ક્રૂડ અને કર્ણાટકના પ્રશ્નાર્થ વચ્ચે શૅરબજાર ૨૯૩ પૉઇન્ટ ઊંચકાયું

ICICI બૅન્કમાં પરિણામ પહેલાં મજબૂત વલણ : રુચિ સોયામાં સાડાત્રણ કરોડ શૅરનાં તગડાં કામકાજ જોવા મળ્યાં : મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ છેવટે ઉપલી સર્કિટમાં બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સટ્ટાબજારના બુકીઓ માને છે કે કર્ણાટકમાં BJP એની સ્થિતિ મજબૂત કરશે, પણ એકલા હાથે સત્તા મેળવી શકે એમ લાગતું નથી. તો નાઇમૅક્સ ક્રૂડ ૭૦ ડૉલરના મહત્વના લેવલને સર કરી ગયું છે એટલે બની શકે છે. ડૉલર સામે રૂપિયો વધુ અડધા ટકા જેવી નબળાઈમાં ૬૭.૧૮ દેખાયો છે એટલે ૬૮નું લેવલ ક્યારે થશે એ જોવું રહ્યું. જોકે આ માટે બહુ રાહ નહીં જોવી પડે એ નક્કી છે. આ બધી પળોજણ વચ્ચે પણ શૅરબજાર ગઈ કાલે ૨૯૩ પૉઇન્ટ જેવી આગેકૂચમાં ૩૫,૨૦૮ તથા નિફ્ટી ૯૭ પૉઇન્ટ ઊંચકાઈને ૧૦,૭૧૫ બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૪ તો નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર પ્લસ હતા. ગેઇલ સવાચાર ટકાની તેજીમાં નિફ્ટી ખાતે અને મહિન્દ્ર પોણાચાર ટકાના જમ્પમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતા. લુપિન, ડૉ. રેડ્ડીઝ લૅબ તથા TCS દોઢથી અઢી ટકાની રૅન્જમાં ઘટીને ટૉપ લુઝર બન્યા હતા. રોકડું પ્રમાણમાં ઓછું સુધર્યું છે. માર્કેટ-બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ જોવાઈ છે. માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૭૪ રૂપિયા થઈ અંતે ૧.૯ ટકાની મજબૂતીમાં ૯૭૨ રૂપિયા નજીક બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૫૯ પૉઇન્ટનો લાભ થયો છે. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની આગેકૂચમાં દોઢ ટકાથી વધુ પ્લસ હતો. કર્ણાટકની ચૂંટણીના પ્રેશરને લઈ ૧૩ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી, પણ સરકારી રિફાઇનરી શૅર ગઈ કાલે વધીને બંધ હતા.

રુચિ સોયામાં પતંજલિનો પાવર જોવા મળ્યો

રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝમાં પતંજલિ દ્વારા ૪૫૦૦-૫૦૦૦ કરોડ રૂપિયાની હાઈએસ્ટ બિડ કરાઈ હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬ રૂપિયા વટાવી અંતે સાત ટકાની મજબૂતીમાં સાડાચૌદ રૂપિયા નજીક બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૩૫૫ લાખ શૅરના કામકાજ થયા હતા. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. કંપની ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આસપાસનું દેવું ધરાવે છે. નાદારીની કોર્ટ દ્વારા લેણદારો તરફથી કંપનીને ઑક્શનમાં લઈ જવાઈ છે. કંપની હસ્તગત કરવા માટે લગભગ બે ડઝન જેટલા દેશી-વિદેશી મુરતિયા મેદાનમાં છે. કંપનીમાં પ્રમોટર દિનેશ સહારા પરિવાર ૫૭.૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે એમાંથી ૫૫ ટકા જેટલા શૅર ગિરવી છે. ગઈ કાલે એડિબલ ઑઇલ સેગમેન્ટ ખાતે બાર શૅર વધ્યા હતા. પાંચ જાતો નરમ હતી. રુચિ સોયા વધેલા શૅરમાં મોખરે હતો. પુના દાલ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૩ રૂપિયા બંધ હતો. ગોકુલ ઍગ્રો અને ગોકુલ રેફોઇલ્સ સાડાત્રણ ટકા અપ હતા. અજન્ટા સોયા સવાત્રણ ટકા વધ્યો હતો.

ફાઇનોટેક્સ કેમિકલ્સ ટેકઓવરની શોધમાં

સ્પેશ્યલિટી કેમિકલ્સ સેક્ટરની ફાઇનોટેક્સ કેમિકલ્સ દ્વારા આશરે ૧૮૦-૨૦૦ કરોડ રૂપિયાના રોકાણથી દેશ-વિદેશમાં કોઈ કંપની હસ્તગત કરવાની યોજના વિચારાધીન હોવાની જાહેરાત કરાઈ છે. એની પાછળ શૅર ગઈ કાલે બે ગણા કામકાજમાં ઉપરમાં ૮૦.૬૦ રૂપિયા થઈ છેલ્લે પાંચ ટકાના જમ્પમાં ૮૦ રૂપિયા નજીક બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. NSE ખાતે ૧૮ લાખ શૅરનું વૉલ્યુમ હતું. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૨.૪ ટકા છે. આ કંપનીમાં એક સમયે નવેક ટકાના હોલ્ડિંગ સાથે બિગ-બી એટલે કે અમિતાબ બચ્ચન નૉન-પ્રમોટર્સ હોલ્ડર્સની યાદીમાં મોખરે હતા. દરમ્યાન ગઈ કાલે સ્પેશ્યલિટી કેમિકલ્સ સેગમેન્ટમાં કૅપલિન ફાઇન ૧૦ ટકા, ડાઇકાફિલ સાડાપાંચ ટકા, ઓમકાર સ્પે. કેમિકલ્સ પોણાપાંચ ટકા, મેઘમણિ ઑર્ગેનિકસ ત્રણ ટકા, નોસિલ અઢી ટકા અપ હતા. ઉદ્યોગની ૨૯ જાતો વધી હતી, ૩૨ શૅર નરમ હતા.

PC જ્વેલર્સમાં વહેલી બોર્ડ-મીટિંગ

થોડા દિવસ પૂર્વે રોજેરોજ નવા નીચા તળિયે જઈ રહેલા PC જ્વેલર્સમાં ૨૫ મેએ ત્રિમાસિક પરિણામ માટેની બોર્ડ-મીટિંગમાં શૅરના બાયબૅકનો મુદ્દો સામેલ કરવાની જાહેરાત થઈ હતી. ભાવ જોકે ત્યાર પછી પણ તૂટતો રહી ગુરુવારે ઇન્ટ્રા-ડેમાં ૯૫ રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ત્યાર પછીના ૨૪ કલાકમાં જ જોરદાર ઉછાળામાં શૅર ૧૭૪ રૂપિયા ઉપર શુક્રવારે બંધ આવ્યો હતો. અસાધારણ ઉછાળાની ચાલ જાળવી રાખતાં ગઈ કાલે ભાવ ૧૯૨ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૪૪ રૂપિયા બતાવી છેલ્લે ૩૮ ટકાની તેજીમાં ૨૪૧ રૂપિયા બંધ રહ્યો છે. કંપની દ્વારા બાયબૅક માટેની બોર્ડ-મીટિંગ પ્રી-પોન્ડ કરાઈ છે. હવે ૨૫ મેને બદલે ૧૦ મેએ બાયબૅક બાબતે નિર્ણય લેવામાં આવશે. પરિણામ તો ૨૫ મેએ જ આવશે. આના પગલે ગઈ કાલે બન્ને બજાર ખાતે કુલ મળીને ૨૦૮૮ લાખ શૅરનાં જંગી કામકાજ થયાં હતાં. મજાની વાત અહીં એ છે કે શૅર એક જ મહિનામાં ૨૧૦ રૂપિયા પરથી ગગડતો-ગગડતો ૯૫ રૂપિયા થઈ જાય અને ત્યાંથી જોતજોતાંમાં કામકાજના માંડ ૬૦ કલાકમાં ૨૪૪ રૂપિયા બોલાય એમાં સેબી અને શૅરબજારના સાહેબોને કશું અજુગતું કેમ લાગતું નથી? બાયબૅક માટેની બોર્ડ-મીટિંગ પ્રી-પોન્ડ કરવાનો નિર્ણય કંપનીએ કેમ લેવો પડ્યો? શૅરના ભાવમાં આસમાની ઉછાળા માટે કયાં કારણ ભાગ ભજવી ગયાં? આ બધાની તપાસ કોણ કરશે?

અન્ય જ્વેલરી શૅર તારા જ્વેલ્સનો ભાવ ગુરુવારે ૭ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયા પછી ઉપલી સર્કિટના સિલસિલામાં ગઈ કાલે ૧૦ ટકા વધી ૯ રૂપિયાની ઉપર બંધ હતો. BSE ખાતે ૬૭૦૦ શૅરનું વૉલ્યુમ હતું અને ૬૬,૦૦૦ શૅરના બાયર લાઇનમાં હતા. TBZ ગઈ કાલે પાંખા કામકાજમાં બે ટકા, લિપ્સા જેમ્સ સવાબે ટકા, ઝોડિઍક JRD ૧૦ ટકા ડાઉન હતા. આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ એકધારી નીચલી સર્કિટના સિલસિલામાં શુક્રવારે પોણાત્રણ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયા બાદ બાઉન્સ-બૅકમાં ત્રણ રૂપિયા બંધ આવ્યો હતો. ગઈ કાલે પણ એ પાંચ ટકાની ઉપલી સર્કિટે સવાત્રણ રૂપિયા નજીક રહ્યો છે. ૪૨ લાખ શૅરના બાયર લાઇનમાં હતા. થંગમયિલ જ્વેલરી ૩૦૦ શૅરના વૉલ્યુમમાં સાડાત્રણ ટકા વધી ૫૫૫ રૂપિયા આસપાસ બંધ હતો.

વૉકહાર્ટ ખોટ વધતાં ભાવ તૂટ્યો

વૉકહાર્ટ દ્વારા શુક્રવારે બજાર બંધ થયા પછી જાહેર થયેલા પરિણામ પ્રમાણે કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૧૫૪ કરોડ રૂપિયા જેવી ચોખ્ખી ખોટ કરી છે. વાર્ષિક ધોરણે ખોટ ૧૯૫ કરોડ રૂપિયાથી વધીને ૬૦૮ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એની અસરમાં શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં નીચામાં ૭૧૭ રૂપિયા થઈ અંતે આઠેક ટકાની ખરાબીમાં ૭૪૦ રૂપિયા બંધ આવ્યો છે. બાસ્ફ ઇન્ડિયાએ માર્ચ ક્વૉર્ટરમાં ૫૩ ટકાના વૃદ્ધિદરથી ૬૬ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે, પરંતુ ગ્રોસ લેવલે નફો ૧૮ ટકા ઘટ્યો છે. ઑપરેટિંગ પ્રોફિટ-માર્જિન પણ સવાબે ટકાના ઘટાડામાં ૭.૪ ટકા નોંધાયું છે. મતલબ કે નેટ પ્રૉફિટનો વધારો અન્ય આવકને આભારી છે. શૅર સવાત્રણ ગણા કામકાજમાં ૨૧૬૮ રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૨૦૩૭ રૂપિયા થઈ અંતે ૩.૭ ટકાની નરમાઈમાં ૨૦૮૮ રૂપિયા બંધ હતો. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ દ્વારા અગાઉનો ૩૪ કરોડ રૂપિયાની સામે આ વખતે ૪૧૮ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. શૅર નીચામાં ૩૩૨ રૂપિયા થઈ બાઉન્સ-બૅકમાં જોકે અડધો ટકો વધીને ૩૪૯ રૂપિયા બંધ રહ્યો છે. દીપક નાઇટ્રેટ નબળા રીઝલ્ટ પાછળ ૨૩૫ રૂપિયા થયા બાદ છેલ્લે બે ટકાના ઘટાડામાં ૨૫૨ રૂપિયા હતો. ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ દ્વારા ૩૭૭૭ કરોડ રૂપિયાની આવક અને ૧૮૬ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટની એકંદર ધારણા સામે માર્ચ ક્વૉર્ટરમાં ૩૮૧૦ કરોડ રૂપિયાની આવક પર ૧૬૭ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ થતાં શૅર ગઈ કાલે નીચામાં ૧૪૩૩ રૂપિયા થઈ અંતે પોણાબે ટકાની પીછેહઠમાં ૧૪૬૩ રૂપિયા બંધ હતો.

ICICI બૅન્ક પરિણામ પહેલાં મજબૂત

ICICI બૅન્કનાં પરિણામો બજાર બંધ થયાં પછી આવવાનાં હતાં. શૅર ગઈ કાલે આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૨૯૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેલ્લે ૨.૩ ટકા વધીને ૨૮૯ રૂપિયા બંધ રહ્યો છે. બજારની એકંદર ધારણા નેટ પ્રૉફિટમાં ૫૦ ટકાથી વધુના ઘટાડા સાથે NPAમાં વધારો થવાની રખાતી હતી. દરમ્યાન ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૨૦૬ પૉઇન્ટ કે પોણા ટકાથી વધુ અપ હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી એક ટકા કરતાં ઓછો વધ્યો હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના પ્રત્યાઘાતી સુધારામાં બે ટકા ઊંચકાયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧માંથી ૩૦ જાતો પ્લસ હતી. ઇન્ડિયન બૅન્ક સાડાત્રણ ટકા પ્લસની તેજીમાં અત્રે મોખરે હતો. બંધન બૅન્ક બે ટકા જેવી નરમાઈમાં ટૉપ લુઝર બન્યો છે. ઍક્સિસ બૅન્ક ત્રણેક ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક સવા ટકો, યસ બૅન્ક અડધો ટકો, ICICI બૅન્ક સવાબે ટકા જેવો વધીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૧૦૦ પૉઇન્ટનો લાભ થયો. HDFC બૅન્ક અડધા ટકાની નબળાઈમાં ૧૯૭૭ રૂપિયા બંધ હતો HDFC બે રૂપિયાના નામ કે વાસ્તે સુધારામાં ૧૯૧૪ રૂપિયા હતો. બાય ધ વે, બૅન્કેક્સ ૧૦માંથી નવ શૅરના સુધારામાં ૩૨૧ પૉઇન્ટ કે ૧.૧ ટકા પ્લસ જોવા મળ્યો છે.

હેવીવેઇટ્સ ITC દોઢ ટકો વધીને ૨૮૨ રૂપિયા તથા હિન્દુસ્તાન યુનિલીવર આઠ ગણા કામકાજમાં બે ટકાની નજીક વધ્યા છે. મૅક્ડોનલ્ડ્સ ફેમ વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટમાં બોર્ડ- મીટિંગ ૧૧ મેએ છે. ભાવ ગઈ કાલે છ ગણા કામકાજમાં ૪૨૫ રૂપિયા નજીક જઈ અંતે સવાનવ ટકાના જમ્પમાં ૪૨૦ રૂપિયા પ્લસ બંધ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK