પ્રારંભિક મજબૂતી બાદ બજાર ઉપરથી ૬૬૪ પૉઇન્ટ ગગડ્યું

NSE ખાતે ડન્જી ડમ્સનું ઉપલી સર્કિટમાં જોરદાર લિસ્ટિંગ : વેચાણના વસવસામાં મારુતિ સુઝુકી બે ટકા ડાઉન : કાર્દા કન્સ્ટ્રક્શન વૉલ્યુમ સાથે નવા ઊંચા શિખરે

BSE


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑગસ્ટ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નબળો પડ્યો છે. PMI ડેટા ૫૧.૭ના ત્રણ મહિનાના તળિયે નોંધાયો છે. વધુમાં સેબી ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વિશેનાં ધોરણો કડક બનાવવા વિચારી રહી હોવાના અહેવાલ છે. ડૉલર સામે રૂપિયો ૭૧ વટાવી નવી ઑલટાઇમ બૉટમ ભણી સરક્યો છે. દિવાળી સુધીમાં ડૉલર ૭૨ રૂપિયાની પાર થશે એ વાત નક્કી છે. એશિયન બજારો સાધારણથી લઈ એક ટકા સુધી નીચે ગયાં હતાં. આ બધાના સરવાળે શૅરબજાર આગલા બંધથી ગઈ કાલે ગૅપમાં ૨૭૧ પૉઇન્ટ ઉપર ખૂલીને ઇન્ટ્રા-ડેમાં ૩૮,૯૩૪ને વટાવી ગયું હતું અને ત્યાર બાદ ખાસ કરીને બે વાગ્યા પછી વેચવાલીના વ્યાપક દબાણ હેઠળ સડસડાટ ગગડી નીચામાં ૩૮,૨૭૦ થઈ ગયું હતું. છેલ્લે ૩૩૨ પૉઇન્ટના ઘટાડે સેન્સેક્સ ૩૮,૩૧૨ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૧,૭૫૨ અને નીચામાં ૧૧,૫૬૭ બતાવી ૯૮ પૉઇન્ટની નરમાઈમાં ૧૧,૫૮૨ રહ્યો છે. NSE ખાતે મીડિયા અને મેટલને બાદ કરતાં તમામ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ હતા. BSEના ૧૯માંથી ૧૬ ઇન્ડાઇસિસ ઘટ્યા હતા. ITC, HUL, નેસ્લે, બ્રિટાનિયા સહિત ૮૦માંથી ૪૧ શૅરની નરમાઈમાં FMCG ઇન્ડેક્સ સર્વાધિક બે ટકાથી વધુ તૂટ્યો હતો. HUL સાડાચાર ટકા લથડ્યો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર માઇનસ હતા. સેન્સેક્સમાં વિપ્રો તો નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લૅબ ટૉપ ગેઇનર હતા. રિલાયન્સ ૧૨૫૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૦.૯ ટકા ઘટી ૧૨૩૦ રૂપિયા બંધ રહેતાં બજારને ૩૪ પૉઇન્ટની હાનિ થઈ હતી. HUL, ITC અને ICICI બૅન્કની નબળાઈ માર્કેટને ૧૭૦ પૉઇન્ટ નડી હતી. FMCG, IT, હેલ્થકૅર તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સ નવાં શિખરે ગયાં બાદ માઇનસ ઝોનમાં સરી પડ્યા હતા.

કાર્દા કન્સ્ટ્રક્શન સામા પ્રવાહે

સુપ્રીમ કોર્ટ તરફથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત ચંડીગઢ ખાતે સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પૉલિસીના અમલીકરણમાં નિષ્ફળતા બદલ તમામ બાંધકામ પ્રવૃત્તિ પર ‘બૅન’ મૂકવામાં આવતાં રિયલ્ટી ઇન્ડેક્સ મોટા ભાગના શૅરની નરમાઈમાં સવા ટકો ઘટ્યો હતો. જોકે નાશિક ખાતેની કાર્દા કન્સ્ટ્રક્શન સામા પ્રવાહમાં છ ગણા કામકાજમાં ૨૧૧ રૂપિયાના બેસ્ટ લેવલે જઈ છેલ્લે ૧૧.૨ ટકાની તેજીમાં ૧૯૯ રૂપિયા બંધ આવી છે. નવા હાઉસિંગ પ્રોજેક્ટના ઑર્ડર મળ્યાના અહેવાલમાં બન્ને બજાર ખાતે કુલ તેર લાખ જેટલા શૅરનું વૉલ્યુમ હતું. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૬૮ રૂપિયા આસપાસ છે. સુપ્રીમ કોર્ટના ‘બૅન’ પછી નવું કન્સ્ટ્રક્શન અટકી પડશે. કાર્દા પાસે ઇન્વેન્ટરીઝ હોવાથી એ લાભ ખાટશે એવી ગણતરી પાછળ હાઈ નેટવર્થ અને કેટલાંક ફન્ડો માલ લઈ રહ્યા હોવાની ચર્ચા છે. DLF સાડાત્રણ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ત્રણ ટકા, સનટેક રિયલ્ટી ત્રણ ટકા, મહિન્દ્ર લાઇફ સ્પેસ બે ટકા ડાઉન હતા.

વિપ્રોમાં દોઢ અબજ ડૉલરના ડીલની તેજી

દેશની ટોચની IT કંપનીઓમાંની એક વિપ્રોને હ્યુમન રિસોર્સિસ અને ફાઇનૅન્શિયલ સૉલ્યુશન્સ ક્ષેત્રમાં પ્રવૃત્ત અમેરિકન જાયન્ટ ઍલાઇટ સૉલ્યુશન્સ તરફથી દોઢ અબજ ડૉલરનો લાર્જેસ્ટ કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર ગઈ કાલે તગડા કામકાજમાં ઉપરમાં ૩૨૮ રૂપિયા થઈ અંતે અઢી ટકાની મજબૂતીમાં ૩૦૯ રૂપિયા બંધ રહ્યો છે. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ભાવ ઇન્ટ્રા-ડેમાં ૩૩૫ રૂપિયા નજીકના વર્ષના શિખરે ગયો હતો. અન્ય IT હેવીવેઇટ્સમાં TCS ઉપરમાં ૨૦૯૦ રૂપિયા નજીક જઈ અંતે એક ટકો ઘટી ૨૦૫૫ રૂપિયા, ઇન્ફોસિસ ૧૪૬૭ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી અડધો ટકો ઘટી ૧૪૩૩ રૂપિયા, ટેક મહિન્દ્ર ૭૭૭ રૂપિયા નજીક વિક્રમી સપાટી બતાવી ૨.૪ ટકા ઘટી ૭૪૬ રૂપિયા તથા HCL ટેક્નૉલૉજીઝ નહીંવત વધીને ૧૦૪૮ રૂપિયા બંધ હતા. BSEનો IT ઇન્ડેક્સ ૧૫,૭૫૭ની ઑલટાઇમ હાઈ નોંધાવી છેલ્લે ૫૮માંથી ૨૩ શૅરના સુધારામાં ૦.૬ ટકા ઘટી ૧૫,૪૫૫ હતો. હિન્દુજા ગ્લોબલ સૉલ્યુશન સળંગ ચોથા દિવસની મજબૂતીમાં ૮૯૬ થઈ ૫.૭ ટકાની તેજીમાં ૮૬૧ રૂપિયા બંધ હતો. ડેટામેટિક્સ, સુબેક્સ, ઇન્ફિબીમ બેથી સાડાત્રણ ટકા અપ હતા.

ફાર્મા શૅરની લાલીમાં સતત વધારો

BSEનો હેલ્થકૅર ઇન્ડેક્સ મજબૂત વલણ જાળવી રાખતાં ગઈ કાલે ૧૬,૨૨૦ની નવી ટોચ બનાવી અંતે સહેજ ઘટી ૧૫,૯૪૨ બંધ હતો. ત્રણેક મહિના પૂર્વે અહીં ૧૨,૬૦૬નું બૉટમ બન્યું હતું. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આ ગાળામાં ૭૯૦૦ની બૉટમથી વધતો રહી ૧૦,૫૭૮ની નવી ટોચ બતાવી સોમવારે સાધારણ ઘટાડે ૧૦,૩૬૬ હતો. છેલ્લાં ૧૪ કામકાજ સત્રમાં નિફ્ટી સવાબે ટકા જેવો વધ્યો છે સામે ફાર્મા નિફ્ટી ૧૫ ટકાથી વધુ ઊંચકાયો છે. ઍબોટ ઇન્ડિયા, આલ્બર્ટ ડેવિડ, ડૉ. રેડ્ડીઝ લૅબ, GSK ફાર્મા, ગ્લેનમાર્ક, હાઇકલ, JB કેમિકલ્સ, મર્ક, સનફાર્મા, ટૉરન્ટ ફાર્મા, વિમતા લૅબ, સનોફી જેવા ડઝન શૅરમાં નવાં ઊંચાં શિખર ગઈ કાલે બન્યાં હતાં. BSE હેલ્થકૅર ઇન્ડેક્સના ૬૭માંથી ૪૪ શૅર પ્લસ હતા. SMS ફાર્મા સાત ગણા કામકાજમાં ૧૩.૩ ટકાના ઉછાળે ૮૬ રૂપિયા, હાઇકલ ચાર ગણા વૉલ્યુમમાં પંદર ટકાની તેજીમાં ૧૮૫ રૂપિયા, RPG લાઇફ પાંચ ગણા કામકાજમાં આઠ ટકાના જમ્પમાં ૩૧૪ રૂપિયા અને ઍલેમ્બિક આઠ ટકા વધીને ૫૧ રૂપિયાના બંધમાં અત્રે મોખરે હતા. સન ફાર્મા અડધો ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૪ ટકા, લુપિન ૦.૩ ટકા, ટૉરન્ટ ફાર્મા અડધો ટકો, કૅડિલા હેલ્થકૅર અડધો ટકો અપ હતા.

જંગી રોકાણયોજનામાં બાલક્રિષ્ન ગગડ્યો


ટાયર કંપની બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભારત તથા અમેરિકા ખાતે આશરે ૧૭૦૦ કરોડ રૂપિયાની રોકાણયોજના હાથ ધરવાના સમાચાર પાછળ શૅર ગઈ કાલે પોણાત્રણ ગણા કામકાજમાં ૧૩૬૪ના આગલા બંધ સામે નીચામાં ૧૨૫૫ થઈ અંતે ૭.૪ ટકાની ખરાબીમાં ૧૨૬૩ રૂપિયા બંધ રહ્યો છે. કંપની ૧૦ કરોડ ડૉલરના ખર્ચે અમેરિકા ખાતે ગ્રીનફીલ્ડ પ્લાન્ટ સ્થાપશે તથા ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું નવું રોકાણ કરશે. સમગ્ર કૅપેક્સ પ્લાન ૩૦ મહિનામાં આંતરિક સાધનો તથા દેવા મારફત પૂરો કરાશે. કેરળ ખાતે વિનાશક પૂરની અસરમાં મારુતિ સુઝુકીનું ઑગસ્ટ મહિનામાં વેચાણ સાડાત્રણ ટકા નજીક ઘટીને આવતાં શૅર ૯૧૧૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૮૮૮૯ થઈ છેલ્લે બે ટકા ઘટીને ૮૯૨૪ હતો. તાતા મોટર્સનું વેચાણ ગયા મહિને ૨૭ ટકા વધતાં ભાવ પ્રારંભિક સુધારામાં ૨૭૩ થયા પછી સહેજ ઘટી ૨૬૭ હતો. બજાજ ઑટોનું વેચાણ ૩૦ ટકા વધ્યું છે. ભાવ ઉપરમાં ૨૮૦૭ વટાવી અડધા ટકાના સુધારામાં ૨૭૬૫ રૂપિયા રહ્યો હતો. વેચાણમાં ૨૭ ટકાના વધારા પાછળ અશોક લેલૅન્ડ સવાયા કામકાજમાં ૩.૨ ટકાની મજબૂતીમાં ૧૩૩ હતો. ફ્લૅટ વેચાણના પગલે હીરો મોટોકૉર્પ અડધો ટકો નરમ હતો.

નિકાસ ઘટવા છતાં જ્વેલરી શૅરમાં ઝમક


ચાલુ વર્ષના એપ્રિલથી જુલાઈના ગાળામાં દેશની હીરા-ઝવેરાતની નિકાસ પાંચ ટકા ઘટી છે. જોકે જ્વેલરી શૅર ગઈ કાલે એકંદરે લાઇમલાઇટમાં હતા. TBZ દસેક ગણા વૉલ્યુમમાં ૮૨ નજીક જઈ છેલ્લે અઢી ટકા વધીને ૭૫ રૂપિયા, ભ્ઘ્ જ્વેલર્સ ૯૫ નજીક ગયા બાદ ૭.૮ ટકાના ઉછાળે ૯૧ રૂપિયા, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૭૯ વટાવ્યા બાદ ૧.૬ ટકા વધીને ૭૮ રૂપિયા, રાજેશ એક્સપોટ્સર્‍ ઉપરમાં ૬૮૦ બતાવી સહેજ ઘટી ૬૬૩ રૂપિયા, વૈભવ ગ્લોબલ ૬૯૯ રૂપિયા વટાવી બે ટકાના સુધારામાં ૬૯૯ રૂપિયા બંધ હતા. દોઢેક મહિના પૂર્વે, ૧૯ જુલાઈએ ૧૧૮ રૂપિયાની અંદર મલ્ટિયર તળિયે ગયેલી એન્જિનિયર્સ ઇન્ડિયા છેલ્લા પાંચમાંથી ચાર દિવસની આગેકૂચમાં ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમમાં ૫.૮ ટકા ઊછળીને ૧૩૫ રૂપિયા બંધ હતો. નાલ્કોએ બમણા નેટ પ્રૉફિટના પગલે ૧૧૫ ટકાનું વિક્રમી ડિવિડન્ડ ગયા વર્ષ માટે જાહેર કર્યું છે. શૅર ૭૭ નજીક ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૦.૩ ટકા વધી ૭૫ રૂપિયા રહ્યો હતો. NSEના SME પ્લૅટફૉર્મ ખાતે ૭૪ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ડેન્જી ડમ્સ ૯૪ રૂપિયાની ઉપલી સર્કિટે બંધ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK