ જ બૅન્કો અને રિયલ્ટી શૅરો ઊછળતાં તથા ગ્લોબલ માર્કેટની અસરરૂપે બુધવારે બજાર ૪૦૦ પૉઇન્ટના અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટના જમ્પ સાથે વધુ એક નવા રેકૉર્ડ લેવલે પહોંચી ગયું હતું. ગુરુવારે ફરી નજીવું કરેક્શન આવ્યું અને શુક્રવારે ફરી સેન્સેક્સ ૧૧૨ પૉઇન્ટ ઉપર. આમ બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા લેવલે બંધ રહ્યા હોવાથી ઇન્વેસ્ટરો આ ઊંચા લેવલે પ્રવેશવું કે નહીં એની દ્વિધામાં હોવા છતાં માર્કેટમાં ખરીદી કરવાનું ચાલુ રાખ્યું હતું.

બૅન્ક શૅરો પ્રત્યે સાવચેતી

બૅન્કો માટે સરકારે રાહત-પૅકેજ જાહેર કર્યું ત્યારથી લોકોનું બૅન્ક-શૅરો તરફ ધ્યાન વધવા લાગ્યું છે. એ વિશે લોકોએ એ યાદ રાખવું જરૂરી છે કે બૅન્કોને આ રાહત-પૅકેજ બે વર્ષમાં  વિવિધ માર્ગે અપાશે. એનાથી બધી બૅન્કો ખાટી જવાની નથી, બલકે જે મજબૂત બૅન્કો છે એને વધુ લાભ થશે. બાકી નબળી બૅન્કોને તો માત્ર એમની જોગવાઈઓ કરવા માટે સપોર્ટ મળશે જેથી જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરધારકો કે રોકાણકારો આ બાબતે સાવચેત રહે. જ્યારે ખાનગી ક્ષેત્રની બૅન્કોના ઇન્વેસ્ટરોએ પણ વિચારવું પડે એવું જણાઈ રહ્યું છે, કેમ કે પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ પણ વધી છે અને તેમણે પણ તેમની જોગવાઈ વધારવાની ફરજ પડી છે જેની અસર તેમના નફા પર થતાં શૅરોના ભાવ પર પણ થઈ છે યા થઈ શકે. બાય ધ વે, આ ટોચની પ્રાઇવેટ બૅન્કોના શૅરો પ્રત્યે પણ સાવચેત રહેવામાં શાણપણ છે. અલબત્ત, આવી બૅન્કોના રિકવરીના ચાન્સ પણ વધુ ઊંચા હોય છે એથી ભાવો ઘટે ત્યારે એને લાંબા ગાળાની તક જરૂર બનાવી શકાય.

ચૂંટણી પતે ત્યાં સુધી

બજારના જાણકારો-અનુભવીઓ માને છે કે બજારમાં ઑપરેટરો તેજીનો ફાયદો લેવા માટે સક્રિય બન્યા છે અને તેઓ કોઈ પણ શૅરો ચલાવશે જેમાં સીધાસાદા રોકાણકારો ફસાઈ જઈ શકે છે. જ્યાં સુધી રાજ્યોની નર્ધિારિત ચૂંટણી પતે નહીં ત્યાં સુધી બજારને ચલાવવામાં આવશે. ત્યાર બાદ બજારની ચાલનું કહેવું કઠિન છે. બીજું, આવી રહેલા IPOને સફળ બનાવવા તેમ જ સરકારનાં સાહસોની ઑફરોને પણ સફળતાપૂર્વક પાર પાડવા બજારને તેજીની ગાડીમાં ચાલવા દેવામાં જ સાર છે એ હકીકત સરકાર અને બજારના ખેલાડીઓ પણ સારી રીતે સમજે છે.

માર્કેટ વિશે બે ભિન્ન મત

બજારની હવે પછીની ચાલ માટે માર્કેટમાં બે પ્રકારના મત ફરવા લાગ્યા છે. એક મત એવો છે કે બજાર સતત નવા ઊંચા લેવલે જઈને જોખમ વધારી રહ્યું છે જેમાં હવે ઊંચા ભાવે જેઓ પ્રવેશશે તેમણે મોટું જોખમ લેવું પડશે, કેમ કે હવે બજારમાં ગમે ત્યારે મોટાં કરેક્શન આવી શકે છે. બજાર મહદંશે પ્રવાહિતા અને સેન્ટિમેન્ટના જોરે ચાલી રહ્યું છે. અર્થતંત્ર સામેના પડકાર અને સમસ્યામાં કોઈ નક્કર કહી શકાય એવા સુધારા થયા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે બજાર એના ભાવિ સંકેતોને આધારે ચાલી-દોડી રહ્યું છે. સરકાર જે પગલાં લઈ રહી છે એને પરિણામે અર્થતંત્ર ઝડપી વિકાસ કરશે. સરકાર પાયાનાં કામ કરી રહી છે. સરકારનાં અમુક નક્કર કામોની લોકોએ નોંધ લીધી જ નથી અથવા એને સમજી શક્યા જ નથી. આ આશાવાદી ગ્રુપ માને છે કે બજાર હજી ઊંચે જશે. જોïકે આ વર્ગમાં આશાવાદનો અતિરેક નથી. તેઓ માને છે કે બજારમાં કરેક્શન જરૂર આવશે, પરંતુ વર્તમાન લેવલથી માર્કેટ તૂટી જશે કે ક્રૅશ થઈ જશે એવી શક્યતા ખૂબ ઓછી છે. અલબત્ત, કોઈ સાવ જ અણધારી ગંભીર નેગેટિવ ઘટના બની જાય તો વાત જુદી થઈ શકે, પરંતુ આવા કોઈ અણસાર અત્યારે તો દેખાતા નથી જેથી ડિસેમ્બર સુધીમાં યા બજેટ સુધીમાં માર્કેટ વધુ નવું ઊંચું લેવલ બનાવી લે તો નવાઈ નહીં. એમાં પણ જો ગુજરાતની ચૂંટણીમાં BJP જીતી ગઈ તો માર્કેટ મોટા-મોટા કૂદકા પણ મારી શકે છે. ઍનૅલિસ્ટો-નિષ્ણાતો ટૂંક સમયમાં ૧૧,૦૦૦થી લઈને આગામી બે વર્ષમાં ૧૫,૦૦૦ સુધીના નિફ્ટીની અપેક્ષા રાખી રહ્યા છે.  

આ લેવલે એન્ટ્રી કરાય?

જેઓ આ લેવલે બજારમાં પ્રવેશવું કે નહીં એવા સવાલ સાથે ઊભા છે તેમણે રિસ્ક લીધા વિના છૂટકો નથી, કેમ કે કરેક્શન ક્યારે અને કેટલું આવશે એની કોઈ ગૅરન્ટી નથી. જ્યારે બીજી બાજુ માર્કેટ સતત નવી ઊંચાઈ બનાવી રહ્યું છે તેમ શૅરો વધુ કીમતી થતા જાય છે. આવા સમયમાં થોડા-થોડા ગણતરીપૂર્વકના જોખમ સાથે ખરીદી કરતા જવું સારું. જ્યારે બજાર ઘટે તો ફરી ખરીદી કરવી, પરંતુ એકસાથે બધી ખરીદી કરવી નહીં. આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે સિલેક્ટિવ સ્ટૉક્સ શોધવા પડશે અને લાંબા ગાળાનો અભિગમ તો અવશ્ય જોઈશે. ગ્લોબલ લેવલે નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેના તનાવ સહિત કેટલાંક જોખમો ઊભાં છે. કેટલીક અનિશ્ચિતતા ઊભી છે. સ્થાનિક લેવલે રાજ્યોની ચૂંટણી અને GSTની સમસ્યા જેવાં પરિબળો ઊભાં છે. કરેક્શન મોટું આવશે તો ખરીદી પણ મોટી આવશે એ પણ યાદ રાખવું જોઈશે. અત્યારે તો સેન્ટિમેન્ટ અને પ્રવાહિતા જોરમાં છે. શૅરબજારની ચાલનો ભય રાખનારા માટે હજી પણ મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વળી જવામાં અથવા એમાં રોકાણ વધારવામાં શાણપણ રહેશે.

બજાર પણ ગાંડું થયું?

અત્યાર સુધી વિકાસ ગાંડો થયો હોવાની વાતો ચાલતી રહી છે. આ વાતો કરનારા, સમજનારા કે માનનારા પોતે ડાહ્યા હોવાનું માની લેવાની જરૂર નથી. જોકે હવે શૅરબજારની ચાલ અને તાલ જોઈને બજાર પણ ગાંડું થયું હોવાનું કહેવાય તો નવાઈ નહીં.  આ ગાંડપણને પૉઝિટિવ અર્થમાં લઈએ તો એનો લાભ લેવામાં મહદંશે ડાહ્યાઓ જ  ફાવી શકશે, કારણ કે અત્યારે બેધડક અને વધુપડતા આશાવાદ સાથે વધી રહેલા બજારમાં ખરીદી અને વેચાણ માટે શાણપણ જોઈશે અન્યથા લોકોને આમાં ફસાઈ જતાં વાર નહીં લાગે. સરકાર સુધારા માટે આક્રમક બની છે અને સતત નવાં પગલાં લાવી રહી છે. જેમ ઊંચાઈ વધશે એમ એને ટકવા માટે ઑક્સિજનનું પ્રમાણ વધારવું પડશે, અર્થાત સરકારે અમલમાં નક્કર પરિણામ દર્શાવવાં પડશે. ઇન શૉર્ટ, ઇઝ ટુ ડુ બિઝનેસના રૅન્કિંગના સુધારાને ખરા અર્થમાં બતાવવું પડશે, માત્ર કાગળ પર નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK