ફ્લૅટ માર્કેટમાં PSU બૅન્ક શૅર નોંધપાત્ર ખરાબીમાં

આયર્ન ઓરના ભાવવધારાથી સ્ટીલ શૅરોમાં નરમાઈ : ડૉલર સામે રૂપિયામાં ૬૩.૫૧નું અઢી વર્ષનું બેસ્ટ લેવલ જોવા મળ્યું : અનિલ અંબાણી ગ્રુપના શૅરમાં પ્રૉફિટ-બુકિંગનો આરંભ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

૨૦૧૮ના આરંભે લાર્જ કૅપ અને બેન્ચમાર્ક બેઝ્ડ અગ્રણી શૅરોમાં છેલ્લી ઘડીની વેચવાલીના પ્રેશરમાં ઘટેલું શૅરબજાર ગઈ કાલે ફ્લૅટ બંધ રહ્યું છે. સેન્સેક્સ માંડ અડધો પૉઇન્ટ ઘટીને ૩૩,૮૧૨, તો નિફ્ટી સાડાછ પૉઇન્ટ વધીને ૧૦,૪૪૨ બંધ આવ્યા છે. પ્રથમ દૃષ્ટિએ બજાર ટકેલું કહી શકાય, પરંતુ આંતરપ્રવાહ કંઈક જુદો જ દેખાયો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૪ તો નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર ગઈ કાલે પ્લસ હતા. સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ તો નિફ્ટી સ્મૉલ અને નિફ્ટી મિડ કૅપ પોણાથી એક ટકો ઢીલા થયા છે. રોકડાની આ ખરાબીની અસર હેઠળ માર્કેટ-બ્રેડ્થ બગડી છે. BSE ખાતે વધેલા પ્રત્યેક શૅર સામે બે શૅર ડાઉન હતા. NSE ખાતે ૫૨૧ શૅર વધ્યા હતા સામે ૧૦૫૫ કાઉન્ટર નરમ હતાં. વિશ્વબજારમાં ક્રૂડ ત્રણ વર્ષની ટોચે ગયું છે. રાજકોષીય ખાધ પ્રથમ આઠ મહિનામાં બજેટ લક્ષ્યાંક સામે ૧૧૨ ટકાએ પહોંચી છે અને આમ છતાં ડૉલરની સામે રૂપિયો વધીને ૬૩.૫૧ના અઢી વર્ષની ઊંચી સપાટી બનાવે છે. આ સમજાય એવું નથી.

વડીલ બંધુની કૃપાદૃષ્ટિના પગલે અનિલ અંબાણી ગ્રુપના શૅર અતિ ટૂંકા સમયમાં મોટી છલાંગ મારી લીધા પછી થાકોડે ચડ્યા હોય એમ ગઈ કાલે સારા એવા પ્રત્યાઘાતી ઘટાડાનો ભોગ બન્યા હતા. R.કૉમની રિલાયન્સ હોમ, રિલાયન્સ પાવર, રિલાયન્સ નવેલ, રિલાયન્સ નિપ્પોન જેવી જાતો ચારથી નવ ટકા તૂટી હતી. ગઈ કાલે બૅન્ક-નિફ્ટી વીસ પૉઇન્ટ વધીને બંધ આવ્યો છે, પંરતુ PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની નબળાઈમાં દોઢ ટકો ધોવાયો હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી કેવળ છ શૅર સુધર્યા છે જેમાં JK બૅન્ક સવાચાર ટકાની તેજી સાથે મોખરે હતો. PSU સેક્ટરની બે ડઝન બૅન્કોમાંથી એક પણ ગઈ કાલે વધી શકી નથી. ભારતી ઍરટેલ, આઇડિયા, તાતા ટેલિ., તાતા કમ્યુનિકેશન્સ એકથી ચાર ટકા ગગડતાં ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકો કટ થયો હતો. જોકે MTNL ૩૧ રૂપિયાની નવી ટોચે જઈ સાડાસાત ટકાના ઉછાળે ૩૦ રૂપિયા ઉપર બંધ હતો.

NMDCમાં ભાવવધારાથી કરન્ટ

માઇનિંગ-મિનરલ્સ બિઝનેસમાં પ્રવૃત્ત ૭૫ ટકા સરકારી માલિકીની ફ્પ્Dઘ્ દ્વારા જાન્યુઆરી મહિના માટે ફાઇન્સ ઓરના ભાવ ૨૨ ટકા તથા લમ્પ્સના ભાવ ૧૯ ટકા વધારવામાં આવતાં શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૪૯ રૂપિયા વટાવી અંતે ૫.૬ ટકાની મજબૂતીમાં ૧૪૮ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. અન્ય માઇનિંગ કંપની ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ આઠ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૨૧૮૪ રૂપિયા બતાવી છેલ્લે ૪.૮ ટકાના ઉછાળામાં ૨૦૬૪ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. તો MOIL બે ટકા નરમ અને સાન્ડ્રર મૅન્ગેનીઝ અડધો ટકો વધ્યો હતો. ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅર નરમ હોવા છતાં નહીંવત પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યો એમાં NMDCની તેજી મોટો ભાગ ભજવી ગઈ છે. ઓર તેમ જ લમ્પ્સના ભાવવધારાની અસરમાં સેઇલ, જિન્દલ સ્ટીલ, થ્લ્ષ્ સ્ટીલ સહિતના સંખ્યાબંધ સ્ટીલ શૅર મંગળવારે દોઢથી સાડાછ ટકા ડાઉન હતા. તાતા સ્ટીલ પોણા ટકાના સુધારામાં ૭૨૯ રૂપિયા બંધ હતો. કોલ ઇન્ડિયા વધ-ઘટે સુધારાની આગેકૂચ જારી રાખતાં ૨૭૧ રૂપિયા વટાવી છેલ્લે દોઢ ટકા વધીને ૨૭૦ રૂપિયા રહ્યો છે.

બ્રેન્ટ ક્રૂડ ડિસેમ્બર ૨૦૧૪ પછીના નવા શિખરે

ત્રણેક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ ૬૧ ડૉલર પરથી દસેક ટકા વધીને ૬૭ ડૉલરને વટાવી ગયું છે. વિશ્વબજારમાં ભાવ ગઈ કાલે ૬૭.૨૯ ડૉલર થયો હતો જે પાંચ ડિસેમ્બર ૨૦૧૪ પછીની ટોચ છે. રનિંગમાં નહીંવત સુધારામાં ક્રૂડ ૬૬.૯૦ ડૉલર દેખાતું હતું. નાયમેક્સ ક્રૂડ પણ બેરલદીઠ ૬૦.૭૪ ડૉલરના ડિસેમ્બર ૨૦૧૪ પછીના બેસ્ટ લેવલે બોલાયું છે. ક્રૂડના ભાવમાં તેજી બરકરાર રહે તો એ આપણાં અર્થતંત્ર અને શૅરબજાર માટે બદકિસ્મત પુરવાર થવાનું છે. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૬,૩૧૫ની ઇન્ટ્રા-ડે ટોચથી નીચામાં ૧૬,૦૫૯ થઈ છેલ્લે અડધો ટકો ઘટી ૧૬,૧૩૮ બંધ આવ્યો છે. એના ૧૦માંથી માત્ર બે શૅર પ્લસ હતા. ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રો., IOC, પેટ્રોનેટ-LNG, ઇન્દ્રપ્રસ્થ ગૅસ જેવી જાતો પોણાથી બે ટકા ડાઉન હતી. એકમાત્ર ONGC ૨.૪ ટકાની મજબૂતીમાં ૧૯૭ રૂપિયા થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫ પૈસાની પરચૂરણ નરમાઈમાં ૯૧૧ રૂપિયા હતો. MRPL બે ટકા ડાઉન હતો. વિશ્વબજારમાં ક્રૂડની તેજી ઑઇલ એક્સ્પ્લોરેશન સેગમેન્ટ માટે સારા સમાચાર ગણાય છે. જિન્દલ ડ્રિલિંગ, અબાન ઑફશૉર, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન, સેલાન એક્સ્પ્લોરેશન, ગ્લોબલ ઑફશૉર જેવાં કાઉન્ટર્સ એકથી પાંચ ટકા ઊંચકાયાં હતાં.

તાતા મોટર્સમાં વેચાણના સારા આંકડાની હૂંફ મળી

તાતા મોટર્સ દ્વારા ડિસેમ્બર મહિનામાં ઘરઆંગણે વાહનોનું કુલ વેચાણ બાવન ટકા વધીને ૫૪,૬૨૭ નંગ નોંધાયું છે જેમાં વેપારી વાહનોનું વેચાણ ૬૨ ટકાના વૃદ્ધિદરમાં ૪૦,૪૪૭ નંગ થયું છે. વેપારી વાહનોની નિકાસ ૨૬ ટકા વધી છે. વેચાણના સારા આંકડા પાછળ શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૪૪૦ રૂપિયા વટાવી છેલ્લે ત્રણ ટકા વધીને ૪૩૮ રૂપિયા હતો. તાતા મોટર્સનો DVR પણ ૨૫૫ રૂપિયા નજીક જઈ અંતે ૪.૨ ટકાની મજબૂતીમાં ૨૫૩ રૂપિયા હતો. અન્ય ઑટો કંપની TVS મોટર્સનું વેચાણ ગયા મહિને ૩૯ ટકાના તગડા વધારામાં ૨.૫૭ લાખ નંગ નજીક પહોંચતાં ભાવ રૂ.૭૯૫ની સર્વોચ્ચ સપાટી બતાવી છેલ્લે સવા ટકાના સુધારામાં ૭૭૫ રૂપિયા આવ્યો છે. બજાજ ઑટોનું કુલ વેચાણ ડિસેમ્બર મહિનામાં ૩૦ ટકા વધ્યું છે જે બહુધા ૧૮૭ ટકાના દરે વધેલા વેપારી વાહનોના વેચાણને આભારી છે. બાઇકનું વેચાણ માત્ર ૧૩ ટકા અને એમાંય સ્થાનિકમાં તો ફક્ત છ ટકા જ વધ્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૩૪૪ રૂપિયા થઈ અંતે નહીંવત વધી ૩૨૯૫ રૂપિયા હતો. હીરો મોટોકૉર્પના આંકડાની રાહ જોવાતી હતી. શૅર ગઈ કાલે એક ટકો ઘટીને ૩૭૩૪ રૂપિયા બંધ હતો. મારુતિ સુઝુકીમાં સાધારણ વેચાવૃદ્ધિ પાછળ ભાવ બીજા દિવસની નરમાઈમાં નીચામાં ૯૫૩૧ રૂપિયા થઈ અંતે સવા ટકાની વધુ પીછેહઠમાં ૯૫૪૫ રૂપિયા હતો. અશોક લેલૅન્ડ પોણાચાર ટકા વધ્યો હતો. આઇસર મોટર્સ પણ વેચાણના વસવસા પાછળ ૩૦૩૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૮,૬૦૦ થઈ છેલ્લે ૪ ટકા કે ૧૨૦૪ રૂપિયા ખરડાઈને ૨૮,૬૯૭ રૂપિયા રહ્યો છે.

લાર્સન ગ્રુપના શૅર નવા ઊંચા શિખરે

છેલ્લા કેટલાક સમયથી લાર્સન ગ્રુપના શૅર ઝમકમાં છે. ઇશ્યુ બાદ નરમાઈમાં સરી પડેલા લાર્સન ઇન્ફોટેક ૧૧ મહિના પૂર્વે ૬૫૩ રૂપિયાના ઑલટાઇમ તળિયાથી સુધારાની ચાલ કામે લાગતાં વધતો રહીને ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૧૨૨૯ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે પોણો ટકો વધીને ૧૧૫૫ રૂપિયા બંધ આવ્યો છે. ગયા મહિને ૭ ડિસેમ્બરે ભાવ નીચામાં ૯૬૧ રૂપિયા થયો હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. કંપનીમાં લાર્સનનું હોલ્ડિંગ ૮૪ ટકા છે. અન્ય ગ્રુપ કંપની લાર્સન ટુબ્રો ટેક્નૉલૉઝિસ ગઈ કાલે છ ગણા વૉલ્યુમમાં ૧૧૪૧ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે ત્રણ ટકાની આગેકૂચમાં ૧૦૯૯ રૂપિયા રહ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ૧૩ જૂને ગયા વર્ષે ૬૭૧ રૂપિયાના ઑલટાઇમ તળિયે હતો. પ્રમોટર્સ તરીકે લાર્સન અહીં ૮૯.૫ ટકા હિસ્સો ધરાવે છે. ઉક્ત હોલ્ડિંગ પેટર્ન જોતાં પબ્લિક હોલ્ડિંગ સંબંધે સેબીના નિયમ પ્રમાણે આ બન્ને કંપનીઓમાં લાર્સન તરફથી ડાઇવેસ્ટમેન્ટ ગમે ત્યારે આવી શકે છે. તાજેતરમાં ૨૭ ડિસેમ્બરે લાર્સનનો ભાવ ૧૨૭૫ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. શૅર ગઈ કાલે ૧૨૭૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૧૨૪૩ રૂપિયા થઈ છેલ્લે એક ટકો ઘટી ૧૨૪૯ રૂપિયા બંધ હતો. લાર્સનનું ૬૪.૨ ટકા હોલ્ડિંગ ધરાવતી L&T ફાઇનૅન્સ ગઈ કાલે દોઢ ટકા ઘટી ૧૭૦ રૂપિયા બંધ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK