ફ્રન્ટલાઇન અને રોકડામાં ઝમક સાથે શૅરબજાર નવા ઊંચા શિખરે

વિસ્તરણના પગલે રમા સ્ટીલ ટ્યુબ ૨૦ ટકાની તેજીમાં : PSU બૅન્ક શૅર ફરીથી ઢીલા પડ્યા: બ્રુઅરીઝ સેગમેન્ટના તમામ દોઢ ડઝન શૅરમાં મસ્તી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ક્રૂડ, ફિસ્કલ ડેફિસિટ, બૅન્કોની NPA ઇત્યાદિની ફિકરને અવગણીને શૅરબજાર પ્રી-બજેટ રૅલીના મૂડમાં આવ્યું હોય એમ લાગે છે. સેન્સેક્સ ૩૪૧૮૬ નજીક જઈને ૧૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ૩૪૧૫૪ આસપાસ તો નિફ્ટી ૧૦૫૬૬ થઈને ૫૪ પૉઇન્ટ વધીને ૧૦૫૫૯ નજીક બંધ રહ્યો છે. શૅરબજારોની નવી સર્વોચ્ચ સપાટીની સાથે-સાથે શુક્રવારે માર્કેટકૅપ પણ ૧૫૩.૭૬ લાખ કરોડ રૂપિયા પ્લસની નવી વિક્રમી સપાટીએ આવી ગયું  છે. સેન્સેક્સ-નિફ્ટી ઉપરાંત ગઈ કાલે મિડકૅપ ઇન્ડેક્સ, સ્મૉલકૅપ ઇન્ડેક્સ તેમ જ બ્રૉડર માર્કેટના બેન્ચમાર્ક પણ બેસ્ટ લેવલે પહોંચ્યાં છે. સરવાળે માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટીની પકડ યથાવત રહી છે. પાંચ ટકાની તેજીમાં યસ બૅન્ક બન્ને બજારના મુખ્ય આંક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૩ તો નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ ગુરુવારની રાત્રે ૨૫૧૦૬ નજીક જઈ ૧૫૨ પૉઇન્ટની મજબૂતીમાં ૨૫૦૭૫ની વિક્રમી સપાટીએ બંધ રહેતાં એશિયન શૅરબજારોના સુધારાને આંશિક હૂંફ મળી હતી. જપાન, ઑસ્ટ્રેલિયા, હૉન્ગકૉન્ગ, બ્રિટન, સિંગાપોર ઇત્યાદિ માર્કેટ ઐતિહાસિક શિખરે ગઈ છે. પાકિસ્તાન સામે આકરા પાણીએ થયેલા ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને ૧૧૦ કરોડ ડૉલરની સહાય અટકાવી દેવાનું નવુ કડક પગલું લીધું છે, પણ એની કરાચી શૅરબજાર પર કોઈ માઠી અસર થઈ નથી. પાકિસ્તાન શૅરબજાર સળંગ આઠમા દિવસની આગેકૂચમાં ગઈ કાલે ૪૨૫૦૦ની ૨૬ સપ્ટેમ્બર પછીની ઊંચી સપાટી બનાવી રનિંગ ક્વોટમાં ૫૭૫ પૉઇન્ટના ઉછાળે ૪૨૪૮૩ દેખાતું હતું. મહિના પૂર્વે ૨૨ સેન્ટવાળો રિપ્પલ ગુરુવારે ૩૩૦ સેન્ટની વિક્રમી સપાટી બનાવી ગઈ કાલે ૨૭૭ સેન્ટ ચાલતો હતો. આપણી ભાષામાં વાત કરીએ તો રિપ્પલ નામની આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ મહિના પૂર્વે માંડ ૧૭ રૂપિયાય નહોતો. એ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૯ રૂપિયા થઈ આ લખાય છે ત્યારે શુક્રવારની સાંજે ૧૬૫ રૂપિયા બોલાતો હતો. બાય ધ વે, વર્ષ પૂર્વે રિપ્પલનો ભાવ માત્ર ૪૩ પૈસા હતો.

આઇડિયામાં પ્રેફરન્શિયલ ઇશ્યુની તેજી

આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા સેલ્યુલર દ્વારા શૅરદીઠ ૯૯.૫૦ રૂપિયાના ભાવે પ્રમોટર્સની તરફેણમાં ર્પેફરન્શિયલ ઇક્વિટી ઇશ્યુ મારફત ૩૨૫૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના જાહેર થતાં ગઈ કાલે તગડા વૉલ્યુમ સાથે તેજી જોવા મળી છે. ભાવ ઉપરમાં ૧૧૮ રૂપિયા થઈ છેલ્લે સવાદસ ટકાના ઉછાળે ૧૧૫ રૂપિયા બંધ આવ્યો છે. કંપની દ્વારા આ ઉપરાંત વધુ ૩૫૦૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ રાઇટ ઇશ્યુ, ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા પ્રેફરન્શિયલ ઇશ્યુ મારફત ઊભા કરવાની યોજના પણ છે. આઇડિયા ઉપરાંત ય્.કૉમ સળંગ બીજા દિવસની આગેકૂચમાં પોણાબે ટકા વધીને ૩૪ રૂપિયા નજીક, ભારતી ઍરટેલ ત્રણ ટકા વધીને ૫૩૯ રૂપિયા, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ જે વર્ષ પૂર્વે ૯૮ હતો એ બુલરનમાં ૩૫૪નું બેસ્ટ લેવલ હાંસલ કરીને એક ટકો વધીને ૩૩૮ રૂપિયા, ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૮ શૅરના સુધારામાં પોણાત્રણ ટકા ઊંચકાયો હતો. MTNL તાજેતરમાં ૩૧ રૂપિયા પ્લસની મલ્ટિયર ટૉપ બાદ હળવા પ્રૉફિટ બુકિંગના પગલે સળંગ બીજા દિવસના ઘટાડે પોણા ટકાની નરમાઈમાં ૨૯ રૂપિયા હતો. ભારતી ઇન્ફ્રાટેલમાં સવા ટકાની નબળાઈ હતી.

PSU બૅન્ક શૅરમાં ઊભરો ટકી ન શક્યો

કેન્દ્ર સરકાર દ્વારા બૅન્કના મૂડીપાયાને સધ્ધર કરવા રીકૅપિટલાઇઝેશન પેટે ૮૦ હજાર કરોડ રૂપિયાની વધારાના ખર્ચની જોગવાઈ માટે સંસદની મંજૂરી લેવાયાના પગલે ગુરુવારે બૅન્ક શૅર, વિશેષ કરીને PSU બૅન્ક શૅર સારાએવા ઝળક્યા હતા. PSU બૅન્ક નિફ્ટી પોણાત્રણ ટકાથી વધુ ઊછળ્યો હતો. જોકે આ ઊભરો બહુ ઝડપથી શમી ગયો છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી તેમ જ બૅન્કેક્સ અડધા ટકાની આસપાસ પ્લસમાં હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની પીછેહઠમાં અડધા ટકા ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૧૭ શૅર માઇનસ હતા. અલાહાબાદ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આંધ્ર બૅન્ક, યુનિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા જેવી જાતો એકાદ ટકાથી લઈને પોણાબે ટકા સુધી ઢીલી હતી. IDFC બૅન્ક સાત ટકાના જમ્પમાં ૫૮ રૂપિયા બંધ રહી છે. યસ બૅન્કમાં પાંચ ટકાની તેજી હતી. સરકારી ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક દ્વારા શેર પ્રીમિયમ અકાઉન્ટમાં ૭૬૫૦ કરોડની રિઝર્વમાંથી ૬૯૭૯ કરોડ રૂપિયાની એકત્રિત ખોટને માંડવાળ કરવાનો અભૂતપૂર્વ અને વિવાદાસ્પદ નિર્ણય લેવાયો છે. શૅર ગઈ કાલે સાડાછ ગણા કામકાજમાં ૨૫ રૂપિયાને વટાવી અંતે પોણાપાંચ ટકાની મજબૂતીમાં ૨૪ રૂપિયા પ્લસ બંધ રહ્યો છે.

GM બ્રુઅરીઝમાં પરિણામની ફૅન્સી

અલમેડિયા ગ્રુપની GM બ્રુઅરીઝ દ્વારા અગાઉના ૯૯૦ લાખ રૂપિયા સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૨૩૦ લાખ રૂપિયાનો તગડો નફો દર્શાવાતાં શૅર ગઈ કાલે ૧૪ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૭૨ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. પાંચેક મહિના પહેલાં, ૩૧ જુલાઈએ ભાવ ૩૮૯ રૂપિયાના તળિયે હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૪ ટકા છે. યુનાઇટેડ બ્રુઅરીઝ રોજના સરેરાશ ૧૫,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૮.૪૨ લાખ શૅરના કામકાજમાં ૧૧૬૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાડાછ ટકા ઊછળી ૧૧૫૧ રૂપિયા હતો. બ્રુઅરીઝ સેગમેન્ટના તમામ દોઢ ડઝન શૅર ગઈ કાલે નશીલી તેજીમાં હતા. પિનકોન સ્પિરિટ્સ દસ ટકા, યુનાઇટેડ સ્પિરિટ્સ સાત ટકા, ટિળકનગર ઇન્ડસ્ટ્રીઝ ૪.૮ ટકા, પાયોનિયર ડિસ્ટિલરીઝ પોણાનવ ટકા, રવિ કુમાર પાંચ ટકા, રેડીકો ખૈતાન સાડાત્રણ ટકા, ગ્લોબસ સ્પિરિટ્સ પાંચ ટકા, એમ્પી ડિસ્ટિલરીઝ સાડાસાત ટકા અપ હતા. અસોસિએેટેડ આલ્કોહોલ ૨૯૪ રૂપિયાની નવી ટોચે જઈ પોણાછ ટકાની મજબૂતીમાં ૨૮૬ રૂપિયા આસપાસ હતો. જગતજીત ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૨ રૂપિયાના બેસ્ટ લેવલે જોવાયો છે. સોમ ડિસ્ટિલરીઝ રૂ.૨૦૪ની વિક્રમી સપાટી બાદ સાડાઆઠ ટકા ઊંચકાઈને ૨૦૦ રૂપિયા નજીક હતો.

રમા સ્ટીલ ટ્યુબ્સમાં ૨૦ ટકાનો ઉછાળો


કંપનીની સાઉથ ઇન્ડિયા ખાતેની પૂર્ણ માલિકીની સબસિડિયરી લેપક્સી ટ્યુબ્સ દ્વારા વેપારી ધોરણે ઉત્પાદન શરૂ થયાના અહેવાલ પાછળ રમા સ્ટીલ ટ્યુબ્સ રોજના સરેરાશ ૨૭,૦૦૦ શૅર સામે ગઈ કાલે BSE ખાતે સવાચાર લાખ તો NSEમાં ૧૭.૮૪ લાખ શૅરના ભારે વૉલ્યુમ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬૩ રૂપિયા નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૧૯.૫ ટકાના જમ્પમાં ૨૬૨ રૂપિયા નજીક બંધ રહ્યો છે. તાજેતરમાં TCG ફન્ડ દ્વારા શૅરદીઠ ૧૯૫ રૂપિયાના ભાવે ૮૫,૦૦૦ શૅર ખરીદાયા બાદ શૅરમાં ભળતી તેજી જામી છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુ અને ૨૯ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતો આ શૅર ૨૦૧૭ની ૧૧ જાન્યુઆરીએ ૧૧૦ રૂપિયાના તળિયે હતો. ઇક્વિટી આઠ કરોડ રૂપિયા છે. ૬૧.૪ ટકા માલ પ્રમોટર્સ પાસે છે. એમાંથી ૯૮ ટકા માલ લૉક-ઇન-પિરિયડમાં છે. કંપનીએ જાન્યુઆરી ૨૦૧૬માં એક શૅરદીઠ ચાર શૅરનું બોનસ જાહેર કર્યું હતું અને એની સાથે ૧૦ રૂપિયાના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન પણ કરાયુંં હતું. પિઅર-ગ્રુપમાં હિસ્સાર મેટલ્સ, કામધેનુ, OCL આયર્ન પોણાબેથી સાડાચાર ટકા અપ હતા. શાહ એલોય્ઝ આઠેક ટકા ઊંચકાયો હતો. દરમ્યાન મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે અડધો ટકો વધી ૧૫,૬૫૦ની નવી મલ્ટિયર ટોચે બંધ હતો. તાતા સ્ટીલ, JSW સ્ટીલ, NMDC સવાથી ત્રણ ટકાની આગેકૂચમાં નવાં ઊંચાં શિખરે બંધ આવ્યાં છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK