સેન્સેક્સ-નિફ્ટીમાં સામસામા રાહ, રોકડામાં ભારે ખરાબી

PC જ્વેલર્સ મસમોટા કડાકાની આગેકૂચમાં નવા તળિયે : સેન્ચુરી ટેક્સટાઇલ્સમાં સારાં પરિણામ છતાં બજાર નાખુશ : કોટક મહિન્દ્ર બૅન્કમાં નવું ઊંચું શિખર, PSU બૅન્કો ઘટાડામાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર ગઈ કાલે ખાસ્સા નબળા આંતરપ્રવાહ વચ્ચે ૧૬ પૉઇન્ટ વધીને ૩૫,૧૭૬ બંધ રહ્યો છે. સેન્સેક્સ ઉપરમાં ૩૫,૩૫૭ને વટાવી ગયો હતો. સામે પક્ષે નિફ્ટી ઉપરમાં ૧૦,૭૮૪ વટાવી છેલ્લે ૨૧ પૉઇન્ટ ઘટીને ૧૦,૭૧૮ બંધ આવ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી વચ્ચેના ટ્રેડિશનલ રેશિયો અનુસાર ખરેખર તો નિફ્ટી ગઈ કાલે પાંચેક પૉઇન્ટ વધીને અગર તો પછી સેન્સેક્સ ૭૦ પૉઇન્ટ જેવો ઘટીને બંધ રહેવા જોઈતા હતા. આ રેશિયો ગઈ કાલે જળવાયો નથી. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૦ તો નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર ગઈ કાલે વધ્યા હતા. કોટક મહિન્દ્ર બૅન્ક અત્રે ટૉપ ગેઇનર બન્યો હતો. હિન્દુસ્તાન યુનિલીવરમાં પરિણામ માટેની બોર્ડ-મીટિંગ ૧૪ મે જાહેર થઈ છે. ભાવ ગઈ કાલે અઢી ગણા કામકાજમાં અઢી ટકા ગગડી ૧૪૭૧ રૂપિયા બંધ રહ્યો છે. આગલા દિવસે મતલબ કે સોમવારે સવાત્રણ ટકા તૂટેલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટકો વધી ૯૭૩ રૂપિયા બંધ આવ્યો છે. ગઈ કાલે માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. NSE ખાતે તો ૪૧૭ શૅર વધ્યા હતા સામે ૧૧૪૯ કાઉન્ટર ડાઉન હતાં. BSE ખાતે ૧૯માંથી ૧૭ સેક્ટોરલ ઇન્ડેક્સ ગઈ કાલે રેડ ઝોનમાં જોવાયા છે. બ્રૉડર-માર્કેટનો BSE-૫૦૦ અડધા ટકાથી વધુ તો મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ગઈ કાલે સવા ટકાની આસપાસ માઇનસ હતા. હીરો મોટોકૉર્પ તરફથી એકંદર ધારણા મુજબ ૩૫ ટકાના વધારામાં ૯૬૭ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. ભાવ ૩૭૭૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ સામે પરિણામ બાદ નીચામાં ૩૬૪૨ રૂપિયા થઈ અંતે બે ટકા ઘટી ૩૬૬૨ રૂપિયા બંધ રહ્યો છે. ખેડૂતોને ટનદીઠ ૫૫ રૂપિયાની સબસિડી આપવાની યોજના નિર્ણયના તબક્કામાં હોવાના અહેવાલ છતાં શુગર સેક્ટરમાં બે શૅર વધ્યા હતા સામે પાંચ શૅર ડાઉન હતા.

બંધન બૅન્કમાં ગોલ્ડમૅન સાક્સનો બુલિશ વ્યુ

બંધન બૅન્કમાં ગોલ્ડમૅન સાક્સ તરફથી બુલિશ વ્યુ જારી થયો છે. એકાદ વર્ષમાં ભાવ ૬૫૦ રૂપિયા થઈ શકે એમ તેણે જણાવ્યું છે. ગઈ કાલે શૅર અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૫૨૧ રૂપિયા થઈ બજાર બંધ થવાના છેલ્લા કલાકની વેચવાલીમાં નીચામાં ૫૧૧ રૂપિયા બતાવી અંતે અડધો ટકો વધી ૫૧૬ રૂપિયા બંધ રહ્યો છે. દરમ્યાન ગઈ કાલે પ્રાઇવેટ બૅન્ક શૅર એકંદર સાધારણ સુધારામાં હતા, પરંતુ PSU બૅન્ક શૅર વધુ ખરડાયા હતા. બૅન્ક નિફ્ટી નહીંવત તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૨ ટકા પ્લસ હતો. PSU બૅન્ક નિફ્ટી તમામ બાર શૅરની નબળાઈમાં અઢી ટકા તૂટ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧માંથી ૩૨ જાતો ડાઉન હતી જેમાંથી લગભગ ૨૨ કાઉન્ટર દોઢ ટકાથી લઈને સાડાચાર ટકા સુધી લથડ્યાં હતાં. સામે પક્ષે કોટક મહિન્દ્ર બૅન્ક ૧૨૮૮ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે ચારેક ટકાની તેજીમાં ૧૨૫૭ રૂપિયા બંધ હતો. કામકાજ આઠેક ગણા હતા. HDFC બૅન્ક સવા ટકો, ઍક્સિસ બૅન્ક એક ટકો, કોટક બૅન્ક ચારેક ટકા વધતાં સેન્સેક્સને ૧૧૯ પૉઇન્ટ મળ્યા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક, સ્ટેટ બૅન્ક, યસ બૅન્ક તથા ICICI બૅન્ક પોણાબેથી અઢી ટકા નરમ હતા.

મેટલ શૅરમાં મસમોટાં ગાબડાં

મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે તમામ દસ શૅરના ધબડકામાં નીચામાં ૧૩,૭૭૪ થઈ છેલ્લે ૩.૪ ટકા કે ૪૮૫ પૉઈન્ટ ઓગળીને ૧૩,૭૯૧ બંધ આવ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ ૧૫માંથી ૧૪ શૅરની નરમાઈમાં ૩.૪ ટકા ઘટ્યો છે. સેઇલ, જિન્દલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્ત, તાતા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દાલ્કો, મોઇલ, હિન્દુસ્તાન કૉપર જેવી આઇટમો અઢી ટકાથી લઈને સવાછ ટકા સુધી માઇનસમાં બંધ આવી છે. સાંડૂર મૅન્ગેનીઝ બમણા કામકાજમાં ચાર ટકા ડાઉન હતો. મેટલ ઉપરાંત ફાર્મા શૅરમાંય ગઈ કાલે હાલત ખરાબ રહી છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં એક ટકો તો હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭માંથી ૫૨ શૅરની કમજોરીમાં એક ટકો ઢીલો હતો. અત્રે સનફાર્મા, સ્માર્ક, મર્ક, વૉકહાર્ટ, ગ્લેન માર્ક, ટૉરન્ટ ફાર્મા, ઇપ્કા લૅબ, લુપિન, ઓરોબિંદો ફાર્મા, જ્યુબિલન્ટ, કેડિલા હેલ્થકૅર, લિંકન ફાર્મા, હેસ્ટર બાયો, RPG લાઇફ, વિવિમેડ લૅબ ઇત્યાદિ જેવા સવાબે ડઝન શૅર દોઢથી લઈને પાંચેક ટકા સુધી બીમાર પડ્યા હતા.

HCL ટેક્નો પાછળ ITમાં પીછેહઠ


HCL ટેક્નૉલૉજીઝ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં નેટ પ્રૉફિટ દસેક ટકા ઘટીને આવતાં શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૯૯૭ રૂપિયા થઈ છેલ્લે ૪.૮ ટકાના ધોવાણમાં ૧૦૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગ્રુપ કંપની HCL ઇન્ફો સિસ્ટમ્સ ત્રણેક ટકા ગગડી હતી. ગઈ કાલે IT સેક્ટરમાં એકંદર સારાં એવાં પ્રૉફિટ-બુકિંગનો માહોલ રહેતાં ૫૯માંથી ૪૮ શૅરના ઘટાડામાં IT ઇન્ડેક્સ સવા ટકા કટ થયો છે. નિફટી IT ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની બુરાઈમાં ૧.૭ ટકા તૂટ્યો છે. ઓવરઑલ નબળા માનસ વચ્ચે સિયેન્ટ ૫.૫ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૯ ટકા, ક્વીક હીલ ૨.૭ ટકા અને ઝેનસાર ૩.૭ ટકા અપ હતા. હેવીવેઇટ્સમાં ઇન્ફી સાધારણ ઘટી ૧૧૯૮ રૂપિયા તથા TCS ૩૫૬૦ રૂપિયાની વિક્રમી સપાટીની સમકક્ષ થઈ અંતે એક ટકો ઘટીને ૩૪૯૮ રૂપિયા બંધ હતા. રોલ્ટા, મોસ્ચીપ, નીટ ટેક્નો, TVS ઇલેક્ટ્રિÿકલ્સ, સાસ્કેન, સુબેક્સ, લાર્સન ઇન્ફોટેક, માઇન્ડ ટ્રી, મજેસ્કો, પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ, ડેટામેટિક્સ ઇત્યાદિ જેવા બે ડઝન શૅર અઢી ટકાથી લઈને સાત ટકા સુધી લથડ્યા હતા.

સ્નેઇડર ૪૩ ગણા કામકાજમાં ૧૧ ટકા વધ્યો


લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા ઇલેક્ટ્રિકલ્સ તથા ઑટોમેશન બિઝનેસનું ફ્રાન્સની સ્નેઇડરને આશરે ૧૪,૦૦૦ કરોડમાં વેચાણ કરવાનું નક્કી થતાં ઘરઆંગણે સ્નેઇડર ઇલેક્ટ્રિક ૪૩ ગણા વૉલ્યુમમાં ૧૩૫ રૂપિયા નજીક જઈ અંતે ૧૧ ટકાની તેજીમાં ૧૨૬ રૂપિયા બંધ આવ્યો છે. લાર્સન નહીંવત વધ-ઘટે ફ્લૅટ હતો. સેન્ચુરી ટેક્સસ્ટાઇલ્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરનાં સારાં પરિણામ જાહેર થવાં છતાં શૅર ભારે કામકાજ સાથે ૧૨૭૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૧૩૪ રૂપિયા થઈ છેલ્લે ૯.૪ ટકા તૂટી ૧૧૪૩ રૂપિયા બંધ રહ્યો છે. PC જ્વેલર્સમાં મંદી નવા તળિયાની શોધમાં આગળ ધપતાં ભાવ પાંચ ગણા કામકાજમાં ૧૦૩ રૂપિયાનું નવું બૉટમ બનાવી છેલ્લે ૨૪ ટકાના ધબડકામાં ૧૧૦ રૂપિયા બંધ હતો. પાંચ દિવસ પૂર્વે ભાવ ૨૯૦ રૂપિયા હતો. વકરાંગી પણ નીચલી સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી ૯૫ રૂપિયા નજીક નવા નીચા તળિયે બંધ આવ્યો છે. અત્રે મહિના પૂર્વે ભાવ ૨૧૦ રૂપિયા હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ ૧૦ રૂપિયાનું ઐતિહાસિક બૉટમ બનાવી છેલ્લે ૧૦ ટકાથી ઉપલી સર્કિટે સવાઅગિયાર રૂપિયા પ્લસ બંધ હતો. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશનમાં તાજેતરના સાત મહિનાના મોટા કડાકા પાછળ ઇન્સાઇડર ટ્રેડિંગ ભાવ ભજવી ગયું હોવાના મામલે સેબી તપાસ કરવાની છે. શૅર ૧૪૨૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી સાવત્રણ ટકા ગગડી ૧૩૫૫ રૂપિયા બંધ હતો. ભારત રસાયણ ૧૫ ગણા કામકાજમાં ૭૦૨૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૨૦ ટકાની ઉપલી સર્કિટની નજીક ૭૦૨૫ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK