લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સની ઇફેક્ટ લૉન્ગ ટર્મ લૉસ બની જશે?

બજેટના બીજા દિવસે શૅરબજારમાં બોલાયેલો કડાકો ગંભીર ગણી શકાય, નાણાપ્રધાને ક્યાંક કાચું કાપ્યું હોય એવું લાગે છે. આમ તો કરેક્શન ક્યારનું પાકી ગયું હતું, પરંતુ જે કારણસર આવ્યું એ સારા સંકેત નથી. રોકાણકારો કરેક્શનનો લાભ લઈ શકે, પરંતુ સમજીવિચારીને તેમ જ ધીમે-ધીમે અને સિલેક્ટિવલી

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

શૅરબજાર લાંબા સમયથી કરેક્શનની રાહ જોઈ રહ્યું હતું, બજેટે એને મોટું કારણ આપી દીધું. ગુરુવારે બજેટના દિવસે બજારે મોટી વધ-ઘટ દર્શાવીને નાના ઘટાડા સાથે સંયમ રાખી લીધો, પરંતુ શુક્રવારે બજારે મોટા કડાકા બોલાવ્યા, જાણે કૅપિટલ ગેઇન ટૅક્સનું આભ તૂટી પડ્યું હોય એમ. આમ તો બજેટે ૧૦ ટકાનો લૉન્ગ કૅપિટલ ગેઇન ટૅક્સ નાખીને કોઈ મોટો ઝટકો આપ્યો નથી, પરંતુ આ જોગવાઈની સેન્ટિમેન્ટ પર ગંભીર અસર થઈ છે જેથી વેચવાલી ફરી વળી અને પ્રૉફિટ-બુકિંગ શરૂ થઈ ગયું. ખરેખર તો આ કારણ એક નિમિત્ત બન્યું પણ ગણાય. બાકી મોટા ભાગના રોકાણકારો પ્રૉફિટ-બુકિંગની રાહમાં  અને કરેક્શનની પ્રતીક્ષામાં હતા. આમ પણ હવે બજેટ બાદ માર્કેટ પાસે કોઈ નવું ટ્રિગર હતું નહીં. આગામી ટૂંક સમયમાં રિઝર્વ બૅન્કની નાણાનીતિ જાહેર થવાની છે જેમાં અત્યારે તો વ્યાજદરના ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી. ઇનશૉર્ટ, બજાર પાસે તેજીનાં ટ્રિગર હતાં નહીં અને કરેક્શન ક્યારનુંય પાકી ગયું હતું.

હવે બજારના ટ્રેન્ડનું શું?

ગયા સોમવારે બજેટનું સપ્તાહ હોવાથી પહેલા દિવસે આર્થિક સર્વેક્ષણ જાહેર થયું અને એમાં અપાયેલા પૉઝિટિવ સંકેતોને લીધે બજાર સોમવારે ૨૫૦ પૉઇન્ટ જેટલું ઊછળીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આર્થિક સર્વેએ આમ તો બજેટમાં શું થઈ શકે એની સાથે-સાથે અર્થતંત્રમાં શું-શું થઈ શકે એના સ્પષ્ટ મેસેજિસ આપી દીધા હતા. જોકે મંગળવારે અને બુધવારે બજારે કરેક્શન બતાવ્યું. આમ પણ વધુપડતા ઊંચા ગયેલા બજારને કરેક્શનની જરૂર હતી અને છે છતાં ઘટાડો બહુ મોટો કે દમદાર રહ્યો નહોતો. જ્યારે મોટા ભાગના લોકો બિગ કરેક્શનની રાહમાં હતા, કારણ કે શૅરોના ઊંચા ભાવો  ચિંતાનો વિષય બની ગયા હતા. ગુરુવારે બજેટના દિવસે બજાર સતત વધ-ઘટ કરતું રહ્યું અને છેલ્લે પચાસેક પૉઇન્ટ નીચે બંધ રહ્યું, પરંતુ શુક્રવારે એણે (બજારે) લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન (LTCG) ટૅક્સની અસર બતાવીને સડસડાટ ઘટતા જઈ ૮૨૫ પૉઇન્ટ સેન્સેક્સ અને ૨૫૦ પૉઇન્ટ નિફ્ટી તોડી નાખ્યા. આ હતું જોરદાર-ધારદાર કરેક્શન. જોકે આજે (સોમવારે) પણ કરેક્શનની ગાડી આગળ વધે એવાં એંધાણ છે. જો આમ થતું રહ્યું તો પૅનિકને બદલે કરેક્શનની તબક્કાવાર સિલેક્ટિવલી તક ઉઠાવવી જોઈએ, કારણ કે બજાર ફરી પૉઝિટિવ ટર્ન લે એવી જાહેરાતો આવશે અને સુધારા પણ આવશે. અલબત્ત, ટૂંકા ગાળામાં સુધારાની આશા રાખવી અઘરી છે.

એગ્રિકલ્ચર - રૂરલની સારી આશા

વાસ્તવમાં બજેટ કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્ર માટે ભરપૂર રાહતો-પ્રોત્સાહનો લઈને આવ્યું છે જેને લીધે ઇકૉનૉમી વેગ પકડી શકે છે. ગરીબોની ખરીદશક્તિ વધી શકે. ફાર્મા-હેલ્થ સેક્ટર, હાઉસિંગ સેક્ટર, રેલવે, લૉજિસ્ટિક્સ, FMCG, ઑટો સેક્ટરને વેગ મળી શકે છે. ઓવરઑલ સરકાર જે જંગી ખર્ચ કરવા જવાની છે એને લીધે ઇકૉનૉમીને ગ્રોથનો ડોઝ મળી શકે છે. આમ બનવા પર આખરે મૂડીબજારને લાભ થઈ શકે છે એવું સાદું ગણિત સમજવામાં જેઓ નિષ્ફળ જશે તેમને માટે માર્કેટની તક ઘટી જશે અને જેઓ આ ગણિતને સમજી લેશે તેમને માટે સ્માર્ટ ઇન્વેસ્ટર બનવાનો અવસર છે. જોકે એમાં થોડું જોખમ પણ રહેશે એ યાદ રાખવું.

વિદેશી રોકાણકારોની નિરાશા

હા, સરકારે આ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ નાખીને બજારને નારાજ કર્યું છે, પણ STT (સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ) કાઢી નાખ્યો હોત તો બજાર રાજી થઈ જાત. જોકે આ ટૅક્સની વધુ ગંભીર અસર વિદેશી રોકાણકારો પર પડવાની શક્યતા છે એટલું જ નહીં, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાપ્રવાહ ઓછો કરવા લાગે યા પાછો ખેંચતા જાય એવું બની શકે, કેમ કે અત્યાર સુધી તેમણે આ ટૅક્સ અને એનાં રિટર્ન ફાઇલ કરવાની ઝંઝટમાંથી પસાર થવાની નોબત આવતી નહોતી. જ્યારે હવે પછી આ કમ્પ્લાયન્સ વધશે જે તેમને અહીં રોકાણ માટે નિરુત્સાહી કરી અન્ય બજારો તરફ શિફ્ટ કરે તો નવાઈ નહીં. અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ છે કે દુનિયામાં ભારત એક જ એવો દેશ છે જ્યાં આવા ડબલ ટૅક્સ છે. આમાં આગામી દિવસોમાં કોઈ ફેરફાર આવે તો નવાઈ નહીં, કારણ કે મૂડીબજારનો મૂડ ખરાબ થાય એ સરકારને પરવડે એમ નથી.

લૉન્ગ ટર્મ ટૅક્સની એક લાખ સુધીની મુક્તિ

એમ છતાં હાલમાં કરેક્શનની રાહ જોતા રોકાણકારોને રોકાણની નવેસરથી તક પ્રાપ્ત થઈ ગણાય. લાંબા ગાળા માટે હાલમાં રોકાણ કરશે તેમને દસ ટકા ભરીને પણ સારો નફો હાથમાં આવશે એવી આશા ચોક્કસ રાખી શકાય. અહીં એક ખાસ વાત નોંધવી રહી કે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ એક લાખ સુધીની નફાની રકમ પર નહીં લાગે, એના ઉપરના નફાની રકમ પર ૧૦ ટકા લાગશે. અર્થાI જો રોકાણકાર એક વર્ષ શૅર હોલ્ડ કર્યા બાદ વેચે અને એને

કુલ એક લાખ દસ હજાર રૂપિયાનો

નફો થાય તો એ ઇન્વેસ્ટરે ૧૦,૦૦૦ની રકમ પર ૧૦ ટકાના હિસાબે ૧૦૦૦ રૂપિયાનો લૉન્ગ ટર્મ કૅપિટલ ટૅક્સ ભરવાનો આવશે. આમ જોવા જઈએ તો આ રકમ બહુ મોટી ન ગણાય.

હા, મોટા ઇન્વેસ્ટરો જો મોટી કમાણી કરે તો તેમના ટૅક્સની રકમ મોટી થઈ શકે. બાકી નાના રોકાણકારો પર બોજ બહુ નહીં આવે.

નાની સાદી વાત

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટ કાયમ કહે છે કે ‘જો રોકાણ કરવાની તક આવે તો એ ઝડપી લો. ઘણી વાર એવું બને છે કે લાંબા સમય સુધી તક ન મળે તો શાંતિથી બેસી રહેતાં શીખો. મને ઘણી વાર ખોટા સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું મન થઈ જાય છે, પરંતુ હું રાહ જોવામાં દઢપણે માનું છું.’

ઊંચા ભાવો સામે સરકારી ચેતવણી


શૅરોના ઊંચા ભાવોને આર્થિક ફન્ડામેન્ટલ્સના ટેકાની જરૂર છે, એના વિના આ ભાવોમાં મોટા કડાકા આવી શકે છે એવી ચેતવણી ખુદ ઉચ્ચ સરકારી અધિકારીએ આપી જ હતી. દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે ‘આ નાણાકીય વર્ષે GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ) ૬.૭૫ ટકા રહેવાની ધારણા છે જે ૨૦૧૬-’૧૭માં ૭.૧ ટકા હતો. આમ ગ્રોથના સપોર્ટ વિના બજારની તેજી ટકવામાં મુશ્કેલી થઈ શકે. આ સંજોગોમાં બજાર પર બારીક નિરીક્ષણની સખત જરૂર ગણાય. આ સંજોગોમાં પોર્ટફોલિયો રીઅલોકેશન પણ જરૂરી બને છે.

ગયા સોમવારે સર્વેક્ષણની જાહેરાત સાથે બજારે ૨૫૦ પૉઇન્ટનો કૂદકો માર્યો હતો જેમાં ભારત ફરી ફાસ્ટેસ્ટ ઇકૉનૉમી બનશે અને ઊંચો ગ્રોથ-રેટ હાંસલ કરશે એવો અભિપ્રાય વ્યક્ત થયો હતો જેમાં મંગળવારે કરેક્શન આવી ગયું હતું. આમ ગ્રોથનો ટેકો નહીં હોય તો કરેક્શનને ટાળી શકાશે નહીં છતાં કરેક્શન નહીં આવે તો જોખમ ઓર વધી શકે. બજારની તંદુરસ્ત તેજી માટે તંદુરસ્ત કરેક્શન પણ અનિવાર્ય હોય છે. આમ બજેટ નિમિત્તે મોટું કરેક્શન આવ્યું છે જે એક વાસ્તવિકતા છતાં સારી અને તંદુરસ્ત બાબત છે, એનું કારણ સારું નથી એ કરુણતાની નિશાની ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK