તમામ નેગેટિવ ન્યુઝ પચાવીને બજારની સતત ચોથા દિવસે આગેકૂચ

આરકૉમ સહિત ૧૧૧ શૅર BSE ખાતે ઐતિહાસિક નીચી સપાટીએ : એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ શિવાલિક બાયમેટલ ગગડ્યો : હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત બીજા દિવસે મજબૂત


sensex


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ જકાત ક્રમશ: ૧૧ વખત વધારીને ત્રણ વર્ષમાં કુલ મળીને ૩૮૦ ટકાનો બોજ નાખનારી કેન્દ્ર સરકારે વધતા જનઆક્રોશને પારખી એક્સાઇઝમાં લીટરદીઠ બે રૂપિયાનો ઘટાડો જાહેર કરી દીધો છે. એના કારણે સરકારને વાર્ષિક ધોરણે ૨૬,૦૦૦ કરોડ રૂપિયા અને ચાલુ વર્ષમાં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની આવક જતી કરવી પડશે. આ આંકડા આમ મોટા છે, પરંતુ ત્રણ વર્ષમાં ૩૮૦ ટકાના વધારા સામે જોઈએ તો આ રાહત માંડ દસેક ટકા આવે છે. ચાલુ નાણાકીય વર્ષના પાંચ મહિનામાં કેન્દ્રની ફિસ્કલ ડેફિસિટ બજેટ અંદાજના ૯૬ ટકાને વટાવી ગઈ છે. સીધા વેરાની વસૂલાતમાં મોટો ઘટાડો થયો છે. સાદી ભાષામાં કહીએ તો સરકારી તિજોરી ખાલીખમ છે. દરમ્યાન રિઝર્વ બૅન્ક દ્વારા બે દિવસની પૉલિસી મીટિંગ બાદ વ્યાજદરમાં કોઈ ઘટાડો કરાયો નથી. ઊલટું ચાલુ વર્ષના ૭.૩ ટકાના GDPના અંદાજને ઘટાડીને ૬.૭ ટકા કરાયો છે. ફુગાવો અગાઉની ધારણા કરતાં ઊંચો રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે બજાર આ તમામ નકારાત્મક સમાચારથી વેગળું રહેતાં ગઈ કાલે ૧૭૪ પૉઇન્ટના સુધારામાં ૩૧,૬૭૨ અને નિફ્ટી ૫૫ પૉઇન્ટની મજબૂતીમાં ૯૯૧૫ના મથાળે બંધ રહ્યો હતો. કામકાજ દરમ્યાન સેન્સેક્સ ૩૧,૪૫૭ની ઇન્ટ્રા-ડે ટોચથી નોંધપાત્ર બાઉન્સ-બૅકમાં ૩૧,૭૫૨ના સ્તરે પહોંચ્યો હતો. તો નિફ્ટીમાં આ રેન્જ ૯૮૫૦થી ૯૯૩૮ની રહી હતી. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ અને નિફ્ટીના ૫૧માંથી ૩૩ હેવીવેઇટ્સ સ્ટૉક સુધારે બંધ રહ્યા હતા.

હેટ્સનમાં SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા એન્ટ્રી

પૅકેજ્ડ ફૂડ્સ બિઝનેસમાં પ્રવૃત્ત હેટ્સન ઍગ્રો પ્રોડક્ટ્સમાં SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા સાડાદસ લાખ શૅર બલ્ક ડીલમાં શૅરદીઠ ૭૦૦ રૂપિયાના ભાવે લેવાયાના અહેવાલ પાછળ ભાવ ગઈ કાલે ૮૨૫ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૧૧ ટકાની તેજીમાં ૭૭૭ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુ અને ૨૩ રૂપિયા નજીકની બુકવૅલ્યુવાળા આ કાઉન્ટર ઇન્ડસ્ટ્રીના ૫૯ના P/E સામે હાલમાં ૮૪ પ્લસના P/E પર ચાલે છે. ૧૧ માસ પૂર્વે ભાવ ૩૧૯ રૂપિયા હતો. ૧૫૨૨ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૭ ટકા છે. કંપનીએ ગયા વર્ષના મે મહિનામાં પાંચ શૅરદીઠ બે બોનસ આપ્યું હતું. પિઅર ગ્રુપમાં એમેક્સ ફ્રોઝન ગઈ કાલે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૩૮ રૂપિયા બંધ હતો. DFM ફૂડ્સ ૩.૮ ટકા, KRBL ૩.૫ ટકા, પરાગ મિલ્ક ૪.૧ ટકા, ભાત ડેરી અઢી ટકા, મનપસંદ બેવરેજિસ એક ટકો, LT ફૂડ્સ બે ટકા વધીને બંધ હતા. ટેસ્ટી બાઇટ્સ, વરુણ બેવરેજિસ, ઉમંગ ડેરી, કૉફી ડેમાં એકથી સવા ટકાની નરમાઈ હતી.

GNFC વિક્રમી સપાટીએ

GNFC ગઈ કાલે સાતેક ગણા કામકાજમાં ૩૫૯ રૂપિયા નજીક વિક્રમી સપાટી બતાવી છેલ્લે ૫.૬ ટકાના જમ્પમાં ૩૪૨ રૂપિયા હતો. આ કાઉન્ટર બે વર્ષ પૂર્વે ૫૮ રૂપિયા આસપાસ હતું. વર્ષ પૂર્વે ભાવ ૧૭૫ રૂપિયા જેવો હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૨૪૮ રૂપિયા છે. સપ્ટેમ્બર ૧૯૯૨માં ત્રણ શૅરદીઠ એક રાઇટ ભાવોભાવ કર્યો હતો. બોનસનું ખાનું હજી ખાલી છે. ગુજરાત સરકારની અન્ય ખાતર કંપની GSFC ગઈ કાલે ૧૩૫ રૂપિયા નજીક જઈ છેલ્લે ૪.૫ ટકાની મજબૂતીમાં ૧૩૩ રૂપિયા હતી. ફેસવૅલ્યુ બે રૂપિયા તથા બુકવૅલ્યુ ૧૬૬ રૂપિયા છે. બુધવારે ખાતર શૅર એકંદર આકર્ષણમાં હતા. ઉદ્યોગની ૧૯ જાતોમાંથી માત્ર ચાર ઘટી હતી જેમાં ભારત ઍગ્રીફર્ટ દોઢેક ટકા નજીક ડાઉન હતો. નૅશનલ ફર્ટિ, ઝુઆરી ગ્લોબલ અને મૅન્ગલોર કેમિક્લ્સ અડધાથી પોણા ટકા નરમ હતા. રામા ફોસ્ફેટ્સ ૧૦ ગણા વૉલ્યુમમાં ૯૬ રૂપિયા નજીક જઈ અંતે ૧૨.૩ ટકાના ઉછાળે ૯૨ રૂપિયા હતો. ઝુઆરી ઍગ્રો, સ્પીક, ચંબલ ફર્ટિ, કોરોમાંડલ, નાગાર્જુન ફર્ટિ સવાથી સાડાત્રણ ટકા પ્લસ હતા.

શિવાલિક બાયમેટલ એક્સ-બોનસ થશે

શિવાલિક બાયમેટલ કન્ટ્રોલ્સમાં શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટ ૬ ઑક્ટોબર હોવાથી શૅર આજે ગુરુવારે એકસ-બોનસ થશે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૩૨.૮૦ રૂપિયા જેવી છે. એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ગઈ કાલે શૅર દોઢા કામકાજમાં ૧૩૪ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૨૫ રૂપિયા બતાવી છેલ્લે ૪.૩ ટકા ઘટીને ૧૨૬ રૂપિયા બંધ હતો. ગયા મહિને ૧૫૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવનાર આ શૅર વર્ષ પૂર્વે, ૨૦૧૬ની ૧૩ ઑક્ટોબરે ૩૩ રૂપિયાના તળિયે હતો. કંપનીની ૩૮૪ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૧.૯ ટકા નજીક છે. આ પૂર્વે કંપનીએ જાન્યુઆરી ૨૦૦૫માં શૅરદીઠ એક પ્રમાણે મેઇડન બોનસ આવ્યું હતું અને ૧૦ રૂપિયાના શૅરનું બે રૂપિયામાં વિભાજન કર્યું હતું, જ્યારે એપ્રિલ ૧૯૯૫માં એક શૅરદીઠ એકના ધોરણે શૅરદીઠ ૨૦ રૂપિયાના ભાવે રાઇટ પણ કંપનીએ કરેલો છે. માત્ર BSE ખાતે લિસ્ટેડ આ કંપની હાલમાં ઇન્ડસ્ટ્રીના ૨૦.૭ના P/E સામે લગભગ ૨૨ પ્લસના P/E પર ચાલે છે.

નાટકો ફાર્મા તેજીની સર્કિટમાં

નાટકો ફાર્મા સરેરાશ ૩૭,૦૦૦ શૅરની સામે ગઈ કાલે ૨.૧૩ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૯ રૂપિયા ઊછળીને ૯૫૪ રૂપિયા બંધ હતો. છેલ્લે અઢી લાખ શૅરના બાયર લાઇનમાં હતા. બે રૂપિયાની ફેસવૅલ્યુ તથા ૯૫ રૂપિયા જેવી બુકવૅલ્યુ ધરાવતા આ કાઉન્ટરમાં એની માર્કેટિંગ પાર્ટનર માયલેનને મલ્ટિપલ સાઇરોસિસના ઇલાજ માટેની દવાને USFDએ દ્વારા મંજૂરી મળતાં તેજી આવી હતી. ફાર્મા સેગમેન્ટ ખાતે ગઈ કાલે ઝળકેલા અન્ય શૅરમાં ન્યુ લૅન્ડ લૅબ ઉપરમાં ૧૧૬૨ રૂપિયા નજીક જઈ છેલ્લે નવ ટકા કે ૮૭ રૂપિયાના જમ્પમાં ૧૦૫૫ રૂપિયા હતો. RPG લાઇફ સાયન્સ ૪૨૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ નવ ટકા વધીને ૩૯૮ રૂપિયા, ઍડ્વાન્સ્ડ એન્ઝાઇમ પાંચ ટકા વધીને ૨૬૪ રૂપિયા, ઇપ્કા લૅબ ૫૫૭ રૂપિયા નજીક જઈને ૯.૩ ટકાની મજબૂતીમાં ૫૩૯ રૂપિયા, કૅડિલા હેલ્થકૅર ૪૯૫ રૂપિયા થયા બાદ ચારેક ટકા વધીને ૪૯૩ રૂપિયા બંધ હતા. સન ફાર્મા, વૉકહાર્ટ, સ્પાર્ક, અજન્ટા ફાર્મા, અસ્ટ્રા ઝેનેકા, ડિવીઝ લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, હાઇકલ, ઇન્ડોકો જેવી જાતો દોઢથી સાડાત્રણ ટકા ઊંચકાઈ હતી.

આરકૉમમાં નવું ઑલટાઇમ બૉટમ

ઍરસેલ સાથેના મર્જરની ડીલ પડી ભાગવાની સાથે ૪૭,૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવામાં નાદારીની કોર્ટનો મજબૂત કેસ બની ગયેલી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ આગલા દિવસના ધબડકા બાદ ગઈ કાલે પણ બમણા કામકાજમાં પોણાસત્તર રૂપિયાનું ઑલટાઇમ નવું બૉટમ બનાવી છેલ્લે પાંચ પૈસાના પરચૂરણ સુધારામાં ૧૭.૧૫ રૂપિયા બંધ રહ્યો છે. સામે રિલાયન્સ નેવલ પાંચ પૈસા નરમ હતો. જ્યારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા એકથી સવા ટકો તથા રિલાયન્સ કૅપિટલ સવાબે ટકા અપ હતા. મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ બીજા દિવસની મજબૂતીમાં અઢી ટકા વધીને ૮૧૯ રૂપિયા બંધ હતી. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૧૧૧ કાઉન્ટર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયા હતા જેમાં આધુનિક ઇન્ડ., ભારત રોડ નેટવર્ક, કૅપેસિટી ઇન્ફ્રા, કાસ્ટેક્સ ટેક્નૉ, એજ્યુ કૉમ્પ, ડાયનામેટિક ટેક્નૉ, હિન્દુસ્તાન મીડિયા, બલ્લારપૂર ઇન્ડ., કૉર્પોરેશન બૅન્ક, સબ ઇવેન્ટ, SBI લાઇફ, શ્રી અધિકારી બ્રધર્સ, શિલ્પી કૅબલ, સ્ટેમ્પેડ કૅપિટલ, વિડિયોકૉન ઇત્યાદિ સામેલ છે.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK