ગોલ્ડમૅન સાક્સ દ્વારા નિફ્ટીમાં નવો ટાર્ગેટ ૧૧,૬૦૦ કરાયો : સેન્સેક્સ-નિફ્ટી નવાં ઊંચાં શિખરે

રુચિ સોયામાં ટેકઓવરની હવાએ તેજીની આગેકૂચ : ચાર બૅન્ક-શૅરની તેજી બજારને ૧૮૭ પૉઇન્ટ ફળી : ડ્રેજિંગ કૉર્પોરેશનમાં સરકાર ૭૩.૫ ટકા હિસ્સો વેચી મારવા સક્રિય : નફામાં ૭૬ ટકાનું ધોવાણ થયું હોવા છતાં ભારતી ઍરટેલ દાયકાની ટોચેશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિશ્વબૅન્કની ઇઝ ડુઇંગ બિઝનેસની રૅન્કમાં ૩૦ સ્ટેપના હનુમાના જમ્પ સાથે ભારત ૧૦૦મા ક્રમે આવી જવાના સમાચારથી શૅરબજારમાં તેજીના ખેલાડીઓ વધુ જોરમાં આવ્યા છે. કોર સેક્ટરનો ગ્રોથ-રેટ પણ છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. જોકે PMI ડેટા સારા નથી આવ્યા, પરંતુ માર્કેટ તેજીના પ્રેમમાં પાગલ થયેલું છે. પ્રેમમાં વાસ્તવિકતા કામ કરતી નથી. તમારું માનસ એકદમ સિલેક્ટિવ બની જાય છે. બજાર આ ધોરણે વર્ચ્યુઅલ રિયલિટીમાં જીવી રહ્યું છે. સેન્સેક્સ ગઈ કાલે ૩૮૭ પૉઇન્ટના ઉછાળે ૩૩,૬૦૦ અને નિફ્ટી ૧૦૫ પૉઇન્ટની તેજીમાં ૧૦,૪૪૦ના બેસ્ટ લેવલે બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૩,૬૫૧ અને નિફ્ટી ૧૦,૪૫૧ પ્લસની વિક્રમી સપાટીએ ગયા હતા.  ગોલ્ડમૅન સાક્સ દ્વારા નિફ્ટીમાં ૧૧,૬૦૦નું નવું ટાર્ગેટ અપાયું છે. આ ધોરણે સેન્સેક્સ ૩૬,૦૦૦ની આસપાસનો થયો. આરંભથી અંત સુધી એકધારા મજબૂત રહેલા માર્કેટમાં ગઈ કાલે ઑટો, હેલ્થકૅર, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ત્વ્ ઇન્ડેક્સના નજીવા ઘટાડાને બાદ કરતાં તમામ બેન્ચમાર્ક પ્લસ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ છ વર્ષના શિખરે ગયા બાદ ત્રણ ટકા વધેલો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ચાર ટકાની નજીક તો બૅન્કેક્સ બે ટકા અપ હતા. મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા બાઉન્સબૅક થયો હતો. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૧૪૫ લાખ કરોડ રૂપિયાની નવી ટોચે પહોંચ્યું છે. BSE ખાતે ૧૫૨૬ શૅર વધ્યા હતા એમાંથી ૨૧૮ જાતો નવી ઐતિહાસિક સપાટીએ ગઈ હતી.

રુચિ સોયામાં ટેકઓવરની હવા


રુચિ સોયા ગઈ કાલે બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૧૯ લાખ શૅરના જંગી કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧૭ ટકાથી વધુના જમ્પમાં ૨૮.૩૦ રૂપિયા બંધ રહ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૨૮ રૂપિયા જેવી છે. કંપનીની બોર્ડ-મીટિંગ આજે ગુરુવારે કંપની ઍક્ટની કલમ ૨૩૦ અન્વયે સ્કીમ ઑફ અરેન્જમેન્ટ માટે મળવાની છે. કલમ ૨૩૦ ટેકઓવર સાથે સંબંધિત છે. કોઈક મોટા કૉર્પોરેટ ગૃહ (સંભવત: અદાણી ગ્રુપ) દ્વારા સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ મારફત કંપનીનું ટેકઓવર કરાય એવી શક્યતા ચર્ચાય છે. છેલ્લા ત્રણ દિવસથી શૅર વધતો રહી ૨૧.૫૦ રૂપિયાથી ૨૯ રૂપિયા નજીક પહોંચી ગયો છે. વધતા વૉલ્યુમ સાથે ડિલિવરીનો રેશિયો પણ વધવા લાગ્યો છે. ત્રિમાસિક પરિણામ માટેની બોર્ડ-મીટિંગ ૧૪ નવેમ્બરે છે.  

ડ્રેજિંગ કૉર્પોરેશનમાં તેજીની સર્કિટ


કેન્દ્ર સરકાર દ્વારા ડ્રેજિંગ કૉર્પોરેશનમાંનો સંપૂર્ણ હિસ્સો વેચી મારવાનું નક્કી થયાના અહેવાલ પાછળ શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૨ રૂપિયા જેવો ઊછળીને ૬૭૦ રૂપિયા નજીક બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૫૪૩ રૂપિયા છે. ૨૮ કરોડ રૂપિયાની ઇક્વિટીમાં સરકારનું હોલ્ડિંગ ૭૩.૫ ટકા છે. ગઈ કાલના બંધભાવ પ્રમાણે સરકારના હોલ્ડિંગની વૅલ્યુ ૧૩૭૯ કરોડ રૂપિયા બેસે છે. બન્ને બજાર ખાતે છેલ્લે લગભગ સાડાપાંચ લાખ શૅરના બાયર લાઇનમાં હતા. ૨૦૦૭ની ૧૫ નવેમ્બરે શૅર ૧૩૩૩ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો, જ્યારે ૨૦૧૩ની ૩૦ જુલાઈએ ૧૬૨ રૂપિયાનું ઑલટાઇમ બૉટમ બન્યુ હતું. છેલ્લા એક વર્ષની ટોચ ૨૦૧૭ની ૧૯ જૂને ૭૫૨ રૂપિયા અને બૉટમ ૨૦૧૬ની ૯ નવેમ્બરે ૩૬૦ રૂપિયા બની છે. ગયા વર્ષે કંપનીએ નબળા દેખાવમાં સ્ટૅન્ડઅલોન ધોરણે ૫૮૬ કરોડ રૂપિયાની આવક પર ૯૦ ટકા જેવા ધબડકામાં ૭૪૦ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો હતો. કંપનીએ અત્યાર સુધી બોનસ કે રાઇટ કર્યો નથી. રોજના સરેરાશ ૧૪,૦૦૦ શૅર સામે ગઈ કાલે BSE ખાતે ૪.૧૫ લાખ શૅરનું કામકાજ થયું હતું. જાણકારો આ કાઉન્ટરમાં નજીકમાં ચાર આંકડાનો ભાવ જુએ છે.

ભારતી ઍરટેલ દાયકાની ટોચે

ભારતી ઍરટેલ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૭૬ ટકાના ધબડકામાં ૩૪૩ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. નફામાં ઘટાડાનું આ સળંગ ચોથું ક્વૉર્ટર છે. જોકે કામગીરી ધારણા જેટલી ખરાબ ન રહેતાં તેમ જ વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૬૩૭ રૂપિયાના ટાર્ગેટ સાથે બાયની ભલામણ આવતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૫૪૪ રૂપિયા વટાવી ગયો હતો. ૨૦૦૭ની ૧૫ ઑક્ટોબરે ૫૬૩ રૂપિયા નજીકની સર્વોચ્ચ સપાટી પછીની ટૉપ પર છે. ભાવ છેલ્લે ૮.૨ ટકાના ઉછાળે ૫૩૮ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ચારગણું હતું. ગ્રુપ કંપની ભારતી ઇન્ફ્રાટેલ ૪૪૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પ્રૉફિટ-બુકિંગમાં ૩.૪ ટકા ઘટીને ૪૨૭ રૂપિયા બંધ હતો. અન્ય ટેલિકૉમ શૅરમાં આઇડિયા સેલ્યુલર અઢી ગણા વૉલ્યુમમાં ૧૦૦ રૂપિયા વટાવી અંતે ૬.૬ ટકાના જમ્પમાં ૯૯ રૂપિયા, MTNL ૫.૫ ટકાની મજબૂતીમાં ૨૨ રૂપિયા પ્લસ, તાતા ટેલિ સર્વિસિસ સળંગ ૧૪મા દિવસની ઉપલી સર્કિટમાં નવ રૂપિયા તથા તાતા કમ્યુનિકેશન્સ એક ટકો વધીને ૬૯૩ રૂપિયા બંધ હતા. આરકૉમ ડેટ રિપેમેન્ટની નવી તીકડમના પગલે આગલા દિવસનો ઊભરો શાંત થતાં ગઈ કાલે નીચામાં ૧૬.૭૫ રૂપિયા થઈ છેલ્લે એકાદ ટકો ઘટી ૧૭ રૂપિયા હતો.

યુનિકેમ વિક્રમી સપાટીએ


યુનિકેમ લૅબોરેટરીઝ ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૩૩૯ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૪.૩ ટકાની મજબૂતીમાં ૩૧૭ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીનો ૯૦૦ કરોડ રૂપિયા પ્લસનો ડોમેસ્ટિક ફાર્મા બિઝનેસ ૩૨૦૦ કરોડ રૂપિયાની આસપાસના ભાવે ખરીદવા ટૉરન્ટ ફાર્મા ઉત્સુક હોવાના અહેવાલ જોરમાં છે અને કંપનીઓ તરફથી આ અંગે ‘નરો વા કુંજરો વા’ની ભાષામાં રદિયો આપતાં સ્પક્ટીકરણ જારી કરાયા છે. કંપનીની બોર્ડ- મીટિંગ આમ તો ૩૧ ઑક્ટોબરે ત્રિમાસિક પરિણામ માટે મળવાની હતી, પરંતુ તારીખ બદલીને હવે એને ત્રીજી નવેમ્બરે રખાઈ છે. યોગાનું યોગ ટૉરન્ટ ફાર્માની બોર્ડ-મીટિંગ પણ ત્રીજી નવેમ્બરે છે. યુનિકેમના બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૧૧૭ રૂપિયા છે. જાન્યુઆરી ૨૦૦૪ પછી બોનસ આવ્યું નથી. કંપનીમાં પ્રમોટર્સ મોદી ફૅમિલીનું હોલ્ડિંગ ૫૦ ટકા છે. ગયા વર્ષે કન્સોલિડેશન ધોરણે ૧૫૧૯ કરોડ રૂપિયાની આવક પર ૧૦૮ કરોડ રૂપિયાનો નફો મેળવી કંપનીએ ૧૨ રૂપિયાની શૅરદીઠ કમાણી કરી હતી. ઇક્વિટી ૧૮૧૮ લાખ રૂપિયા છે. ટૉરન્ટ ફાર્માનો શૅર ગઈ કાલે ૧૨૯૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છેલ્લે એક ટકો વધીને ૧૨૮૫ રૂપિયા બંધ હતો.

બૅન્ક-શૅર ફરીથી તોફાને ચડ્યા


ગઈ કાલે બૅન્કેક્સ ૨૮,૯૭૧ની નવી વિક્રમી સપાટી બનાવી બે ટકા કે ૫૬૯ પૉઇન્ટ ઊછળી ૨૮,૮૫૩ તો બૅન્ક નિફ્ટી ૨૫,૫૪૯ની ઑલટાઇમ ટોચે જઈ ૧.૯ ટકા કે ૪૭૧ પૉઇન્ટના જમ્પમાં ૨૫,૪૯૦ બંધ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી પોણાબે ટકા વધ્યો હતો. સામે PSU બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની આગેકૂચમાં ૩.૬ ટકા ઊંચકાયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી સાત શૅર ડાઉન હતા જેમાં સિટી યુનિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક તથા જેકે બૅન્ક એકથી દોઢેક ટકાની નજીકની નરમાઈમાં મોખરે હતા. મર્જર માટે નવેસરથી શ્રીરામ ગ્રુપ સાથે વાટાઘાટના નિર્દેશના પગલે IDFC બૅન્ક સાડાપાંચ ગણા કામકાજમાં દસેક ટકાની તેજીમાં ૬૨ રૂપિયા પ્લસ અને IDFC પોણાત્રણ ટકા વધી ૬૫ રૂપિયા નજીક રહ્યા હતા. સારાં પરિણામ પાછળ વિજયા બૅન્ક અને સિન્ડિકેટ બૅન્ક સાડાઆઠ ટકા મજબૂત હતો. અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, યુકો બૅન્ક, IDBI બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક અઢીથી છ ટકા અપ હતા. ICICI બૅન્ક ૪.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૪.૬ ટકા, ઍક્સિસ બૅન્ક બે ટકા અને HDFC બૅન્ક અડધા ટકાથી વધુ પ્લસ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૧૮૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો.

બિટકૉઇન ૬૬૦૦ ડૉલરની પાર


બિટકૉઇનમાં વેગીલી તેજી કામે લાગી છે. લગભગ રોજેરોજ ભાવ નવી વિક્રમી સપાટી સર કરી રહ્યા છે જેમાં ગઈ કાલે ૬૬૩૪ ડૉલરના નવા શિખરે જોવાયો છે. આ લખાય છે ત્યારે બે ટકાની મજબૂતીમાં રનિંગ ક્વોટમાં ૬૬૧૦ ડૉલરનો રેટ દેખાતો હતો. ભારતીય કરન્સીમાં બિટકૉઇનનો રેટ ૫.૦૯ લાખ રૂપિયાના બેસ્ટ લેવલે જઈ રનિંગમાં ૪.૭૫ લાખ રૂપિયા બોલાતો હતો. બાય ધ વે, ૧૫ સપ્ટેમ્બરે બિટકૉઇન દસ દિવસના કડાકામાં ૫૦૧૪ ડૉલરની ટોચથી ગગડીને ૨૯૫૧ ડૉલર થઈ ગયો હતો. ભારતીય ચલણમાં રેટ ૩.૪૫ લાખ રૂપિયાથી દસેક દિવસમાં તૂટીને ત્યારે નીચામાં ૧.૭૦ લાખ રૂપિયા આસપાસ થઈ ગયા હતા. હવે દોઢ મહિનામાં જ બિટકૉઇન ડૉલરની રીતે સવાબે ગણો અને રૂપિયાની રીતે ત્રણ ગણો થઈ ગયો છે.

છેલ્લા એક સપ્તાહમાં બિટકૉઇન નીચા મથાળેથી ૧૧૫૦ ડૉલર, મહિનામાં ૨૨૨૫ ડૉલર, ત્રણ મહિનામાં ૩૯૨૫ ડૉલર અને એક વર્ષમાં ૫૯૨૫ ડૉલર વધ્યો છે. ભાવ વર્ષ પૂર્વે નીચામાં ૬૭૩ ડૉલર હતો અને જાન્યુઆરી ૨૦૧૩ના આરંભે તો બિટકૉઇન માત્ર સાડાતેર ડૉલરમાં મળતો હતો. ગઈ કાલે સમગ્ર ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ૧૮૪ અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે જેમાં એકલા બિટકૉઇનનો હિસ્સો ૧૧૦ અબજ ડૉલર કરતાં વધુનો છે.

બિટકૉઇનના વિભાજનમાંથી અસ્તિત્વમાં આવેલ બિટકૉઇન કૅશનો ભાવ ગઈ કાલે સાડાબાર ટકાના ઉછાળે ૪૯૯ ડૉલર તથા બિટકનેક્ટનો રેટ છ ટકા વધીને ૨૪૪ ડૉલર ચાલતો હતો. ઇથર સાડાત્રણ ટકાની નરમાઈમાં ૨૯૭ ડૉલર, રિપ્પલ ત્રણ ટકા ઘટીને ૧૯૭ સેન્ટ, લાઇટકૉઇન ત્રણ ટકાની પીછેહઠમાં ૫૪.૭૪ ડૉલર તથા ડેશ પોણાત્રણ ટકાના ઘટાડે ૨૭૪ ડૉલર દેખાતા હતા. ક્રિપ્ટો સેગમેન્ટમાં હાલમાં કુલ મળીને ૧૨૪૪ જેટલી વર્ચ્યુઅલ કરન્સી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK