પરચૂરણ સુધારા સાથે શૅરબજારમાં ચાર દિવસની નરમાઈનો વિરામ

બાયબૅક અને નવા CEOની હૂંફમાં ઇન્ફોસિસ મજબૂત : USFDAના જોરમાં બાયોકોન વિક્રમી સપાટીએ, લુપિન નવા તળિયે : અનિલ અંબાણી ગ્રુપના શૅરોમાં ઑલરાઉન્ડ ખરાબી

sensex


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ચાર દિવસની પીછેહઠ બાદ શૅરબજાર ગઈ કાલે પ્રમાણમાં સારું ઓપનિંગ આપીને ઉપરમાં ૩૩,૦૦૮ને વટાવી ગયું હતું, પરંતુ ઊપલા મથાળે ખેલાડીઓએ હળવા થવાનો શિરસ્તો જાળવી રાખતાં દસ જ મિનિટમાં ૩૨,૮૮૫ની ઇન્ટ્રા-ડે બૉટમ દેખાઈ હતી. ત્યાંથી સાંકડા અને ધીમા સુધારા બાદ સેન્સેક્સ અંતે ૩૭ પૉઇન્ટ વધીને ૩૨,૮૭૦ નજીક બંધ રહ્યો છે. નિફ્ટી પ્રારંભીક મજબૂતીમાં ૧૦,૧૭૯ વટાવી ૧૦,૦૯૬ની અંદર ચાલ્યો ગયો હતો. છેલ્લે માંડ છ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૧૦,૧૨૮ની નીચે બંધ આવ્યો છે. અત્રે TCS અને લુપિન જૈસે-થે હતા. બાકીના ૪૮માંથી ૨૮ શૅર વધ્યા હતા. સેન્સેક્સની ૩૧માંથી ૧૭ જાતો પ્લસ હતી. મિડ કૅપ, સ્મૉલ કૅપ અને બ્રૉડર માર્કેટ ઢીલું રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી યથાવત્ રહી છે. અનિલ અંબાણી ગ્રુપમાં વધ-ઘટે ખરાબી જારી છે. રિલાયન્સ નેવલ અઢી ગણા કામકાજમાં ૩૫ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે નવેક ટકા તૂટીને ૩૫.૫૦ રૂપિયા બંધ હતો. રિલાયન્સ નિપ્પૉન પોણાબે ટકા, રિલાયન્સ કૅપિટલ એકાદ ટકો, ય્.કૉમ સાડાછ ટકાથી વધુ, રિલાયન્સ પાવર પોણાબે ટકાથી વધુ તો રિલાયન્સ હોમ પોણા ટકાની નજીક ડાઉન હતા. એકમાત્ર રિલાયન્સ ઇન્ફ્રા અપવાદમાં માંડ અડધો ટકો પ્લસ રહ્યો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૯૧૮ રૂપિયા નજીક ગયા બાદ છેલ્લે એકાદ ટકાની નરમાઈમાં ૯૦૧ રૂપિયા બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં ભાવ ૮૯૮ રૂપિયા નીચામાં દેખાયો હતો.

બિટકૉઇન હવે બાર હજાર ડૉલર ભણી

ક્રિપ્ટોકરન્સી અને બિટકૉઇન મેનિયા દિવસે-દિવસે વધુ જોર પકડી રહ્યો છે. માર્કેટ લીડર બિટકૉઇન ગઈ કાલે ૧૧,૮૬૩ ડૉલરની નવી વિક્રમી સપાટી બતાવી રનિંગ ક્વોટમાં પોણાબે ટકાની મજબૂતીમાં ૧૧,૩૨૪ ડૉલર આસપાસ દેખાયો છે. ૨૯ નવેમ્બરે ભાવ ૧૧,૪૦૦ ડૉલર પ્લસની સર્વોચ્ચ સપાટી બતાવી ૨૪ કલાકથીય ઓછા સમયમાં જોરદાર કડાકામાં ૮૯૩૮ ડૉલર થઈ ગયો હતો અને ત્યારે બિટકૉઇન વધુ ખરાબ થશે એવા વરતારા કરનારા વધી ગયા હતા, પરંતુ આ તમામ ખુવારી સરભર કરીને નવી ઊંચી સપાટી સર કરવામાં માંડ ત્રણેક દિવસ લાગ્યા છે. બાય ધ વે, ૩૦ નવેમ્બરે ભારતીય કરન્સીમાં બિટકૉઇનનો ભાવ ૯.૧૧ લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો અને એ જ દિવસે ગગડી નીચામાં ૭.૧૨ લાખ રૂપિયા બોલાયો હતો. ગઈ કાલે ઉપરમાં ૮.૬૯ લાખ રૂપિયા થઈ રનિંગ ક્વોટમાં ૮.૩૦ લાખ રૂપિયા દેખાતો હતો. દરમ્યાન ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું કુલ માર્કેટ કૅપ હાલમાં ૩૪૨ અબજ ડૉલરની આસપાસ છે જેમાં એકલા બિટકૉઇનનો હિસ્સો ૧૯૧ અબજ ડૉલરથી વધુનો છે. મતલબ કે માર્કેટ કૅપની રીતે બિટકૉઇન હવે પેપ્સીકો, બોઇંગ અને મૅક્ડોનલ્ડ જેવી વૈશ્વિક ગોડઝીલા કરતાંય આગળ નીકળી ગયો છે. વિશ્વના ટૉપના ધનકુબેર બિલ ગેટ્સની સંપત્તિ ૯૦ અબજ ડૉલરની તથા વૉરન બફેટની મિલકત ૮૩ અબજ ડૉલરની છે. આ બન્ને ભેગા થાય તો પણ બિટકૉઇનના તોલે ન આવે અને છેલ્લા બિટકૉઇનનું માર્કેટ કૅપ હાલમાં આખા ન્યુ ઝીલૅન્ડ કે પછી ઇરાક કે અલ્જેરિયા કરતાંય વધી ગયું છે. આપણી ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કૅપ ૫.૭૧ લાખ કરોડ રૂપિયા છે. બે રિલાયન્સ ભેગી કરો તો પણ એની વૅલ્યુ બિટકૉઇન કરતાંય ઓછી થવાની!!  

તાતા મોટર્સમાં વેચાણના આંકડાની હૂંફ જોવાઈ

તાતા મોટર્સ દ્વારા નવેમ્બર મહિનામાં વેપારી વાહનોનું વેચાણ ૭ર ટકા, પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ૩૫ ટકા અને લક્ઝરી કાર જગુઆર લેન્ડરોવરનું વેચાણ નવ ટકા વધીને આવતાં શૅર ગઈ કાલે ચાર દિવસના ઘટાડા બાદ પ્રથમ વાર ઉપરમાં ૪૧૧ રૂપિયા થઈ અંતે દોઢેક ટકો વધીને ૪૦૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. તાતા મોટર્સનો DVR પોણા ટકાના સુધારામાં ૨૩૦ રૂપિયા બંધ હતો. બીજી તરફ મારુતિ સુઝુકી ગઈ કાલે ૮૬૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી પ્રૉફિટ-બુકિંગમાં ૮૫૦૦ રૂપિયા થઈ છેલ્લે એકાદ ટકાની નરમાઈમાં ૮૫૨૯ રૂપિયા, અશોક લેલૅન્ડ ૧૨૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૧૧૫ રૂપિયા બતાવી છેલ્લે ત્રણ ટકાના ઘટાડે ૧૧૬ રૂપિયા, બજાજ ઑટો સાડાચાર રૂપિયા જેવી પરચૂરણ નરમાઈમાં ૩૨૦૮ રૂપિયા, મહિન્દ્ર અડધા ટકાથી વધુની પીછેહઠમાં ૧૪૦૦ રૂપિયા, એસ્કોર્ટ્સ સવાચાર ટકા તૂટીને ૬૬૦ રૂપિયાની અંદર બંધ હતા. ટૂ-થ્રી વેહિલર્સ સેગમેન્ટમાં ૧૧માંથી ૭ શૅર નરમ હતા. સ્કૂટર્સ ઇન્ડિયા સવાત્રણ ટકા લથડી અત્રે મોખરે રહ્યો હતો. અતુલ ઑટો એક ટકાના સુધારામાં ૪૨૮ રૂપિયા નજીકના બંધમાં ટૉપ ગેઇનર બન્યો હતો.

બાયોકોનમાં બુલરન, લુપિન નવા તળિયે

USFDA તરફથી કૅન્સરના ઇલાજ માટેની બાયોસીમીલર ડ્રગ હરસેપ્ટીનના વેચાણ માટે લીલી ઝંડી મળી હોવાના સમાચારમાં બાયોકોનનો શૅર ગઈ કાલે તગડા કામકાજમાં ૫૨૦ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી બનાવી ગઈ કાલે છેલ્લે ૧૬ ટકાના જમ્પમાં ૫૧૮ રૂપિયા બંધ રહ્યો છે. પાંચ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૧૨ રૂપિયા જેવી છે. બ્રેસ્ટ કૅન્સર માટેની હરસેપ્ટીનનું વેચાણ અમેરિકા ખાતે વર્ષેદહાડે બે અબજ ડૉલરથીય વધુનું છે. બાયોકોન દ્વારા હરસેપ્ટીનનું બાયોસીમીલર વર્ઝન વિકસાવાયું છે. અગ્રણી ફાર્મા મલ્ટી નૅશનલ માયલેન એનું ઓજીવરી બ્રૅન્ડથી અમેરિકામાં વેચાણ કરશે. બીજી તરફ USFDA દ્વારા ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસના મામલે વૉર્નિંગ લેટર જારી થયાના પગલે લુપિન તથા ગ્લેનમાર્કમાં નબળાઈ વધી રહી છે. લુપિન ગઈ કાલે સરેરાશ કરતાં વીસેક ટકાના વૉલ્યુમમાં ૮૧૦ રૂપિયાની મલ્ટિયર બૉટમ બતાવી છેલ્લે નહીંવત્ ઘટી ૮૧૪ રૂપિયા બંધ હતો. ગ્લેનમાર્ક સળંગ ચોથા દિવસની પીછેહઠમાં ૫૪૧ રૂપિયાની વર્ષની બૉટમે જઈ અંતે બે ટકાથી વધુના ઘટાડામાં ૫૪૨ રૂપિયા બંધ હતો. અન્ય ફાર્મા શૅરમાં નેક્ટરલાઇફ સાયન્સ, એરિસ લાઇફ, ન્યુ લૅન્ડ લૅબ, ઍલેમ્બિક, ઇપ્કા લૅબ, પાનેસીઆ બાયો અઢીથી સાતેક ટકાની નજીક ડાઉન હતા.

રિઝર્વ બૅન્ક રેટ-કટ આપશે ખરી?

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ માથે છે. બહુમતી માને છે કે રિઝર્વ બૅન્ક આ વખતે પણ વ્યાજદર જાળવી રાખશે. જોકે વડા પ્રધાનની સલાહકાર સમિતિના એક સભ્ય અમીષા ગોયલે વ્યાજદર ઘટાડવા રિઝર્વ બૅન્ક પર શાબ્દિક ચાખબા મારવાના શરૂ કર્યા છે. આ મૅડમ કહે છે કે ફુગાવો હવે પછીના સમયમાં વધશે એવી ગેરસમજમાંથી બહાર આવીને રિઝર્વ બૅન્કે સત્વરે વ્યાજદર ઘટાડવા અંગે વિચારવું જોઈએ! ગઈ કાલે બૅન્ક નિફ્ટી અડધા ટકા જેવો કે ૧૧૭ પૉઇન્ટ ડાઉન હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા વધીને બંધ રહ્યો છે. બૅન્કેક્સ ૧૦માંથી ૬ શૅરની નરમાઈ વચ્ચે ૦.૩ ટકા કટ થયો હતો. સિટી યુનિયન બૅન્ક અઢી ટકા, DCB બૅન્ક દોઢ ટકો તો આંધ્ર બૅન્ક સવા ટકાની મજબૂતીમાં અત્રે મોખરે હતા. સામે યસ બૅન્ક, વિજયા બૅન્ક, OBC, RBL બૅન્ક, AU સ્મૉલ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, ફેડરલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા, દેના બૅન્ક જેવા ડઝન શૅર એક ટકાથી લઈને બે ટકા જેવા ઢીલા થયા છે.

ઇન્ફોસિસે બજારને ટકાવી રાખ્યું

ઇન્ફોસિસમાં શૅરદીઠ ૧૧૫૦ રૂપિયા સુધીના મહત્તમ ભાવથી કુલ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની બાયબૅક ઑફર ચાલુ થઈ ગઈ છે. વધુમાં કંપનીના CEO તરીકે સુનીલ પારેખની નિમણૂક કરાઈ છે. વિશાલ સિષની જેમ સુનીલ પારેખ પણ ઇન્ફી માટે આઉટસાઇડર છે. આ બન્ને પરિબળની સંયુક્ત અસરમાં શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૯૯૭ રૂપિયા થઈ છેલ્લે પોણાત્રણ ટકાના ઉછાળે ૯૮૫ રૂપિયા બંધ રહ્યો છે. આના લીધે સેન્સેક્સને સીધો ૫૬ પૉઇન્ટનો ફાયદો થયો હતો. TCS પોણાત્રણ રૂપિયા, વિપ્રો ૬૦ પૈસા અને ટેક મહિન્દ્ર ૭૫ પૈસા જેવા મામૂલી સુધર્યા હતા, જ્યારે CEO ટેક્નૉલૉજીઝ ૨૦ ગણા કામકાજમાં અઢી ટકાની મજબૂતીમાં ૮૫૦ રૂપિયા નજીક બંધ રહ્યો છે. IT ઇન્ડેક્સ ગઈ કાલે ૬૦માંથી ૩૮ શૅરની નરમાઈ છતાં ૧.૪ ટકા વધ્યો છે. આ બેન્ચમાર્કના ૧૪૫ પૉઇન્ટના સુધારામાં ૧૧૩ પૉઇન્ટનો ફાળો એકલા ઇન્ફીનો હતો! ૬૩ મૂન્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૩૧ રૂપિયા, નીટ લિમિટેડ ૪.૭ ટકા ગગડીને ૯૨ રૂપિયા, ન્યુક્લીઅસ સૉફ્ટવેર ૪ ટકા તૂટીને ૫૪૧ રૂપિયા તો એઇટ કે માઇલ્સ સાડાત્રણ ટકા ગગડીને ૯૦૦ રૂપિયા બંધ હતા. રામકો સિસ્ટમ્સ સવાસાત ટકાની તેજીમાં ૪૮૨ રૂપિયાનો બંધ આપી અત્રે મોખરે રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK