માર્કેટને માત્ર જુઓ અને સ્ટૉક્સને મિત્ર બનાવો

 જોકે બુધવારે GDPનો દર ઊંચો આવ્યા છતાં માર્કેટ ઘટવાથી થોડી નવાઈ લાગે એવું હતું, પરંતુ અત્યારે માર્કેટને નાની-નાની ખુશીથી ચાલે એમ નથી. એને મોટાં કારણ અને પરિબળો જોઈએ છે જે હાલમાં તો નજરે પડતાં નથી. ત્યાં સુધી ઇન્વેસ્ટરો સ્ટૉક સ્પેસિફિક રહે એમાં જ શાણપણ 

market

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આગલા સપ્તાહનો શૅરબજારનો અંતિમ દિવસ (શુક્રવાર) ૩૦૦ પૉઇન્ટની રિકવરીવાળો રહ્યો હતો, એ પછી ગયા સપ્તાહનો પહેલો દિવસ (સોમવાર) પણ ૩૦૦ પૉઇન્ટના સુધારા સાથે આગળ વધ્યો હતો જેને લીધે બજારમાં હવે બહુ ઘટાડો નહીં આવે એવી આશા  બંધાઈ હતી. ડિસેમ્બર ૨૦૧૭ના ક્વૉર્ટરનો GDP ૭ ટકા જેવો રહેવાની વ્યક્ત થયેલી ધારણા બજારના સુધારાનું કારણ બની હતી. જોકે આ આંકડો હજી હવે પછી જાહેર થશે. મંગળવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરીને અંતમાં ૯૯ પૉઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. બુધવારે પણ ઘટાડાનો દોર ચાલુ રહેતાં સેન્સેક્સ ૧૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૬૧ પૉઇન્ટ નીચે બંધ રહ્યા હતા. બુધવારે સાંજે દેશના GDPનો ઊંચો દર જાહેર થયો હતો, જેણે આગલાં બે ક્વૉર્ટરમાં થોડી નિરાશા આપી હતી. આ ડિસેમ્બર ક્વૉર્ટરમાં GDP દર ૭.૨ ટકા જેવો નોંધાવા ઉપરાંત મુખ્ય આર્થિક ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી જેને ઇકૉનૉમીના સારા અને રિવાઇવલના સંકેત કહી શકાય છતાં ગુરુવારે સેન્સેક્સે ૧૨૫ પૉઇન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો જેની પાછળ ગ્લોબલ માર્કેટનું કારણ કામ કરી ગયું હતું.  અમેરિકામાં આર્થિક ક્ષેત્રે થઈ રહેલા ડેવલપમેન્ટના સંજોગોમાં વ્યાજવધારો ફરી આવી શકે એવા સંકેતને પગલે ભારતીય બજાર ઘટ્યું હતું. ગ્લોબલ માર્કેટમાં પણ સુસ્ત અને ઘટાડાતરફી વલણ હતું.

સારા આર્થિક સંકેત


વીતેલા સપ્તાહમાં માર્કેટ માટે એક સારું અને મહત્વનું પરિબળ GDPના વધારાનું હતું.  ઇકૉનૉમીના મુખ્ય સેક્ટરના વધારા સાથે આ વધારો પ્રોત્સાહક બાબત ગણાય. ઇન્વેસ્ટમેન્ટ સાઇકલે પણ સ્પીડ પકડી છે. જોકે બજારે એને બહુ આવકાર આપ્યો નહોતો. અલબત્ત, એનો અર્થ એ નથી કે બજારે એની ઉપેક્ષા કરી ગણાય. આ ગ્રોથની અસર આગામી સપ્તાહમાં કે દિવસોમાં જોવા મળશે. GSTનું કલેક્શન સાધારણ નીચું રહ્યું છે, પરંતુ આમાં પણ સમય જતાં સુધારો જોવા મળશે એ નક્કી છે. આર્થિક સુધારામાં GSTનો સુધારો સરકાર માટે પ્રાધાન્ય મુદ્દો છે. હા, તાજેતરમાં નકારાત્મક બૅન્કિંગ સંજોગોના માહોલમાં બૅન્કિંગ સુધારા વધુ અનિવાર્ય બની ગયા છે એથી આ દિશામાં ઝડપી ધોરણે કામ ચાલી રહ્યું છે. વધુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ ગતિ વધી રહી છે. આ સુધારાનો સમય લાંબો હશે અને એની અસરો પણ લાંબા ગાળાની હશે એથી એ સમજીને માર્કેટમાં આ સેક્ટરના શૅરોમાં કે ઓવરઑલ માર્કેટમાં ધ્યાન આપવું હિતાવહ છે. અત્યારે માર્કેટની દિશા બનતાં સમય લાગશે ત્યારે સ્ટૉક સ્પેસિફિક રહેવામાં જ સાર છે. 

સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટ સાઇકલને ગતિ


તાજેતરના દિવસોમાં જે મુજબ સ્થાનિક કંપનીઓ દ્વારા વિવિધ રાજ્યોમાં અને વિવિધ સેક્ટરમાં રોકાણની જાહેરાત થઈ રહી છે એને ધ્યાનમાં રાખતાં મેક ઇન ઇન્ડિયાની ગાડી ધીમી ગતિએ શરૂ થઈ હોવાનું જણાય છે. ખાસ કરીને ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ ગતિશીલ બન્યો હોવાનું કહી શકાય. વિવિધ રાજ્ય સરકાર પણ આ માટે સક્રિય થઈ છે. આમ પણ રાજ્યોમાં ચૂંટણીનો દોર શરૂ થઈ રહ્યો છે ત્યારે દરેકે આર્થિક વિકાસને વેગ આપવા કંઈક કરવું પડશે જેમાં રોજગારી-સર્જન અને ઉત્પાદનવિસ્તરણ સહિત નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન અપાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણપ્રવાહ વધી રહ્યો છે.

બૅન્કિંગ સેક્ટરના સુધારા


બૅન્કોની બૅડ લોન્સ સાથે બૅડ ઇમેજ દૂર કરવા સરકાર વધુ સક્રિય બની રહી છે અને આ દિશામાં જે ઍક્શન લેવાઈ રહી છે તેમ જ લેવામાં આવશે એ આર્થિક સુધારાને વધુ વેગ આપનારી સાબિત થશે તેમ જ વિશ્વાસ વધારશે એવી આશા ચોક્કસ રાખી શકાય. પંજાબ નૅશનલ બૅન્ક (PNB)ના નામે ચડેલા સ્કૅમનો આંકડો વધી ગયો છે અને નીરવ મોદીનાં નવાં કારનામાં પણ બહાર આવી રહ્યાં હોવાથી PNBના ભાવ તો ઘટી રહ્યા છે, પરંતુ સાથોસાથ બૅન્કિંગ સેક્ટરમાં ગભરાટ અને અનિશ્ચિતતાનો માહોલ ચાલી રહ્યો છે. બૅન્કોની NPA ઉર્ફે બૅડ લોન્સની બહાર આવી રહેલી વિગતોમાં બૅન્કો બદનામ થાય છે એ એક સત્ય છે, પરંતુ આ સાથે બૅન્કોની બૅલૅન્સશીટ ક્લીન (સ્વચ્છ) બનશે એ બીજું સત્ય છે જે લાંબા ગાળે બૅન્કો માટે અને એના શૅરધારકો-ગ્રાહકો માટે મહત્વનું છે.

આર્થિક અપરાધીઓ સામે નવો કાનૂન


એ ઉપરાંત સરકારે ગુરુવારે આર્થિક કૌભાંડ સંબંધી એક બિલ પસાર કર્યું હતું જેમાં કાયદાનો ભંગ કરીને આર્થિક અપરાધ કરનાર તેમ જ ભાગેડુ જાહેર થનાર હસ્તીની દેશમાંની પ્રૉપર્ટી પર સરકાર લાંબી કાનૂની વિધિ વિના કબજો લઈ શકશે. આવા વિલફુલ ડિફૉલ્ટર અને લોનકૌભાંડી સહિતના આર્થિક અપરાધીઓના અપરાધને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવશે. આની પાછળનો ઉદ્દેશ માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા કિસ્સાનું હવે પુનરાવર્તન ન થઈ શકે એ છે. આ કાનૂન બૅન્કો સાથે છેતરપિંડી કરનારને તેમ જ અન્ય કોઈ પણ પ્રકારના આર્થિક અપરાધીને ક્રિમિનલ ગુનેગાર ગણીને કાર્યવાહી હેઠળ સકંજામાં લઈ શકાશે જેની અસર લોકો અને બજાર તેમ જ આર્થિક સેક્ટર માટે મહત્વની સાબિત થશે. 

 નાની-મોટી વધ-ઘટ ચાલુ રહેશે

બજારના વર્તમાન સંજોગોમાં બજેટ બાદ અને ખાસ કરીને PNBના સ્કૅમ બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આશરે ૧૧ અબજ રૂપિયાથી વધુ મૂલ્યના શૅરોનું વેચાણ કર્યું છે, જ્યારે સામા પક્ષે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૪ અબજ રૂપિયાના શૅરોની ખરીદી કરી છે. વીતેલા ૬ મહિનામાં વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચાણ કર્યું છે છતાં વર્ષાનુવર્ષ ધોરણે તેઓ નેટ બાયર્સ રહ્યા છે. દરમ્યાન ગયા સપ્તાહમાં ગ્લોબલ માર્કેટ્સમાં પણ સુધારો નોંધાયો હતો જેની અસરરૂપે અહીં પણ રિકવરી થઈ હતી. ઍનલિસ્ટોના મતે બજાર અત્યારના સ્તરે અર્થાત ૩૪થી ૩૫ હજારની વચ્ચે સ્થિર થાય એવી શક્યતા છે બાકી કારણ મુજબ વધ-ઘટ થશે. અલબત્ત, બજાર પાસે સતત વધવા માટે કોઈ મજબૂત ટ્રિગર નથી. પરિણામે ક્યારેક નાની વધ-ઘટ તો ક્યારેક મોટી વૉલેટિલિટી જોવા મળે તો નવાઈ નહીં.    

મ્યુચ્યુઅલ ફન્ડ્સનો આધાર ચાલુ


આ ફેબ્રુઆરીમાં બજાર લગભગ ૧૦ ટકા જેટલું નીચે ગયું હોવાથી મ્યુચ્યુઅલ ફન્ડ્સ સતત બાયર્સ રહ્યાં છે. ફન્ડ્સ દ્વારા છેલ્લા મહિનામાં અંદાજે ૧૦૦ અબજ રૂપિયાના સ્ટૉક્સની ખરીદી કરવામાં આવી છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફન્ડ્સે અનુક્રમે ૮૩ અબજ રૂપિયા અને ૯૦ અબજ રૂપિયાની ખરીદી કરી હતી. આમ પણ ઘટાડે ખરીદવાની મ્યુચ્યુઅલ ફન્ડ્સની નીતિ રહી છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડ્સને રોકાણકારો તરફથી સતત નાણાપ્રવાહ આવતો રહ્યો છે. જેઓ માર્કેટમાં રોકાણ કરવાનું ટાળે છે તેઓ પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં જ રૂપિયા મૂકવાનું પસંદ કરતા હોવાથી ફન્ડ્સ પાસે કૅશ વધી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ફેબ્રુઆરીમાં માર્કેટમાં આવેલા ડાઉન ટ્રેન્ડમાં ફન્ડ્સના પોર્ટફોલિયો પણ નીચે ગયા છે, એના મૂલ્યનું પણ ધોવાણ થયું છે છતાં ફન્ડ પાસેના રોકાણપ્રવાહને ધ્યાનમાં રાખીને ફન્ડ્સે ફેબ્રુઆરીમાં ફૉલિંગ માર્કેટમાં નીચા ભાવે સતત ખરીદી પણ કરી છે. આમ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતાં માર્કેટને કમસે કમ મ્યુચ્યુઅલ ફન્ડ્સનો આધાર ચાલુ રહેશે એમ જણાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK