સેન્સેક્સ-નિફ્ટી સાધારણ નરમ, પરંતુ નેક્સ્ટ-૫૦માં ૧૦૫૮ પૉઇન્ટ્સનું ગાબડું

જિન્દલ સ્ટીલના ત્રણ કંપનીમાં વિભાજનની શક્યતાએ શૅર ડાઉન : યુકેન ઇન્ડિયામાં શૅરદીઠ ત્રણ બોનસની રેકૉર્ડ-ડેટ ૧૪ સપ્ટેમ્બર : બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માત્ર બે શૅર સુધારામાં બૅન્ક નિફ્ટી દોઢ ટકા નરમ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા બંધથી દોઢસો પૉઇન્ટ ઉપરમાં ખૂલી ૩૮,૫૧૮ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી શૅરબજાર ગઈ કાલે તરત જ માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું. ત્યાંથી દિવસનો મોટો ભાગ ૧૦૦-૧૨૫ પૉઇન્ટની સાંકડી રેન્જમાં અથડાઈ ફ્લૅટ સેશનમાં એકતરફી ચાલમાં ૩૮,૦૯૮ના તળિયે જઈ અંતે ૧૫૫ પૉઇન્ટ ઘટી ૩૮,૧૫૮ બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૧,૬૦૨ અને નીચામાં ૧૧,૪૯૭ બતાવી ૬૨ પૉઇન્ટ ઘટી ૧૧,૫૨૦ હતો.

સેન્સેક્સ-નિફટીના પ્રમાણમાં સાધારણ, અડધા ટકાના ઘટાડા સામે સેન્સેક્સ નેક્સ્ટ-૪૦ તથા નિફટી નેક્સ્ટ-૫૦ ખાતે ત્રણ ટકાનો કડાકો ગઈ કાલે જોવાયો છે. અહીં બન્ને બજારમાંના ૪૦-૫૦માંથી માંડ એકાદ-બે શૅર નામપૂરતા વધેલા હતા. રોકડું પણ વ્યાપક ખરડાયું હતું. મિડ કૅપ તથા સ્મૉલ કૅપ બેન્ચમાર્ક બેથી અઢી ટકા જેવા ડુલ થયા હતા. IT તેમ જ એની હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ નવા શિખર સાથે સામા પ્રવાહે હતા, પરંતુ બાકીના તમામ ઇન્ડેક્સ પોણા ટકાથી લઈને અઢી ટકાની નજીક ખરડાયા હતા.

માર્કેટ-બ્રેડ્થ સારી એવી નબળી રહી છે. બૅન્ક નિફ્ટી દોઢેક ટકા તો બૅન્કેક્સ ૧.૪ ટકા ડાઉન હતા. ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના દોઢથી પાંચ ટકાના ધોવાણમાં ૩.૬ ટકા તૂટ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧ જાતોમાંથી માત્ર બે સ્ક્રીપ્સ વધી હતી જેમાં લક્ષ્મી વિલાસ બૅન્ક ત્રણ ટકાના સુધારામાં મોખરે હતી. HDFC બૅન્ક પોણો ટકો, ICICI બૅન્ક દોઢ ટકા, સ્ટેટ બૅન્ક ત્રણ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૭ ટકા, યસ બૅન્ક ૧.૭ ટકા તથા ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા ઘટીને બંધ રહેતાં બજારને ૧૪૯ પૉઇન્ટની હાનિ થઈ હતી. ઇન્ફી, TCS તથા વિપ્રોનો સુધારો માર્કેટને ૧૧૫ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૫ અને નિફ્ટીના ૫૧માંથી ૪૧ શૅર નરમ હતા. ગ્રાસીમ ચાર ટકાના ગાબડામાં NSE ખાતે તો એશિયન પેઇન્ટ ૩.૫ ટકાની ખરાબીમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. દરમ્યાન યુકેન ઇન્ડિયા બે શૅરદીઠ ત્રણ બોનસ માટે ૧૪ સપ્ટેમ્બરની રેકૉર્ડ-ડેટ જાહેર કરતાં ભાવ અઢી ટકા વધીને ૩૬૭૪ રૂપિયા બંધ હતો. સેન્સેક્સ નેકસ્ટ-૫૦ એની તમામ જાતોની ખરાબીમાં ૧૦૫૮ પૉઇન્ટ કે ત્રણ ટકા લથડ્યો છે.

ઇન્ફી એક્સ-બોનસ ભાવ વિક્રમી સપાટીએ

ઇન્ફોસિસ શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ-ડેટ પાંચ સપ્ટેમ્બર હોવાથી ગઈ કાલે એક્સ-બોનસ થયો હતો. ભાવ પોણાબે ગણા કામકાજમાં ઉપરમાં ૭૪૮ રૂપિયા વટાવી અંતે ૨.૬ ટકાની તેજીમાં ૭૩૬ રૂપિયા બંધ રહેતાં ૭૩ પૉઇન્ટનો ફાયદો થયો હતો. શૅર ઑલટાઇમ હાઈ થવાની સાથે કંપનીનું માર્કેટકૅપ પણ ૩.૨૧ લાખ કરોડ રૂપિયાના બેસ્ટ લેવલે પહોંચી ગયું છે. લગભગ વર્ષ પૂર્વે ૧૧ સપ્ટેમ્બરે ભાવ ૪૩૭ના વર્ષના તળિયે હતો. ઇન્ફી સાથે TCS પણ ૨૧૦૦ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૧.૯ ટકા વધીને ૨૦૯૩ રૂપિયા બંધ આવતાં એનું માર્કેટકૅપ પ્રથમ વાર ૮.૦૧ લાખ કરોડના નવા શિખરને સર કરી ગયું છે. નોકરીડૉટકૉમ ફેમ ઇન્ફ્રોએજ ઇન્ડિયા ૧૬૯૪ નજીક નવી ટૉપ બતાવી અંતે અડધો ટકો ઘટી ૧૬૫૯ રૂપિયા બંધ હતો. ડૉલર સામે રૂપિયો ધારણા કરતાં વધુ ઝડપથી તૂટતો રહીને નવા વરવા વિક્રમી બૉટમ બનાવતો જાય છે એના લીધે IT શૅરમાં તેજીના ખેલાડીઓને નવી હૂંફ મળી ગઈ છે. ગઈ કાલે IT ઇન્ડેક્સ ૧૫,૮૫૭ની એક વધુ વિક્રમી સપાટી હાંસલ કરીને બે ટકા વધી ૧૫,૭૫૪ બંધ આવ્યો છે. એના ૫૮માંથી ૨૧ શૅર પ્લસ હતા. લાર્સન ઇન્ફોટેક ૧૦ ગણા કામકાજમાં ૧૯૨૦ રૂપિયા થઈ પાંચ ટકાના ઉછાળે ૧૮૬૦ રૂપિયા, સાસ્કેન ૧૦૨૫ બતાવી ૨.૩ ટકાની તેજીમાં ૯૭૯ રૂપિયા, નીટ લિમિટેડ બે ટકા વધીને ૯૭ રૂપિયા બંધ હતા. સુબેક્સ, સોનાટા, સૉફ્ટવેર, માઇન્ડ ટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટેક મહિન્દ્ર, HCS ટેક્નો, વિપ્રો, સિયેન્ટ, માસ્ટેક, ઝેનસાર, ૬૩ મૂન્સ ઇત્યાદિમાં સવા ટકાથી લઈને સાડાત્રણ ટકા જેવો સુધારો હતો.

જિન્દલ સ્ટીલ ડીમર્જરની ચર્ચામાં ઘટ્યો

માર્કેટકૅપની રીતે એક સમયે દેશની ટોચની સ્ટીલ કંપની જિન્દલ સ્ટીલ ઍન્ડ પાવર એનો ૪૨,૦૦૦ કરોડ રૂપિયાના દેવાના બોજમાં ઘટાડો કરવાના તેમ જ કંપનીમાં રોકાણકારોના વિશ્વાસને પુન: પ્રસ્થાપિત કરવાના આશયથી રિ-સ્ટ્રક્ચરિંગની વિચારણા કરી રહી છે જેના ભાગરૂપ સ્ટીલ, પાવર તથા ઇન્ટરનૅશનલ બિઝનેસને ડી-મર્જ કરી ત્રણ અલગ કંપનીમાં વિભાજિત કરવાની નેમ જિન્દલ સ્ટીલના ચૅરમૅન નવીન જિન્દલે દર્શાવી છે. કંપની ડેટ-ઇક્વિટી રેશિયો હાલમાં પાંચની આસપાસ છે એ ઘટાડીને ચાર-પાંચ વર્ષમાં એની આજુબાજુ લઈ જવા ધારે છે. શૅર જોકે ગઈ કાલે નીચામાં ૨૦૯ થઈ છેલ્લે ૪.૯ ટકાની નબળાઈમાં ૨૧૦ રૂપિયા બંધ હતો. ભાવ ૨૩ જાન્યુઆરીએ ૨૯૪ના શિખરે હતો. બાય ધ વે, ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ દસમાંથી નવ શૅરની પીછેહઠમાં ૧.૯ ટકા ઢીલો હતો. હિન્દુસ્તાન ઝિન્ક, હિન્દાલ્કો, વેદાન્ત, નાલ્કો, કોલ ઇન્ડિયા, સેઇલ, હિન્દુસ્તાન કૉપર, જિન્દલ સ્ટીલ, હિસ્સાર, જિન્દલ સૉ, જિન્દલ સ્ટેનલેસ જેવાં કાઉન્ટર એક ટકાથી લઈને સાડાચાર ટકા સુધી ઘટ્યાં હતાં. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૫ શૅરની નરમાઈમાં બે ટકા ડાઉન હતો. બજાર હમણાં વિક્રમી સપાટીએ હોવા છતાં મેટલ ઇન્ડેક્સ ૧૫ જાન્યુઆરીની એની ૧૬,૧૨૧ના ટૉપના મુકાબલે ૧૭ ટકા નીચે ચાલી રહ્યો છે. અગાઉ ૨૦૦૮ની તેજીમાં ૪ જાન્યુઆરીએ આ આંક ૨૦,૪૯૫ નજીકની સર્વોચ્ચ સપાટીએ જોવાયો હતો.

જેટ ઍરવેજમાં ડાઉન ગ્રેડિંગ કરાયું

જેટ ફ્યુઅલના વધતા ભાવ વચ્ચે ભારે સ્પર્ધાને લઈ વિમાની ટિકિટના ભાવમાં વધારો કરવાની અસમર્થતાના પગલે જેટ ઍરવેઝની બૅલૅન્સ-શીટ ભારે ભીંસ અનુભવી રહી છે ત્યાં રેટિંગ એજન્સી ઇકરા દ્વારા કંપનીના લૉન્ગ ટર્મ તથા શૉર્ટ ટર્મ ડેટ રેટિંગને ડાઉન ગ્રેડ કરવાના સમાચાર આવ્યા છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૬૮ થઈ અંતે ૪.૬ ટકાના ઘટાડે ૨૭૨ રૂપિયા રહ્યો હતો. આ વર્ષે પાંચ જાન્યુઆરીએ શૅરમાં ૮૮૪ રૂપિયાનું બેસ્ટ લેવલ બન્યું હતું. પિઅર ગ્રુપમાં સ્પાઇસ જેટ બે ટકા ઘટી ૭૮ રૂપિયા તથા ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૩.૭ ટકાની નબળાઈમાં ૯૧૧ રૂપિયા બંધ હતા. વિશ્વબજારમાં ક્રૂડ મજબૂત થતાં ઘરઆંગણે સરકારી રિફાઇનરી શૅરમાં વલણ નરમ હતું. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની પીછેહઠ છતાં ૧.૪ ટકા જ નરમ હતો જે રિલાયન્સને આભારી છે આ શૅર સળંગ ચાર દિવસની પીછેહઠ બાદ ગઈ કાલે ઉપરમાં ૧૨૫૫ થઈ અંતે એક ટકા વધીને ૧૨૪૨ રૂપિયા બંધ હતો. બાય ધ વે, આઠ લાખ કરોડના માર્કેટકૅપના માઇલસ્ટોનને સર કરી વ્ઘ્લ્થી આગળ નીકળી ગયેલી રિલાયન્સનું માર્કેટકૅપ ગઈ કાલે ૭.૮૭ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. માર્કેટકૅપમાં નંબર-વનના પકડદાવમાં TCS ફરી એક વાર આગળ નીકળી ગઈ છે.

નેટફ્લિક્સની ભાગીદારી હૅથવે કેબલને ફળી

નેટફ્લિક્સ દ્વારા વિડિયો સ્ટ્રોમિંગ સર્વિસિસ માટે હૅથવે કેબલ સાથે પાર્ટનરશિપ કરાયાના અહેવાલ પાછળ હૅથવેનો શૅર ગઈ કાલે દસેક ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨ રૂપિયા થઈ અંતે ૧૦.૪ ટકાના જમ્પમાં ૨૦ બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. હૅથવે કેબલ આઠ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. હૅથવે કેબલની ૩૭.૩ ટકા મૂડી ભાગીદારીવાળી GTPL હૅથવેનો ભાવ પણ ગઈ કાલે છ ગણા કામકાજમાં ૮૯ રૂપિયા વટાવી અંતે ૨.૮ ટકાની મજબૂતીમાં ૮૨ રૂપિયા હતા. બ્રૉડબૅન્ડ સેગમેન્ટનાં અન્ય કાઉન્ટર્સમાં ડિશ ટીવી ૪ ટકા, ડેન નેટવર્ક ૨.૮ ટકા, DQ એન્ટરટેઇનમેન્ટ ૫.૪ ટકા, ઍરટેલ કમ્યુનિકેશન્સ ૨.૨ ટકા, સિટી નેટવર્ક્સ ૪.૨ ટકા ડાઉન હતા. સન ટીવી નેટવર્ક ૭.૫ ટકા ઘટીને ૭૨૧ રૂપિયા બંધ હતો. આગલા દિવસે બજારની એકંદર ચાલથી સામા પ્રવાહે સુધારામાં બંધ આવેલો નિફટી મીડિયા ઇન્ડેક્સ ગઈ કાલે પંદરમાંથી ૧૪ શૅરની નરમાઈમાં ત્રણ ટકા તૂટ્યો હતો. નેટવર્ક-૧૮, આઇનૉક્સ લિઝર, ઇસેઝ, TV ૧૮ બ્રૉડકાસ્ટ, PVR, બાલાજી ટેલિ જેવી અન્ય જાતો દોઢથી આઠ ટકા માઇનસ હતી. દરમ્યાન તાજેતરની તેજી બાદ વૅલ્યુએશનની ફિકર જાગતાં FMCG ઇન્ડેક્સ ગઈ કાલે ૮૦માંથી ૬૪ શૅર વેચવાલીના સપાટે ચડતાં બે ટકા ગગડ્યો હતો. ડાબર, HUC, નેસ્લે, ગોદરેજ ઍગ્રો, UBL, કૉલગેટ, બ્રિટાનિયા, તાતા ગ્લોબલ, ITC સહિત સંખ્યાબંધ ચલણી જાતો ત્રણથી છ ટકા ઘટીને બંધ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK