રાજકોષીય ખાધની ચિંતામાં ૧૦,૨૫૦ની અંદરના નિફ્ટી સાથે નવેમ્બર વલણ પૂરું

કાતિલ વધ-ઘટમાં બિટકૉઇન ૧૧,૪૩૦ ડૉલરથી પટકાઈને ૮૯૧૨ ડૉલર બોલાયો : R.કૉમ પછી અનિલ અંબાણી ગ્રુપની એક વધુ કંપની રિલાયન્સ નેવલ સામે નાદારીનું જોખમ : ૯૪ શૅર આજથી ગ્લ્ચ્માં ફરજિયાત ડીલિસ્ટેડ થશે : ટી શૅરમાં કડક બનતી તેજી, અડધા ડઝનથી વધુ જાતો નવા ઊંચા શિખરે

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑક્ટોબર મહિનાના અંતે દેશની રાજકોષીય ખાધ બજેટ લક્ષ્યાંકના ૯૬ ટકાને વટાવી ગઈ હોવાના સમાચાર પાછળ શૅરબજાર ગઈ કાલે મૂરઝાયું છે. જોકે આ એક જ કારણ માર્કેટની ગઈ કાલની ખરાબી માટે હજમ થાય એવું નથી. સપ્ટેમ્બર ક્વૉર્ટરના GDPના આંકડા બજાર બંધ થયા પછી આવવાના હોઈ એનોય થોડો ઘણો ઉચાટ હતો. વધુમાં ગુજરાતનું ઇલેક્શન BJP તેમ જ નરેન્દ્ર મોદી માટે આ વખતે ઍસિડ ટેસ્ટ બની રહ્યું હોવાનાં પાકાં એંધાણ દેખાય છે. સાહેબની સભાઓમાં પહેલાં જેવી મેદની ઊભરાતી નથી. ખુરશીઓ ખાલી રહે છે. ભાષણમાં પણ ઓજસ્વિતા કે અગાઉ જેવી મંત્ર-મુગ્ધતાનો અભાવ સ્પક્ટ વર્તાઈ આવે છે. છેલ્લી ઘડીનાં પાસાં પલટવામાં મોદી મહારાજ કેવા સફળ થાય છે એ જોવું રહ્યું. આરંભથી અંત સુધી માઇનસ ઝોન બરકરાર રાખીને સેન્સેક્સ ગઈ કાલે નીચામાં ૩૩,૧૦૮ થઈ છેલ્લે ૪૫૩ પૉઇન્ટની ખરાબીમાં ૩૩,૧૪૯ તથા નિફ્ટી ૧૦,૨૧૧ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૩૫ પૉઇન્ટ લથડીને ૧૦,૨૨૬ બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૯ તો નિફ્ટીના ૫૦માંથી ૩૯ શૅર નરમ બંધ રહ્યા છે. બજારના તમામ ઇન્ડાઇસિસ ગઈ કાલે રેડ ઝોનમાં હતા. માર્કેટ-બ્રેડ્થ થોડી નેગેટિવ રહી એ માટે સ્મૉલ કૅપ, મિડ કૅપ અને બ્રૉડર-માર્કેટનો ઘટાડો સેન્સેક્સ કરતાં પ્રમાણમાં ઓછો હોવાનું કારણ કામ કરી ગયું છે.

દરમ્યાન બિટકૉઇનમાં ગજબની અફરાતફરી જોવાઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૧૧,૪૩૦ ડૉલરની વિક્રમી સપાટી બતાવી નીચામાં ૮૯૧૩ ડૉલર થઈ ગયો હતો. રનિંગ ક્વોટમાં રેટ ૯૭૭૧ ડૉલર આસપાસ ચાલતો હતો. ભારતીય ચલણમાં બિટકૉઇન એક દિવસમાં ૯.૧૧ લાખ રૂપિયાની ઑલટાઇમ હાઈથી તૂટીને ૭.૪૫ લાખ રૂપિયાની બૉટમ બતાવી આ લખાય છે ત્યારે ૮.૪૧ લાખ રૂપિયાની આસપાસ ક્વોટ થતો હતો. વધુમાં R.કૉમ બાદ અનિલ અંબાણી ગ્રુપની એક વધુ કંપની રિલાયન્સ નેવલ સામે ૬૦ કરોડ રૂપિયા લેણાની વસૂલાત માટે IFCI દ્વારા નાદારીની કોર્ટમાં કેસ કરાયો હોવાના અહેવાલ છે. અનિલ ગ્રુપની તકલીફ વધવા માંડી છે.

ટી શૅરોમાં વધુ કડક બનતી તેજી

ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં ઘટાડાના અહેવાલ પાછળ ટી શૅરોમાં તેજી વધુ બળુકી બની રહી છે. ગઈ કાલે ટી તથા કૉફી સેગમેન્ટના ૨૩ શૅરમાંથી ૨૨ શૅર સુધારામાં હતા. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આસામ કંપનીનો શૅર ઉપરમાં ૭.૧૪ રૂપિયા થઈ છેલ્લે ૧૬ ટકા પ્લસની તેજીમાં ૭ રૂપિયા નજીક બંધ હતો. તાતા ગ્લોબલ બિવરેજિસ ૨૯૨ રૂપિયાનું નવું શિખર બતાવી પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૨૮૮ રૂપિયા, મેકલિયોડ રસેલ ૨૪૮ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ સાતેક ટકાના ઉછાળે ૨૩૪ રૂપિયા, જયશ્રી ટી ૧૪૪ રૂપિયા નજીક નવી ઊંચી સપાટી હાંસલ કરીને ૫.૫ ટકા વધીને ૧૩૬ રૂપિયા, હેરિસન મલયાલમ ૧૨૫ રૂપિયાની ઐતિહાસિક ટોચે જઈ ૧૧ ટકાના જમ્પમાં ૧૧૯ રૂપિયા, ધુનસેરી ટી ૩૬૪ રૂપિયા નજીકની મલ્ટિયર ટૉપ મેળવીને આઠ ટકાની મજબૂતીમાં ૩૫૮ રૂપિયા, કેન્કો ટી ૧૦૨ રૂપિયાની નવી ટોચે ગયા બાદ પોણાઆઠ ટકાની આગેકૂચમાં ૧૦૦ રૂપિયા તો તરાઈ ટી ૮૦ રૂપિયાના ઊંચા શિખરે જઈ સવાનવ ટકાના ઉછાળે ૭૬ રૂપિયા નજીક બંધ હતા. અન્ય કાઉન્ટર્સમાં રસેલ ઇન્ડિયા, તાતા કૉફી, ગુડરિક, લેડો ટી, ટાયટન ટી, ઝુન્કટોલી, બી ઍન્ડ એ લિમિટેડ, લાયકીસ લિમિટેડ, લૉન્ગ વ્યુ ટી જેવી જાતો દોઢ ટકાથી લઈને છ ટકા સુધી ઊંચકાઈ હતી. એક માત્ર ડાયના ટી પોણાબે ટકાના ઘટાડે ૨૯ રૂપિયા આસપાસ બંધ હતો.

TBZ નબળા પરિણામથી ઝંખવાયો


TBZ  દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૯૦ ટકા ગગડીને ૮૦ લાખ રૂપિયા આવી જતાં શૅર સારો એવો ઝાંખો પડ્યો હતો. BSE ખાતે ભાવ ૪ ગણા કામકાજમાં નીચામાં ૧૧૬ રૂપિયા થઈ છેલ્લે ૧૦.૫ ટકાની ખરાબીમાં ૧૨૩ રૂપિયા બંધ રહ્યો છે. ગઈ કાલે જેમ્સ-જ્વેલરી સેગમેન્ટના મોટા ભાગના શૅર માઇનસમાં જોવાયા છે. ગીતાંજલિ જેમ્સ મંગળવારે ૧૦૫ રૂપિયા નજીક મલ્ટિયર ટોચ બનાવ્યા પછી ઘટાડાની ચાલ આગળ ધપાવતાં ગઈ કાલે ૫.૫ ટકા તૂટીને ૮૧ રૂપિયા નજીક બંધ હતો. થંગમયિલ જ્વેલરીમાં બુધવારે ઇન્ટ્રા-ડેમાં ૬૩૫ રૂપિયાનું બેસ્ટ લેવલ જોવાયા પછીનું પ્રૉફિટ-બુકિંગ જોર પકડતાં ભાવ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૫૫૪ રૂપિયાની અંદર આવી ગયો છે. તારા જ્વેલ્સ સાડાસાત ટકા તૂટીને ૨૦ રૂપિયા હતો. PC જ્વેલર્સ, રાજેશ એક્સપોર્ટ્સ, રેનેસા જ્વેલરી, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ એકથી દોઢેક ટકા ડાઉન હતા. લિપ્સા જેમ્સ એકાદ ટકા તો ઝોડિયાક - JRD પોણાબે ટકા વધીને સામા પ્રવાહે જોવાયા છે.

અદાણી ટ્રાન્સમિશનમાં વિદેશી ફન્ડ બેરિશ


ગ્લોબલ બ્રોકરેજ હાઉસ CLSA દ્વારા ૯૫ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે અદાણી ટ્રાન્સમિશનમાં બેરિશ વ્યુ જાહેર થયો છે. સપ્તાહ પૂર્વે ૨૪ નવેમ્બરે આ શૅરમાં ૨૩૭ રૂપિયાની વિક્રમી સપાટી બની હતી. વર્ષનું બૉટમ ૨૦૧૬ની ૨૭ ડિસેમ્બરે ૫૧ રૂપિયાનું છે. CLSA દ્વારા અપાયેલી ટાગેર્ટ પ્રાઇસ ૧૯૦ રૂપિયાના આગલા બંધના મુકાબલે અડધી છે. ભાવ ગઈ કાલે સવાયા કામકાજમાં ૧૮૧ રૂપિયાની અંદર જઈ છેલ્લે સવાત્રણ ટકાના ઘટાડે ૧૮૪ રૂપિયા રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અડધો ટકો, અદાણી પોર્ટ્સ એક ટકો તથા અદાણી પાવર પોણાબે ટકાની નજીક નરમ હતા. દેવાના બોજને લઈ નેગેટિવ પબ્લિસિટીમાં રહેનારા અનિલ અંબાણી ગ્રુપ ખાતે ગઈ કાલે રિલાયન્સ કૅપિટલ બે ટકા, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અઢી ટકા, રિલાયન્સ નેવલ બે ટકા તથા રિલાયન્સ પાવર બે ટકાની નજીક ડાઉન હતા. R.કૉમ સવા ટકાના સુધારામાં સાડાબાર રૂપિયા પ્લસ તો રિલાયન્સ નિપ્પૉન અને રિલાયન્સ હોમ સાધારણ સુધારામાં હતા. મુકેશ અંબાણીની માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૫૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૨૦ રૂપિયા થઈ છેલ્લે અઢી ટકા ઘટીને ૯૨૨ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને સર્વાધિક ૭૯ પૉઇન્ટની હાનિ થઈ હતી.

સરકારી બૅન્કોના નેજા હેઠળ બૅન્કિંગમાં બગાડ

સેન્સેક્સ-નિફ્ટીના સવા ટકા પ્લસના ઘટાડા સામે ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી પોણાબે ટકાથી ય વધુ ખરડાયા હતા. બૅન્ક નિફ્ટી ૪૬૩ પૉઇન્ટ તો બૅન્કેક્સ ૫૪૯ પૉઇન્ટ ગગડ્યા હતા. બન્ને બેન્ચમાર્ક ખાતે એક પણ જાત વધી શકી ન હતી. ICICI બૅન્ક સવાબે ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક અઢી ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, HDFC બૅન્ક પોણો ટકો અને ઍક્સિસ બૅન્ક ૨.૪ ટકાની નબળાઈમાં બંધ આવતાં આ પાંચેય શૅર થકી સેન્સેક્સને ૧૬૮ પૉઇન્ટનો માર પડ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૧૦ શૅર પ્લસ રહી શક્યા હતા. સિટી યુનિયન બૅન્ક ત્રણ ટકાની તેજીમાં અત્રે મોખરે હતો. લક્ષ્મી વિલાસ બૅન્ક બે ટકા તો AU સ્મૉલ બૅન્ક અને ધનલક્ષ્મી બૅન્ક સવા ટકાની આસપાસ સુધર્યા હતા. PNB ત્રણ ટકાના ઘટાડે બૅન્કિંગ સેક્ટરમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી નવ શૅરની નરમાઈમાં ૧.૮ ટકા ડાઉન હતો. સાઉથ ઇન્ડિયન બૅન્ક અત્રે ૩૩ રૂપિયા નજીકના આગલા લેવલે ટકેલો હતો, જ્યારે PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની બુરાઈમાં સવાબે ટકાથીય વધુ ખરડાયો હતો. 

BSE ખાતે ૯૪ શૅર આજથી ડીલિસ્ટ થશે

જે શૅરો વર્ષોથી શૅરબજારમાં સસ્પેન્શન હેઠળ છે અને બજાર સત્તાવાળાઓની અવારનવારની તાકીદ છતાં પ્રમોટર્સ દ્વારા સસ્પેન્શન દૂર કરાવવા માટે યોગ્ય ઘટતાં પગલાં લેવાયાં નથી એવી કંપનીઓને ફરજિયાત ડીલિસ્ટ કરવાની જોગવાઈના ભાગરૂપ BSE ખાતે આજે, શુક્રવારથી અમલી બને એ રીતે કુલ ૯૪ કંપનીઓને ફરજિયાત ડીલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કંપનીઓની યાદીમાં ઍડ્-લાઇફ ફાર્મા, એજીએસ ઇન્ફોટેક, અંબિકા સિલ્ક મિલ્સ, આનંદ ક્રેડિટ, અરુણ પ્રોસેસર્સ, ક્લાસિક બાયોટેક, દિવાન રબર, ઇઓનર ટેક્નૉલૉઝિસ, એમટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, એપીક એન્ઝિમ, ઇન્ડિયા શુગર્સ, હોટલાઇન ટેલિટ્યુબ, ઝઘડિયા કૉપર, જોગ એન્જિનિયરિંગ, જ્યુપીટર બાયો, કૅડિયા કેમિકલ્સ, કંચન ઇન્ટરનૅશનલ, કેસવાણી સિન્થેટિક્સ, ક્લીક નિક્સન, KGL સિસ્ટલ, MP ટેલિલિન્ક, મેટલમૅન ઇન્ડ., MTZ પૉલિ, ઓસિઅન ઇન્ડ., મલ્ટિ આર્ક ઇન્ડિયા, મોનાલીસા ઇન્ફોટેક, નૅશનલ લાસ્ક, રોઝ ઝિન્ક, રાઠી ઇસ્પાત, નમૂરો ઉનો, સનરા મીડિયા, સરિતા સૉફ્ટવેર, શેમકેન કોટસીન, ટ્રિનિટી બાયો, વેલપેક પેપર, વિનસ શુગર, વનસ્થલી ટેક્સ્ટાઇલ્સ, સ્ટર્લિંગ હોલિડે, SQL સ્ટાર, સ્ટીલ્કો સ્ટ્રીપ્સ, સ્વસ્તિક સર્ફક્ટન્ટ, શુકન કન્સ્ટ્રક્શન, શ્રી યક્ષ ફાર્મા, સારિકા પેઇન્ટ્સ, માર્સ સૉફ્ટવેર, નમસ્તે એક્સપોર્ટ્સ, NEPC એગ્રો, પ્રુડેન્શિયલ શુગર, SB ઍન્ડ T ઇન્ટરનૅશનલ, ઑમ્ની ડાયમેક, નવલ ટેક્નો પ્લાસ્ટ, પ્લેટિનમ કૉર્પોરેશન, માઇક્રો ફોર્જ, હોટલાઇન ગ્લાસ, ઇન્ટરનૅશનલ ડાયમન્ડ સર્વિસિસ, કશ્યપ ટેક્નૉલૉઝિસ, કૅડિયા વનસ્પતિ, પાવર સૉફ્ટ ગ્લોબલ ઇત્યાદિ સામેલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK