૩૦૦ પૉઇન્ટની ખરાબી સાથે બજારમાં ડિસેમ્બર વલણનો આરંભ

BSEના શૅરમાં બ્રોકરેજ હાઉસનો બુલિશ વ્યુ : સેન્સેક્સના ૩૧માંથી ૨૮ શૅર તથા તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં : PSU બૅન્ક નિફ્ટીમાં સવાબે ટકાથી વધુની ખરાબી

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ પાંચ ક્વૉર્ટરની પીછેહઠ બાદ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ભારતનો GDP ગ્રોથ-રેટ અડધા ટકાથી વધુના બાઉન્સબૅકમાં ૬.૩ ટકા જાહેર થયો છે. નવેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા કે PMI ઇન્ડેક્સ ૫૨.૬ નોંધાયો છે જે ઑક્ટોબરમાં ૫૦.૩ હતો અને આ આંક ઑક્ટોબર ૨૦૧૬ પછીના ૧૩ મહિનાનું બેસ્ટ લેવલ છે. ઑટો કંપનીઓ તરફથી ગયા મહિના માટે વાહનોના વેચાણના જે આંકડા જાહેર થઈ રહ્યા છે એ પણ સરસ છે. ઉત્તર પ્રદેશ ખાતે નગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામોમાં BJP સારી એવી સરસાઈમાં ચાલી રહી છે. આ તમામ સારા સમાચાર છતાં શૅરબજાર ગઈ કાલે ૩૧૬ પૉઇન્ટ ગગડી ૩૨,૮૩૩ નજીક તો નિફ્ટી ૧૦૫ પૉઇન્ટ ખરડાઈને ૧૦,૧૨૨ની અંદર બંધ આવ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૩,૩૦૧ની ટોચથી ૫૦૩ પૉઇન્ટ તથા નિફ્ટી ૧૦,૨૭૩ની હાઈથી ૧૬૪ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. ડિસેમ્બર વલણના આટલા ખરાબ આરંભ માટે જાણકારો ગુજરાતના ઇલેક્શન તરફ આંગળી ચિંધે છે. પ્રચાર તંત્રમાં ભલે ગમે એ કહેવાતું હોય, દેખાડાતું હોય; પરંતુ અંદરખાને ચિત્ર જુદું છે અને આના અણસાર હવે સટ્ટાબજારમાં પણ દેખાવા શરૂ થયા છે.

ગઈ કાલે સેન્સેક્સ ખાતે કોટક મહિન્દ્ર બૅન્ક, NTPC તથા મારુતિ નામ કે વાસ્તે સુધારાને બાદ કરતાં બાકીના ૨૮ શૅર માઇનસ હતા જેમાંથી ડઝન જાતો દોઢથી ત્રણ ટકા ડાઉન હતી. નિફ્ટીના ૫૦માંથી ૪૨ શૅર ઘટ્યા હતા. અંબુજા સિમેન્ટ અત્રે અડધા ટકાના સુધારામાં વધેલા આઠ શૅરમાં મોખરે હતો. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી બગડી છે. NSE ખાતે ૧૮૦૬ શૅરના સોદા પડ્યા હતા એમાં વધેલા શૅરની સંખ્યા ત્રીજા ભાગની પણ ન હતી. BSE તેમ જ NSE ખાતે તમામ ઇન્ડાઇસિસ ગઈ કાલે રેડ ઝોનમાં બંધ રહ્યા છે. બૅન્ક નિફ્ટીના અડધા ટકાના ઘટાડાની સામે PSU બૅન્ક નિફ્ટી સર્વાધિક ૨.૩ ટકા તૂટ્યો હતો. નિફ્ટી ફાર્મા દસેદસ શૅરની નરમાઈમાં પોણાબે ટકાની નજીક, નિફ્ટી મિડ કૅપ સવા ટકો, IT ઇન્ડેક્સ દોઢ ટકો, મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા અને નિફ્ટી મીડિયા બેન્ચમાર્ક બે ટકા ખરડાયા હતા. બાય ધ વે, આટલા ખરાબ બજારમાં પણ BSE ખાતે ૨૧૫ શૅર તેજીની સર્કિટમાં તો ૧૫૫ જાતો નીચલી સર્કિટે બંધ હતી. ૧૯૩ શૅરના ભાવ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગયા હતા. સામે ૪૦ કાઉન્ટરમાં નવાં નીચાં તળિયાં બન્યાં હતાં. આ સાથે સપ્તાહ અઢી ટકાના ત્રણ મહિનાના મોટા નેગેટિવ રિટર્ન સાથે બજારમાં ગઈ કાલે વિદાય પામ્યું છે. 

નેગેટિવ રિટર્નનો સિલસિલો આગળ વધશે

છેલ્લાં ત્રણ વર્ષથી શૅરબજાર માટે ડિસેમ્બર મહિનો નેગેટિવ રિટર્નનો નીવડ્યો છે. ૨૦૧૪ના ડિસેમ્બરમાં નિફ્ટી ૩.૨ ટકા તો ત્યાર પછીનાં બે વર્ષ દરમ્યાન ડિસેમ્બર મહિનામાં ૦.૧ ટકાની આસપાસ ડાઉન ગયો હતો. જોકે ૨૦૦૭થી લઈને ૨૦૧૬ સુધીનાં ૧૦ વર્ષ દરમ્યાન ડિસેમ્બર મહિનામાં બજારની ચાલ પર નજર કરીએ તો ૧૦માંથી છ વખત માર્કેટ પ્લસમાં રહ્યું છે. સૌથી તગડો વધારો ૧૦.૩ ટકાનો છે જે ૨૦૦૮ના ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછું પૉઝિટિવ રિટર્ન ૨૦૧૨ના ડિસેમ્બરમાં ૦.૬ ટકા જોવાયું હતું. આ વખતે ડિસેમ્બર મહિનામાં સૌથી મોટો ખતરો ગુજરાતના ચૂંટણી પરિણામ બની શકે છે. અહીં BJPનાં બાવીસ વર્ષના શાસન પર પૂર્ણવિરામ મુકાઈ જાય તો બજાર સારું એવું બગડવાની દહેશત છે. બાકી રિઝવર્‍ બૅન્ક અને અમેરિકન ફેડની મીટિંગ, FIIના ક્રિસમસ મૂડના કારણે બજારમાં નબળું વૉલ્યુમ, માઇક્રો અને મૅક્રોઇકૉનૉમીની કમજોરી ઇત્યાદિ બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. ૬૨.૬૫ ડૉલરના ક્રૂડ માટેય બજાર માનસિક રીતે લગભગ તૈયાર થયેલું છે.

બજાજ ઑટોની વેચાણવૃદ્ધિ બેકાર ગઈ

બજાજ ઑટો દ્વારા નવેમ્બર મહિનામાં ૨૧ ટકાના વધારામાં ૩.૨૬ લાખ નંગ વાહનોનું વેચાણ હાંસલ કરાયું હોવા છતાં શૅર ગઈ કાલે ૩૩૪૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૩૨૦૨ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાની નબળાઈમાં ૩૨૧૨ રૂપિયા બંધ રહ્યો છે. તો મારુતિ સુઝુકી દ્વારા ગયા મહિને ૧૪ ટકાના વૃદ્ધિદરમાં ૧.૫૪ લાખ નંગ વાહનો વેચવામાં આવ્યાં છે. ભાવ ગઈ કાલે ૮૬૯૫ રૂપિયાની સર્વોચ્ય સપાટીની બરાબરી કરીને અંતે નહીંવત વધી ૮૬૦૭ રૂપિયા હતો. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ આ ગાળામાં ૨૧ ટકાના વધારામાં ૧૬,૦૩૦ નંગ વાહનોનું વેચાણ મેળવ્યું છે. શૅર ૧૪૧૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે નજીવા ઘટાડે ૧૪૦૯ રૂપિયા રહ્યો હતો. તો અશોક લેલૅન્ડ દ્વારા ૫૪ ટકાના તગડા વૃદ્ધિદરથી ગયા મહિને ૧૦,૬૪૧ નંગ વાહનો વેચવામાં આવ્યાંના સમાચારે ભાવ દોઢા કામકાજમાં ૧૨૩ રૂપિયા વટાવી અંતે પોણાબે ટકાની મજબૂતીમાં ૧૨૦ રૂપિયા બંધ હતો. આઇશર મોટર્સનું વેચાણ બાવીસ ટકા વધીને આવવા છતાં શૅર ૩૦,૩૬૪ રૂપિયા જેવી ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૨૯,૧૬૬ થઈ છેલ્લે સવાબે ટકાની ખરાબીમાં ૨૯,૩૦૨ હતો. એસ્કોર્ટ્સનું વેચાણ સાડાછ ટકા જેવું સાધારણ વધતાં શૅર ગઈ કાલે ૭૩૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૬૮૫ રૂપિયા થઈ અંતે ચારેક ટકા લથડીને ૬૮૯ રૂપિયા નજીક બંધ રહ્યો હતો. અન્ય ઑટો શૅરમાં તાતા મોટર્સ ૧.૪ ટકા અને હિરો મોટોકૉર્પ એક ટકા ડાઉન હતા. ટાયર કંપની MRF ૬૯,૧૨૦ રૂપિયા નજીકના ઉપલા મથાળેથી નીચામાં ૬૫,૭૩૦ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકા કે ૨૪૨૬ રૂપિયાની ખુવારીમાં ૬૬,૧૯૯ રૂપિયા રહ્યો હતો.

BSEના શૅરમાં બ્રોકરેજ હાઉસ બુલિશ

બ્રોકરેજ હાઉસ HDFC સિક્યૉરિટીઝ દ્વારા BSE લિમિટેડના શૅરમાં ૧૨૦૬ રૂપિયાના ટાગેર્ટ સાથે બુલિશ વ્યુ જારી થયો છે. ભાવ ગઈ કાલે ૫૧,૩૯૮ શૅરના વૉલ્યુમમાં ઉપરમાં ૯૩૫ રૂપિયા નજીક જઈ અંતે પોણાબે રૂપિયા વધીને ૯૩૦ રૂપિયા આસપાસ બંધ હતો. ત્રીજી ફેબ્રુઆરીએ ચાલુ વર્ષે આ કાઉન્ટર ૧૨૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયું હતું તો ત્રીજી માર્ચે ૮૮૬ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બની હતી. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૫૫૮ રૂપિયાથી વધુ છે. છેલ્લાં પાંચ વર્ષથી એની કૉર ટ્રેડિંગની આવક સરેરાશ વાર્ષિક ૧૬.૬ ટકાના દરે વધી રહી છે જે અન્ય લિસ્ટેડ એક્સચેન્જ MCXના ૧૩.૧ ટકા કરતાં વધુ છે. આમ છતાં, આગામી નાણાં વર્ષની અંદાજિત આવકના સંદર્ભમાં હાલમાં MCXનો શૅર ૨૧ના P/E ઉપર ચાલે છે, જ્યારે BSEનો ભાવ ૨૦ના P/E કરતાંય નીચે છે. MCXના ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૨૬૭ રૂપિયા જેવી છે. ભાવ ગઈ કાલે સાડાત્રણ રૂપિયા ઘટીને ૯૫૯ રૂપિયા આસપાસ બંધ રહેતાં પહેલાં ઉપરમાં ૯૭૫ રૂપિયા થયો હતો. 

મ્યુચ્યુઅલ ફન્ડોનું મિડ કૅપ શૅરમાં રોકાણ વધશે

સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફન્ડ તરફથી શૅરમાં કરાતા રોકાણ તેમ જ શૅરના વર્ગીકરણ બાબતના નવા ધોરણ જારી કરાયા છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA માને છે કે આના કારણે મિડ કૅપ સ્ટૉક્સમાં મ્યુચ્યુઅલ ફન્ડો તરફથી લગભગ ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું નવું ભંડોળ પ્રવાહિત થઈ શકે છે. એણે આ સંદર્ભમાં ગોદરેજ પ્રૉપર્ટીઝ, ક્રૉમ્પ્ટન ગ્રિવ્સ, ઍસ્ટ્રલ પોલિ, અરવિંદ લિમિટેડ, જ્યુબિલન્ટ ફૂડ્સ જેવી જાતો વધુ આકર્ષક ગણાવી છે. સેબીના સક્યુર્લર પ્રમાણે હવેથી માર્કેટ કૅપની રીતે ટોચની ૧૦૦ કંપનીઓ લાર્જ કેપ, ૧૦૧થી ૨૫૦મા ક્રમે આવતી કંપનીઓ મિડ કૅપ તેમ જ ૨૫૧ પછીના ક્રમે આવતી કંપનીઓ સ્મૉલ કૅપ તરીકે (મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા કરાતા રોકાણના હેતુસર) ગણાશે. નવા નિયમ અનુસાર જે-તે મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા એની સ્કીમ/કૅટેગરી પ્રમાણે પોતાની ઍસેટ્સનું એલોકેશન ઉપર દર્શાવેલા વર્ગીકરણ મુજબ કરવું પડશે. મલ્ટિ-કૅપ મ્યુચ્યુઅલ ફન્ડ માટે એની ઍસેટ્સના ૬૫ ટકા ભંડોળનું રોકાણ ઇક્વિટીમાં હોવું જરૂરી છે. લાર્જ કૅપ ડેડિકેટેડ મ્યુચ્યુઅલ ફન્ડ માટે ઍસેટ્સના કમસે કમ ૮૦ ટકા, લાર્જ અને મિડ કૅપ ફન્ડ માટે ૩૫ ટકા, લાર્જ કૅપ અને ૩૫ ટકા મિડ કૅપ કૅટેગરીના શૅરમાં, મિડ કૅપ ફન્ડ માટે ઍસેટ્સના ૬૫ ટકા મિડ કૅપ શૅરમાં તથા સ્મોલ કૅપ ફન્ડ માટે કમસે કમ ઍસેટ્સના ૬૫ ટકા હિસ્સાને સ્મૉલ કૅપ કૅટેગરીના શૅરમાં રોકવાનું હવે ફરજિયાત બને છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK