સળંગ છઠ્ઠા દિવસની નરમાઈ સાથે છ મહિનાની સેન્સેક્સમાં લાંબી નબળાઈ

ટર્કિશ લીરા, મેક્સિકન પેસો પછી હવે આફ્રિકન રૅન્ડમાં કડાકો બોલાયો : કરન્સી ક્રાઇસિસ વિશ્વ સ્તરે ઇમર્જિંગ શૅરબજારોને હચમચાવશે : ઇન્ફી અને TCS નવાં બેસ્ટ લેવલ બતાવી ઘટાડે બંધ રહ્યા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડૉલર સામે ધારણા કરતાં મોટા અને ઝડપી ઘટાડાના ટ્રેન્ડમાં રૂપિયો ૭૨ની સવા નજીક, આ લખાય છે ત્યારે ૭૧.૯૮નું વરવું વિક્રમી બૉટમ બનાવી ચૂક્યો છે. મૂળ તો દિવાળીની આસપાસ ૭૨ના ભાવની દહેશત ચર્ચાતી હતી, હવે લાગે છે કે ૭૪નું લેવલ ત્યારે દેખાઈ શકે છે. ટર્કિશ ચલણ લીરાના રીતસર લીરા ઊડવાનો આઘાત તાજો જ છે ત્યાં હવે સાઉથ આફ્રિકન રૅન્ડ ડૉલર સામે ગગડીને બે વર્ષ કરતાં વધુ ગાળાની રીતે નવા તળિયે પહોંચી ગયો છે. મેક્સિકન ચલણ પેસો પણ ખરાબે ચડ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી થોડો ઉપર ખુલ્યા બાદ ૩૮,૨૫૦ થયો હતો અને ત્યાંથી ઘસાતો-ઘસાતો બપોરના બે વાગ્યાની આસપાસ ૩૭,૭૭૫ની નીચે આવી ગયો હતો. છેલ્લે કલાક રિકવરીનો રહેતાં માર્કેટ ૧૪૦ પૉઇન્ટ જેવા ઘટાડે ૩૮,૦૧૮ બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૧,૫૧૫ નજીક અને નીચામાં ૧૧,૩૯૪ તોડ્યા બાદ છેલ્લે ૪૩ પૉઇન્ટની પીછેહઠમાં ૧૧,૪૭૭ આસપાસ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં બન્ને આંક ૫૦ દિવસની DMAની નીચે ઊતરી ગયા હતા. આ સાથે બજાર સળંગ છઠ્ઠા દિવસે માઇનસ ઝોનમાં બંધ આવ્યું છે. છેલ્લા છ મહિનામાં આટલી લાંબી નરમાઈ પ્રથમ વાર નોંધાઈ છે. યોગાનુયોગ ડૉલર સામે રૂપિયો પણ છેલ્લા છ દિવસથી રોજ નીચે ઊતરતો જાય છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૬ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા. યસ બૅન્ક ત્રણેક ટકાના સુધારામાં ૩૪૪ રૂપિયા બંધ આવી મોખરે હતો. હિન્દુસ્તાન યુનિલીવર અઢી ટકાના ઘટાડે સેન્સેક્સમાં તો ભારતી ઇન્ફ્રાટેલ સવાચાર ટકાના કડાકામાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. અત્યાર સુધી ડૉલર સામે રૂપિયાની નબળાઈથી કાયદાની થીમમાં વધતા રહેલા IT શૅર ગઈ કાલે યુ-ટર્નમાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રારંભિક સુધારામાં ૧૨૫૨ વટાવ્યા બાદ ૧૨૧૦ બતાવી સવા ટકાથી વધુની નરમાઈમાં ૧૨૨૬ રૂપિયા બંધ આવી સેન્સેક્સને સૌથી વધુ ૫૪ પૉઇન્ટ નડ્યો હતો. ઑટો, મેટલ તથા ફાર્માને બાદ કરતાં NSEના તમામ બેન્ચમાર્ક માઇનસ હતા. BSE ખાતે ટેલિકૉમ ઇન્ડેક્સ સૌથી વધુ સવાબે ટકા કટ થયો હતો.

FMCG શૅરમાં પીછેહઠ જારી

FMCG ઇન્ડેક્સ સોમવારે ૧૨,૮૫૦ની સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ આક્રમક પ્રૉફિટબુકિંગમાં સપડાયો લાગે છે. ગઈ કાલે નીચામાં ૧૨,૦૧૪ બતાવી આ આંક એક ટકાથી વધુના ઘટાડામાં ૧૨,૧૦૩ રહ્યો છે. અત્રે HUL, નેસ્લે, ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, મારિકો, GSK કન્ઝ્યુમર, IFB ઍગ્રો, તાતા ગ્લોબલ સહિતની મોટા ભાગની અગ્રણી જાતો સતત બીજા દિવસે ઢીલી રહી છે. ગઈ કાલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની નબળાઈમાં ૧.૯ ટકા નજીક ઘટ્યો હતો. PC જ્વેલર્સ, ટાઇટન, વ્હર્લપૂલ, ક્રૉમ્પ્ટન, VIP ઇન્ડસ્ટ્રીઝ દોઢથી પોણાપાંચ ટકા ખરડામાં હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫માંથી માત્ર ૭ શૅર સુધારામાં રહેતાં એક ટકાથી વધુ નરમ હતો. ભારત ઇલેકટ્રૉનિકસ ૨૦ ગણા વૉલ્યુમમાં ૯૦ રૂપિયાની અંદર મલ્ટિયર બૉટમ બનાવી સવાતેર ટકાના કડાકામાં ૯૪ રૂપિયા બંધ હતો. સાડાઆઠ મહિના પૂર્વે, ૨૯ નવેમ્બરે આ કાઉન્ટર ૧૯૩ રૂપિયાના શિખરે હતું. થર્મેક્સ ચાર ટકાથી વધુ ગગડી ૯૮૦ રૂપિયા, ભારત અર્થમૂવર ત્રણ ટકાની ખરાબીમાં ૭૭૦ રૂપિયા બંધ હતા. AIA એન્જિનિયરિંગ સામા પ્રવાહે ઉપરમાં ૧૮૦૦ થઈ અંતે પાંચ ટકાના ઉછાળે ૧૭૭૭ રૂપિયા હતો.

ITમાં તેજી અટકી, હેવીવેઇટ્સ ઘટ્યા

છેલ્લા કેટલાક દિવસથી બજારની એકંદર ચાલ સામે સતત નવાં શિખર સર કરતો IT ઇન્ડેક્સ ગઈ કાલે ૧૫,૮૯૦ની નવી વિક્રમી સપાટીએ ગયા બાદ નીચામાં ૧૫,૬૬૭ થઈ ૦.૪ ટકાના ઘટાડે ૧૫,૬૯૬ બંધ હતો એના ૫૭માંથી ૨૨ શૅર પ્લસ હતા. હેવીવેઇટ્સમાં ઇન્ફોસિસ ૭૪૮ પ્લસની નવી લાઇફટાઇમ હાઈ બાદ પોણો ટકો ઘટીને ૭૩૦ની નીચે, TCS ૨૧૦૬ની નજીક વિક્રમી સપાટી બનાવી પોણો ટકો ઘટી ૨૦૭૮ તથા તાતા ઍલેક્સી પોણાત્રણ ટકાના ઘટાડે ૧૩૭૬ રૂપિયા રહ્યા હતા. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ક્વિકહીલ, ઍપ્ટેક, એમ્ફાસિસ, ૮ધ્ માઇલ્સ, ૬૩ મૂન્સ, નીટ, સુબેક્સ, HCL ઇન્ફો, ટેક સૉલ્યુશન સહિતના વીસેક શૅર દોઢથી સાડાપાંચ ટકા લૉગ-આઉટ થયા હતા. વિપ્રો, માઇન્ડ ટ્રી, સિએન્ટ, ઑરેક્લ, હેક્સાવેર, ઇન્ટલેક્ટ ડિઝાઇન, KPIT જેવી કેટલીક ચીજો એકથી પાંચ ટકા વધી હતી. ટેક મહિન્દ્ર ૭૭૮ની નવી ટૉપ બનાવી અંતે નહીંવત સુધારામાં ૭૬૪ રૂપિયા બંધ હતો. ફ્રન્ટલાઇન IT શૅર ઉપરાંત ભારતી ઇન્ફ્રાટેલ, ITI, ભારતી ઍરટેલ, તાતા કમ્યુનિકેશન, આઇડિયા સેલ્યુલર, ઝી એન્ટરટેઇનમેન્ટ જેવાં કાઉન્ટર સવાથી સાડાચાર ટકા ઘટતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૭૯૪૮ની વિક્રમી સપાટી બાદ અડધો ટકો ઘટીને ૭૮૩૯ બંધ હતો.

ઍલેમ્બિક ફાર્મા જંગી વૉલ્યુમ સાથે ઊછળ્યો

ઍલેમ્બિક ફાર્મા રોજના ૫૧૭૪ શૅરની સરેરાશ સામે ગઈ કાલે સાડાનવ લાખ શૅરના ચિક્કાર કામકાજમાં ઉપરમાં ૬૩૮ થઈ છેલ્લે પાંચેક ટકાની તેજીમાં ૬૩૩ રૂપિયા બંધ હતો. જોકે ગઈ કાલે ફાર્મા અને હેલ્થકૅર શૅરબજારની ચાલથી વિપરિત એકંદર સુધારામાં હોવાથી સંબંધિત ઇન્ડેક્સ એક-એક ટકો વધ્યા હતા. કૅપ્લીન પૉઇન્ટ લૅબોરેટરીઝ સાડાનવ ટકાના ઉછાળે મોખરે હતો. બાયોકૉન, સિન્જેન, ઑરોબિંદો ફાર્મા, ગ્લેનમાર્કે, વૉકહાર્ટ, ઍલેમ્બિક લિમિટેડ, યુનિકેમ લૅબ, FDC, સુવેન લાઇફ, સ્પાર્ક જેવી વીસેક જાતો સવાથી સવાછ ટકા ઊંચકાઈ હતી. મર્ક, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, હેસ્ટરબાયો, એપોલો હૉસ્પિટલ, RPG લાઇફ, થાયરોકૅર જેવી ડઝન આઇટમ બેથી પાંચ ટકા ડાઉન હતી. વૉલ્યુમ સાથે વધેલી જાતોમાં મુથૂટ ફાઇનૅન્સ ૪૦ ગણા કામકાજમાં ૪૪૨ વટાવી સાડાનવ ટકાની તેજીમાં ૪૩૭ રૂપિયા, NGL ફાઇનકેમ ૧૭ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૭૧ રૂપિયા, ઍડ્વાન્સ્ડ એન્ઝાઇમ ૨૧ ગણા વૉલ્યુમમાં સાડાઆઠ ટકાના ઉછાળે ૨૨૪ રૂપિયા બંધ હતો. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૮૬૮ની ઐતિહાસિક બૉટમ બતાવી બમણા કામકાજમાં સવાચાર ટકા લથડીને ૮૭૨ રૂપિયા, જેટ ઍરવેઝ બે ટકા વધુ ઘટીને ૨૬૭ રૂપિયા તો સ્પાઇસ જેટ ૭૪ રૂપિયાના વર્ષના તળિયે જઈ પોણાચાર ટકા ગગડી ૭૫ રૂપિયા બંધ હતો. તાતા ગ્રુપની ટાયોસેલ્સ વીસ ટકાની તેજીની સર્કિટમાં ૧૮ ગણા કામકાજમાં ૬૭ રૂપિયા બંધ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK