ફન્ડામેન્ટલ્સ નબળાં, લિક્વિડિટી ગુમ અને સેન્ટિમેન્ટ શુષ્ક : શૅરબજાર કોના જોરે વધે?

સરકાર સામે આર્થિક અને રાજકીય દૃષ્ટિએ મુસીબતો ટોળાંમાં આવી રહી છે : એક તરફ રાજકીય દબાણ અને આંતરિક વિવાદો, બીજી તરફ આર્થિક સમસ્યાઓ અને ત્રીજી તરફ ગ્લોબલ ઇશ્યુઝની અસરો વચ્ચે બજાર કરેક્શન અને કન્સોલિડેશન મોડમાં આવી ગયું છે. રોકાણકારો હજી કરેક્શનની રાહ જોતા બેઠા છે અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ દરેક ઘટાડામાં ખરીદી કરતાં જાય છે. આગામી સપ્તાહમાં પણ ટ્રેન્ડ કંઈક આવો જ રહેવાની ધારણા છે. શૉર્ટ ટર્મ માટે સાવચેતી જરૂરી છે

Image result for BSE Midday

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

ગયા સપ્તાહથી બજારમાં કરેક્શન આગળ વધ્યું હતું. એ પહેલાં સપ્તાહના છેલ્લા દિવસે ૪૫૦ પૉઇન્ટ નીચે સેન્સેક્સ ઊતરી ગયો હતો અને નિફ્ટી ફરીથી ૧૦,૦૦૦ની નીચે આવી ગયો હતો. વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે આ ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. મંગળવારે વધ-ઘટ બાદ આખરે બજાર સાધારણ માઇનસમાં બંધ રહ્યું હતું, પણ ટ્રેન્ડ ઘટાડાતરફી જ હતો. બુધવારે પણ આવા જ નેગેટિવ ટ્રેન્ડ સાથે બજારે શરૂઆત કરી અને આખરે સેન્સેક્સમાં ૪૨૫ અને નિફ્ટીમાં ૧૨૫ પૉઇન્ટનું ગાબડું પાડી દીધું હતું. ગુરુવારે બજારે શરૂઆત નેગેટિવ કર્યા બાદ અંતે ૧૨૨ પૉઇન્ટના વધારા સાથે પૉઝિટિવ બંધ રહ્યું હતું. સાત દિવસના સતત કરેક્શન બાદ આ રિકવરી થઈ હતી જે પણ સકારાત્મક ગ્લોબલ સંકેતને આભારી હતી. જોકે ગુરુવારે વિદેશી રોકાણકારોની રેકૉર્ડ નેટ વેચવાલીમાં ૫૩૨૮ કરોડ રૂપિયાના શૅર વેચાયા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોની ૫૧૯૭ કરોડ રૂપિયાની નેટ લેવાલી રહી હતી. આ બન્નેનો રેકૉર્ડ થયો હતો. શુક્રવારે બજાર ૨૨૫ પૉઇન્ટ સુધી વધીને અંતે માત્ર એક પૉઇન્ટ વધીને બંધ રહ્યું હતું. અર્થાત્ રિકવરી ધોવાઈ ગઈ હતી. ઇન શૉર્ટ, અત્યારે માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ થઈ ગયો છે. એને વધવા કરતાં ઘટવા માટે કારણ વધુ મળે છે. રોકાણકારો વધુ કરેક્શનની રાહમાં છે અને એ આવશે જ એવું મક્કમપણે માને છે.

વૉલિટિલિટી ચાલુ રહેશે

છેલ્લા અમુક જ દિવસોમાં જે ઝડપથી માર્કેટ વધ્યું હતું એ જ ઝડપથી માર્કેટ ઘટી પણ ગયું હતું. જેનો અર્થ એ થાય કે બજાર વૉલેટાઇલ રહેશે, સતત વધ-ઘટ કે કરેક્શન અને રિકવરી ચાલ્યા કરશે. બજાર પાસે કારણો પણ આવા જ પ્રકારનાં આવી રહ્યાં છે. અલબત્ત, બજારને હેલ્ધી કરેક્શનની જરૂર હતી, રોકાણકાર વર્ગ હજી કરેક્શનની અપેક્ષા રાખે છે. એ પછી બેસ્ટ બાયનો સમય આવવાનું માને છે, પરંતુ યાદ રહે કે માર્કેટને સમયમાં બાંધી કે માપી શકાતું નથી અને એટલે જ દર મોટા ઘટાડે થોડી-થોડી ખરીદી વાજબી અને બહેતર છે.

શૉર્ટ ટર્મ રોકાણ જોખમી

બજારમાં અત્યારે આર્થિક વિકાસ મંદ પડ્યો હોવાની, ફન્ડામેન્ટલ્સ નબળાં પડ્યાં હોવાની અને ગ્લોબલ અનિશ્ચિતતામાં વિદેશી રોકાણકારો સતત વેચવાલ હોવાની વાતો ફેલાઈ રહી છે. પરિણામે લિક્વિડિટી ગુમ છે અને સેન્ટિમેન્ટ શુષ્ક છે, વૉલેટિલિટી ચાલુ છે. આ સમયમાં શૉર્ટ ટર્મ રોકાણ કરવું વધુ જોખમી બની શકે છે. રૂપિયો ૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકા તરફથી વ્યાજવધારાના સંકેત મળી રહ્યા હોવાથી અને રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજઘટાડાના કોઈ સંકેત નહીં દેખાતાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન ઑગસ્ટમાં ઘટ્યું છે. એનાથી વધુ ચિંતાની વાત એ છે કે GSTના સંખ્યાબંધ મુદ્દાઓ હજી વણઊકલ્યા રહ્યા છે જેની બિઝનેસ-માહોલ પર વિપરીત અસર થઈ રહી છે.

ફન્ડામેન્ટલ્સમાં નબળાઈ

લાંબા સમય સુધી બજાર લિક્વિડિટી (પ્રવાહિતા)ના આધારે ચાલતું રહ્યું, પરંતુ હવે આ નાણાપ્રવાહ ઘટી રહ્યો છે. વિદેશી રોકાણકારો સહિતના મોટા ભાગના ઇન્વેસ્ટરોએ નવા રોકાણ પર રોક મૂકી દીધી છે, એની ગતિ મંદ કરી નાખી છે, કેમ કે ઇકૉનૉમીની મંદ ગતિના અહેવાલ અને ભાવિ અંદાજ સતત બહાર આવી રહ્યા છે. GSTની અડચણો સહિતના કારણસર સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામો બહુ સારાં કે પ્રોત્સાહક રહેવાની આશા ઢીલી પડી ગઈ છે. રૂપિયાની મજબૂતીને કારણે નિકાસકારો પણ સંઘર્ષ કરી રહ્યા છે. એમાં વળી GST રીફન્ડનો મામલો પણ તેમને સતાવતો રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન અને નવાં રોકાણ પણ મંદ છે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો પ્રૉફિટ ઘરે લઈ જઈ સતત વેચવાલ બની ગયા છે. આવા સંજોગોમાં બજાર ન ઘટે તો જ નવાઈ. બજાર વડા પ્રધાન-નાણાપ્રધાન પાસેથી રાહત-પૅકેજની પ્રતીક્ષામાં છે. જ્યારે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટની ચિંતા માથે છે એથી આ પૅકેજ કેવું સધ્ધર અને નક્કર આવે છે એ વિશે સવાલો છે. જ્યારે આ પૅકેજ બજારની હવે પછીની ચાલ નક્કી કરશે.

વિદેશી રોકાણકારો સતત વેચવાલ

જિયોપૉલિટિકલ સિચુએશનને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઑગસ્ટના આરંભથી અત્યાર સુધી મોટા ભાગે નેટ વેચવાલ રહ્યા છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટરોએ પહેલી ઑગસ્ટથી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ૨.૬૬ અબજ ડૉલરના ઇક્વિટી શૅરો વેચ્યા છે. આમ કેમ? શા માટે આ વેચાણ થઈ રહ્યું છે? તો શું ભારતીય માર્કેટ મંદીમાં જઈ રહ્યું છે એવો સવાલ ઘણાને થઈ શકે, પરંતુ આ વેચાણ ગ્લોબલ કારણસર છે. ભારતીય કારણો પણ એમાં છે ખરાં, પરંતુ ઓછાં છે એથી જ FIIના સતત વેચાણ સામે ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને સંસ્થાઓ સતત લેવાલ રહ્યાં છે. વિદેશી રોકાણકારો ભારતીય શૅરોમાં મંદી ભાખીને વેચાણ નથી કરી રહ્યા, બલકે ગ્લોબલ સંજોગોના ભયથી વેચી રહ્યા છે અને બીજી બાજુ ભારતીય શૅરોમાં તેમના તરફથી નફાનું બુકિંગ પણ થઈ રહ્યું છે. એ પછી પણ તેઓ એટલું જાણે છે અને માને છે કે ભારત વધુ સલામત માર્કેટ છે. ભારતના GDP-વિકાસદરમાં તાજેતરનો ઘટાડો એ શૉર્ટ ટર્મ જણાય છે જેથી કરેક્શનને તક બનાવવામાં જ વધુ સાર છે. 

નાની સાદી વાત


યાદ રહે કે ગ્લોબલ લેવલે પૉલિટિકલ અને ઇકૉનૉમિકલ રિસ્ક વધ્યાં હોવાથી આપણી માર્કેટમાં પણ વધુ કરેક્શન આવી શકે છે, છતાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરોએ એનાથી પૅનિકમાં આવી જવાને બદલે મોટા કરેક્શનમાં ખરીદી કરવાની હિંમત બનાવવી જોઈશે અને હા, રૅલીમાં વેચવા દોડી જવાની પણ જરૂર નથી. 

બાપુના સિદ્ધાંતમાંથી રોકાણકારે શીખવા જેવી વાત

આજે ગાંધીબાપુનો જન્મદિવસ છે. આપણે તેમના જીવનની ખુલ્લી કિતાબમાંથી શું શીખ્યા કે પછી કંઈ શીખ્યા કે નહીં એ તો આપણે દરેક જણે પોતાની જાતને પૂછવું રહ્યું, પરંતુ તેમના સિદ્ધાંતો-આદર્શોમાંથી એક રોકાણકાર તરીકે કંઈક શીખવું હોય તો આ બાબત શીખી શકાય. બાપુ સત્યના પૂજારી હતા. તેમના સત્ય આગળ તેઓ કોઈનું સાંભળતા નહીં કે માનતા નહીં પછી ભલે તેમની ટીકા થતી, પણ આખરે જીત સત્યની જ થતી. દેશનાં આર્થિક ફન્ડામેન્ટલ્સ એ બજારનું સત્ય છે, કંપનીનાં પોતાનાં ફન્ડામેન્ટલ્સ એ કંપનીનું સત્ય છે. રોકાણકાર આ બન્ને સત્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરે તો આખરે એ સારું પરિણામ પામે છે. જોકે આ સત્ય માટે જોખમ લેવાની, ધીરજ રાખવાની, હિંસાનો (અહીં હિંસા એટલે બજારના આંચકા-કડાકા) સામનો કરવાની તૈયારી રાખવી પડે. સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી જેવાં પરિબળો તો બદલાયા કરે, પણ ખરું પરિબળ ફન્ડામેન્ટલ્સ છે. ફન્ડામેન્ટલ્સની વ્યાખ્યામાં કંપની-મૅનેજમેન્ટ, એનો ટ્રૅક-રેકૉર્ડ, એની પૉલિસી, એના ઉદ્યોગની સ્થિતિ, હરીફાઈનો સામનો કરવાની ક્ષમતા, શૅરધારકો પ્રત્યેની રક્ષણાત્મક અને ઉદાર નીતિ, ભાવિ માટેની વ્યૂહરચના જેવી બાબતોનો સમાવેશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK