શૅરબજારમાં અઢી વર્ષનો સૌથી મોટો ને ટૉપ ૧૦માંનો એક એવો ૮૪૦ પૉઇન્ટનો કડાકો

મોદી સરકાર સાથે શૅરબજારનો હનીમૂન પિરિયડ પૂરો કે નવી મોટી તેજીનો ગોઠવાતો તખ્તો?

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

હોદ્દા માટે નવા પૈસાની લાયકાત ન હોવા છતાં કેવળ મીડિયોક્રસી અને સાયકોફન્સીના જોરે દેશના નાણાપ્રધાન તરીકે પાંચમું બજેટ રજૂ કરનાર અરુણ જેટલીના ઐતિહાસિક, વિકાસલક્ષી બજેટની પોલ વળતા દિવસે જ ખૂલી ગઈ છે. બજેટના દિવસે ૩પ,૯૧૦ પૉઇન્ટ નજીક બંધ રહેલું શૅરબજાર ગઈ કાલે નીચામાં ૩પ,૦૦૬ થઈ છેલ્લે સવાબે ટકાથી વધુ એવા ૮૪૦ પૉઇન્ટના કડાકામાં ૩પ,૦૬૭ આસપાસ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૧,૦૧૭ના આગલા બંધ સામે ૧૦,૭૩૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે રપ૬ પૉઇન્ટની ખુવારીમાં ૧૦,૭૬૦ આવ્યો છે. પૉઇન્ટની રીતે સેન્સેક્સમાં ૨૦૧૫ની ર૪ ઑગસ્ટે ૧૬ર૪ના વિક્રમી કડાકા પછીનો આ અઢી વર્ષનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો છે જે અત્યાર સુધીના ટૉપ ૧૦ કે લાર્જેસ્ટ ક્રૅશમાં નવમા સ્થાને આવે છે. ૨૦૧૫ની ૬ જાન્યુઆરીએ બજાર ૮પપ પૉઇન્ટ લથડ્યું હતું. આરંભથી અંત સુધી ભારે ખરાબીમાં રહેલા શૅરબજારના તમામ ઇન્ડેક્સ માઇનસમાં બંધ રહ્યા છે. ગઈ કાલની ખુવારીમાં માર્કેટ કંપની રીતે રોકાણકારોના ૪.૪૮ લાખ કરોડ સ્વાહ થઈ ગયા છે. રોકડામાં ભારે કકળાટ જોવાયો છે. ગઈ કાલનો સમગ્ર માહોલ જોતાં ઘણાને લાગે છે કે મોદી સરકાર સાથે શૅરબજારના હનીમૂનનાં હવે વળતાં પાણી છે. ખાડે જવાના આરે આવેલા અર્થતંત્રને ઉગારી શકે એમાંનું કશું જ બજેટમાં નથી. રિયલ ઇકૉનૉમીની ફિકર હવે પછી બજાર પર હાવી થશે. જોકે કેટલાકને કંઈક જુદી જ ચાલ દેખાય છે. તેમના મતે બજારમાં નવી મોટી તેજીનો તખ્તો ગોઠવાવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ કવાયતને રિયલ ઇકૉનૉમી સાથે કોઈ નિસ્બત નથી. બસ, નાણાંની કોથળીના જોરે વધુ ને વધુ પૈસા કેમ બનાવવા એના ખેલ ખેલવામાં આ ટોળકી ઘણી કાબેલ છે. ચૂંટણી પહેલાં શૅરબજારમાં હજી ઘણાં નવાં વિક્રમી શિખર સર થવાનાં બાકી છે. મોદી સરકારના રંગ-ઢંગ અગર તો ચાલ-ચરિત્ર અને ચહેરાને જોતાં બીજી વાતમાં વજૂદ તો છે જ દોસ્ત...

સ્મૉલ કૅપ સવાચાર ટકા તૂટ્યો

બજારની શુક્રવારની ઑલરાઉન્ડ ખરાબીમાં રોકડું ભારે ખુવાર થયું છે. સેન્સેક્સ-નિફ્ટીના સવાબે ટકા પ્લસના ધોવાણ સામે નિફ્ટી મિડ કૅપ-૫૦ ખાતે પ૦માંથી ૪૬ શૅરમાં પોણાઆઠ ટકા સુધીનો કડાકો નોંધાતાં પ.૩ ટકા લથડ્યો હતો. નિફ્ટી મિડ કૅપ-૧૦૦ સવાચાર ટકા તો નિફ્ટી સ્મૉલ કૅપ-૧૦૦ છ ટકા તૂટ્યા હતા. BSE ખાતે મિડ કૅપ બેન્ચમાર્ક ૯૪માંથી ૯૦ શૅરની બુરાઈમાં ૬૯૬ પૉઇન્ટ કે ચાર ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮૪૬માંથી ફક્ત ર૮ શૅરના સુધારામાં ૮૭૦ પૉઇન્ટ કે ૪.૭ ટકા ડુલ થયો છે. બ્રૉડર-માર્કેટનું બેરોમીટર એવો BSE-૫૦૦ ગઈ કાલે ૪૪૩ પૉઇન્ટ કે ત્રણેક ટકા ધોવાયો હતો. અહીં પ૦૧ જાતોમાંથી ૪૭૭ સ્ક્રિપ્સ માઇનસ હતી.

બજેટમાં રપ૦ કરોડ રૂપિયા કરતાં ઓછું નેટ વેચાણ કે ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર ૩૦ ટકાના બદલે રપ ટકાના વેરાની જોગવાઈ કરાઈ છે. બેઝ યર ર૦૧૬-’૧૭ છે. એક અંદાજ પ્રમાણે BSE ખાતે લિસ્ટેડ કંપનીઓમાંથી લગભગ ર૭૦૦ કંપનીઓનું ટર્નઓવર રપ૦ કરોડ રૂપિયાથી ઓછું હેાવાથી એ પાંચ ટકાના ટૅક્સ-કટનો લાભ લેવાને પાત્ર ગણી શકાય છે. જોકે આ ર૭૦૦માંથી હાલમાં ખરેખર કેટલી કંપનીઓમાં સોદા પડે છે અને નિયમિત ટ્રેડિંગ થાય છે એ એક મુદ્દાનો સવાલ છે. ૬ર લાખથી વધુ સ્મૉલ અને મીડિયમ કંપનીઓ ખરેખર ફાયદામાં રહેવાની હોય તો ગઈ કાલના ધોવાણને શું કહીશું? કાં તો બન્ને બજારોના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા છે. નાણાપ્રધાન જુઠ્ઠા છે અગર તો પછી બજાર ખોટું છે.

એક શૅર વધ્યો, સામે દસ જાતો ગગડી


અત્યંત ખરાબ માર્કેટ-બ્રેડ્થ ગઈ કાલે જોવા મળી છે જેમાં વધેલા પ્રત્યેક શૅર સામે દસ કાઉન્ટર ઢીલાં હતાં. NSE ખાતે કુલ ૧પપ૦ શૅરમાં સોદા પડ્યા હતા જેમાં વધેલા શૅરની સંખ્યા ૯૦ અને ઘટેલી જાતો ૧૪૪૩ હતી. ‘બી’ ગ્રુપ ખાતેના શૅરમાંથી માંડ પાંચ ટકા શૅર સુધર્યા હતા. સેન્સેક્સ, નેક્સ્ટ-૧૦, BSE-૧૦૦, BSE-૨૦૦, BSE-૫૦૦, બૅન્કેક્સ, ઑટો, બેઝિક મટીરિયલ્સ, કૅપિટલ ગુડ્સ, કાર્બોનેટ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકૅર, મેટલ, ઑઇલ-ગૅસ, પાવર, PSU, લાર્જ કૅપ, રિયલ્ટી, ટેલિકૉમ, યુટિલિટી સહિત લગભગ તમામ ઇન્ડાઇસિસ ખાતે ૯૦થી ૧૦૦ ટકા જાતો ઘટાડામાં બંધ આવી છે. વાત અહીં નથી અટકતી. પ૪૩ શૅર ગઈ કાલે મંદીની સર્કિટમાં બંધ રહ્યા છે. મતલબ કે ગઈ કાલે BSE ખાતે જેટલા શૅરમાં ટ્રેડિંગ થયું હતું એમાંથી પ્રત્યેક પાંચમો શૅર નીચલી સર્કિટે બંધ હતો. સેન્સેક્સમાંના ૩૧માંથી ત્રણ શૅર વધ્યા હતા જેમાં TCS દસ રૂપિયા જેવા ૦.૩ ટકાના પરચૂરણ સુધારામાં મોખરે હતો. ૧૮ જાતો અઢી ટકાથી લઈ પાંચેક ટકા સુધી ખરડાઈ હતી. નિફ્ટી-૫૦ના પ૦માંથી ૪પ શૅર ડાઉન હતા એમાંથી ર૮ આઇટમ અઢીથી પોણાછ ટકા તૂટી હતી. નિફ્ટી ખાતે ટેક મહિન્દ્ર એક ટકાની નજીકના સુધારામાં ૬૧૭ રૂપિયાનો બંધ આપીને મોખરે હતો.

PC જ્વેલર્સમાં ર૪ ટકાની ધુલાઈ


ગઈ કાલે PC જ્વેલર્સમાં ભારે ઊથલપાથલ સાથે મંદીનું તોફાન જોવા મળ્યું છે. ભાવ ૪૮૩ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૪૬૮ રૂપિયા ખૂલી એક જ કલાકમાં સડસડાટ ગગડી ૧૯પ રૂપિયા થઈ ગયો હતો અને ત્યાંથી બીજા એક કલાકના બાઉન્સબૅકમાં ૪રર રૂપિયા બોલાયો હતો. છેલ્લે શૅર ર૪.૪ ટકા કે ૧૧૮ રૂપિયાની ખુવારીમાં ૩૬૬ રૂપિયાની અંદર બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૪૧૭ લાખ શૅરના કામકાજ થયા હતા. ગયા સપ્તાહે આ કંપનીમાં વકરાંગી લિમિટેડ દ્વારા શૅરદીઠ પ૬૧ રૂપિયા પ્લસના ભાવે ૧૧ર કરોડ રૂપિયામાં વીસેક લાખ શૅર ખરીદાયા હતા. પ્રાઇસ મેનિપ્યુલેશનના મામલે સેબી તેમ જ બજાર સત્તાવાળા તરફથી વકરાંગી સામે તપાસ શરૂ થઈ હોવાના અહેવાલ છે. શૅરનો ભાવ ર૪ જાન્યુઆરીએ પ૧પ રૂપિયાની વિક્રમી સપાટીથી ગગડી ગઈ કાલે ૧૦ ટકાની મંદીની નીચલી સર્કિટમાં ર૬૩ રૂપિયા બંધ આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં નીચલી સર્કિટ લાગી રહી છે. વકરાંગીના પ્રમોટર્સ આ અગાઉ વર્ષો પહેલાં વિવાદના કુંડાળામાં સપડાઈ ચૂક્યા છે. ભૂતકાળની છાપ જરાક તોફાની છે. વકરાંગીની એન્ટ્રીમાં PC જ્વેલર્સની ચમક ખરડાઈ છે. PC જ્વેલર્સનો શૅર ગયા મહિનાની ૧૬ તારીખે ૬૦૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. સોમવારે ભાવ પ૬૪ રૂપિયા નજીક હતો જે સળંગ ચાર દિવસથી રેડ ઝોનમાં બંધ આવી રહ્યો છે.

બજાજ ઑટો વિક્રમી સપાટીથી લથડ્યો

બજાજ ઑટો દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૦૭ર કરોડ રૂપિયાની એકંદર ધારણા સામે કન્સોલિડેટડ ધોરણે ૩.૭ ટકા જેવા નહીંવત વધારામાં ૧૦૧૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાતાં શૅર પાંચ ટકા કે ૧૬૭ રૂપિયા તૂટીને ૩૪૭ર રૂપિયાની નવી વિક્રમીએ ગયો હતો જે રિઝલ્ટ પછી એક તબક્કે ત્રણસો રૂપિયાના કડાકામાં ૩૧૭ર રૂપિયા દેખાયો હતો. આ ઉપરાંત ગઈ કાલે મોટા વૉલ્યુમ સાથે સિયેટ ર૩૪ રૂપિયા, ભારત અર્થમૂવર ૧૬૯ રૂપિયા, હીરો મોટોકૉર્પ ૧૧૦ રૂપિયા, યુકેન પ૧૭ રૂપિયા, તિરુમલાઈ કેમિકલ્સ ૧ર૬ રૂપિયા, બૉમ્બે બર્મા ૧૪ર રૂપિયા, વેલકાસ્ટ સ્ટીલ ૧૦૮ રૂપિયા, GRP લિમિટેડ ૧૬પ રૂપિયા, ફિલિપ્સ કાર્બન ૧૧પ રૂપિયા, વેન્ડ ૩૧૮ રૂપિયા, સુમિત સિક્યૉરિટીઝ ૧૦ર રૂપિયા, સાંડૂર મૅન્ગેનીઝ ૧૧૦ રૂપિયા, બાર ક્રૉપ સાયન્સ ૪ર૩ રૂપિયા, ફૉબ્સર્‍ ઍન્ડ કંપની ૩૪૮ રૂપિયા, લૉરેન્સ ઇન્વેસ્ટેક ૧૮૩ રૂપિયા, PVR ૧૧૩ રૂપિયા, બંગાલ ઍન્ડ આસામ કંપની ૧૯ર રૂપિયા, નૅશનલ પૅરોક્સાઇડ ૧પ૪ રૂપિયા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ ૧પ૭ રૂપિયા ઘટ્યા હતા. MRF નીચામાં ૬૮,૧૮૮ રૂપિયા થઈ છેલ્લે ર૬પ૪ રૂપિયા કે ૩.૭ ટકા તૂટીને ૬૯,રપ૯ રૂપિયા બંધ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK