બૅન્કિંગ શૅરની આગેવાનીએ શૅરબજારમાં તેજી યથાવત

પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થ સાથે બજારની માર્કેટકૅપ ૧૪૫.૫૬ લાખ કરોડ રૂપિયા થઈ : એમટેક ગ્રુપની ત્રણ કંપનીઓના શૅરમાં ઉપલી સર્કિટ : બૅન્કિંગ સેક્ટરમાં PNB ટૉપ ગેઇનર બન્યો

sensex

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ïબૅન્કિંગ સ્ટૉકના બુસ્ટર ડોઝની હૂંફે ભારતીય શૅરબજારમાં નવી ઊંચાઈ તરફની આગેકૂચ જારી રહી હતી જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ સેશન દરમ્યાન ૩૩,૭૩૩ની ઇન્ટ્રા-ડે નવી ટોચ બનાવી ક્લોઝિંગની રીતે પણ ૧૧૨ પૉઇન્ટના સુધારામાં ૩૩,૬૮૫ના રેકૉર્ડ લેવલે બંધ થયો હતો. તો NSE નિફ્ટી ૨૯ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦,૪૫૨ના મથાળે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે એમાં ૧૦,૪૬૧ની ટોચ બની હતી. સેન્સેક્સના ૩૧માંથી ૧૫ અને નિફ્ટીના ૫૧માંથી ૨૧ હેવીવેઇટ્સ સ્ટૉક વધ્યા હતા જેમાં SBI ૩.૨ ટકા, તાતા મોટર્સ ૨.૮ ટકા, લાર્સન-ટૂબ્રો બે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, ONGC ૧.૮ ટકા, સિપ્લા ૧ ટકો, NTPC, HDFC, ડૉ. રેડ્ડીઝ લૅબ, HDFC બૅન્ક, વિપ્રો, તાતા સ્ટીલ અને ઇન્ફોસિસના શૅર અડધાથી પોણા ટકા જેટલા સુધર્યા હતા. તો બીજી બાજુ પાવર ગ્રિડ, સનફાર્મા બે ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, લુપિન ૧.૧ ટકા, અદાણી પોર્ટ્સ, TCS, બજાજ ઑટો, એશિયન પેઇન્ટ્સ, કોટક બૅન્ક, ભારતી ઍરટેલ, મહિન્દ્ર-મહિન્દ્ર, ICICI બૅન્ક, રિલાયન્સ, HUL, ITC અને મારુતિ સુઝુકીના શૅર વત્તે-ઓછા પ્રમાણ ઘટ્યા હતા. ભારે રસાકસી વચ્ચે માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી. BSE ખાતે ૧૪૨૦ શૅરના સુધારા સામે ૧૩૨૯ કાઉન્ટર રેડ ઝોનમાં બંધ હતાં. બજારની માર્કેટકૅપ વધીને ૧૪૫.૫૬ લાખ કરોડ રૂપિયા થઈ હતી.

સારા પરિણામથી PNB વધ્યો

PNB દ્વારા પ્રોત્સાહક પરિણામ જાહેર કરાતાં બપોર પછીના બીજા ટ્રેડિંગ સેશન બાદ શૅર ઇન્ટ્રા-ડે ૮ ટકાના ઉછાળે ૨૧૨ રૂપિયાની ટોચે પહોંચી અંતે પાંચ ટકાના સુધારામાં ૨૦૭ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૫૬.૬૭ લાખ શૅર સામે આજે ૧૧૨.૩૬ લાખ શૅરના કામકાજ થયા હતા. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બૅન્કે ધારણાં કરતાં વધારે ૫૬૧ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે, જ્યારે ઍનૅલિસ્ટોએ ૨૯૮ કરોડ રૂપિયાના નફાનો અંદાજ મૂક્યો હતો. વર્ષ પૂર્વે બૅન્કે ૫૪૯ કરોડ રૂપિયાનો નફો દર્શાવ્યો હતો. ત્રિમાસિક સરખામણીએ ઍસેટ્સ ક્વૉલિટી સુધરતાં બૅન્કેની ગ્રોસ NPA ૧૨.૩૧ ટકા અને નેટ પ્રૉફિટ ૮.૪૪ ટકા થઈ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩.૫ ટકા વધીને ૪૦૧૫ કરોડ રૂપિયા નોંધાઈ છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૨૫ શૅર વધ્યા હતા. અહીં PNB ટૉપ ગેઇન બૅન્ક સ્ટૉક હતો. કર્ણાટક બૅન્ક ૪.૬ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૨ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૪ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૫ ટકા, SBI ૩.૨ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૨.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૮ ટકા, લક્ષ્મીવિલાસ બૅન્ક ૨.૭ ટકા, સિટી યુનિયન બૅન્ક ૨.૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, ઓરિયન્ટલ બૅન્ક ૧.૮ ટકા, યસ બૅન્ક પોણાબે ટકા, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડાનો શૅર દોઢ ટકાની આસપાસ વધ્યો હતો. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર સ્ટૉકમાં આંધ્ર બૅન્ક, યુકો બૅન્ક, ફેડરલ બૅન્ક, IDBI, દેના બૅન્ક, PSB, IDFC બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, RBL બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, IOB, કોટક બૅન્ક, ICICI બૅન્ક અને કરુર વૈશ્ય બૅન્કના શૅર સાધારણથી ૩ ટકાની રેન્જમાં નરમ જણાતા હતા. ૧૦માંથી ૭ શૅરના સુધારે બૅન્કેક્સ ૧ ટકો વધીને ૨૯,૦૯૨ અને બૅન્ક નિફ્ટી ૦.૯ ટકાના સુધારામાં ૨૫,૬૫૦ બંધ હતો.

HEGનો શૅર ઉપલી સર્કિટમાં નવી ટોચે


સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પ્રોત્સાહક પરિણામોના સથવારે HEG કંપનીનો શૅર ઉપલી સર્કિટ સાથે નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. BSE ખાતે કંપનીનો શૅર પાંચ ટકાના ઉછાળે ૧૮૪૦.૭૫ રૂપિયાના નવા ઐતિહાસિક ઊંચા સ્તરે ક્વોટ થઈ ત્યાં જ બંધ થયો હતો. રોજના સરેરાશ ૧.૨૯ લાખ શૅર સામે આજે ૯૮૪૪ શૅરના કામકાજ થયા હતા. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં નેટ પ્રૉફિટ કર્યો છે, જ્યારે વર્ષ અગાઉના સમાન ક્વૉર્ટરમાં ૧૪ કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી. ઑપરેશનલ રેવન્યુ ૧૯૪ કરોડ રૂપિયાથી વધીને ૪૧૦ કરોડ રૂપિયા થઈ છે. આ સાથે ચાલુ કૅલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં આ શૅર ૧૧૨૭ ટકા ઊછળ્યો છે. વર્ષની શરૂઆતમાં શૅરનો ભાવ ૧૫૦ રૂપિયા બોલાતો હતો. પિયર ગ્રુપ કંપની ગ્રાફિટ ઇન્ડિયાનો શૅર પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૭૫ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ શૅરમાં રોકાણકારોને ચાલુ વર્ષે ૬૮૮ ટકા રિટર્ન મળ્યું છે.

ભારતી ઍરટેલમાં આરંભિક ઉછાળો ઊભરા સમાન

ટેલિકૉમ ઑપરેટર ભારતી ઍરટેલનો શૅર ૫૪૩ રૂપિયાના પાછલા બંધથી આજે કામકાજની શરૂઆતમાં જ ચાર ટકાના ઉછાળે ૫૬૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. આ આરંભિક ઉછાળાનું કારણ ૧૮.૫ કરોડ ઇક્વિટી શૅરની બ્લૉક ડીલ હતી. જોકે ત્યાર બાદ ઊંચા મથાળેથી સતત ગગડીને ૫૩૭ રૂપિયાના તળિયે ક્વોટ થઈ અંતે સાધારણ ઘટાડે ૫૪૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે ભારતી ઍરટેલના પ્રમોટર ભારતી ટેલિકૉમે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ત્રણ નવેમ્બર બાદ ટેલિકૉમ કંપનીમાં બજારભાવે ૪.૬૨ ટકા હિસ્સો કે ૧૮.૪૭ કરોડ ઇક્વિટી શૅર ખરીદશે. ભારતી ટેલિકૉમ કંપની અન્ય પ્રમોટર્સ ફર્મ ઇન્ડિયન કૉન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પાસેથી ભારતી ઍરટેલના શૅર ખરીદશે. આ ડીલ દ્વારા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં ભારતી ટેલિકૉમનો હિસ્સો ૪૫.૫૮ ટકાથી વધીને ૫૦.૧ ટકા થઈ જશે. જ્યારે ઇન્ડિયન કૉન્ટિનેન્ટલનું શૅરહોલ્ડિંગ ઘટીને ૨.૦૩ ટકા થશે. ટેલિકૉમ કંપનીઓની વાત કરીએ તો સિટી ઑનલાઇન ૩.૪ ટકા, રિલાયન્સ કૉમ. ૨.૬ ટકા, MTNL ૦.૯ ટકા, આઇડિયા અડધા ટકા જેટલો ડાઉન હતો. ટેલિકૉમ ઇક્વિપમેન્ટ સેક્ટરના ૧૦માંથી ૭ શૅર ડાઉન હતા જેમાં કાવેરી ટેલિકૉમ ૬ ટકા, સ્પાઇસ મોબાઇલ ૨.૨ ટકા, ITI ૧.૮ ટકા, ઐશ્વર્યા દોઢ ટકા, અવાન ટેલિકૉમ, ADC ઇન્ડિયા અને પૂંજ કમ્યુનિકેશન્સનો શૅર નામ માત્ર ઘટuો હતો.

એમટેક ગ્રુપના શૅરમાં ઉપલી સર્કિટ

બજારની નવી ઊંચાઈ તરફ આગેકૂચ જારી રહેવાની સાથે એમટેક ગ્રુપના તમામ શૅરમાં ગઈ કાલે ઉપલી સર્કિટ લાગી હતી જેમાં એમટેક ઑટોનો શૅર આજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૯.૭૦ રૂપિયાની ટોચે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૩.૮૧ લાખ સામે આજે ૨૦.૭૦ લાખ શૅરના કામકાજ થયા હતા. આજ ઉછાળાનું કારણ એમટેક ઑટોની ઍક્વિઝિશનની કામગીરીમાં ભારત ફોર્જ ભાગીદાર બનવાના અહેવાલ છે. ભારત ફોર્જે કહ્યું હતું કે વિકાસ માટે એમટેક ઑટોની કામગીરીમાં સાથ-સહકાર આપશે. આ અહેવાલ પાછળ એમટેક ગ્રુપના અન્ય શૅર કાસ્ટેક્સ ટેક્નૉલૉજીઝનો શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૫.૫૯ રૂપિયા અને મેટાલિસ્ટ ફોર્જિંગ્સનો શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટે ૩૬.૩ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. જોકે ભારત ફોર્જના આ નિવેદનની એના શૅર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી અને આરંભથી અંત સુધી શૅર ઘટાડાની ચાલમાં ૭૨૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી ગગડીને ૭૦૦ રૂપિયાનું તળિયું બનાવી અંતે ૧.૩ ટકાના સુધારામાં સમેટાઈ જઈ અંતે ૭૦૫ રૂપિયાની નીચે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૮૩,૦૦૦ શૅર સામે આ કાઉન્ટરમાં આજે ૩.૫૨ લાખ શૅરના કામકાજ થયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK