આરંભથી અંત સુધી હળવા પ્રૉફિટ બુકિંગમાં શૅરબજાર નજીવું ડાઉન

૪૨૫૦ કરોડના R.કૉમનો અડધો હિસ્સો ૭૦૦૦ કરોડમાં બૅન્કરોને પધરાવવાનો અનિલ અંબાણીનો તુક્કો : પાકિસ્તાનનું શૅરબજાર ૭૪૫ પૉઇન્ટની ખરાબીમાં વર્ષના તળિયા ભણી

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

છેલ્લા કેટલાક દિવસની ઑલટાઇમ હાઈની એકધારી દોડનો થાક લાગ્યો હોય એમ શૅરબજાર ગઈ કાલે ૫૩ પૉઇન્ટ ઘટીને ૩૩૨૧૩ તથા નિફ્ટી ૨૮ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦૩૩૫ બંધ રહ્યા છે. આરંભથી અંત સુધી બહુધા નેગેટિવ ઝોનમાં રહેલા બજારની વધ-ઘટની રેન્જ અતિસાંકડી હતી. સેન્સેક્સ ઉપરમાં ૩૩૨૯૪ અને નીચામાં ૩૩૧૬૪ તો નિફ્ટી ઉપરમાં ૧૦૩૬૭ અને નીચામાં ૧૦૩૨૪ થયો હતો. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. ઍક્સિસ બૅન્ક આઠેક ટકાની તેજીમાં બન્ને આંક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો હતો. ઇન્ફોસિસ એક્સ બાયબૅક થવાના પગલે પ્રમાણમાં પાંખા કામકાજમાં ૯૨૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અઢી ટકાની નજીકના ઘટાડે ૯૨૨ રૂપિયા આસપાસ બંધ હતો. એનએસઈમાં UPL ત્રણ ટકાની ખરાબીમાં નિફ્ટી ખાતે ટૉપ લુઝર બન્યો હતો. માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી હોય એમ NSEમાં ૧૫૯૦ શૅરમાંથી ૭૮૦ શૅર વધ્યા હતા. BSE ખાતે ૨૮૮૪ શૅરમાં કામકાજ થયાં હતાં એમાંથી વધેલા શૅરની સંખ્યા ૧૩૯૫ હતી. સ્મૉલકૅપ તથા મિડકૅપ બેન્ચમાર્ક નવાં વિક્રમી શિખર સર કરી સાધારણ સુધારામાં બંધ હતા. એશિયન બજારો અકંદર પૉઝિટિવ બાયસમાં હતા. સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને જપાનના નજીવા ઘટાડાને બાદ કરતા અન્યત્ર નહીંવત્થી પોણા ટકા સુધીનો સુધારો હતો. યુરોપ રનિંગ ક્વોટમાં જરાક પર જણાતું હતું. પાકિસ્તાનનું શૅરબજાર મંદીમાં સપડાયું છે. કરાચી ઇન્ડેક્સ ૪૦૩૦૩ના આગલા બંધ સામે નીચામાં ૩૯૫૫૭ થઈ રનિંગ ક્વોટમાં ૭૧૨ પૉઇન્ટના ઘટાડામાં ૩૯૬૧૨ ચાલતું હતું. ચાલુ વર્ષના મે મહિનાના અંતિમ સપ્તાહમાં કરાચી શૅરબજાર ૫૩૧૨૭ની વિક્રમી સપાટીએ ગયું હતું. હાલનો રંગ જોતાં ૩૯૪૭૮ની વર્ષની બૉટમ બહુ નજીકમાં તૂટશે એમ લાગે છે.

ઍક્સિસ બૅન્કમાં બેઇન કૅપિટલની હૂંફ મળી

પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ બેઇન કૅપિટલ એક અબજ ડૉલર એટલે કે આશરે ૬૫૦૦ કરોડ રૂપિયામાં પ્રેફરન્શિયલ રૂટ મારફત ઍક્સિસ બૅન્કમાં ઇક્વિટી લેવા ઉત્સુક હોવાના અહેવાલ પાછળ નબળા પરિણામ બાદ બાઉન્સબૅક થવા મથતી ઍક્સિસ બૅન્કને જોરદાર સપોર્ટ મળી ગયો હતો. ભાવ ગઈ કાલે બમણાથી વધુના કામકાજમાં ૫૨૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છેલ્લે આઠ ટકા ઊછળીને ૫૨૩ રૂપિયા બંધ રહ્યો છે. એને લીધે સેન્સેક્સને સર્વાધિક ૬૯ પૉઇન્ટનો લાભ થયો હતો. બૅન્કેક્સના ૧૦માંથી ૮ તો બૅન્ક નિફ્ટીના ૧૨માંથી ૯ શૅર માઇનસ હોવા છતાં આ બન્ને આંક નહીંવત વધીને બંધ આવ્યા એની પાછળ પણ ઍક્સિસ બૅન્ક જ કારણભૂત છે. બાય ધ વે ગઈ કાલે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૪ શૅરના સુધારામાં ૦.૭ ટકા પ્લસ હતો, પણ PSU બૅન્ક નિફ્ટી બે ટકાથી વધુ ખરડાયો હતો. એના ૧૨માંથી એકમાત્ર બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાત્રણ ટકા વધ્યો હતો, બાકીની ૧૧ જાતો દોઢથી લઈને ચાર ટકા તૂટી હતી. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦ શૅરમાંથી ૩૩ શૅર માઇનસ હતા. IDBI બૅન્ક સતત ખોટ સાથે બૅડ લોન અને NPAના વધારામાં ચારેક ટકા ગગડીને ૬૩ રૂપિયાની અંદર ઊતરી ગયો હતો. સ્ટેટ બૅન્ક બે ટકા, પંજબ નૅશનલ બૅન્ક સાડાત્રણ ટકા, બૅન્ક ઑફ બરોડા અઢી ટકા, ઓબીસી પોણા બે ટકા, યુનિયન બૅન્ક પોણાચાર ટકા લથડ્યા હતા. ICICI બૅન્ક સવા ટકો, કર્ણાટક બૅન્ક દોઢ ટકો અને વિજયા બૅન્ક ત્રણ ટકા વધ્યા હતા.

મેટલ ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે ડાઉન


શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં મેટલ ઇન્ડેક્સમાં ૧૫૧૫૮ની સાડાઆઠ વર્ષની ઊંચી સપાટી બન્યા બાદ શરૂ થયેલા પ્રૉફિટ-બુકિંગમાં આ ઇન્ડેક્સ સળંગ ત્રીજા દિવસે ઘટ્યો છે. ચાઇનીઝ PMI ડેટા ઢીલા આવવાની અસરમાં ગઈ કાલનો ઘટાડો પ્રમાણમાં પોણાબે ટકા જેવો મોટો હતો. અહીં ૧૦માંથી ૯ શૅર ડાઉન હતા. એકમાત્ર નાલ્કો દોઢા કામકાજમાં ૯૭ રૂપિયા નજીકની મલ્ટિયર ટૉપ બનાવી છેલ્લે પોણાપાંચ ટકાના જમ્પમાં ૯૬ રૂપિયા આસપાસ બંધ હતો. તાતા સ્ટીલની નફાશક્તિ ધારણા કરતાં નીચી રહેવાને લીધે ભાવ ૬૯૭ રૂપિયા થઈ છેલ્લે બે ટકાથી વધુની નબળાઈમાં ૭૦૪ રૂપિયા નજીક બંધ આવ્યો છે. કામકાજ સાડાત્રણ ગણું હતું. વેદાન્તા, JSW સ્ટીલ, હિન્દાલ્કો બેથી અઢી ટકા તો જિન્દલ સ્ટીલ દોઢ ટકો પીગળ્યા હતા જેનો ડોમેસ્ટિક ફાર્મા બિઝનેસ ૩૨૦૦ કરોડ રૂપિયાની આસપાસ લેવા ટૉરન્ટ ફાર્મા ઉત્સુક હોવાના અહેવાલ છે. એ યુનિકેમ લૅબોરેટરીઝ ગઈ કાલે નીચામાં ૨૯૪ રૂપિયા થઈ છેલ્લે ૧.૯ ટકાની નરમાઈમાં ૩૦૬ રૂપિયા બંધ હતો. ટૉરન્ટ ફાર્મા પ્રારંભિક સુધારામાં ૧૨૯૦ રૂપિયા બતાવી છેલ્લે ૧૦ પૈસાના પરચૂરણ ઘટાડામાં ૧૨૬૮ રૂપિયા હતો. યોગાનુયોગ બન્ને કંપનીઓ તરફથી બજારના સત્તાવાળાઓ સમક્ષ એક જ ભાષામાં અફવાઓ તેમ જ અનુમાન આધારિત મીડિયા-રિપોર્ટ વિશે કંઈ પણ કહેવાની અમારી પૉલિસી નથી એવું સ્પક્ટીકરણ અપાયું છે.

૧૮૦ શૅરમાં નવા ઊંચાં શિખર જોવા મળ્યાં


ગઈ કાલે સુસ્ત માર્કેટમાં ૧૮૦ શૅર BSE ખાતે ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગયા હતા જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : આલ્કલી એમાઇન્સ, આંધ્ર શુગર, બાટા ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ભારત ફોર્જ, અવધ શુગર, કેમ્ફર ઍન્ડ અલાઇડ, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, કોચિન શિપયાર્ડ, ડાબર ઇન્ડિયા, દાલમિયા ભારત, DCM-શ્રીરામ, દીવાન હાઉસિંગ, એલ્ડર હાઉસિંગ, ઇમામી લિમિટેડ, ઍન્ડ્યુરન્સ ટેક્નૉ, એસ્ર્કોટ્સ, જિલેટ, ગ્રેફાઇટ ઇન્ડિયા, ગુજરાત લુરોકેમ, ગુજરાત આલ્કલીઝ, જિન્દલ વર્લ્ડ વાઇડ, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ, જિન્દલ સૉ, મેઘમણિ ઑર્ગેનિક્સ, નીટ ટેક્નૉલૉજીઝ, રામકી ઇન્ફ્રા, TVS મોટર્સ, ટાનફાક ઇન્ડ, વીંધ્ય ટેલિ, વેબકો ઇન્ડિયા, વૉલ્ટાસ, વાલચંદનગર, વકરાંગી વગેરે.  

R.કૉમમાં દેવાના ઇક્વિટીમાં રૂપાંતરનો ઊભરો આવ્યો


અનિલ અંબાણી ગ્રુપની દેવાના ભારે બોજથી પીડાતી અને નાદારી ટાળવા ઝઝૂમી રહેલી રિલાયન્સ કમ્યુનિકેશન દ્વારા ડેટ પેમેન્ટ માટે નવી સ્કીમ ઑફર કરવામાં આવી છે જે હેઠળ બૅન્કોની ૭૦૦૦ કરોડ રૂપિયાની લોનનું ૫૧ ટકા ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવશે. આને લીધે કંપનીમાં મૅનેજમેન્ટ બૅન્કરોના હવાલે થશે. બાકીના દેવામાંથી ૨૭૦૦૦ કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ, ટેલિકૉમ ટાવર અને રિયલ એસ્ટેટ્સ જેવી મિલકત વેચીને મૂકવામાં આવશે. આને પગલે શૅરમાં ગઈકાલે તેજીનો ઊભરો આવ્યો હતો. BSE ખાતે પાંચ ગણા કામકાજમાં ભાવ ઉપરમાં ૧૮.૨૦ થઈ છેલ્લે સવાનવ ટકાના વધારામાં ૧૭ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીનું માર્કેટકૅપ હાલની તારીખે ૪૨૫૦ કરોડ રૂપિયા આસપાસ છે. પ્રમોટર્સ અનિલ અંબાણી ગ્રુપ ૫૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે એમાંથી ૬૪.૫ ટકા શૅર ગીરવી પડ્યા છે. FII પાસે ૯.૮ ટકા તો LIC પાસે ૬.૬ ટકા શૅર છે. મજાની વાત એ છે કે અનિલ ગ્રુપ નવી સ્કીમ હેઠળ ૭૦૦૦ કરોડ રૂપિયાના દેવાને બદલે કંપનીમાં ૫૧ ટકા હિસ્સો બૅન્કોના હવાલે કરવા માગે છે, જ્યારે હાલની તારીખે આખી કંપનીની વૅલ્યુ માર્કેટકૅપની રીતે ૪૨૫૦ કરોડ રૂપિયાની છે. બીજું કંપની પાસે જે ઍસેટ્સ છે એમાંથી સ્પેક્ટ્રમ, રિયલ્ટી અને ટેલિકૉમ ટાવર ૨૭,૦૦૦ કરોડ રૂપિયામાં વેચશે એટલે R.કૉમ ખાલી ખોખું થઈ જશે. આવી ખાલી ખોખા જેવી કંપનીમાં ૫૧ ટકા હિસ્સો બજારભાવથી સવાબસો ટકા ઊંચા ભાવ ચૂકવીને લેવા બૅન્કો સંમત થશે ખરી? અનિલ અંબાણીના આ બધા હવાઈ તુક્કા છે. રોકાણકારોની ૯૮ ટકા મૂડી R.કૉમમાં સાફ થઈ ગઈ છે અને હવે એને નાહી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK