તેજી ઝિંદા હૈ : ૨૦૧૮માં બજારમાં તેજી આગળ વધવાનાં કારણો આ રહ્યાં...

અનિશ્ચિત કે અજાણ્યાં જોખમોને બાદ કરતાં આમ થવાનાં નક્કર કારણો સમજી લેવામાં સાર છે અને એ મુજબ રોકાણ કરતા રહેવામાં શાણપણ છે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે. ૨૦૧૭ની તેજીમય, ઉત્સાહમય અને આશામય વિદાય થઈ છે. આટલો જ ઉત્સાહ ૨૦૧૮ માટે પણ છે. તેજીની આશા ૨૦૧૭ કરતાં વધુ હોઈ શકે, ઓછી નહીં. ૨૦૧૭માં તમે તેજીમાં કમાયા જ હશો, પણ જો એમ ન થયું હોય તો ૨૦૧૮ તમને નવી તક આપશે, પરંતુ ૨૦૧૭માં જે ભૂલો તમે કરી હશે એનું પુનરાવર્તન ટાળવું જોઈશે. એક નજર તમારે ૨૦૧૭ની મુખ્ય ઘટનાઓ પર કરવી પડશે અને એની ૨૦૧૮માં થનારી અસર પણ સમજવી જોઈશે. આમ કરવા માટે સામાન્ય અને સાદી બુદ્ધિ કાફી છે. આ હકીકતને સાદી વાતમાં સમજીએ.

શા માટે તેજી આગળ વધશે?

બજારની તેજી ૨૦૧૮માં પણ આગળ વધશે અને નવી ઊંચાઈ હાંસલ કરશે એ વાત કે માન્યતાને સમર્થન આપતાં ઘણાં કારણો છે જેમાં સૌથી પહેલા કારણનો અવસર બજેટ બનશે. જોકે લાંબા ગાળાનું કારણ GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) અને નોટબંધી બનશે. જેણે અગાઉના વર્ષમાં પીડા આપી છે એ જ હવે મલમ બનીને અર્થતંત્રને અને બિઝનેસ તેમ જ માર્કેટને વિકસવામાં સહાયરૂપ બનશે. આપણે આ વિવિધ કારણો જોઈએ.

GSTનું બિઝનેસ બૂસ્ટ

GSTના અમલની નકારાત્મક કે નિરાશાજનક અસરો ઘટતી જાય છે અને સરકારના સતત સુધારાતરફી અભિગમને કારણે GSTનો સ્વીકાર વધતો જાય છે. બિઝનેસ વર્ગ GSTની કડવી અસરમાંથી બહાર આવી રહ્યો છે અને ડિમાન્ડ વધવાની શરૂઆત થઈ છે. જેકોઈ મુદ્દાઓ હજી અમલના સ્તરે ઊભા છે એના ઉપાય પણ ઝડપી ધોરણે થઈ રહ્યા હોવાથી GST ઇકૉનૉમીને અને માર્કેટને બૂસ્ટ કરવાની ભૂમિકામાં આવી જશે એવું માની શકાય. હજી મહત્તમ એને બે ક્વૉર્ટર લાગી શકે. આ જાન્યુઆરીમાં થનારી મીટિંગ પણ GSTમાં નોંધપાત્ર સુધારા લાવશે જે એને સરળ અને સફળ બનાવવામાં નિમિત્ત બની શકે. ઇન શૉર્ટ, GST ભારતમાં મોટા પાયે ચાલતી ઇનફૉર્મલ ઇકૉનૉમીને ફૉર્મલ ઇકૉનૉમીમાં પરિવર્તિત કરવાની ભૂમિકા ભજવશે. જોકે અત્યારે GSTનું ઘટેલું કલેક્શન ચિંતાનું કારણ ખરું, પરંતુ સમય જતાં એમાં સુધારો થવાની આશા પણ ખરી.

નોટબંધીની પૉઝિટિવ અસર

નોટબંધી બાદ કરચોરીનો સ્કોપ ઘટ્યો છે. કાળાં નાણાંનું ટકવું અને છુપાઈ રહેવું કઠિન બન્યું છે જેથી સત્તાવાર નાણાંના વ્યવહાર વધતા રહેશે. આ સાથે ડિજિટલ વ્યવહારો પણ વધશે. બેનામી સ્વરૂપે બહાર ફરતાં નાણાં હવે સિસ્ટમમાં આવતાં જઈ નાણાંની હેરફેર વધશે. આ જ નાણાં રોકાણસાધનો તરફ પણ વધુ વળશે જેમાં ઇન્વેસ્ટરો પાસે મોટા ભાગની ચૉઇસ ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ સહિતનાં ફાઇનૅન્શિયલ સાધનો છે. ડિજિટલ વ્યવહારોની પારદર્શકતા વધારવા સાથે સરળતા અને ઝડપ પણ વધશે. GST  અને નોટબંધી એ બન્ને બાબતો વિકાસદરને ઊંચે લઈ જવામાં નિમિત્ત બનશે.

વિદેશી રોકાણપ્રવાહ

૨૦૧૮માં વિદેશી રોકાણપ્રવાહ ભારતીય માર્કેટમાં ચાલુ રહેવાની આશા પણ ઊંચી છે જેને માટે આ ગ્લોબલ ઇન્વેસ્ટરો ભારતના વિકાસદર અને આર્થિક સુધારા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. GSTનું ક્રાન્તિકારી પગલું અને નોટબંધીની ઘટના બાદ આ રોકાણકારોને સરકારનું કમિટમેન્ટ વધુ મજબૂત દેખાયું છે અને બૅન્કોને ઊભી કરવા માટેના વ્યૂહ પણ તેમને સુધારાના સંકેત આપે છે. આ સંજોગો વચ્ચે અમેરિકામાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર વધવાની ઘટના ક્યાંક થોડો બ્રેક મારી શકે છે, બાકી વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટી માટે ઉત્સાહી છે. રાજકીય મોરચે વર્તમાન કેન્દ્ર સરકારની મજબૂતી પણ ગ્લોબલ ઇન્વેસ્ટરો માટે વિશ્વાસ વધવાનું કારણ બનશે.

ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત

૨૦૧૮ માટે કરાયેલા એક ગ્લોબલ સર્વે મુજબ ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત રોકાણકારોની પસંદગીમાં ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે બ્રાઝિલ અને બીજા ક્રમે મેક્સિકો છે. બૅન્કોને મૂડીસહાય કરવાના સરકારના પગલા બાદ બૅન્કોની ધિરાણક્ષમતા વધવાની આશા છે તેમ જ કૉર્પોરેટ અર્નિંગ્સ વધવાનો પણ અંદાજ છે. આ સાથે ભારતના ગ્રોથ-રેટને પણ ખાસ ધ્યાનમાં લેવાઈ રહ્યો છે, જે ઊંચો જવાની આશા પણ ઊંચી છે. આર્થિક સુધારાની બાબતે ભારતમાં આ દોર ચાલુ રહેશે.

રાજ્યોની ચૂંટણી, લોકપ્રિય પગલાં

આ વર્ષે વિવિધ રાજ્યોની ચૂંટણી પણ આવવાની છે. ગુજરાતની ચૂંટણીએ અને એનાં પરિણામે મોદી સરકારને સમજવા જેવા સબક અને સંકેત આપી દીધા હોવાથી સરકાર એમાંથી બોધપાઠ લઈને બજેટમાં તેમ જ આગામી રાજ્યોની ચૂંટણી પહેલાં ઘણાં જરૂરી કાર્ય કરશે એવી આશા રાખી શકાય જે લોકપ્રિય હોઈ શકે, પરંતુ એ અર્થતંત્ર માટે ક્યાંક અડચણ પણ બની શકે છતાં સરકારે અર્થકારણ અને રાજકારણનું બૅલૅન્સ કરવું પડશે.

બજેટનું ફોકસ કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્ર

ગુજરાતની ચૂંટણીની અસર એટલી બધી ગહન અને વ્યાપક રહી છે કે સરકાર આગામી બજેટમાં પણ આ અસરોનો સામનો કરવાની જોગવાઈઓ સમાવી લે તો નવાઈ નહીં. પરિણામે આ વખતે બજેટમાં પછાત વર્ગને વધુ ફાળવણી ઉપરાંત સૌથી વધુ ધ્યાન કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રને આપશે એ નિશ્ચિત ગણાય છે. સરકાર પાસે એના સિવાય કોઈ વિકલ્પ પણ નથી. માત્ર ગુજરાત જ નહીં, બાકીનાં રાજ્યો માટે પણ સરકારે આ કામ કરવું પડશે. અત્યાર સુધીની મોદી સરકારની જે મક્કમતા જોવા મળી છે એ જોતાં સરકાર વિકાસના મુદ્દાને કેન્દ્રમાં જ રાખશે. જાતિવાદને ઝાઝું પંપાળશે નહીં. હા; પછાત વર્ગ, ગરીબ વર્ગ અને ગ્રામ્ય સહિત ખેડૂત વર્ગની કાળજી લેવા પર વધુ ધ્યાન આપશે એવું માનવું અસ્થાને નથી.

IT સુધારા અને સરળીકરણ

આ વખતના બજેટમાં ઇન્કમ-ટૅક્સના સુધારા નિશ્ચિત જણાય છે, કારણ કે GST બાદ આ મુદ્દો સરકારના એજન્ડા પર હતો જ. આવકવેરા ધારામાં રાહત, સરળીકરણ અને પ્રોત્સાહનની સાથોસાથ કરચોરો સામે આકરાં પગલાં સરકાર માટે અનિવાર્ય બની ગયાં છે. બિઝનેસ કરવાનું સરળ બનાવતા રહેવાનું લક્ષ્ય સરકાર પાસે છે જ જેને આ નવા વર્ષે વધુ આગળ વધારવામાં આવશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ


સરકારે આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. આ માટેનો ખર્ચઅંદાજ પણ વધારી દેવામાં આવ્યો છે. આ ખર્ચ મોટા પાયે રોજગારી સર્જન ઉપરાંત અન્ય સંબંધિત ઉદ્યોગોને મોટો ટેકો આપશે. વિકાસલક્ષી અભિગમ સાથે એ સેક્ટરના સારા શૅરો ચોક્કસ જમા કરાય.  

મ્યુચ્યુઅલ ફન્ડ્સનો પ્રવાહ


૨૦૧૭ તો મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે સારું રહ્યું જ છે. આ વર્ષે ઉદ્યોગે આશરે ૬ લાખ કરોડ રૂપિયાનું નવું ભંડોળ મેળવ્યું છે. રોકાણકારોની સંખ્યા સતત વધતી રહી છે. આ પ્રવાહ નવા વર્ષમાં અનેકગણો વધવાની ધારણા છે. લોકો પાસે બચત કે રોકાણનાં સાધનોમાં હવે મહદંશે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ બહેતર વિકલ્પ રહી છે ત્યારે આ માર્ગે આવનારું ફન્ડ આખરે તો ઇક્વિટી અને ડેટ માર્કેટમાં જ વધુ આવશે જે બજારની તેજીને ટેકો આપવામાં અને આગળ વધારવામાં કારણ બને એ સહજ છે. આ સત્ય એણે ૨૦૧૭માં પુરવાર કરી આપ્યું છે. સમજી લો કે સારા શૅરોની બોલબાલા વધતી જશે અને સારા શૅરો જમા કરતા રહી લોકો એને લાંબા સમય સુધી જાળવી રાખવાનું પસંદ કરશે.  

ગયા સપ્તાહમાં શું થયું?

ગયા સોમવારે માર્કેટ નાતાલની રજા નિમિત્તે બંધ હતું. મંગળવારે એણે સાધારણ વધારો નોંધાવ્યો હતો જેમાં અસાધારણ વાત એ હતી કે સેન્સેક્સ પહેલી વાર ૩૪,૦૦૦ ઉપર  અને નિફ્ટી ૧૦,૫૦૦ ઉપર બંધ રહ્યા હતા જે એક નવી ઊંચાઈ હતી. જોકે બુધવારે સાધારણ ઘટાડો પણ નોંધાયો હતો. મહત્વની વાત એ છે કે વર્ષનો ટ્રેડિંગ માટેનો અંતિમ દિવસ એટલે કે શુક્રવાર મજબૂત રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ફરી નવી ઊંચી સપાટી પર આવી ગયા અને ૨૦૧૭ને તેજી સાથે વિદાય આપી. હવે ૨૦૧૮ પાસે ઉમ્મીદો વધી ગઈ છે. આ ઉમ્મીદો પૂરી થાય એવી બજારને અને ઇન્વેસ્ટરોને નવા વર્ષની શુભકામના.

આટલું યાદ રાખજો


યાદ રહે, બજારની તેજી અને ઊંચાઈ દર વખતે ખરીદી કરતા રોકશે યા વિચારતા કરશે કે નિર્ણય લેતા અટકાવશે. એથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે દરઘટાડામાં સારા શૅરો લેવાનું ચૂકવું નહીં. કડાકામાં વધુ શૅરો લઈ લેવા, પરંતુ સિલેક્ટિવલી. મોટા ભાગે ઇન્ડેક્સમાં સામેલ હોય એવા જ શૅરો જમા કરવા. સટ્ટાથી સચેત રહેવું. ગ્લોબલ અનિશ્ચિતતાનું પરિબળ ધ્યાનમાં રાખવું. ક્રૂડના ભાવ અને કરન્સીની વધ-ઘટ પર પણ નજર રાખવી. અલબત્ત, બજારમાં સીધા રોકાણનું જોખમ લેવા ન માગતા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ ઉત્તમ છે અને રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK