શૅરબજારની દશા ચોમાસા જેવી: બાળે પણ છે અને પલાળે પણ છે

રોકાણકારો અને ટ્રેડર્સને પણ કન્ફ્યુઝ કરતી બજારની ચાલ હાલમાં તો ગ્લોબલ કારણોને વધુ અનુસરે છે, રોકાણકારોએ પોતાના વિવેકને અનુસરવું જોઈએ

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

ગયા વખતની શૅરબજારમાં રોકાણ કરતી વખતે યોગના મહત્વની વાત સમજાઈ? સમજાઈ ન હોય તો ફરી એના પર વિચાર કરજો. અગાઉના શુક્રવારે અઢીસો પૉઇન્ટ ઊંચો બંધ રહેનાર સેન્સેક્સમાં આ નવા સપ્તાહમાં પહેલા દિવસે - સોમવારે સવાબસો પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. અલબત્ત, ટ્રેડ-વૉરનું કારણ હજી ચાલુ રહ્યું છે. મંગળવારે બજાર વો હી બેઢંગી રફતાર સાથે સાધારણ ૨૦ પૉઇન્ટ જેટલું વધીને બંધ રહ્યું હતું. બુધવારે ફરી બજારે ૨૭૨ પૉઇન્ટનો કડાકો બતાવ્યો. નિફ્ટી ૧૦,૭૦૦ની નીચે ઊતરી ગયો. એશિયન માર્કેટ ડાઉન જવાથી અને સ્થાનિકમાં બૅન્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑઇલ સ્ટૉક્સ ડાઉન જતાં ઇન્ડેક્સ તૂટ્યા હતા. આમ પણ બજારમાં છેલ્લા કેટલાક સમયથી સિલેક્ટેડ શૅરો જ ચાલે છે. માર્કેટ-બ્રેડ્થ જાણે સાવ નબળી પડી ગઈ છે. મિડ કૅપ શૅરોને લાગેલો ધક્કો રોકાણકારોને ગંભીર રીતે જખમી કરી ગયો છે. ગુરુવારે કરેક્શનનો દોર આગળ ચાલ્યો અને સેન્સેક્સે ૧૭૯ પૉઇન્ટ તથા નિફ્ટીએ ૮૨ પૉઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ વધુ તૂટ્યા હતા. જોકે શુક્રવારે બજારે નવો ટર્ન લઈને સેન્સેક્સમાં ૩૮૫ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૧૨૫ પૉઇન્ટની રિક્વરી નોંધાવી હતી. ઇન શૉર્ટ, બજારની વર્તમાન ચાલને ધ્યાનમાં રાખતાં રોકાણકારો હવે વધુ ને વધુ મૂંઝાવા લાગ્યા છે. કારણો-પરિબળો એનાં એ જ રહેવા છતાં બજાર એક દિવસ વધે છે અને બે દિવસ ઘટે છે અથવા વાઇસ એ વર્સા થયા કરે છે. બજારના ઘટાડામાં ડૉલર સામે રૂપિયાની નબળાઈ પણ મહત્વનું કારણ બન્યું હતું.

પરિણામે રોકાણકારો યા બજારનું મહત્તમ ધ્યાન અત્યારે વિશ્વવેપારયુદ્ધ, ક્રૂડના ભાવની વધ-ઘટ, કરન્સીની વધ-ઘટ અને ગ્લોબલ અને લોકલ રાજકીય ઘટનાઓ પર છે જેને લીધે તેઓ કોઈ પણ પ્રકારનાં નવાં ઊંચાં જોખમો લેશે નહીં. અગાઉ આપણે જે ચર્ચા કરતા રહ્યા છે એ હિસાબે માત્ર ને માત્ર ક્વૉલિટી સ્ટૉક્સ પર જ ઇન્વેસ્ટરોનું ધ્યાન રહેશે અને રહેવું પણ જોઈએ.

સેન્સેક્સ ૪૪ કે ૨૬ હજાર?

વૈશ્વિક ફાઇનૅન્શિયલ સર્વિસ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીના રિસર્ચ-રિપોર્ટ મુજબ ભારતીય માર્કેટ તેજીમાં રહેવાની શક્યતા ઊજળી છે. વિશ્વનાં અન્ય બજારોની તુલનાએ ભારતીય બજાર વધુ સારી કામગીરી બજાવશે એવો આશાવાદ આ અહેવાલમાં છે. ભારતીય માર્કેટનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૦૧૮માં પાંચ ટકા અને પછીનાં વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં ૨૩થી ૨૪ ટકા વૃદ્ધિ પામશે. મૉર્ગન સ્ટૅનલી કહે છે કે જૂન ૨૦૧૯ સુધીમાં સેન્સેક્સ ૩૬ હજાર થઈ શકે. જોકે એનો એક અર્થ એ થાય કે સેન્સેક્સ અત્યારે જે લેવલે છે એ વર્ષ બાદ પણ એની આસપાસ જ રહેશે. આ સમયમાં જો તેજીનો તબક્કો ચાલ્યો તો સેન્સેક્સ ૪૪,૦૦૦ પણ થઈ શકે, પરંતુ જો મંદીનો તબક્કો આવ્યો તો સેન્સેક્સ ૨૬,૫૦૦ સુધી પણ જઈ શકે. જોકે મૉર્ગન સ્ટૅનલી જે કહે યા માને એ ભારતીય બજારની ચાલનો મોટો આધાર ૨૦૧૯નું ઇલેક્શન અને એનું પરિણામ બનશે. આ સાથે ક્રૂડ ઑઇલના ભાવ તેમ જ ભારતની ડેફિસિટ પણ મહત્વનું પરિબળ બની રહેશે. આનો અર્થ એ થાય કે મૉર્ગન સ્ટૅનલીના મતે ૨૦૧૮ પાસે બજારે કોઈ ઊંચી આશા રાખવાની નથી. ૨૦૧૯ અને ૨૦૨૦ મહત્વનાં છે એ સમજવું જોઈએ.

બ્રોકરવર્ગનો તેજીનો આશાવાદ

મૉર્ગન સ્ટૅનલીના મતની સામે બ્રોકરવર્ગ કહે છે કે બજારમાં ભલે તાજેતરમાં વૉલેટિલિટી રહી, પરંતુ બજાર લાંબા ગાળા સુધી તેજીમાં રહેશે. જોકે આગામી બેથી ત્રણ વર્ષ કંઈ વળતર ન મળે એવી તૈયારી રાખવી પડે. અમુક શૅરોમાં અચાનક જ ઊંચું-અણધાર્યું વળતર મળી જાય છે, જ્યારે કેટલાક શૅરોમાં લોકો ભેરવાઈ જાય છે. મિડ કૅપ શૅરોએ અગાઉ ૪૫ ટકા જેવું ઊંચું વળતર આપ્યું જેમાં હવે કરેક્શન આવ્યું છે ત્યારે લોકો આ શૅરોથી દૂર જવા લાગ્યા છે. આમાં ક્યાંક તો કરેક્શન ૯૦ ટકા સુધી પણ થયું છે. અલબત્ત, હવે આ શૅરોમાં ઝડપથી ઊંચા વળતરની અપેક્ષા રાખી શકાશે નહીં. જોકે સારા મિડ કૅપ સ્ટૉક્સ ફરી ઊંચકાશે. અલબત્ત, આ સમયમાં દેવાના બોજ હેઠળ દબાયેલી કંપનીઓ ટાળવી જોઈએ. બજાર સામે અત્યારે તો ત્રણ પરિબળ ઊભાં છે જેમાં ક્રૂડ, વ્યાજદરો, ટ્રેડ-વૉર અને લોકસભાની ચૂંટણી મુખ્ય છે. ઓપેક તરફથી ક્રૂડના ઉત્પાદન પર કાપ ન મૂકવાનો લેવાયેલો નિર્ણય બજાર માટે હિતાવહ સાબિત થયો છે. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો બજાર વધુ સારું થઈ શકે.

વ્યાજદર હજી વધવાના સંકેત


૨૦૧૯માં ૭૫ બેસિસ પૉઇન્ટ વ્યાજદર વધવાની ધારણા છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક આ કદમ ભરે એવું જણાય છે. જોકે બીજી બાજુ ક્રૂડના ઘટતા યા વધતા અટકેલા ભાવ, વ્યાજદર ન વધવાની હૈયાધારણ પણ આપે છે. આ મામલે ચોમાસું અને ખેતીના સંજોગો પણ ભૂમિકા ભજવશે જે અત્યારે તો અનુકૂળ જણાય છે.

બૅન્કોની ચિંતા વધી, લાભ NBFCને

બૅન્કોની બૅડ લોન્સ બાબતે રિઝર્વ બૅન્કે વ્યક્ત કરેલી ચિંતા ખરેખર ગંભીર છે. એને ધ્યાનમાં લેવાય તો બૅન્ક-શેરો ક્યારે ઉપર આવશે એ કહેવું કે એની આશા રાખવી કઠિન બની જાય છે. બૅન્કોની દશાને ધ્યાનમાં રાખી હવે પછી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (NBFC) પ્રત્યે રોકાણકારોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે. ચોક્કસ ઔદ્યોગિક ગ્રુપની ફાઇનૅન્સ કંપનીઓના કામકાજમાં વૃદ્ધિ થઈ રહી છે જે ખરીદી માટે સારા સ્ટૉક્સ ગણાવા લાગી છે. બૅન્કોની ઘટતી ધિરાણક્ષમતા અને બૅડ લોન્સની સમસ્યાના માહોલમાં NBFC ધિરાણ માટે સક્રિય બની છે. એમના વૉલ્યુમમાં વધારો થઈ રહ્યો છે. રોકાણકારો આમાં સિલેક્ટિવ બની આગળ વધી શકે.

છેલ્લા છ મહિનાના ધબડકા


છેલ્લા અમુક જ મહિનામાં આશરે ૪૩૦ જેટલા સક્રિય શૅરોના ભાવ એની ફેસવૅલ્યુ (મૂળ કિંમત)થી પણ નીચે ઊતરી ગયા છે. ૨૦૧૮ના આરંભમાં આ શૅરોની સંખ્યા ૩૩૬ની હતી. આ વર્ષના પ્રથમ છ મહિનામાં સ્મૉલ કૅપ અને મિડ કૅપ શૅરોનો ઇન્ડેક્સ અનુક્રમે ૧૫ ટકા અને ૧૨ ટકા તૂટ્યો છે, જ્યારે એની સામે સેન્સેક્સ ચાર ટકા વધ્યો છે. ચુનંદા દાખલા જોઈએ તો ૨૦૧૭ના અંતમાં ૬૮ રૂપિયા બોલાતો ગીતાંજલિ જેમ્સ અત્યારે ત્રણથી ચાર રૂપિયા, ડાયમન્ડ પાવર ૧૮ રૂપિયા સામે પોણાત્રણ રૂપિયા, KSK એનર્જી‍ ૧૧ રૂપિયા સામે ૧.૮૦ પૈસા, GTL ઇન્ફ્રા સાત રૂપિયા સામે ૧.૩૫ પૈસા, જયપી ઇન્ફ્રાટેક ૨૪ રૂપિયા સામે છ રૂપિયા, JP પાવર વેન્ચર ૯ રૂપિયા સામે ૩ રૂપિયા, TV વિઝન ૨૧ રૂપિયા સામે ૮ રૂપિયા, ગેમન ઇન્ફ્રા ૩.૮૦ રૂપિયા સામે ૧.૬૦ રૂપિયા અને વિડિયોકૉન ઇન્ડસ્ટ્રી ૧૯.૬૫ રૂપિયા સામે ૮.૨૫ રૂપિયા થઈ ગયા હતા. જો ભાવોનું આવું ધોવાણ થયું હોય તો રોકાણકારોની માનસિક સ્થિતિ શું થાય એની કલ્પના થઈ શકે છે. તેથી રોકાણકારો માટે બહેતર એ જ છે કે બને ત્યાં સુધી લાર્જ કૅપ શૅરોમાંથી સિલેક્શન કરે, કારણ કે આવા તૂટેલા શૅરોને રિક્વર થતાં સારોએવો સમય પણ લાગી શકે અને એ ફરી એ ઊંચી સપાટી પર ન પણ આવે.

ગ્લોબલ ઇન્વેસ્ટરોનું ધ્યાન


ગ્લોબલ ફન્ડ્સ અત્યારે ભારતીય બજારમાં રોકાણ વધારવાથી દૂર છે. તેઓ ભારતમાં વધુ રોકાણપ્રવાહ લાવતાં ખચકાય છે. ભારત માટેનું વેઇટેજ આ ફન્ડોએ ઘટાડ્યું છે જેથી કહેવાય છે કે એમના તરફથી હવે પછી પણ રોકાણપ્રવાહ ઘટી શકે છે. જોકે અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા વેપારયુદ્ધનો લાભ ભારતને મળવાની શક્યતા હોવાથી ઍનલિસ્ટ વર્ગ માને છે કે આના પરિણારૂપ વિદેશી ગ્લોબલ રોકાણકારો ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરશે. આમ પણ ભારત અત્યારે ફાસ્ટેસ્ટ ઇકૉનૉમી ગણાય છે.

નાની સાદી વાત : ભારત-૨૨નો સંકેત

ભારત-૨૨ ETFમાં એકઠા થયેલા ૧૫ હજાર કરોડથી વધુ ભંડોળને લીધે જાહેર સાહસોના ચોક્કસ શૅરોમાં કરન્ટ આવી શકે છે, કેમ કે આ ફન્ડની રકમ આ શૅરોની ખરીદી માટે ફંટાશે. અલબત્ત, એમાં ઍક્સિસ બૅન્ક, લાર્સન વગેરે જેવી અમુક પ્રાઇવેટ ક્ષેત્રની કંપનીઓ પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK