બૅન્ક શૅરની આગેવાની હેઠળ બજારમાં ઘટાડાની આગેકૂચ

રૂપિયાની નબળાઈથી IT શૅરમાં સુધારાને હૂંફ : PNBમાં બે સપ્તાહમાં ૧૦૦ના ૬૦ જેવી હાલત : સિન્ટેક્સ પ્લાસ્ટિક્સમાં ઐતિહાસિક બૉટમ બની

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નીમો-ફ્રૉડથી ડઘાઈ ગયેલી સરકાર દ્વારા ૫૦ કરોડ રૂપિયા કે એથી વધુ રકમની તમામ બૅડ લોન અગર તો NPAના કિસ્સામાં ફ્રૉડ જેવું કશું થયું છે કે કેમ એની તપાસ કરવા સરકારી બૅન્કોના સૂત્રધારોને આદેશ અપાયા છે અને ક્યાંય પણ ફ્રૉડ થયાની ગંધ આવે તો મામલો CBIને સુપરત કરવા કહી દેવાયું છે. એની સીધી માઠી અસર ગઈ કાલે બૅન્કિંગ શૅરમાં જોવાઈ છે. બૅન્કેક્સ તેમ જ બૅન્ક નિફ્ટી એક ટકો ખરડાયા છે. PSU બૅન્ક નિફ્ટી નીચામાં ૨૯૭૫ થઈ છેલ્લે પોણો ટકો વધી ૩૦૭૯ બંધ આવ્યો છે. બાય ધ વે, ફેબ્રુઆરી મહિનામાં નિફ્ટી લગભગ સવાચાર ટકા અને પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી છ ટકાની નજીક ડાઉન થયા છે. એની અસર સામે PSU બૅન્ક નિફ્ટીમાં આશરે સવાઅઢાર ટકાનું ધોવાણ થયું છે જે જાન્યુઆરી ૨૦૧૬ના ૨૦ ટકાના કડાકા પછીની પ્રથમ ઘટના છે. નીમો-ફ્રૉડની અસરમાં ૨૧ સરકારી બૅન્કોના માર્કેટકૅપમાં અત્યાર સુધીમાં લગભગ  ૮૭,૦૦૦ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

ગઈ કાલે બજાર આગલા બંધથી ૧૯૦ પૉઇન્ટ જેવું નરમ ખૂલી નીચામાં ૩૪,૦૭૬ થયું હતું. દોઢેક વાગ્યા પછી ધીમો પ્રત્યાઘાતી સુધારો કામે લાગતાં ૩૪,૩૦૩ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. સેન્સેક્સ છેલ્લે ૧૬૨ પૉઇન્ટ ઘટી ૩૪,૧૮૪ રહ્યો છે. નિફ્ટી નીચામાં ૧૦,૪૬૧ અને ઉપરમાં ૧૦,૫૩૫ થઈ અંતે ૬૧ પૉઇન્ટ ઘટી ૧૦,૪૯૩ આવ્યો છે. માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી યથાવત રહી છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી પાંચ તો નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. ઇન્ફી બે ટકાની તેજીમાં બન્ને મેઇન આંક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. તો ICICI બૅન્ક ટૉપ લૂઝરની યાદીમાં હતો. NSEમાં કુલ ૧૪૫૫ શૅરમાં ટ્રેડિંગ થયું હતું એમાંથી ૮૬૧ જાતો માઇનસ ઝોનમાં હતી. બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૨૦ શૅર ગઈ કાલે સુધર્યા હતા. ઇન્ડિયન બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, વિજયા બૅન્ક, ABC, કૉર્પોરેશન બૅન્ક જેવી જાતો ત્રણથી છ ટકા અપ હતી. લક્ષ્મી વિલાસ બૅન્ક સવાછ ટકાના કડાકામાં ૧૦૪ રૂપિયા બંધ હતો.

રૂપિયાની નરમાઈથી IT શૅર સામા પ્રવાહે

ગઈ કાલે બજારની સાર્વત્રિક નબળાઈમાં IT શૅર સામા પ્રવાહે જોવાયા છે. ડૉલર સામે રૂપિયો ઘટાડાની ચાલમાં ઇન્ટ્રા-ડેમાં ૬૫.૪૯ જેવા મલ્ટિ-મન્થ તળિયે ગયાની આ અસર હતી. IT ઇન્ડેક્સ ગઈ કાલે ૫૮માંથી ૩૨ શૅરના સુધારામાં ૦.૯ ટકા અપ હતો. હેવીવેઇટ ઇન્ફોસિસ ઉપરમાં ૧૧૮૯ રૂપિયા થઈ છેલ્લે સવાબે ટકા વધીને ૧૧૭૪ રૂપિયા બંધ હતો. TCS ૩૦૫૮ રૂપિયા થયા બાદ પ્રૉફિટ-બુકિંગમાં ૩૦૨૩ રૂપિયા થઈ અંતે સહેજ ઘટીને ૩૦૩૮ રૂપિયા હતો વિપ્રો નહીંવત નરમ હતો. ઓરેકલ ફાઇનૅન્શિયલ સવાબે ટકા, માઇન્ડ ટ્રી દોઢ ટકા, ઇન્ફીબિમ સવા ટકા, તાતા ઍલેક્સી સવા ટકા, KPIT ટેક્નૉલૉજીઝ સવા ટકા, સિયેન્ટ સવાબે ટકા, માસ્ટેક ત્રણ ટકા પ્લસ હતા. તાન્લા સૉલ્યુશન્સ આઠ ગણા કામકાજમાં ઉપરમાં ૩૬ રૂપિયા થઈ છેલ્લે ૯.૫ ટકાની તેજીમાં ૩૪ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. IT શૅરની હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૮માંથી ૧૮ શૅર ઘટીને બંધ રહેવા છતાં અડધો ટકો ઊંચકાયો હતો. NSE ખાતેના બેન્ચમાર્કમાં એકમાત્ર IT ઇન્ડેક્સ જ ૧૦માંથી સાત શૅરના સુધારામાં અડધો ટકો વધેલો હતો. ઇન્ફોસિસની તેજી ગઈ કાલે સેન્સેક્સ માટે ૫૩ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી.

PNB : બે સપ્તાહમાં ૪૦ ટકા મૂડી સાફ થઈ

નીમો-ફ્રૉડનો શિકાર બનેલી PNBના શૅરમાં ધોવાણ અટકવાનું નામ નથી લેતું. શૅર ગઈ કાલે ૯૨ રૂપિયાની ૧૫ જૂન ૨૦૧૬ પછીની નીચી સપાટી બતાવી ગઈ કાલે ત્રણ ટકા વધી ૧૦૧ રૂપિયા બંધ રહ્યો છે. બે સપ્તાહ પહેલાં ૧૨ ફેબ્રુઆરીએ ભાવ ૧૬૨ રૂપિયા નજીક બંધ હતો. આ ધોરણે પખવાડિયામાં અહીં લગભગ ૪૨ ટકા મૂડી સાફ થઈ ચૂકી છે. બીજી રીતે કહીએ તો ૧૨ ફેબ્રુઆરી પછી આ શૅરમાં માર્કેટકૅપની રીતે રોજ સરેરાશ આશરે ૧૪૦૦ કરોડ રૂપિયા ધોવાતા ગયા છે. PNBનો શૅર પખવાડિયામાં સર્વાધિક ૪૨ ટકા જેવી ખુવારી સાથે મોખરે છે. અન્ય બૅન્ક શૅરમાં યુનિયન બૅન્ક ૨૧ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧૮ ટકા, અલાહાબાદ બૅન્ક ૧૭ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧૩ ટકા, કૅનેરા બૅન્ક ૧૧ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૧૨ ટકા, દેના બૅન્ક ૧૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧૨ ટકા, OBC ૧૫ ટકા, IOB ૧૧ ટકા, યુકો બૅન્ક ૧૩ ટકા આ ગાળામાં ડુલ થયા છે. એકમાત્ર IDBI બૅન્ક આઠેક ટકા વધ્યો છે.

પ્રાઇવેટ બૅન્ક શૅર પર નજર કરીએ તો છેલ્લાં બે સપ્તાહમાં લક્ષ્મી વિલાસ બૅન્ક ૧૬ ટકા, ઍક્સિસ બૅન્ક સાડાસાત ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સાત ટકા, કરૂર વૈશ્ય અને DCB બૅન્ક સવાપાંચ ટકા, યસ બૅન્ક અને ICICI બૅન્ક સાડાચાર ટકા ગગડ્યા છે.   

હિન્દુસ્તાન પેટ્રોલિયમ એક્સ-ઇન્ટરિમ થયો


PSU ઑઇલ જાયન્ટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ શૅરદીઠ ૧૪.૫૦ રૂપિયાના ઇન્ટરિમ ડિવિડન્ડમાં ગઈ કાલે એક્સ-ડિવિડન્ડ થતાં પ્રારંભે નીચામાં ૩૭૩ રૂપિયાના લેવલે જઈ પાછળથી સુધારાની ચાલમાં ઉપરમાં ૩૮૨ રૂપિયા બતાવી અંતે પોણો ટકો વધીને ૩૮૦ રૂપિયા બંધ રહ્યો છે. ક્રિધન ઇન્ફ્રા દ્વારા ૩૫ વર્ષથી કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પ્રવૃત્ત વિજય નિર્માણ નામની પ્રાઇવેટ કંપનીમાં ૩૧.૫ ટકા હિસ્સો હસ્તગત કરાયાના પગલે ભાવ ૧૧૯ રૂપિયા નજીક જઈ છેલ્લે બે ટકા વધીને ૧૧૬ રૂપિયા જોવાયો છે. વિજય નિર્માણની ઑર્ડરબુક ૩૨૦૦ કરોડ રૂપિયા જેવી છે. રેડિયો સિટી ૯૧.૧ FM દ્વારા ઍપલ મ્યુઝિક સાથે કોલૅબરેશન થયાના સમાચાર પાછળ મ્યુઝિક બ્રૉડકાસ્ટ ઉપરમાં ૩૯૭ રૂપિયા થઈ અંતે અઢી ટકા વધીને ૩૯૨ રૂપિયા હતો. ગીતાંજલિ જેમ્સ સળંગ ૧૧મા દિવસની નીચલી સર્કિટમાં ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૨૧.૩૫ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે ગયો છે. વૉલ્યુમ માત્ર ૮૧૯ શૅરનું હતું. સામે લાખો શૅરના સેલર્સ લાઇનમાં હતા. વકરાંગી સળંગ નવમા દિવસે નીચલી સર્કિટમાં પાંચ ટકા લથડીને ૧૬૩ રૂપિયા નજીક બંધ હતો. કોઠારી પ્રોડક્ટ્સ ૧૬૧ રૂપિયાની નવી ઐતિહાસિક બૉટમ બતાવી છેલ્લે અઢી ટકાની નરમાઈમાં ૧૬૧ રૂપિયા હતો.

સિન્ટેક્સ પ્લાસ્ટિક ઐતિહાસિક તળિયે

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસની નવરચનાના ભાગરૂપ પ્લાસ્ટિક્સ બિઝનેસના ડીમર્જરમાંથી અસ્તિત્વમાં આવેલી સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેક્નૉલૉજીઝ સળંગ બીજા દિવસની નરમાઈમાં ગઈ કાલે ૬૫ રૂપિયાની અંદર ઑલટાઇમ તળિયે જઈ અંતે એક ટકા ઘટીને ૬૫ રૂપિયા બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ૫૩ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવે છે. આઠ ઑગસ્ટે ભાવ ૧૩૬ રૂપિયા પ્લસની વિક્રમી સપાટીએ હતો. ગ્રુપ કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પણ નીચામાં ૨૦ રૂપિયા થઈ છેલ્લે અડધો ટકો ઘટીને ૨૧ રૂપિયા નજીક હતી. એક રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૬૬ રૂપિયા જેવી છે. ૨૦ જુલાઈએ શૅર ૩૮ રૂપિયા પ્લસના શિખરે હતો, જ્યારે ૨૫ મેએ ૧૭.૭૫ રૂપિયાનું ઐતિહાસિક બૉટમ બન્યું હતું. અતુલ લિમિટેડ રોજના માંડ ૬૫૦ શૅર સામે ગઈ કાલે ૧.૩૪ લાખ શૅરના કામકાજમાં નીચામાં ૨૬૬૦ રૂપિયા થઈ અંતે દોઢ ટકા ઘટીને ૨૬૭૬ રૂપિયા રહ્યો છે. શૅરદીઠ ૧૦૮ રૂપિયાની ઇશ્યુપ્રાઇસ સાથે થોડાક મહિના પહેલાં મૂડીબજારમાં આવેલી સલસાર ટેક્નૉલૉજીઝ છ ગણા કામકાજમાં ૩૬૬ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી ગઈ કાલે છેલ્લે પાંચ ટકાની મજબૂતીમાં ૩૫૫ રૂપિયા બંધ રહ્યો છે. વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ ૧૦૨૫ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ દોઢ ટકો વધીને ૧૦૦૦ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK