ઇન્ટ્રા-ડેમાં નવી વિક્રમી સપાટી બતાવી બજાર નહીંવત નરમ

ફાટ-ફાટ તેજીમાં બિટકૉઇન મહિનામાં ૪૩૨૦ ડૉલરથી ઊછળીને ૭૩૫૫ ડૉલરની પાર : કાર્ટેલ દ્વારા દવાના ખોટા ભાવ પડાવવાના આરોપ વચ્ચે ફાર્મા-શૅરમાં જોરદાર ઉછાળો : રુચિ સોયામાં ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ ૪૦૦૦ કરોડ રૂપિયામાં ૫૧ ટકા હિસ્સો લેશે

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દિવસ દરમ્યાન ૧૪૦ પૉઇન્ટની રેન્જમાં ઉપર-નીચે થઈ શૅરબજાર ગુરુવારે ૨૭ પૉઇન્ટ ઘટીને ૩૩,૫૭૩ તથા નિફ્ટી ૧૭ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૪૨૪ નજીક બંધ રહ્યા છે. જોકે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૩,૬૫૭ તેમ જ નિફ્ટી ૧૦,૪૫૩ની નવી વિક્રમી સપાટીએ ગયા હતા. સેન્સેક્સના ૩૧માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર માઇનસ ઝોનમાં રહ્યા છે. અપેક્ષા કરતાં નબળાં પરિણામો પાછળ ટેક મહિન્દ્ર સાડાચાર ગણા કામકાજમાં સવાચાર ટકાથી વધુ ખરડાયો હતો. હીરો મોટોકૉર્પ પણ આવા જ કારણથી સવાબે ટકા નજીકની ખરાબીમાં ૩૧૩૩ રૂપિયા બંધ હતો. બૅન્ક નિફ્ટીમાં સાધારણ નબળાઈ હતી, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરના ઘટાડે દોઢ ટકો તૂટ્યો હતો. સમગ્ર બૅન્કિંગ સેગમેન્ટમાં ૪૦માંથી ૧૪ શૅર પ્લસ હતા. યુકો બૅન્ક સાત ટકાની તેજીમાં મોખરે હતો. તો યુનિયન બૅન્ક પોણાપાંચ ટકાની નજીક ધોવાયો હતો. માર્કેટ-બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવાઈ છે. ઇન્ફિબીમ ઇન્કૉર્પોરેશન ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૬૦ રૂપિયા થયા બાદ છેલ્લે ૧૯.૬ ટકાના ઉછાળામાં ૧૫૭ રૂપિયા હતો. હરીતા સીટ, પાવરમેક, એઇટ કે માઇલ્સ, ડિવીઝ લૅબ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ફોર્બ્સ ઍન્ડ કંપની, હેસ્ટર બાયો, બન્નારી સુગર, PML, સનોફી જેવા કાઉન્ટરમાં તેજીમાં સેંકડા બદલાયા હતા.

ડિવીઝ લૅબમાં USFDAનો કરન્ટ

અમેરિકન ફૂડ્સ ઍન્ડ ડ્રગ ઑથોરિટી દ્વારા ડિવીઝ લૅબના વાઇઝેગ પ્લાન્ટ સામેનો આયાત પ્રતિબંધ ઉઠાવી લેવાયાના સમાચારમાં શૅર ગઈ કાલે બાર ગણા કામકાજમાં ૯૨૦ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૧૧૧૭ રૂપિયા થઈ છેલ્લે ૧૭ ટકાની તેજીમાં  ૧૦૭૪ રૂપિયા બંધ હતો. પાંચેક મહિના પહેલાં USFDAની ઇમ્પોર્ટ વૉર્નિંગના પગલે ડિવીઝ લૅબમાં ૨૯ મેએ ૫૩૩ રૂપિયાનું મલ્ટિયર બૉટમ બન્યું હતું. કંપનીની ૪૧૦૦ કરોડ રૂપિયા પ્લસની આવકમાં નૉર્થ અમેરિïકન બિઝનેસ ૨૦-૨૨ ટકા ફાળો આપે છે. એટલે USFDAનું પગલું ઘણું મહત્વનું બની રહે છે. બે રૂપિયાના શૅરની બુકવેલ્યુ ૨૦૨ રૂપિયા જેવી છે. ગયા વર્ષે ૧૦ નવેમ્બરે ભાવ ૧૩૧૯ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ બાવન ટકા અને FIIનો હિસ્સો ૧૬.૩ ટકા આસપાસ છે. બે વર્ષે પૂર્વે ૨૦૧૫ની ૮ ઑગસ્ટે છેલ્લે શૅરદીઠ એક બોનસ જાહેર કરાયું હતું. મે ૨૦૦૭માં ૧૦ રૂપિયાના શૅરનું બે રૂપિયામાં વિભાજન થયું હતું.

ફાર્મા-શૅરો પ્રાઇસ કાર્ટેલના આરોપથી બેઅસર

જેનરિક દવાઓના ભાવ ખોટી રીતે ઊંચા રાખવાની અનુચિત રીતરસમ અપનાવવા બદલ અમેરિકન મીડિયામાં કેટલીક ભારતીય કંપનીઓ સામે ગંભીર આક્ષેપો શરૂ થયા છે જેમાં ડૉ.રેડ્ડીઝ લૅબ, ગ્લેનમાર્ક ફાર્મા, કૅડિલા હેલ્થકૅર, સનફાર્મા, એમક્યોર ઇત્યાદી સામેલ છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના અહેવાલ જે-તે કંપની તેમ જ સમગ્ર ફાર્મા શૅરમાં ખરાબીનું કારણ બનતા હોય છે, પરંતુ માર્કેટ હાલમાં સામાન્ય સ્થિતિમાં હરગીજ નથી. સરવાળે ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૫૧ શૅરના સુધારામાં અઢી ટકા કે ૩૫૩ પૉઇન્ટ વધીને તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરની આગેકૂચમાં ત્રણ ટકા કે ૨૯૩ પૉઇન્ટ વધીને ગઈ કાલે બંધ રહ્યા છે. ગુરુવારે સનફાર્મા ૧૫ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, લુપિન સવાત્રણ ટકા અને સિપ્લા દોઢ ટકા વધતાં બજારને ૩૬ પૉઇન્ટનો લાભ થયો હતો. ગ્લેનમાર્ક ફાર્મા સાડાચાર ટકાની અંદર અને કૅડિલા હેલ્થકૅર સવા ટકા અપ હતા. સમગ્ર ફાર્મા ઉદ્યોગની ૧૩૭ જાતોમાંથી ૪૧ આઇટમ નરમ હતી. નાટકો ફાર્મા, સિન્કોમ ફૉર્મ્યુલેશન્સ, હેસ્ટર બાયો, અરબિંદો ફાર્મા, કોપરાન, ડીલ, સિન્કોમ હેલ્થકૅર જેવાં કાઉન્ટર પાંચથી ૧૪ ટકા ઊંચકાયા હતા.

બિટકૉઇન વિક્રમી તેજીમાં ૭૩૫૫ ડૉલરની પાર

ક્રિપ્ટો કરન્સીમાં બબલ સિવાય કશું નક્કર નહીં હોવાની બૂમરાણમાં ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટ સામેલ થયા છે. જોકે તેમના અભિપ્રાયની કઈ અસર દેખાઈ નથી. ઊલટું બિટકૉઇન ફાટફાટ તેજીની આગેકૂચમાં ગઈ કાલે ૭૩૫૫ ડૉલર પ્લસની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. રનિંગ ક્વોટમાં ભાવ ચારેક ટકાની મજબૂતીમાં ૭૦૧૪ ડૉલર આસપાસ દેખાતો હતો.

સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો કરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં નહીં-નહીં તોય ૧૦૦થી વધુ ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટ માટેનાં હેજ ફન્ડો શરૂ થયાં છે. CMEવાળા તો બિટકૉઇનમાં ડેરીવેટિવ્સ શરૂ કરવાની વેતરણમાં છે. જો એ શરૂ થાય તો બિટકૉઇન સહિતની ક્રિપ્ટો કરન્સી માટે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની તગડી નાણાકોથળી હાથવગી થવાની છે. CME ગ્રુપ વૉલ સ્ટ્રીટ ખાતે ૨૦૧૭ના અંત ભાગ સુધીમાં ફ્યુચરના કામકાજ શરૂ કરવા ધારે છે. CME ગ્રુપની ગણના વિશ્વસ્તરે લાર્જેસ્ટ એક્સચેન્જ ઓનર તરીકે થાય છે. ગોલ્ડમૅન સાક્સ પણ ક્રિપ્ટો કરન્સી માટે ફુલ ફ્લેજેડ ટ્રેડિંગ બિઝનેસ શરૂ કરવા ધારે છે. ભારત ખાતે બિટકૉઇનના રેટ રનિંગમાં ૪.૯૮ લાખ રૂપિયા ક્વોટ થતા હતા.

હેક્સાવેર ટેક્નૉલૉજીઝ નવા ઊંચા શિખરે

હેક્સાવેર ટેક્નૉલૉજીઝ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૨૨ કરોડ રૂપિયાની એકંદર ધારણા સામે ૧૪૨ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ગઈ કાલે ૨૦ ગણા કામકાજમાં ૩૨૨ રૂપિયાની અઢી વર્ષની નવી ટૉપ બતાવી છેલ્લે ૧૪ ટકાની તેજીમાં ૩૧૯ રૂપિયા બંધ હતો. લગભગ વર્ષ પૂર્વે, ૯ નવેમ્બરે ભાવ ૧૮૫ રૂપિયાના તળિયે હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૭૩ ટકા પ્લસનું તમામ હોલ્ડિંગ વેચી મારવાના નિર્ણયના પગલે આગલા દિવસે તગડા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર ડ્રેજિંગ કૉર્પોરેશન ગઈ કાલે ૭૮૮ રૂપિયાની નવી મલ્ટિયર ટૉપ બનાવીને છેલ્લે પોણાદસ ટકાના ઉછાળામાં ૭૩૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. એઇટ કે માઇલ્સ સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં સાડાચાર ગણા કામકાજમાં ૮૬૬ રૂપિયાની વર્ષની ટૉપ બનાવી અંતે ૧૮ ટકા કે ૧૩૧ રૂપિયાના જમ્પમાં ૮૫૩ રૂપિયા હતો. ત્રણ દિવસમાં ભાવ ૨૮૮ રૂપિયા વધી ગયો છે. ૨૭ સપ્ટેમ્બરે આ કાઉન્ટરમાં ૩૬૪ રૂપિયાનું મલ્ટિયર બૉટમ દેખાયું હતું.

રુચિ સોયાનું ૪૦૦૦ કરોડ રૂપિયામાં ટેકઓવર


રુચિ સોયાની બોર્ડ-મીટિંગમાં ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ડેવોન શ્રાઇન કૅપિટલને ૫૧ ટકા ઇક્વિટી હિસ્સો આપવાનું નક્કી થયું છે જેમાં વર્તમાન પ્રમોટર્સના બહુમતી હોલ્ડિંગની સાથે ફ્રેશ ઇક્વિટી પણ સામેલ હશે. આ સોદો કુલ મળીને ૪૦૦૦ કરોડ રૂપિયામાં થયો હોવાના અહેવાલ છે. આ રકમ તબક્કાવાર ધોરણે ચૂકવાશે. રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝના બ્રૅન્ડેડ પૅકેજ્ડ ઑઇલ ડિસ્ટિÿબ્યુશન બિઝનેસને રિસ્ટ્રક્ચર્ડ કરવાની અને એને સ્પીન-ઑફ કરી સંપૂર્ણ હિસ્સો ગ્લોબલ ઇક્વિટી ફન્ડને સુપરત કરવા માટેની રકમ પણ આમાં આવી જાય છે. રુચિ સોયાનો શૅર ગઈ કાલે બાર ગણા કામકાજમાં ૩૩.૭૫ રૂપિયાની બે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છેલ્લે સાડાચાર ટકાથી વધુની આગેકૂચમાં ૨૯.૬૦ રૂપિયા બંધ હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪.૩ ટકા છે એમાંથી ૫૪.૯ ટકા શૅર ગિરવી છે. ૨૦૦૮ની ૭ જાન્યુઆરીએ આ કાઉન્ટર ૧૫૧ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયું હતું. ગયા વર્ષે કંપનીનું ટર્નઓવર કન્સોલિડેટેડ ધોરણે ૧૯,૧૭૯ કરોડ રૂપિયાનું હતું. જોકે બે વર્ષ પૂર્વે આ આંકડો ૩૧,૦૦૦ કરોડ રૂપિયાથીય વધુનો હતો. ડિમર્જર અને ઓપન ઑફરના મામલે શું થાય છે એના પર નજર રાખવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK