ઇન્ટ્રા-ડેમાં નવા સર્વોચ્ચ શિખર બાદ શૅરબજારમાં તેજીનો વિસામો

માર્કેટકૅપની રીતે નંબર વનના સ્થાન માટે રિલાયન્સ અને TCS વચ્ચે પકડદાવની રમત : રિલાયન્સ ઇન્ફ્રામાં ક્રિસિલનું ડાઉન રેટિંગ અનિલ ગ્રુપને નડ્યું : ૧૯ મહિનામાં પ્રથમ વાર વેચાણમાં અડધા ટકાના ઘટાડામાં મારુતિ પોણાબે ટકા ડાઉન

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ આઠ દિવસથી રોજ-રોજ નવી ઑલટાઇમ હાઈ બનાવતું શૅરબજાર ગઈ કાલે થાકોડો ઉતારવાના કે પોરો ખાવાના મૂડમાં ૮૫ પૉઇન્ટ ઘટીને ૩૭,૫૨૨ની નીચે તથા નિફ્ટી સવાદસ પૉઇન્ટના મામૂલી ઘટાડામાં ૧૧,૩૪૬ બંધ રહ્યાં છે. જોકે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ખૂલતાની સાથે ૩૭,૭૧૨ નજીક અને નિફ્ટી ૧૧,૩૯૦ પ્લસની સર્વોચ્ચ સપાટીએ ગયાં હતાં. સેન્સેક્સમાંના ૩૦માંથી ૧૩ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર સુધારામાં જોવાયા છે. કોલ ઇન્ડિયા સવાત્રણ ટકાથી વધુના ઉછાળે ૨૭૦ રૂપિયા પર બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર બન્યો હતો. HDFC સવા ટકો અને HDFC બૅન્ક એક ટકાથી વધુ નરમ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૯૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. માર્કેટ-બ્રેડ્થ નહીંવત પૉઝિટિવ બાયસ સાથે રસાકસીમાં હતી. JK પેપર બહેતર પરિણામ પાછળ ૧૧ ગણા કામકાજમાં સાડાદસ ટકાની તેજીમાં ૧૪૦ રૂપિયા નજીક બંધ હતો. વૉલ્યુમ સાથે વધનારી અન્ય જાતોમાં હિન્દુસ્તાન કૉપર આઠ ટકા, ગતિ પોણાનવ ટકા, આદિત્ય બિરલા ફૅશન્સ સાડાનવ ટકા, અશોક લેલૅન્ડ સવાપાંચ ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ સાડાચાર ટકા અપ હતા.

ગઈ કાલે અદાણી ગ્રીન, બાટા ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, એસ્ટ્રા ઝેનેકા, ભારત રસાયણ, બૉરોસીલ, ડાબર ઇન્ડિયા, બ્રિટાનિયા, ડી-માર્ટ, એન્ડયુરન્સ, એક્સેલ ક્રૉપ, ગ્રેફાઇટ ઇન્ડિયા, HEG, ઇન્ડસઇન્ડ બૅન્ક, JK ઍગ્રીજેનેટિક, KPIT, મહિન્દ્ર, નેસ્લે ઇન્ડિયા, પેજ ઇન્ડસ્ટ્રીઝ, સનોફી, રિલાયન્સ, તળવલકર લાઇફ સ્ટાઇલ, ટૉરન્ટ ફાર્મા, વ્હર્લપૂલ, સ્વરાજ ઑટો, સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇત્યાદિ સહિત ૭૯ શૅર BSE ખાતે ભાવની રીતે નવાં શિખરે ગયાં હતાં. તો અપાર ઇન્ડસ્ટ્રીઝ, DFM ફૂડ્સ, ઇન્ડિયન ટેરિન, કોઠારી પ્રોડક્ટ્સ, RPG લાઇફ, સુલઝર ઇલેક્ટ્રૉનિક, સહારા વન, સિમ્ફની, તલવલકર બેટર વૅલ્યુ, તાતા મોટરનો DVR, વિપુલ જેવી ૧૦૧ જાતોમાં ઐતિહાસિક બૉટમ દેખાયાં હતાં.

મારુતિ સુઝુકી અને તાતા મોટર સામસામા રાહે

અગ્રણી ઑટો જાયન્ટ મારુતિ સુઝીકીનું વેચાણ જુલાઈ મહિનામાં અડધા ટકાથી વધુના ઘટાડામાં ૧.૬૪ લાખ નંગ થયું છે. છેલ્લા ૧૯ મહિનામાંનો આ પ્રથમ ઘટાડો અન-અપેક્ષિત હોવાથી શૅર ૯૫૯૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ઘટીને ૯૩૪૦ રૂપિયા બંધ રહ્યો છે. બીજી તરફ તાતા મોટર્સે જૂન ક્વૉર્ટરમાં અગાઉના ૩૧૯૯ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સામે આ વખતે ૧૯૦૨ કરોડ રૂપિયાની છેલ્લાં નવ વર્ષમાંની સૌથી મોટી ચોખ્ખી ખોટ કરી છે. આ અગાઉ ૨૦૦૯ના ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ ૨૫૯૯ કરોડ લોસ કરી હતી. શૅર ગઈ કાલે પ્રારંભિક નબળાઈમાં ૨૪૭ની મલ્ટિયર બૉટમ નજીક ૨૪૮ રૂપિયા થઈ સેકન્ડ સેશનમાં સુધરી ૨૬૭ થઈ છેલ્લે સાધારણ વધી ૨૬૫ રૂપિયા રહ્યો છે. વૉલ્યુમ સાડાત્રણ ગણું હતું. ટૂ-વ્હીલર્સ જાયન્ટમાં બજાજ ઑટો માટે જુલાઈ મહિનો છેલ્લાં આઠ વર્ષમાં બેસ્ટ પુરવાર થયો છે. કંપનીએ ૩૦ ટકાના વૃદ્ધિદરમાં ચાર લાખ નંગ વાહનોનું વેચાણ હાંસલ કર્યું છે. શૅર જોકે ઉપરમાં ૨૭૬૮ થયા બાદ ૨૬૬૮ બતાવી અંતે અડધો ટકો ઘટી ૨૬૮૫ રૂપિયા બંધ હતો. TVS મોટરનું વેચાણ ગયા મહિને ૧૮ ટકા વધ્યું છે. શૅર ઉપરમાં ૫૨૩ રૂપિયા થઈ અંતે એક ટકો ઘટીને ૫૧૩ રૂપિયા હતો મહિન્દ્રનું વેચાણ ૧૩ ટકા વધતાં ભાવ ૯૪૩ના નવા શિખરે જઈ છેલ્લે પોણો ટકો ઘટીને ૯૨૭ રૂપિયા બંધ હતો. અશોક લેલૅન્ડનું વેચાણ ૨૭ ટકા વધીને આવતાં ભાવ ગઈ કાલે સવાબે ગણા કામકાજમાં ઉપરમાં ૧૧૯ થઈ અંતે ૫.૩ ટકાની તેજીમાં ૧૧૯ રૂપિયા નજીક જોવાયો છે. હર્લી-ડેવિડ સનની એન્ટ્રીના અહેવાલમાં આઇશર મોટર્સ સળંગ ત્રીજા દિવસની નરમાઈમાં ૨૭,૧૪૮ થઈ અંતે દોઢ ટકા ઘટી ૨૭,૪૦૦ રૂપિયા હતો. ત્રણ દિવસ પૂર્વે શૅર ૨૯,૦૬૮ રૂપિયાના લેવલે હતો.

૧૭૦ કરોડ ડૉલરની વસૂલાત માટેના સરકારી દાવા સામે રિલાયન્સની જીત


ક્રૃષ્ણા-ગોદાવરી બેસિન ખાતે પોતાના ગૅસ-ઑઇલ ફીલ્ડની લગોલગ આવેલા ONGCના ઑઇલ ફીલ્ડમાંથી સોફિસ્ટિકેટેડ રીતે ગૅસની ચોરી કરવા બદલ સરકારે રિલાયન્સ અને તેની સહયોગી BP તથા નિક્કો રિસોર્સિસ પર ૧૭૦ કરોડ ડૉલર એટલે કે આશરે ૧૧,૬૫૦ કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો હતો. મામલો ઇન્ટરનૅશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં ગયો હતો. ટ્રિબ્યુનલે સરકારનો દાવો ફગાવી દીધો છે અને કેસના ખર્ચા પેટે ૮૩ લાખ ડૉલર અર્થાત ૫૬.૪ કરોડ રૂપિયા રિલાયન્સના કન્સોર્સિયમને ચૂકવવા સરકારને અનુરોધ કર્યો છે. સરકાર આ મામલે આગળ શું કરે છે એ જોવું રહ્યું. રિલાયન્સનો શૅર ગઈ કાલે ૧૨૦૩ રૂપિયાની નવી વિક્રમી સપાટી બનાવી અંતે અડધો ટકો વધી ૧૧૯૧ રૂપિયાના નવા શિખરે બંધ હતો. કંપનીનું માર્કેટકૅપ આગલા દિવસના ૭.૫૧ લાખ કરોડથી વધીને ગઈ કાલે ૭.૫૪૮ લાખ કરોડ થઈ ગયું છે. બીજી તરફ આગલા દિવસે માર્કેટકૅપની રીતે નંબર-ટૂ થઈ ગયેલી TCS ગઈ કાલે ઉપરમાં ૧૯૮૦ બતાવી છેલ્લે પોણાબે ટકાની તેજીમાં ૧૯૭૫ રૂપિયા બંધ આવતાં એનું માર્કેટકૅપ ૭.૫૬૧ લાખ કરોડ આવી ગયું છે. મતલબ કે TCS ગઈ કાલે ફરીથી દેશની નંબર-વન કંપની બની ગઈ છે. રિલાયન્સ અને TCS વચ્ચેનો પકડ દાવ આગળ ઉપર ચાલુ રહેવાનો છે. ઇન્ફી ગઈ કાલે પોણો ટકો ડાઉન હતો. HCL ટેક્નૉલૉજી દોઢેક ટકો વધી ૯૭૮ રૂપિયા બંધ હતો.

રિલાયન્સ ઇન્ફ્રાના બૉન્ડ ડાઉન ગ્રેડ થતાં શૅર તૂટ્યો

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા સ્ટ્રક્ચર્સના ૫૮૫ કરોડ રૂપિયાના NCD તથા ૧૨૫ કરોડ રૂપિયાના બૉન્ડને રેટિંગ એજન્સી ક્રિસિલ તરફથી ડાઉન ગ્રેડ કરવામાં આવતાં શૅર ગઈ કાલે સવાચાર ગણા વૉલ્યુમે ૪૦૧ની ટૉપથી ગગડી સીધો ૩૭૧ થઈ અંતે ચાર ટકાની ખરાબીમાં ૩૮૩ રૂપિયા બંધ હતો. અનિલ ગ્રુપના મોટા ભાગના શૅર ગઈ કાલે નબળાઈમાં હતા. રિલાયન્સ કૅપિટલ સવાયા વૉલ્યુમમાં ૪૨૨થી તૂટી ૩૯૯ થઈ ૩.૨ ટકાના ઘટાડે ૪૦૮ રૂપિયા, રિલાયન્સ હોમ ઉપરમાં ૬૩ નજીક ગયા બાદ ૫૮ની અંદર જઈ અઢી ટકાની કમજોરીમાં ૬૧ રૂપિયા નજીક, રિલાયન્સ નિપ્પોન એક ટકો તથા રિલાયન્સ પાવર ઉપરમાં ૩૪ બતાવી ત્યાંથી ૩૨ની નીચે જઈ અંતે ૩.૬ ટકા ગગડી ૩૨ રૂપિયા બંધ હતા. રિલાયન્સ નેવલ સળંગ ચોથા દિવસના સુધારા અને બીજા દિવસની ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી સવાચૌદ રૂપિયા જોવાયો છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ પોણાત્રણ ટકા જેવો વધીને ૧૪.૮૦ રૂપિયા નજીક બંધ હતો. અદાણી ગ્રુપનો તાજેતરમાં લિસ્ટેડ થયેલો અદાણી ગ્રીન એનર્જી‍ વૉલ્યુમ સાથે તેજી બરકરાર રાખતાં વધુ એક પાંચ ટકાની સર્કિટમાં ગઈ કાલે ૬૪ રૂપિયા પ્લસના નવા શિખરે બંધ હતો. માંડ બે વીક પહેલાં, ૧૯ જુલાઈએ ભાવ ૨૯.૫૦ રૂપિયા બંધ હતો. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં ગઈ કાલે અદાણી એન્ટરપ્રાઇઝિસ દોઢ ટકો, અદાણી પોર્ટ્સ નહીંવત, અદાણી પાવર પોણો ટકો તથા અદાણી ટ્રાન્સમિશન દોઢ ટકો ડાઉન હતા.

બૅન્કિંગ સેક્ટરમાં ફિફ્ટી-ફિફ્ટીનો રંગ


રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાપક ધારણા અનુસાર રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો આવતાં રેટ-સેન્સિટિવ સેક્ટર તથા બૅન્કિંગ સેગમેન્ટમાં બહુ ખાસ નેગેટિવ અસર દેખાઈ નથી કેમ કે રેટ વધશે એવી સાર્વત્રિક ધારણા ઘણા દિવસથી હતી. ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી ૭ શૅરના ઘટાડે અડધો ટકો અને બૅન્ક નિફ્ટી બારમાંથી ૮ શૅરની નરમાઈમાં અડધા ટકાથી વધુ ઢીલા હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૮ શૅરની નબળાઈમાં પોણા ટકાની નજીક ડાઉન હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી છ શૅરના સુધારામાં અડધો ટકો વધીને બંધ આવ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧ શૅરમાંથી ગઈ કાલે ૨૧ શૅર ડાઉન હતા. JK બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ફેડરલ બૅન્ક, વિજયા બૅન્ક, ICICI બૅન્ક, ઇન્ડિયન બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક સવા ટકાથી લઈ સવાબે ટકા કટ થયા હતા સામે પક્ષે કરુર વૈશ્ય બૅન્ક સાતેક ટકાની તેજીમાં ૧૦૭ રૂપિયાના બંધમાં ટૉપ ગેઇનર હતો. IDBI બૅન્ક સાડાપાંચ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ત્રણ ટકા, OBC બે ટકા, સિટી યુનિયન બૅન્ક પોણાબે ટકા અને યુનિયન બૅન્ક દોઢ ટકો અપ હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરના સુધારામાં અડધો ટકો વધ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પણ સાધારણ સુધર્યા છે. ઑટો ઇન્ડેક્સ આમ તો પોણો ટકો પાછો પડ્યો છે, પરંતુ આ પીછેહઠ રિઝર્વ બૅન્કના રેપોરેટ કરતાં મારુતિના વેચાણમાં ૧૯ મહિના પછીના પ્રથમ ઘટાડા જેવા કારણને વધુ આભારી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK